તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજરાતના નાનાં આઠ શહેરોને આજે TOP FMની ભેટ

મોટી કંપનીઓને ગામડાંમાં પહોંચવા માટે પણ ટૉપ એફએમ એક સરળ માધ્યમ બની રહેશે.

0 502

અમદાવાદ: ગુજરાતના નાનાં આઠ શહેરોને આજે TOP FMની ભેટ મળવા જઇ રહી છે. આ શહેરોમાં પ્રથમ વાર એફએમ રેડિયો સ્ટેશન ‘ટૉપ એફએમ’નો પ્રારંભ થઇ રહ્યો છે. આ સાથે જમ્મુ-કાશ્મીરનાં પાંચ શહેરોમાં પણ ‘ટૉપ એફએમ’ રેડિયો સ્ટેશનની શરૂઆત થશે. આજ રોજ સાંજે વાયએમસીએ ક્લબ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આ ૧૩ રેડિયો સ્ટેશનનો શુભારંભ થશે.

‘સમભાવ મીડિયા લિમિટેડ’ દ્વારા TOP FM રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યાં છે. એકસાથે આટલા મોટા પાયે એફએમ સ્ટેશન શરૂ થયાની આ પહેલી ઘટના બનશે. ગુજરાત માટે આ ઘટના અનેક રીતે ઐતિહાસિક છે. મજાની વાત એ છે કે આ રેડિયો સ્ટેશન એવાં શહેરોમાં શરૂ થવા જઈ રહ્યાં છે, જ્યાં દૂર-દૂર સુધી એફએમ રેડિયોનું કોઈ નામોનિશાન નથી.

હા.. રેડિયો સ્ટેશનનું નામ પણ મજાનું છે… ‘ટૉપ એફએમ’ અને તેની ટેગલાઈન છે ‘જબ સૂનો ટૉપ સૂનો’! આ એફએમ રેડિયો સ્ટેશન ૪ ઓગસ્ટથી તબક્કાવાર જૂનાગઢ (૯૧.૯), જામનગર (૯૧.૯), ભાવનગર (૯૩.૧), ગોધરા (૯૩.૧), વેરાવળ (૯૩.૫), પોરબંદર (૯૩.૫), ભરૂચ (૧૦૫.૨), મહેસાણા (૯૨.૭), લેહ (૯૧.૧), કારગિલ (૯૧.૧), કઠુઆ (૯૧.૧), પુંચ (૯૪.૩) અને ભદેરવાહ (૯૪.૩)માં અહીં જણાવેલી ફ્રીક્વન્સી પર સાંભળવા મળશે.

ટૉપ એફએમના પ્રોગ્રામિંગ હેડ જિજ્ઞેશ વસાવડા આ તમામ સ્ટેશનની વિશેષતા સમજાવતાં કહે છે, હું એવા અનેક પ્રસંગોનો સાક્ષી રહ્યો છું, જેમાં એફએમ રેડિયો માહિતી પ્રસારણનું સૌપ્રથમ માધ્યમ રહ્યો હોય. અગાઉ અમદાવાદમાં પૂર, અતિવૃષ્ટિ, બોમ્બ બ્લાસ્ટ, હુલ્લડ વગેરે દુર્ઘટનાઓ વખતે જિલ્લા કલેક્ટર સહિતનું વહીવટીતંત્ર સૌપ્રથમ રેડિયો પર આ મામલે ચેતવણી જાહેર કરતું.

એવી પણ કેટલીક ઘટનાઓ છે, જેમાં ખુદ મુખ્યપ્રધાન કે મુખ્ય સચિવે પ્રજાજોગ સંદેશો રેડિયો પર વહેતો મૂક્યો હોય. આ કામ અન્ય માધ્યમો કરી શકતાં નથી. પ્રાઇવેટ એફએમ રેડિયો સ્ટેશનની આ સૌથી મોટી વિશેષતા છે. મજાની વાત એ છે કે સરકારી રેડિયો સ્ટેશનની જેમ ખાનગી એફએમ રેડિયો પર કોઈ બંધન નથી. બંને માહિતી પ્રસારણ અને મનોરંજનનું જ કામ કરે છે છતાં બંનેમાં જમીન આસમાનનો ફરક છે.

અમે રેડિયોનો ઉપયોગ મનોરંજનની સાથે લોક-સુખાકારી માટે કરવા માગીએ છીએ. ટૉપ એફએમના સ્ટેશન પર એ દરેક વસ્તુ મળશે, જે સ્થાનિકો ઇચ્છી રહ્યા છે. કદાચ એટલે જ સ્થાનિક કલેક્ટર, ધારાસભ્યો, સાંસદો, ગાયકો, અભિનેતાઓ, સ્ટેજ પ્રોગ્રામરો, રમતવીરો સૌ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

Related Posts
1 of 319

‘ટૉપ એફએમની સૌથી મોટી ખાસિયત એ રહેશે કે તેની ઓફિસ જે તે શહેરમાં જ હશે. તેના રેડિયો જોકી સહિતનો સ્ટાફ જે તે શહેરમાં મોજૂદ હશે એટલે સ્થાનિકોને થતી દરેક લાગણીઓ ટૉપ એફએમ પણ અનુભવશે એ હદે અમે લોકલ હોઈશું અને એ રીતે લોકો સાથે વધુ નજીકથી જાડાયેલા રહીશું.

મહત્વની માહિતીના આદાન-પ્રદાનની સાથે આપણે સ્થાનિકોને ગમતું, સુમધુર સંગીત પીરસીશું. સામાન્ય રીતે દરેક શહેરની પોતાની ભાષા-તાસીર હોય છે, જેને ધ્યાનમાં રાખીને અમે યુનિક પ્રકારનું હ્યુમર પણ આપીશું. હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી બેઠી થઈ રહી છે.

સુંદર ગીતો લખાતાં થયાં છે ત્યારે ટૉપ એફએમ પર લોકલ ગુજરાતી ગીતો વગાડીશું, જે સામાન્ય રીતે અન્ય એફએમ રેડિયો વગાડતાં નથી. સરકારી રેડિયો સ્ટેશનો પર દિવસ દરમિયાન વચ્ચે બ્રેક આવતો હોય છે જ્યારે આપણે ૨૪ કલાક સ્થાનિકોને ગમતી વાતો-ગમતાં ગીતોનું નોનસ્ટોપ મનોરંજન આપીશું.

‘અમે જાણી જોઈને મોટાં શહેરો પસંદ નથી કર્યાં, કારણ કે સાચું ગુજરાત આ નાનાં શહેરોમાં વસે છે એવું અમે માનીએ છીએ. વળી, સાચા રેડિયો સાંભળનારા આવાં નાનાં શહેરો અને તેની આસપાસનાં ગામડાંમાં વસે છે. રેડિયો માટે આ સંપૂર્ણ વર્જિન માર્કેટ છે.

મોટાં શહેરોમાં ઓલરેડી પાંચ જેટલાં એફએમ સ્ટેશન હોય છે, જ્યાં વધુ એક ઉમેરાય તો કોઈ ફરક પડતો નથી. જ્યારે અહીં એક પણ એફએમ સ્ટેશન ન હોઈ અસર ઊભી કરવાના ચાન્સ વધુ રહે છે. વડાપ્રધાનનો ‘મન કી બાત’ કાર્યક્રમ રેડિયોની સફળતાનો સાક્ષી છે. મોટી કંપનીઓને ગામડાંમાં પહોંચવા માટે પણ ટૉપ એફએમ એક સરળ માધ્યમ બની રહેશે. ટૂંકમાં ટૉપ એફએમ સ્થાનિકોનો અવાજ બની રહેશે.

————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »