તમારા માટે, તમારી સાથે, સતત…

યુજીસીનો મોક્ષ શિક્ષણનું સ્તર સુધારશે?

નકલી યુનિ. સામે કાર્યવાહીનો યુજીસી પાસે અધિકાર જ નથી

0 220

ઘટનાચક્ર – – હિંમત કાતરિયા

નકલી યુનિવર્સિટીઓને અદબવાળી જોયા કરતા અને માત્ર યુનિવર્સિટીઓને ગ્રાન્ટ ફાળવવામાં વ્યસ્ત રહેતા, શિક્ષણના સ્તર વિશે નચિંત એવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અર્થાત્ કે યુજીસીને સરકારે રદ્દ કર્યું છે. ત્યારે નવા એચઈસીઆઈ અર્થાત્ કે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાના ભાગે ઘણા પડકારો આવશે.

યુજીસી અર્થાત્ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દેશની યુનિવર્સિટીઓને અનુદાન પ્રદાન કરતું રહે છે. ભારતમાં હાયર એજ્યુકેશનની ભલામણ વાઇસરોય લૉર્ડ મેકોલેએ ૧૯મી સદીમાં કરી હતી. ત્યાર બાદ ૨૦મી સદીમાં ૧૯૨૫માં ઇંટર યુનિવર્સિટી બોર્ડની સ્થાપના કરવામાં આવી જેનું બાદમાં નામ એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ પડ્યું. આ સંસ્થા હેઠળ બધી યુનિવર્સિટીઓ વચ્ચે શૈક્ષણિક, સાંસ્કૃતિક બાબતોનું આદાન-પ્રદાન થતું હતું. આઝાદી બાદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં યુનિવર્સિટી એજ્યુકેશન કમિશનનો પાયો નંખાયો.

Related Posts
1 of 319

આ સંસ્થા હેઠળ દેશમાં શિક્ષણની જરૃરિયાત અને તેમાં સુધારાનું કામ કરવામાં આવતું હતું. આ સંસ્થાએ ભલામણ કરી કે યુનિવર્સિટીઝ ગ્રાન્ટ કમિશન ફરીથી બનાવવામાં આવે. તેમાં એક અધ્યક્ષની સાથે દેશના મોટા શિક્ષણવિદ્દોને આ સમિતિમાં જોડવાની ભલામણ કરાઈ. ૧૯૫૩માં તત્કાલીન શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદે યુજીસીની રચના કરી. સંસદમાં એક બીલ પસાર કરીને કમિશનને સરકારને આધીન લાવવવામાં આવ્યું. ત્યાર બાદ યુજીસીએ અનેક સ્થળે પોતાનાં કાર્યાલયો ખોલ્યાં. યુજીસી નેશનલ ક્વૉલિફિકેટશન એક્ઝામનું પણ આયોજન કરે છે જેમાં પાસ થવાના આધારે યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવે છે.

૨૦૦૯માં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે એક યોજના રજૂ કરી હતી જેમાં યુજીસી અને એઆઇટીસી(ઓલ ઇન્ડિયા ટૅક્નિકલ કાઉન્સિલ)ને બંધ કરીને તેના સ્થાને વધુ સબળ સંસ્થા બનાવવાની વાત કરવામાં આવી હતી. ભારતમાં શિક્ષણ સંસ્થાઓની ગુણવત્તાને લઈને હંમેશના ચિંતન-મનન થતું રહે છે. તેમાં યુજીસીની ધ્યેય પ્રાપ્તિમાં નિષ્ફળતાને લઈને પણ સવાલો કરવામાં આવ્યા છે. ઘણી સમિતિઓએ એવો નિષ્કર્ષ તારવ્યો છે કે યુજીસી શિક્ષણના કામમાં અંતરાયો ઊભા કરવાનું કામ કરે છે. હાયર એજ્યુકેશનની આડેના અવરોધો હટાવવા માટે પ્રોફેસર યશપાલ કમિટી, નેશનલ નોલેજ કમિશન અને હરિ ગૌતમ કમિટીએ યુજીસીને ખતમ કરીને સિંગલ એજ્યુકેશન રેગ્યુલેટર બનાવવાની ભલામણ કરી હતી. શિક્ષણવિદ્દોનું માનવું છે કે યુજીસી માત્ર ગ્રાન્ટ ફાળવવાના કામમાં જ અટવાયેલું રહે છે.

સંસ્થાઓનું મેન્ટરિંગ, રિચર્સ પર ફોકસ અને ગુણવત્તાનાં ધોરણો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. શૈક્ષણિક બાબતો અંગે વિચારવામાં જ નથી આવતું. યુજીસી પ્રતિવર્ષ નકલી યુનિવર્સિટીઓની યાદી તો બહાર પાડે છે, પરંતુ તેમની વિરુદ્ધ કાર્યવાહીનો તેમની પાસે અધિકાર જ નથી. જે સંસ્થા નકલી યુનિવર્સિટીઓને છૂટ આપે અને માત્ર વિદ્યાર્થીઓને જ સાવધાન કરે એવી સંસ્થા શું કામની. હવે સરકારે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મોટું પગલું ભરતા યુજીસીને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. ઉચ્ચતર શિક્ષણ સંસ્થાઓના નિયમન માટે હવે એચઈસીઆઈ અર્થાત્ કે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બનાવવામાં આવશે. એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે નવા એક્ટનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે.

નવી સંસ્થાને બેવડા ધોરણવાળી અને નકલી શિક્ષણ સંસ્થાઓ બંધ કરાવવાની સત્તા પણ મળશે. તેનો આદેશ નહીં માનતી સંસ્થાઓના સંચાલકોને ત્રણ વર્ષ સુધીની જેલની પણ થઈ શકશે. નાણા ફાળવવાની બેફામ સત્તાને પણ અંકુશમાં લેવામાં આવી છે. હવે આર્થિક અનુદાનનો અધિકાર મંત્રાલયને હસ્તક રહેશે. નવી સંસ્થા શિક્ષણ, મૂલ્યાંકન, સંશોધન સાથે જોડાયેલા પાસાઓના ધોરણ તૈયાર કરશે. ફેકલ્ટીના પ્રદર્શન અનુસાર ઇન્સેન્ટિવ, ફી અને એડમિશનનું મૂલ્યાંકન કરશે. દર વર્ષે ઉચ્ચતર શિક્ષણ સંસ્થાઓના પરફોર્મન્સનું મૂલ્યાંકન કરશે. તેને શૈક્ષણિક ગુણવત્તાનો અમલ કરાવવાના પાવર આપવામાં આવશે. એચઆરડી મંત્રાલયે ૯ જુલાઈ સુધી લોકો પાસેથી ડ્રાફ્ટ સંબંધિત ટીકાઓ અને મંતવ્યો માંગ્યા છે. હવે, શિક્ષણવિદ્દો ડ્રાફ્ટ પર ખૂલીને મત આપે અને ચર્ચા કરે તે જરૃરી છે. આ પગલું સારું છે, પણ બહુ ચિંતન-મનન માંગી લે તેવું છે. કોઈ પણ બદલાવ માટે ગંભીર ચર્ચા જરૃરી છે. શિક્ષણને સસ્તું કેવી રીતે બનાવવું તેના ઉપાયો પણ શોધવા પડશે.
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »