તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકારણનો અખાડો બની રહેલી કચ્છ યુનિવર્સિટી

પ્રાધ્યાપક અને કુલપતિએ વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળી નહીં

0 165

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છ યુનિવર્સિટી ધીરે-ધીરે રાજકારણનો અખાડો બની રહી હોવાની છાપ ઉપસી રહી છે. સેનેટની ચૂંટણી માટેની મતદાર યાદીમાંથી ખોટી રીતે નામો કમી કરાયાનો આક્ષેપ પછી એબીવીપીના કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રોફેસરનું મોં કાળું કરીને તેમને યુનિવર્સિટી કેમ્પસમાં ફેરવ્યા હતા. જવાબદાર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ થયા બાદ મતદાર યાદીમાં કોઈ ફેરફાર નહીં કરવાનો અને ચૂંટણી કાર્યક્રમ યથાવત્ રાખવાનો નિર્ણય પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોએ કર્યો છે.

સામાન્ય રીતે કૉલેજોની ચૂંટણી સ્થાનિક રાજકારણથી પ્રભાવિત હોય જ છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો હોઈ શકે, તેઓ તે અંગે રજૂઆત પણ કરી શકે, પ્રાધ્યાપકો કે કુલપતિએ તેમના પ્રશ્નો ઉકેલવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ, પરંતુ તે માટે રજૂઆતની રીત યોગ્ય હોવી જોઈએ.

કચ્છની આ ઘટનામાં વિદ્યાર્થી વર્તુળોમાં ચર્ચાતી વાત મુજબ વાંક બંને પક્ષોનો છે, ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રાધ્યાપક અને કુલપતિએ વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળી નહીં અને તેના પરિણામે વિદ્યાર્થીઓના રોષે માઝા મુકી અને સર્જાયું કચ્છના શિક્ષણ જગતનું એક કલંકિત પ્રકરણ. આ વાત સાચી હોય કે ન હોય, પરંતુ વિદ્યાર્થીઓ મર્યાદા ચૂક્યા, ગુરુના પદને લાંછન લગાડીને એક ગુનાહિત પગલું ભર્યું છે. કચ્છ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી ૨૨ જુલાઈના યોજાવાની છે. તે માટે મતદાર યાદી તૈયાર કરવા માટેની પ્રક્રિયા  જુલાઈ ૨૦૧૭માં શરૃ કરાઈ હતી. નવેમ્બર -૧૭માં માન્ય-અમાન્ય મતદારો સાથેની યાદી પ્રસિદ્ધ કરીને વાંધા-સૂચનો મગાવાયા હતાં. જે-તે સમયની સમિતિએ ૨૨-૦૨-૧૮ના સુધારા-વધારા સાથેની મતદાર યાદી યુનિ.ના સત્તાવાળાઓને સુપરત કરી હતી. જોકે ત્યાર પછી તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલી અંતિમ મતદાર યાદીમાં અનેક નામો કમી થઈ ગયા હતા. જેમાં એબીવીપીના ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓનાં નામો પણ હતાં. આ અંગે છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરીને રજૂઆતો કરાઈ રહી હતી, પરંતુ તે બાબતે યોગ્ય ન થતાં ચૂંટણી અધિકારી એવા રસાયણ શાસ્ત્ર ભવનના વડા પ્રો. ગિરીન બક્ષીનું મોં કાળું કરવાની ઘટના ઘટી હતી.

યુનિવર્સિટીનાં વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, જે વિદ્યાર્થીઓ સામે આ ગુનાહિત કામ કર્યાની ફરિયાદ છે તેઓએ વિદ્યાર્થીઓ લક્ષી અમુક સારા કામો પણ કર્યા છે. તેમની રજૂઆતો પ્રત્યે યુનિવર્સિટીએ ધ્યાન આપ્યું ન હતું. મતદાર યાદીમાંથી નામો તો કમી થયા જ છે. તેનાં કારણોમાં ફોર્મ ભરવામાં ક્ષતિ હોવાનું જણાવાયું છે, પરંતુ ફોર્મ ભર્યા બાદ બે વખત ચકાસણી થઈ હતી. તે વખતે કોઈ ભૂલો સામે આવી ન હતી. પાછળથી ભૂલો હોવાનું જાહેર કરાયું હતું. વિદ્યાર્થીઓની રજૂઆત કદાચ માનીએ કે સાચી હશે, તો પણ તેઓ પ્રમાણભાન ભૂલ્યા હતા. તેથી આખો ઘટનાક્રમ સર્જાયો હતો. વિદ્યાર્થીઓ પાસે રંગના ડબલામાં જે પ્રવાહી હતું તે ક્યાંથી આવ્યું હતું?, કોણે પૂરું પાડ્યું હતું?, વગેરે પ્રશ્નો અંગે તપાસ કરીને આખી ઘટના પાછળ ક્યું મોટું માથું છે? તેની તપાસ થાય તે જરૃરી છે.

કોઈ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકોને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવવાની હોતી નથી, પરંતુ કચ્છ યુનિવર્સિટીમાં ૧૦ વર્ષ પછી પણ બિનશૈક્ષણિક કર્મચારીની સંખ્યા માત્ર ચાર જ છે. બાકીના બિનઅનુભવી અને એડહોક કર્મચારીઓ છે. તેથી પ્રાધ્યાપકોને આ કામગીરીમાં જોતરવામાં આવે છે. કાયમી બિનશૈક્ષણિક કર્મચારીના વિકલ્પે બીજી યુનિવર્સિટીમાંથી અનુભવી કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા માટે બે માસ માટે ડેપ્યુટેશન પર બોલાવી શકાય, પરંતુ કચ્છ યુનિવર્સિટીમાં આવું કરવામાં આવ્યું ન હતું.

Related Posts
1 of 142

કચ્છ યુનિવર્સિટીના ઇતિહાસમાં આવી ગંભીર ઘટના ભલે પ્રથમ વખત બની હોય, પરંતુ સેનેટની ચૂંટણી વખતે રાજકારણના દર્શન તો વખતોવખત થતાં હતાં. શશીરંજન યાદવ કુલપતિ હતા (૨૦૦૯-૨૦૧૨)ત્યારે ચૂંટણી વખતે કોંગ્રેસ પ્રેરિત કાર્યકરોએ આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર પછી પણ ડૉ. તુષાર હાથી જ્યારે કાર્યકારી કુલપતિ પદે હતા ત્યારે પણ સિન્ડિકેટની ચૂંટણી વખતે રાજકીય પક્ષોએ વાતાવરણ તંગ કર્યું હતું.

હાલમાં થયેલા શાહીકાંડનો ભોગ બનનારા પ્રો.ગિરીન બક્ષીએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘બપોરના ૧૨ વાગે એબીવીપીના કાર્યકર્તાઓ આક્રમક તેવરમાં આવ્યા હતા. તેઓ મને ક્લાસરૃમની બહાર ખેંચીને રજિસ્ટ્રાર ઑફિસમાં લઈ ગયા હતા. આ દરમિયાન મારા ચહેરા પર દુર્ગંધ મારતો કાળો પદાર્થ લગાવી દીધો હતો. તેમ જ રજિસ્ટ્રાર ડૉ. તેજસને પણ કાલે રજામાં ઊતરી જજો નહીં તો તમારો વારો છે, તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ કુલપતિને પણ જોઈ લેશું તેવી ધમકી આપી હતી. હું દોડીને વી.સી.ની ઑફિસમાં જઈને આ અંગે વાત કરતો હતો ત્યારે ટોળું ત્યાં ધસી આવ્યું હતું. વી.સી.એ તેમને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાંએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. તે દરમિયાન અન્ય સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને મને લગાડેલા કાળા પદાર્થના કારણે ખંજવાળ શરૃ થતાં ૧૦૮ બોલાવીને સારવાર અર્થે જી.કે. જનરલ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો.’

આ અંગે કુલપતિ ડૉ. સી.બી. જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘મતદારયાદીમાંથી ખોટી રીતે નામ નીકળી ગયાની વાત ખોટી છે. પહેલી યાદી પછી આવેલી વાંધાઅરજીઓ જોઈને યાદીની ફેરતપાસણી કરાઈ હતી. તેમાં ભૂલ ભરેલા ફોર્મ હોવાથી નામો નીકળી ગયા છે. જે વિદ્યાર્થીઓ આ કાંડમાં સંડોવાયેલા છે તેમના પરનો આરોપ સાબિત થાય તો તેમનો પ્રવેશ રદ્દ કરવાનો ઠરાવ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે કર્યો છે. હવે પછી ભવિષ્યમાં આવા પ્રકારની ઘટના ન બને તે માટે તમામ વિદ્યાર્થીઓ તેમના આઈકાર્ડ પહેરીને જ કેમ્પસમાં ફરે તે ફરજિયાત કરાશે. અજાણ્યા શખ્સોની પૂછતાછ કરાશે.’ આ પ્રકરણમાં જેનું મોં કાળું કરાયું હતું તે પ્રો. ડૉ. બક્ષી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘યુનિવર્સિટી તરફથી મને જે ફરજ સોંપાઈ હતી તે ફોર્મની સ્ક્રુટિનીનું કામ મેં નિષ્ઠાપૂર્વક કર્યું છે. જે નામો રદ્દ થયા છે તે ખોટી રીતે થયા હોવાનો એબીવીપીને વહેમ હતો, પરંતુ તેમ હતું નહીં. વિદ્યાર્થીઓની રજૂઆત બાબત કમિટી સાંજના નિર્ણય લેવાની હતી, પરંતુ તે પહેલાં જ મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મતિભ્રષ્ટ વિદ્યાર્થીઓને ભગવાન સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના જ હું કરું છું.’

એબીવીપીના પ્રદેશ સહમંત્રી મનોજ ગઢવીના જણાવ્યા મુજબ, ‘સેનેટની ચૂંટણી માટે મતદારયાદીના ફોર્મ ભરવા માટે એક મહિનો આપવાનો હોય છે, પરંતુ ૧૫ દિવસ જ આપ્યા હતા. ઓછા દિવસો છતાં અમે ફોર્મ ભરાવ્યા હતા. આ માટેની પ્રથમ મતદાર યાદી ફેબ્રુઆરીમાં બહાર પડાઈ હતી, પરંતુ તે ઓનલાઇન કરાઈ ન હતી કે જાહેર પણ કરાઈ ન હતી. ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે કોંગ્રેસના મિત્રોએ આર.ટી.આઇ.થી ફોર્મ માગ્યા હતા. કાયદેસર રીતે બતાવી ન શકે છતાં ફોર્મ બતાવ્યા હતા.’ તેમણે એવો આક્ષેપ પણ કર્યો કે, ‘અમારા ફોર્મમાં છેડછાડ થઈ હતી અને તેના પરિણામે યાદીમાં ફેરફાર કરાયા હતા. આ યાદીમાંથી અમારા ૬૦ ટકા ફોર્મ રદ્દ થયા હતા. આ અંગે અમે રજૂઆત કરી હતી. અમને યોગ્ય જવાબ દેવાના બદલે વી.સી. અને ચૂંટણી અધિકારીએ વારંવાર ધક્કા ખવડાવ્યા હતા. છેલ્લી ઘટના બની ત્યારે પ્રો. બક્ષીએ દોઢ કલાક બેસાડી રાખ્યા હતા અને છતાં તેઓ આવ્યા ન હતા. અમારા કાર્યકર્તાઓ અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. તેમણે ઉદ્ધત જવાબો આપ્યા હતા. તેથી કાર્યકર્તાઓ ઉશ્કેરાયા હતા. તેમને રંગ લગાવ્યો હતો. આખી ઘટના ઉશ્કેરાટમાં બની છે. સભાનપણે આ ઘટનાને આકાર અપાયો ન હતો.

આ આખી ઘટના પછી વકીલની સલાહ લઈને સંગઠન નક્કી કરશે તો હાઈકોર્ટમાં રિટ કરાશે. ચૂંટણી સ્થગિત કરવાની માગ પણ કરાઈ છે. કાર્યકરો ઉશ્કેરાયા હતા તે સાચું પરંતુ યુનિવર્સિટીએ મતદાર યાદીમાંથી અમુકનાં જ નામો કાઢીને લોકશાહીની હત્યા કરી છે તેને પણ ધ્યાને લેવું જોઈએ.’

મતદારયાદીમાંથી મોટા પ્રમાણમાં નામો બાકાત થયા છે તે હકીકત છે. ભાજપ- કોંગ્રેસના નેતાઓ, વકીલો, તબીબો, માજી ઇ.સી. અને સેનેટ મેમ્બરો જેવા ચૂંટણી લડવા ઉત્સુક અનેક લોકોનાં નામો કમી થયા છે. બે હજારથી વધુ લોકોએ મતદાર યાદીમાં નામ સામેલ કરવા ફોર્મ ભર્યા હતા, પરંતુ માત્ર ૧૦૭૪ મતદારો જ માન્ય રહ્યા છે.

એબીવીપીના કાર્યકરોની રજૂઆત સાચી હોવા છતાં તે કરવાની રીત ખોટી હતી તેથી જ આખી ઘટનાના કારણે કચ્છ યુનિવર્સિટી ચર્ચાના ચગડોળે ચડી છે. આ કિસ્સામાં પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા છે, પરંતુ હજુ અમુક કાયદાની પકડથી દૂર છે. આ પકડાયેલા વિદ્યાર્થીઓની આગળની શૈક્ષણિક કારકિર્દી પર પ્રશ્નાર્થ લાગી ગયો છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »