તમારા માટે, તમારી સાથે, સતત…

સિવિક સેન્સનો અભાવ દૂર થતાં કેટલાં વર્ષ લાગશે?

સ્વચ્છતા માટેની આપણી ઝુંબેશ સફળ કેમ થતી નથી?

0 280

ઓપિનિયન  – તરુણ દત્તાણી

સ્વચ્છતા માટેની આપણી ઝુંબેશ સફળ કેમ થતી નથી? હાર્વર્ડનો અભ્યાસ એવું કહે છે કે આપણી ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય ગ્રંથિઓ કચરાના અસરકારક નિકાલની વ્યવસ્થામાં અવરોધ રૃપ બને છે. આવી ટીકા કદાચ આપણાથી સહન ન થાય, પણ કડવા સત્યનો સ્વીકાર કરવો જોઈએ. અન્યથા પુણ્યસલિલા ગંગા હોય કે આપણા નગર-શહેરની સ્થાનિક નદી કે તળાવ હોય, તેમાં ફૂલ, પૂજાપો સામાન કે મૂર્તિઓનું વિસર્જન કરતાં આપણે ખચકાટ અનુભવતા નથી, એ તો હકીકત જ છે. અર્ધ બળેલા મૃતદેહોને ગંગામાં વહેતા મૂકી દેવામાં કઈ ધાર્મિકતાનું પાલન થાય છે એ સમજવું મુશ્કેલ છે. સાવ સાદી વાત કરીએ તો કચરાના નિકાલ માટેની આપણી ખરાબ આદતો માટે આપણે કોઈ રંજ, અફસોસ કે ભૂલ કર્યાની લાગણી પણ અનુભવતા નથી. ખરાબ આદતો કાંઈ રાતોરાત નથી સુધરતી એ જેમ વ્યક્તિગત બાબતમાં સાચું છે તેમ સામાજિક પરિપ્રેક્ષ્યમાં પણ સાચું છે. આપણે એવા ચમત્કારની આશા ન રાખીએ તો પણ લાલ કિલ્લા પરથી સ્વચ્છતાના આહ્વાનને ચાર વર્ષ થઈ ગયા છે અને વડાપ્રધાને પરોક્ષ રીતે રાષ્ટ્રપિતાની આણ દઈને સ્વચ્છતાના આગ્રહની ટેવ પાડવા કહ્યું હતું.

Related Posts
1 of 262

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની દોઢસોમી જયંતીએ રાષ્ટ્ર એ પ્રકારે શ્રદ્ધાંજલિ આપે એવી અપેક્ષા ખોટી નથી. મોટા લોકોની આદત બદલવાનું કામ મુશ્કેલ હોય છે. બાળકો તો હવે સ્વચ્છતાની બાબતમાં વડીલો કરતાં વધુ સતર્ક થઈ ગયા છે અને એ હવે વડીલોને પણ સ્વચ્છતાની બાબતમાં ટોકે છે. એને સારી નિશાની ગણવી જોઈએ, પરંતુ ખતરનાક લક્ષણ એ છે કે સમાજમાં આજે પણ એવો એક વર્ગ છે કે જે જાહેરમાં રસ્તા પર, જાહેર સ્થળોએ રસ્તે ચાલતા જતાં અથવા પોતાની કારમાંથી કચરો ફેંકતા ભૂલનો અહેસાસ પણ નથી કરતા. કચરો ફેંકવાને જન્મસિદ્ધ અધિકાર માનીને ચાલનારાઓની પણ ખોટ નથી. એવા લોકો તેમની ભૂલ પ્રત્યે કોઈ ધ્યાન દોરે તો સોરી કહેવાને બદલે સામેની વ્યક્તિ પ્રત્યે ઉશ્કેરાય જાય છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ એક લક્ઝરી કારમાંથી કચરો બહાર ફેંકતા યુવકની તસવીર ટ્વિટર પર મુકીને ટિપ્પણી લખી ત્યારે પોતાને સેલિબ્રિટી સમજતા એ યુવકના પ્રતિભાવ પણ ‘ચોરી પર સીનાજોરી’ જેવા હતા. તેમણે ટ્વિટર પર વિરાટ-અનુષ્કા પર રોષ ઠાલવ્યો. એટલું પૂરતંુ ન હોય તેમ એ યુવકનાં માતુશ્રીએ પણ પોતાના યુવાન પુત્રના બચાવમાં ટ્વિટ કરીને વિરાટ-અનુષ્કાને યાદ અપાવ્યું કે તેઓ પણ અંતે તો એક સામાન્ય નાગરિક છે અને બીજાને ઉપદેશ આપવાનું કામ તેમનું નથી! આ આખો એપિસોડ સ્વચ્છતાની બાબતમાં આપણી સામાજિક મનોદશાની ચાડી ખાય છે. અંગ્રેજીમાં જેને સિવિક સેન્સ કહેવામાં આવે છે એ નાગરિક સમજનો સવાલ છે. એક જવાબદાર નાગરિક તરીકે વર્તવાનું શીખવા આપણે તૈયાર નથી.

સ્વચ્છતા એ એક એવી બાબત છે જેની શરૃઆત વ્યક્તિ અને પરિવારથી થાય છે અને સમાજ તેમજ દેશ સુધી વિસ્તરે છે. સફાઈનું કામ આપણુ નહીં – એવા ખયાલમાંથી જે ગ્રંથિઓએ આકાર લીધો છે એ ગ્રંથિઓ જલ્દી છૂટતી નથી. ગમે ત્યાં કચરો ફેંકવાનો આપણો અધિકાર, શહેરને અને શેરીઓને સ્વચ્છ રાખવાની જવાબદારી સ્થાનિક પાલિકા તંત્રની, સમજદાર નાગરિકની ભૂમિકા માટે આપણે માનસિક રીતે જ સજ્જ થતા નથી. એટલે જ તો શહેરમાં કચરાપેટીઓ મૂકવામાં આવી હોય તો પણ કચરો તેની બહાર પડે તે રીતે ફેંકવામાં આપણે કોઈ શરમનો અનુભવ કરતા નથી.

સ્વચ્છતા જળવાય એવી સુવિધા ઊભી કરવામાં આવે ત્યારે અપેક્ષા નાગરિકોના સહકારની હોય છે, પણ નાગરિકોની સમજ હંમેશાં સંદિગ્ધ રહે છે. ક્યારેક તો આપણો વ્યવહાર હમ નહીં સુધરેંગે પ્રકારનો હોય છે. આપણા જ દેશના શિક્ષિત અને અશિક્ષિત લોકો વિદેશ જાય છે ત્યારે ત્યાંના આ પ્રકારના કાયદાનો ભંગ ન થઈ જાય તેની વિશેષ કાળજી લેતાં જોવાય છે, પરંતુ ભારતમાં એ સમજને આચરણમાં મૂક્તા નથી. સરકાર અત્યારે આપણી સિવિક સેન્સ જાગૃત કરવાના પ્રયાસમાં છે. આવી નાગરિક સમજ મહદ્અંશે કેળવાઈ ગયા પછી જે લોકો ધરાર સુધરવા ઇચ્છતા ન હોય એવા લોકો માટે કાનૂની જોગવાઈઓ પણ અનિવાર્ય બને તો એ માટે આખરે તો આપણે અને આપણો બેજવાબદાર વ્યવહાર જવાબદાર હશે. આપણી સિવિક સેન્સ કહેતાં નાગરિક સમજનો અભાવ દૂર થતાં કેટલાં વર્ષ લાગશે, કોઈ કહી શકશે?
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »