તમારા માટે, તમારી સાથે, સતત…

કાશ્મીર સમસ્યા અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણ

દિલ્હીથી કાશ્મીરમાં વિકાસ કાર્યો માટે મોકલવામાં આવતાં અઢળક નાણાનું શું થાય છે

0 254

કવર સ્ટોરી – તરુણ દત્તાણી

બરાબર અગિયાર વર્ષ પહેલાંની વાત છે. ૨૦૦૭ના જૂનમાં શ્રીનગરમાં દેશનાં વિવિધ અખબારોના તંત્રીઓની પરિષદ યોજવામાં આવી હતી. રાજ્ય સરકારના સહયોગમાં કેન્દ્રના માહિતી પ્રસારણ વિભાગનું એ આયોજન હતું. ત્રણ દિવસની એ પરિષદમાં ચર્ચા તો જમ્મુ-કાશ્મીરના વિકાસ અંગે સરકારના પ્રયાસોની જ થઈ. ત્રણ દિવસ દરમિયાનના એક સત્રમાં તત્કાલીન ગૃહ સચિવ આર.કે. સિંહ જે આજે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના પ્રધાન છે, તેમણે તેમના સંબોધનમાં એક અપીલ કરતાં કહ્યું હતું કે, દેશનાં રાષ્ટ્રીય અખબારોએ તેમની જમ્મુ-કાશ્મીર આવૃત્તિ રાજ્યમાંથી શરૃ કરવી જોઈએ. આ એક અત્યંત મહત્ત્વનું સૂચન હતું અને તેના ગર્ભિત નિહિતાર્થો પણ હતા. જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ અને શ્રીનગરમાંથી અનેક દૈનિક અને સાપ્તાહિક અખબારો પ્રકાશિત થાય છે. એ બધાં પ્રાદેશિક સ્તરનાં છે અને તેમાં મહદ્અંશે પ્રાદેશિક દૃષ્ટિકોણ પ્રસ્તુત થતો હોય છે. તેને કારણે રાજ્યના લોકો દેશના અન્ય ભાગોમાં શું ચાલે છે, દેશની સામાજિક, રાજકીય, શૈક્ષણિક, વ્યાવસાયિક હલચલ વિશે અપરિચિત રહે છે. કેમ કે પ્રાદેશિક અખબારોમાં તેને વિશે ભાગ્યે જ કવરેજ થતું હોય છે.

આ અપીલ કરતી વખતે આર.કે. સિંહે એક મહત્ત્વની વાત એ કરી હતી કે રાષ્ટ્રીય દૃષ્ટિકોણ વિકસશે અને તેઓ રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારતા થશે. દેશના અન્ય પ્રદેશના લોકો સાથે તેમનું સંધાન થશે. આ વાત અત્યંત મહત્ત્વની હતી. મુદ્દો ઘણો ગંભીર અને અનિવાર્ય આવશ્યક્તા જેવો હતો. દુઃખની વાત એ છે કે આ અપીલ પછી પણ કોઈ રાષ્ટ્રીય અખબાર જૂથે કાશ્મીરમાંથી તેમની આવૃત્તિ શરૃ કરી નહીં. કોઈએ આ વાત ગંભીરતાથી લીધી નહીં અને એક મૌલિક વિચાર વિસર્જિત થઈ ગયો. મોટાં અખબારી જૂથો વ્યાવસાયિક દૃષ્ટિકોણથી વિચારતા હોય છે. અખબારની કાશ્મીર આવૃૃત્તિ નફા-નુકસાનના ધોરણમાં ફિટ બેસે નહીં. રાષ્ટ્રીય હિતો માટે નુકસાન સહન કરવાની તૈયારી કોની હોય? સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસોનું પત્રકારત્વ હવે રહ્યું નથી. અખબારી જૂથો માટે બીજો વિચારણીય મુદ્દો કદાચ એ પણ રહ્યો હોય કે રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી અખબાર ચલાવવામાં ત્રાસવાદી હિંસાથી પીડિત પ્રદેશમાં જાન-માલનું જોખમ પણ એટલું જ રહે એ સ્વાભાવિક છે.

– અને કાશ્મીર આજે પણ પત્રકારત્વની પાઠશાળામાં રાષ્ટ્રીય દૃષ્ટિકોણના લોક શિક્ષણથી વંચિત રહી ગયું.

– અલબત્ત, કોઈ રાષ્ટ્રીય અખબાર શરૃ થયું હોત તો લોકજીવન અને સામુદાયિક વિચારસરણી પર તેની કેટલી અને કેવી અસર થઈ હોત એ પણ કલ્પનાનો જ વિષય રહી ગયો, પણ આ પ્રયોગ અપેક્ષિત હતો અને હજુ પણ છે.

શ્રીનગરમાં ત્રણ દિવસના રોકાણ દરમિયાન બીજા દિવસે લાલ ચોકમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સામાન્ય પ્રકારનો હતો. અને કોઈ જાનહાનિ કે કશું નુકસાન થયું ન હતું. અમારામાંના ચાર-પાંચ મિત્રો એ જ સાંજે વિસ્ફોટ સ્થળે જઈ આવ્યા હતા. થોડી વારમાં જ ત્યાં બજારમાં રાબેતા મુજબનું જનજીવન ચાલતું હતું. રાત્રે સ્થાનિક લોકો સાથેની ચર્ચામાં એવું સાંભળવા મળેલું કે રાજ્યમાંથી ત્રાસવાદની સંપૂર્ણ નાબૂદી શક્ય નથી. કેમ કે સ્થાનિક રાજકારણીઓ અને પ્રાદેશિક પક્ષોનું રાજકારણ તેના પર જ ચાલે છે. રાજ્યમાં સંપૂર્ણ શાંતિ સ્થપાય એવું તેઓ ઇચ્છતા નથી. એમ થાય તો ત્રાસવાદના નામે દિલ્હીથી આવતી આર્થિક મદદમાં ઓટ આવે. ત્રાસવાદી હિંસાથી મુક્ત થવા જઈ રહેલા રાજ્યમાં એટલે જ સમયાંતરે ક્યાંક વિસ્ફોટની ઘટના બનતી રહે છે અને બનતી રહેવાની. પ્રજાનો એક વર્ગ ત્યારે આવી માન્યતા ધરાવતો હતો. તેને સાવ નકારી કાઢવા જેવું નથી. મહેબુબા મુફ્તીના પીડીપી પક્ષને અલગાવવાદીઓ સાથે કાયમી સંબંધો રહ્યા છે એ પણ એક વરવું તથ્ય છે.

Related Posts
1 of 258

* * *

દાલ સરોવરમાં શિકારામાં બેસીને લટાર મારતાં બહુ આગળ જવાનો ચાલકે ઇનકાર કરતાં કહેલું કે સાહેબ, એ તરફ ગંદકી છે અને પાણી પણ વાસ મારે છે. ત્યાં જવા જેવું નથી. આ સાંભળીને એક અહેવાલનું સ્મરણ થઈ આવતાં કહ્યું કે દાલ સરોવરની સફાઈ માટે તો કેન્દ્ર સરકારે ત્રણસો કરોડની રકમ ફાળવી છે ત્યારે આટલી ગંદકી કેમ? અને શિકારાવાળાનો જવાબ હતો – સાહેબ, દિલ્હીથી પૈસા આવે એનું શું થાય છે એ કોણ પૂછે? એ પછી તેણે બીજી વાત કરતા કહ્યું હતું કે વાત માત્ર ગંદકીની નથી, દાલ સરોવરનું ક્ષેત્રફળ પણ સંકોચાઈ રહ્યું છે. તેના એક હિસ્સામાં પુરાણ કરીને ત્યાં બંગલા બની ગયા છે. મારે માટે તો તેની વાત સાંભળી રહેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

* * *

એ દિવસોમાં કાશ્મીરમાં ખાસ કરીને શ્રીનગરમાં એક સેક્સ કૌભાંડની ઉગ્ર ચર્ચા હતી. તેમાં રાજકારણી અને ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની પણ ચર્ચા હતી. હમણા થોડા દિવસો પહેલાં જ એ પ્રકરણના આરોપીઓને સજા કરાઈ છે. એ કૌભાંડમાં સંડોવાયેલી એક યુવતી સામે પણ લોકોમાં ભારે વિરોધ અને તિરસ્કારની લાગણી ફેલાઈ હતી. આ પ્રકરણની ચર્ચા દરમિયાન એક સ્થાનિક નિવાસીએ ઘટનાની બીજી બાજુ પ્રસ્તુત કરતા કહેલું કે પહેલા રાજ્યમાં કાશ્મીરી પંડિતો હતા ત્યારે સરકારી કચેરીઓમાં પણ તેમના સમાજની યુવતીઓ કામ કરતી. લઘુમતી સમાજની યુવતીઓ ભાગ્યે જ નોકરી કરતી. હવે રાજ્યમાં પંડિતો રહ્યા નથી અને સરકારી કચેરીઓમાં બીજા સમાજની યુવતીઓ કામ કરતી થઈ છે ત્યારે પહેલાં પંડિત સમાજની યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ થતાં એ હવે અન્ય સમાજની યુવતીઓ સાથે બની રહ્યું છે. સાથે કામ કરતા હોય ત્યારે આવું તો થવાનું. માનવ સ્વભાવ, લાગણીઓ અને વહીવટીતંત્ર તેમજ અધિકારીઓની કાર્યશૈલીમાં બહુ બદલાવ થતો નથી. એક પરિવર્તન સાથે આવતાં-સારા-નરસા પાસાંને પણ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ- એવી મતલબની વાત હતી.

ત્રણ દિવસ વિવિધ વિષયોની ચર્ચા દરમિયાન એક દિવસ તત્કાલીન કેન્દ્રીય પ્રધાન રઘુવંશપ્રસાદનું સંબોધન હતું. તેમણે તેમના ખાતાની યોજનાઓની ચર્ચા દરમિયાન જમ્મુ વિસ્તારમાં સફરજનના જ્યૂસની ફેક્ટરી નાંખવાની યોજનાની વિગતો આપી ત્યારે તેમને સ્થાનિક કાશ્મીરી પત્રકારોમાંથી કોઈએ પૂછ્યું કે જમ્મુમાં શા માટે, શ્રીનગરમાં કેમ નહીં? એ પ્રશ્નનો રઘુવંશપ્રસાદ જવાબ આપી રહ્યા હતા એ દરમિયાન જ સ્થાનિક જમ્મુ અને કાશ્મીરી પત્રકારો વચ્ચે વાદ-વિવાદ ચાલ્યો અને ઉગ્ર ટપાટપી સર્જાઈ. એ બધાને માંડ શાંત પાડવામાં આવ્યા. સમારોહ પૂર્ણ થયા પછી ભોજનના સમયે સ્થાનિક પત્રકારોમાંના કેટલાક શાણા માણસો વિવાદ કરી રહેલા લોકોને સમજાવતા જોવા મળ્યા હતા કે ભાઈ, દેશભરમાંથી પત્રકારો અહીં આવ્યા છે ત્યારે આપણે આપણા આવા આંતરિક વિખવાદથી દૂર રહેવું જોઈએ. આ લોકો આપણા વિશે કેવી છાપ લઈને જાય! આ સૂચિત મુદ્દા વિશે આપણે પાછળથી સરકાર સાથે લડી લઈશું. અત્યારે વિવાદ કરવાથી શું ફાયદો?

મતલબ એ કે વિકાસ કાર્યોની બાબતમાં જમ્મુ અને લડાખ ક્ષેત્ર પ્રત્યે અન્યાય થતો હોવાની વાત આજકાલની નથી અને એ વાત ખોટી પણ નથી. કાશમીરમાં સત્તા પર આવતી તમામ સરકારો આવા ભેદભાવ પૂર્ણ વ્યવહાર અને ઓરમાયું વર્તન કરતી આવી છે. દિલ્હીથી કાશ્મીરમાં વિકાસ કાર્યો માટે મોકલવામાં આવતાં અઢળક નાણાનું શું થાય છે તેનો હિસાબ માંડવામાં આવે તો કાશ્મીરની અને ત્યાંના લોકોની હાલત સ્વર્ગથી પણ વધુ સારી હોવી જોઈએ, પરંતુ એવું બન્યું નથી. કાશ્મીરમાં શિક્ષણ, રોજગાર, ઉદ્યોગ પ્રત્યે ધ્યાન અપાયું નથી.

સૈન્ય અને અર્ધ લશ્કરી દળો પ્રત્યેની ઘૃણા અને નફરત કાશ્મીરના લોકોને ગળથૂથીમાં આપવામાં આવતી હોય એવી હાલત છે. તેમાં રાષ્ટ્રીય દૃષ્ટિકોણના અભાવનું પણ એક કારણ છે. તેમાં ભારોભાર પૂર્વાગ્રહ હોય છે. ઉછરતી પેઢીમાં સૈન્ય પ્રત્યે આવો પૂર્વાગ્રહ પેદા કરવામાં આવે છે. સોશિયલ મીડિયાએ આ કામ આસાન કરી દીધું છે. કાશ્મીરની સમસ્યાને કાશ્મીરી નેતાઓ કે કાશ્મીરના અલગાવવાદીઓના દૃષ્ટિકોણથી જોવાના પ્રયાસમાં ગેરમાર્ગે દોરવાઈ જવાની શક્યતા છે. કાશ્મીરની સમસ્યા તરીકે જેને રજૂ કરવામાં આવે છે એ ખરેખર કાશ્મીરની સમસ્યા નથી. કાશ્મીરનો ખીણ પ્રદેશ એ સમગ્ર કાશ્મીર નથી, કાશ્મીરનો નાનકડો ભૂ-ભાગ છે અને તેમાં કાશ્મીરના જમ્મુ, લડાખ કે કાશ્મીરી પંડિતોના દૃષ્ટિકોણ, વિચાર કે અવાજનું કોઈ સ્થાન નથી. આવા એકાંગી અભિપ્રાયને મહત્ત્વ આપીને આપણે કાશ્મીરની સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી છે. કાશ્મીરની સમસ્યાને એકાંગી દૃષ્ટિકોણથી જોવાની ભૂલ કરવા જેવી નથી.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »