તમારા માટે, તમારી સાથે, સતત…

પાકિસ્તાનના છદ્મ યુદ્ધનો જવાબ જરૂરી

પાકિસ્તાની સેના કાયમ સીધા યુદ્ધથી બચતી રહેશે.

0 91

કવર સ્ટોરી – જોરાવર દૌલતસિંહ

દુનિયામાં અને દેશમાં છબિ એવી ઊભી થઈ છે કે ભારત પાસે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો જવાબ નથી, હવે આ વિચારસરણી બદલવી પડશે…

‘પાકિસ્તાનને આતંકવાદી હુમલાઓનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.’ – દેશના ગૃહમંત્રીનું આ નિવેદન હતું. સામાન્ય રીતે આ પ્રકારનાં નિવેદનોને ગંભીરતાથી લેવામાં આવે છે. પણ આ મામલે આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે પાકિસ્તાન તેને ગંભીરતાથી નહીં લે.  માત્ર પાકિસ્તાન જ નહીં, વૉશિંગ્ટન અને બીજિંગ, કોઈ પણ ભારતની શાખ પર થયેલા હુમલાને ગંભીરતાથી નથી લેતાં અને તેમની આ માન્યતા ખોટી પણ નથી. દેશની રાજકીય નેતાગીરી અને સુરક્ષા તંત્ર બંને પાકિસ્તાનના છદ્મ યુદ્ધ સામે જવાબી કાર્યવાહીની તરકીબ શોધવામાં નિષ્ફળ નિવડ્યા છે. આ સ્થિતિમાં દરેક નવો આતંકવાદી હુમલો લોકોના ગુસ્સાને વધારે છે, નિરાશા પેદા કરે છે અને અંતમાં તેને ધીરજ સાથે સ્વીકારવામાં આવે છે. ત્યારે વધુ એક આતંકવાદી હુમલો થાય એ પહેલાં ચાલો, આપણે પોતાની જાતને કેટલાક કડક સવાલો પૂછીએ. ભારત પોતાના સંયમને વર્ષોથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એક ભલમનસાઈ અને જવાબદાર વર્તનની રીતે રજૂ કરી રહ્યું છે. જોકે દુનિયા તેને એ રીતે જોઈ રહી છે કે હકીકતે ભારત પાસે કોઈ સૈન્ય કૂટનીતિ નથી.

રાજકીય પ્રભુત્વવર્ગ તેને કંઈક એ રીતે જુએ છે કે, ભારતની આર્થિક સ્થિરતા પાકિસ્તાનના મામલામાં તેના વિકલ્પો મર્યાદિત કરી દે છે. તેઓ વિચારે છે કે ભારત-પાકિસ્તાન સંકટ રોકાણકારોમાં ડર પેદા કરશે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત વેરવિખેર થઈ જશે. એકબીજા પર નિર્ભરતાના આ જમાનામાં આ અનુમાન સહજ જ્ઞાનમાંથી પેદા થયેલું લાગે છે, પરંતુ હકીકતમાં તે તેમના નકારને યોગ્ય ઠેરવવા માટે ઘડવામાં આવ્યું છે. બે ખર્વ ડૉલરની ભારતીય અર્થવ્યવસ્થાની પોતાની મજબૂતી છે અને તે અસ્થિરતા જેવા સંકટમાંથી પાર ઊતરી શકે છે. તો પણ ભારતીય અર્થવ્યવસ્થાને પાકિસ્તાન નીતિ જોઈએ. આ વિચારનું બીજું સ્વરૃપ એ છે કે સરહદ પારનો આતંકવાદ દેશની વ્યૂહાત્મક વિચારસરણી પર ખોટી અસર પાડે છે. એટલે જ પાકિસ્તાનની આ બિનપરંપરાગત લડાઈ વિરુદ્ધ વિશ્વાસપૂર્વકની રણનીતિની જગ્યાએ ભારતીય સુરક્ષા તંત્રમાં એક ઢીલું વલણ જોવા મળે છે.

દરેક પગલાંને ભડકાઉ માની લેવામાં આવે છે અને પાછું વિચારવામાં આવે છે કે આવું સૈન્ય અને રાજકીય રીતે ઠીક નહીં રહે. રાજકીય નેતૃત્વ પણ સેનાની થિંક ટેન્ક પાસેથી એવું જ સાંભળવા માંગે છે. દર વર્ષે અબજો ડૉલરનો ખર્ચ અત્યાધુનિક ટૅક્નિકને ભારતમાં લાવવા માટે ખર્ચવામાં આવે છે, પણ દુશ્મન પર નજર રાખવા માટે આધુનિક ટૅક્નિકનો ઉપયોગ, સીમાપાર આપણા જાસૂસોને મોકલવા અને પાકિસ્તાનમાં જ પોતાના હિતેચ્છુઓ તૈયાર કરવા જેવી પરંપરાગત તરકીબો વિશે વિચારવામાં પણ આવતું નથી.

Related Posts
1 of 172

આવી સ્થિતિમાં સફળ રણનીતિ એવી ક્ષમતા ઊભી કરવામાં છે કે વિરોધીએ પણ તેમાં જંગી ખર્ચો કરવા મજબૂર થવું પડે. આજે જે સ્થિતિ છે તેમાં પાકિસ્તાન ઓછા ખર્ચમાં પણ કાંટે કી ટક્કર આપી રહ્યું છે. ભારત ગમે તેટલા કડક શબ્દોનો ઉપયોગ કરે તેનો કોઈ અર્થ નથી, કેમ કે પાકિસ્તાની સેના કાયમ સીધા યુદ્ધથી બચતી રહેશે. તેને ખબર છે કે જો સીધી લડાઈ થઈ તો ભારતને પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવાનો મોકો મળશે. જો ભારતનું રાજકીય નેતૃત્વ ખરેખર ઇચ્છતું હોય કે એક એવી રણનીતિ તૈયાર કરવામાં આવે જે રાવલપિંડીને તેના છદ્મયુદ્ધ પર ફેરવિચારણા કરવા મજબૂર કરે, તો તેની સામે વિકલ્પ એકદમ સ્પષ્ટ છે. એના માટે તેણે સૌ પ્રથમ તો બિનપરંપરાગત ક્ષમતા વિકસાવવી પડશે જે પાકિસ્તાનના આતંકી માળખાને સીધું નુકસાન પહોંચાડે. આ પ્રકારની મોટાભાગની પ્રવૃત્તિઓ અંદરખાને ચલાવવામાં આવે છે. આ યુક્તિ આજે દરેક મોટી અને સ્થાનિક તાકાતો સ્વીકારી રહી છે. ભારત તેમાં અપવાદ છે માટે તેની કિંમત તેણે પોતાના નાગરિકોનું લોહી રેડીને ચૂકવવી પડે છે. તેના સરહદી રાજ્યો અસલામત છે અને આંતરરાષ્ટ્રીય તખ્તા પર તેની ભારે મજાક ઊડે છે. એ સાચું છે કે આગળ સૂચવી તે ક્ષમતા કેળવવામાં લાંબો સમય અને એ પ્રકારની નીતિ પણ, જે કાયમ ચાલતી રહે તે જરૃરી હોય છે. આવું થાય ત્યારે જ તેની કોઈ અસર દેખાઈ શકે.

ખુલ્લી લડાઈ માટે દેશના રાજકીય નેતૃત્વે ઓછા જોખમવાળા સામાન્ય વલણને અપનાવવું પડે છે. તેના મૂળમાં એવો વિચાર છે કે એક પગલું ભરવામાત્રથી મામલો બિચકી જશે. પરમાણુ હથિયારોના આજના જમાનામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધ ભારતની એક મોટી કાર્યવાહી પણ પરમાણુ યુદ્ધનું સંકટ પેદા કરી શકે છે, જે ઘાતક હશે. પશ્ચિમી જાણકારોએ આ સંદિગ્ધ વિચારને એ હદે માન્યતા આપી દીધી છે કે ભારતીય વિદ્વાનો એક એવા આભાસી સંસારમાં જીવી રહ્યા છે જેમાં ભારત-પાકિસ્તાન સમસ્યામાં પાકિસ્તાનની સ્થિતિ મજબૂત થઈ જાય છે.

કોઈ પણ તટસ્થ રણનીતિજ્ઞ એમ જ કહેશે કે પરમાણુ હથિયારોને ફક્ત પરમાણુ હથિયાર જ રોકી શકે છે. જો પરમાણુ હથિયારમાં આવા જાદુઈ ગુણો છે જે ભારતીય સુરક્ષા રણનીતિકારોને આવા અપંગ બનાવી શકે છે. તો સમજી લો કે પાકિસ્તાન પોતાના પરંપરાગત સૈન્યમાં ક્યારેય રોકાણ નહીં કરે.

રાવલપિંડી એ સારી રીતે જાણે છે કે પરમાણુ યુદ્ધની ધમકી આત્મહત્યાનો રસ્તો છે, જે કોઈ પણ દેશ પસંદ કરવા નહીં ઇચ્છે. એનો મતલબ એવો જરાય નથી કે ભારતે પરમાણુ હથિયારો પહેલા પરંપરાગત સૈન્ય યુદ્ધ જાહેર કરી દેવું જોઈએ. જોકે એ સમજવું જરૃરી છે કે પરમાણુ હથિયાર દરેક મહાસત્તાઓ પાસે છે, પણ તે અંતિમ વિકલ્પ તરીકે. આ અંતિમ વિકલ્પનો તકાજો દેશે દેશે બદલાતો રહે છે. જોકે કોઈ પણ સ્થિતિમાં પરમાણુ હથિયાર નાની હિંસાત્મક કાર્યવાહીને નથી રોકી શકતા. જ્યારે પણ ભારત આ મામલે નવા વિચારોને અપનાવશે, પોતાને નવી ક્ષમતાઓથી સજ્જ કરશે. જેમ કે, લક્ષ્યવેધી હથિયારો, ખાસ સૈન્ય, સાઇબર અને ઇલેક્ટ્રોનિક તંત્ર વગેરેથી સજ્જ થવાનું શરૃ કરશે, એ સાથે જ ધીમે-ધીમે તેના ફાયદા મળવા શરૃ થઈ જશે.

હાલ ભારતનું જમીની રાજકીય લક્ષ્યાંક પાકિસ્તાન અને તેના સંરક્ષકોને હલાવી દેવાનું છે. જેથી પાકિસ્તાન તેને અસ્થિર કરનારી તાકાત બની રહે તો પણ ક્ષેત્રિય સ્થિરતાની જવાબદારી ભારતના ખભે જ રહે. જોકે દક્ષિણ એશિયાની સુરક્ષા ભારત અને પાકિસ્તાન બંનેની જવાબદારી છે. અમેરિકા સાથે પાકિસ્તાનના અલગ કરાર અને ચીન સાથેના એવરગ્રીન જોડાણને જોતાં આ જવાબદારી ભારત, પાકિસ્તાન, અમેરિકા અને ચીન, એટલે કે ચારેય દેશોની બને છે, પણ ભારતની કૂટનીતિએ એ જોવું જોઈએ કે કેવી રીતે વૉશિંગ્ટન અને બીજિંગને મહત્તમ જવાબદેહ બનાવી શકાય, કારણ કે બંને રાવલપિંડીના ભાગીદાર છે. જો ભારતના નવા વલણને પાકિસ્તાન પડકારવાનો પ્રયત્ન કરે છે, તો ભારત, વૉશિંગ્ટન અને બીજિંગની સાથે પોતાના સ્થાયી સમીકરણોનો લાભ ઉઠાવી શકે છે. પાકિસ્તાનની રણનીતિ એ છે કે ભારત સામે એવાં પગલાં લેવામાં આવે, જેનાથી તે બદલાની કાર્યવાહી કરવા માટે ઉશ્કેરાય નહીં. સાથે એ પગલાંને લઈને મનોવૈજ્ઞાનિક અસમંજસમાં રહે અને પોતાના લોકોને મરતાં જુએ. કદાચ આ જ સમય છે, જ્યારે આપણે આપણી નિયતિ બદલવી જોઈએ.

(જોરાવર દૌલતસિંહ, કિંગ્સ કૉલેજ, લંડનના રિસર્ચ ફૅલો છે.)
—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »