તમારા માટે, તમારી સાથે, સતત…

હવે, અલગાવવાદીઓના પગ પેટમાં

આત્મસમર્પણ બતાવે છે કે મુઠ્ઠીભર આતંકીઓ અને તેમના આશ્રયદાતાઓ કેટલા ગભરાયા છે

0 136

કવર સ્ટોરી – -હિંમત કાતરિયા

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવાયું તેનાથી સૌથી વધુ અલગાવવાદી નેતાઓ ગભરાયા છે. તેમના ચહેરા પરના નૂર ઊડી ગયા છે. આતંકનો સફાયો કરવામાં કેન્દ્ર સરકાર પાસે આ જ યોગ્ય તક છે.

દેશનાં અન્ય રાજ્યોમાં રાજકીય પક્ષો સરકાર ન બનાવી શકે તો રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવે છે જ્યારે કલમ ૩૭૦ના કારણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ પડે છે. રાજ્યપાલ શાસન લાગવાથી જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા એસ.પી. વૈદ્ય પણ ખુશ છે. તેમના માટે રાજ્યપાલ શાસનમાં કામ કરવું બહુ સરળ રહેશે. તેમણે એક ન્યૂઝ ચેનલને પ્રતિક્રિયામાં કહ્યું પણ ખરું કે રાજ્યપાલ શાસનમાં સુરક્ષા એજન્સીઓને આતંક સામેના ઑપરેશન ચલાવવા સરળ રહેશે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બી.વી. વ્યાસને હટાવીને બી.વી.આર સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. સુબ્રમણ્યમ આંતરિક સુરક્ષા મામલાના નિષ્ણાત મનાય છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ૨૦૧૪થી માર્ચ ૨૦૧૫ સુધી સુબ્રમણ્યમ પીએમઓમાં હતા.

જમ્મુ-કાશ્મીર પોલીસે ‘સંપર્ક કાર્યક્રમ’ને વેગ આપવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુમરાહ અને નવા ભરતી થયેલા કાશ્મીરી આતંકવાદીઓના પરિવારોને સમજાવીને તેમની પાસેથી હથિયાર છોડાવવામાં આવે છે. આ કાર્યક્રમને સફળતા મળી છે અને ઘણા આતંકવાદીઓએ આતંકવાદ છોડી દીધો છે અને ઘરે પાછા ફર્યા છે. અલગાવવાદીઓ વિદેશમાંથી પૈસો મેળવીને બેકાર, ગરીબ કાશ્મીરીઓને ભોળવીને આતંકી બનાવે છે. આ વર્ષે કાશ્મીર ખીણ પ્રદેશમાં ૮૦થી વધુ યુવાનો આતંકવાદમાં જોડાયા છે. જેમાં કેટલાકની પાસે તો કૉલેજની ડિગ્રી છે. સંપર્ક કાર્યક્રમ હેઠળ પોલીસ પોતાની લાઠીદાવની સામાન્ય પ્રણાલી છોડીને ખીણના યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના ભરીને તેમના દિલદિમાગને બદલી રહી છે.

Related Posts
1 of 212

બીજી તરફ, કુલગામ જિલ્લામાં કૈમોહના ચેદરબાન ગામમાં ગત રવિવારે પોલીસ, સીઆરપીએફ અને સેનાએ એક ઘરમાં છુપાયેલા બે આતંકવાદીઓને ફૂંકી માર્યા હતા. જ્યારે એક આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ બતાવે છે કે મુઠ્ઠીભર આતંકીઓ અને તેમના આશ્રયદાતાઓ કેટલા ગભરાયા છે, બાકી તે બ્રેનવૉશ થયેલા આતંકીઓના સ્વભાવમાં નથી હોતું. સીઝ ફાયર વખતે કાશ્મીરની ગલીઓમાં જોવા મળતા ઝનૂની પથ્થરબાજોનાં ટોળાં હવે જેલ જવાની કે માર્યા જવાની બીકે દેખાતા નથી. કેમ કે એ પથ્થરબાજો વાસ્તવમાં અલગાવવાદી નેતાઓની ભાડૂતી ફોજ છે. તેમનું રોજનું વેતન ચૂકવાય છે.

મહેબુબા સરકાર વખતે ૫૦૦૦ કરતાં વધુ પથ્થરમારોને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા તેવા સમાચાર આપણને વિચલિત કરી દે છે. આ સમાચારોને લઈને જમ્મુ-કાશ્મીરના ભાજપના પ્રભારી રામ માધવે સ્પષ્ટતા કરી છે કે કેદ મુક્ત કરાયેલા આ યુવાનો પહેલી વખત પથ્થરમારો કરતા પકડાયેલા અપરાધીઓ હતા. તેમને સુધરવાની એક તક આપવા છૂટા કરાયા હતા. બીજી કે ત્રીજી વાર પકડાયેલા કોઈને કેદ મુક્ત કરાયા નથી.

પાકિસ્તાનના પૈસાના જોરે ઊછળતા, શાનૌ-શોકત ભોગવતા અને પોતાની ઇચ્છા પ્રમાણે આતંકવાદનું ભૂત ધૂણાવતા અલગાવવાદી નેતાઓ અત્યાર સુધી રાજાની જેમ વર્તતા હતા. તેમની ધરપકડ વખતે પણ પ્રસન્ન મુખમુદ્રા રહેતી હતી. આવા અલગાવવાદીઓ માટે વર્તમાન ક્ષણો ઘણી કપરી છે. યાસીન મલિક સહિતના મોટા અલગાવવાદી નેતાઓને દબોચ્યા તે વખતે તેમના ચહેરા ઉપરની લાલી અદૃશ્ય દેખાય છે. તેમની આંખોમાં ભય દેખાય છે.

અત્યારે કેન્દ્ર સરકાર માટે સૌથી મોટો પડકાર નિર્વિઘ્ને અમરનાથ યાત્રા પૂરી પાડવાનો રહેશે. કેમ કે એક રિપોર્ટ પ્રમાણે, ખીણમાં ૪૦૦૦ આતંકવાદીઓમાંથી હવે માત્ર ૨૦૦ જેટલા જ બચ્યા છે. આતંકવાદીઓ સામે અત્યારે પોતાના અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે ત્યારે દેશ દુનિયાનું ધ્યાન ખેંચવા તેમના અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરવાના ભરપૂર પ્રયાસો રહેશે. સરકાર પણ અમરનાથ યાત્રામાં છમકલું ન થાય અને નામોશી ન મળે એ માટે પૂરતું જોર લગાવી રહી છે. અમરનાથ યાત્રા ઉપર આતંકવાદી હુમલાની આશંકાના પગલે એનએસજી કમાન્ડોની ટીમ પણ કાશ્મીરમાં તૈનાત કરી દેવાઈ છે. આ જ કાર્યવાહીના ભાગરૃપે સુરક્ષાદળોએ અનંતનાગમાં એક ઑપરેશનમાં ચાર આતંકવાદીઓને મારી નાખ્યા છે.

નરેન્દ્ર મોદી સરકાર કાશ્મીરમાં એવી મોટી ફતેહ હાંસલ કરવા માંગે છે. દેશ પણ એવું ઇચ્છી રહ્યો છે કે કાશ્મીર થાળે પડે. આ માટે ફરી એકવાર સેનાને ઑપરેશન ઓલઆઉટ માટે ફ્રી હેન્ડ મળ્યા છે. જોઈએ કોણ કેટલું ફાવે છે.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »