તમારા માટે, તમારી સાથે, સતત…

મળીએ પ્રથમ ગુજરાતી એવરેસ્ટ પર્વતારોહીને…

એવરેસ્ટ સર કરનારા પ્રથમ ગુજરાતીનું બિરુદ હાંસલ કર્યું છે.

0 288

સિદ્ધિ – હિંમત કાતરિયા

એવરેસ્ટ પર્વતારોહકની ટીમના એકમાત્ર ૩૬ વર્ષીય ગુજરાતી અને વેજિટેરિયન સભ્યએ શેરપા પસંદ કર્યો ત્યારે તેમના શેરપાએ કટાક્ષયુક્ત વેધક સવાલ કર્યો, ‘ક્યા આપ દાલભાત ખા કર એવરેસ્ટ સર કરનેવાલે હો?’ તેણે આ પ્રશ્નને એક પડકાર ગણીને સામો જવાબ આપ્યો, ‘હા, મંૈ ઇસી સૌચ કો બદલના ચાહતા હું કી વેજિટેરિયન આદમી કે ભિતર ભી દુનિયા કા સબસે કઠિન કામ કરને કી ઊર્જા હૈ.’ હા, એક દાળભાત ખાનારા ગુજરાતીએ પર્વતરાજને સર કર્યો છે. હિંમતનગરના ૩૬ વર્ષીય મેહુલ જોશી દુનિયાના સૌથી ઊંચા પર્વત હિમાલયના માઉન્ટ એવરેસ્ટને સર કરનારા પ્રથમ ગુજરાતી બન્યા છે. આવો જોઈએ, કે તેમણે આ સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી?

હિંમતનગરના મેહુલ જોશીએ અત્યાર સુધીમાં દુનિયાના સૌથી ઊંચા અને કઠિન એવરેસ્ટ પર્વતને સર કરનારા ૮૪૦૦ જેટલા પર્વતારોહકોમાં પોતાનું નામ લખાવી દીધું છે અને એમ તેઓએ એવરેસ્ટ સર કરનારા પ્રથમ ગુજરાતીનું બિરુદ હાંસલ કર્યું છે. અહીં, હું એવરેસ્ટ સર કરી શકીશ એવો પહેલો વિચાર અને એ પરિપક્વ થવાની સફર એવી છે કે ૧૦ વર્ષના મેહુલને એક ક્વિઝમાં સવાલ પૂછાયો હતો કે દુનિયાના સૌથી ઊંચા એવરેસ્ટ શિખરને સર કરનારા પ્રથમ ભારતીય કોણ હતા? ભણવામાં સામાન્ય ગણાતા મેહુલને કદી પચાસ ટકાથી ઉપર માર્ક આવ્યા નથી એટલે ઘણા સવાલોની જેમ આ સવાલનો જવાબ તેને ન આવડે તે સામાન્ય બાબત હતી, પરંતુ આ પ્રશ્ને બાળક મેહુલના મનમાં કુતૂહલ જગાવ્યું, પિતા પાસેથી એવરેસ્ટ વિશેની રોચક માહિતી સાંભળીને એના બાળ માનસમાં પણ એવરેસ્ટ સર કરવાના વિચારનું પહેલું બીજારોપણ થયું.

ત્યાર બાદ આ વિચારને નિશ્ચયમાં બદલતી બે ઘટનાઓ બની. મેહુલ કહે છે, ‘મે ૨૦૦૩માં સુરકુંડી શિખરનું આરોહણ કર્યું ત્યારે ઉપરથી આસપાસની પહાડીઓનાં મનોહારી દૃશ્યો જોઈને મારા મનમાં તીવ્ર આવેગો જન્મ્યા કે અહીંથી આટલી સુંદરતા દેખાય છે તો એવરેસ્ટ પરથી કેવા સુંદર દૃશ્યો દેખાતાં હશે? બીજો પ્રસંગ બે મહિના પછી ઑગસ્ટ ૨૦૧૩ના લેહ-લદ્દાખનું સાઇકલ એક્સપેડિશન વખતનો છે. લેહની મારી ફ્લાઇટની રાહ જોતા મેં એકી બેઠકે અતુલ કરવાલના પુસ્તક ‘થિંક એવરેસ્ટ’ને વાંચ્યું ત્યારે મેં નિશ્ચય કરી લીધો કે ગમે તે થાય હું એવરેસ્ટ જઈશ.’

નિશ્ચય અને સિદ્ધિ હાંસલ કરવા વચ્ચે ઘણુ અંતર છે, ઘણા અવરોધો છે, ઘણા પડકારો છે. મેહુલને એવરેસ્ટ પહોંચવા આડે ત્રણ અવરોધો નડતા હતા. એક તો નાણા સંબંધિત. તેને તપાસ કરતા જાણ થઈ કે એવરેસ્ટ જવામાં કુલ ૬૦ લાખ જેટલો ખર્ચ થાય છે. બીજો પ્રશ્ન, એવરેસ્ટ જવા માટે દોઢ મહિનાનો સમય ફાળવવાનો પડે. તેમણે હિંમતનગરમાં પોતાની તબીબી ઉપકરણોની દુકાન કોઈ બીજાને ફાળવવી પડે. ત્રીજો અને મુખ્ય પડકાર એવરેસ્ટ જવા માટે જરૃરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો હતો. આ માટે મેહુલે સાઇક્લિંગની ઇવેન્ટ્સમાં ભાગ લેવાનું ચાલુ કર્યું. સાઇક્લિંગમાં એક ‘એન્ડુરન્સ રાઇડ’ શબ્દ આવે છે. ૨૫-૫૦ કિલોમીટર સાઇકલ ચલાવીને પાછા ફરીએ એ એક વાત છે, પણ ૧૦૦૦-૧૨૦૦ કિલોમીટરની રાઇડ સુધી તેનો વિસ્તાર કરીએ તો તે શરીર અને મનને વિશેષ દક્ષતા પૂરી પાડે છે. આવી એન્ડુરન્સ રાઇડમાં મારો સફળતાનો રેશિયો ૧૦૦ ટકા રહ્યો છે.

હું વચ્ચેથી નીકળી ગયો હોઉ કે હું તેને પાર પાડવામાં નિષ્ફળ ગયો હોઉ એવું એક પણ ઇવેન્ટમાં નથી બન્યું. આવી એક અત્યંત કઠિન રાઇડનું ઉદાહરણ આપતા મેહુલ કહે છે, ‘૨૦૧૪માં ૧૨૦૦ કિલોમીટરની સાઇક્લિંગ રાઇડમાં ૩૫ જણા રાઇડ પૂરી કર્યા વગર વચ્ચેથી નીકળી ગયા હતા. રાઇડ પૂરી કરવાના છેલ્લા ૮૦ કિલોમીટર બાકી હતા ત્યારે મારા સાથળનો ભાગ સાવ છોલાઈ ગયો. ડૉક્ટરે મને ડ્રેસિંગ વગેરે કરી આપ્યું તેમ છતાં મારાથી સાઇકલ પર બેસી શકાતંુ નહોતું. મેં ૮૦ કિલોમીટર સાઇકલ ઊભા-ઊભા જ ચલાવી.’  આ કદી હાર નહીં માનવાની માનસિકતા જ એવરેસ્ટ પર્વતારોહકોને તૈયાર કરે છે.

મેહુલે આવી ઘણી રાઇડો કરી. મેહુલે રેન્ડોનિયર ૫૦૦૦ ટાઇટલ મેળવ્યું છે. તેમાંં ૨૦૦, ૩૦૦, ૪૦૦, ૬૦૦ અને ૧૦૦૦ કિલોમીટરની સિરીઝ હોય છે. ઉપરાંત તેમાં પેરિસ બ્રેસ્ટ પેરિસ અને ફ્લેજ નામની ઇવેન્ટ્સ ચાર વર્ષમાં પૂરી કરવામાં આવે તો જ આ ટાઇટલ મળે. મેહુલે બધી ઇવેન્ટ માત્ર બે વર્ષમાં પૂરી કરી હતી. ૨૦૧૫માં મેહુલે ૧૨૦૦ કિલોમીટરની સાઇક્લિંગની પેરિસ બ્રેસ્ટ પેરિસ ઇન્ટરનેશનલ ઇવેન્ટ પૂર્ણ કરી. આ બહુ ટફ ઇવેન્ટ છે. તેમાં અટક્યા વગર, કોઈ સપોર્ટ વગર ઇવેન્ટ પૂરી કરવાની હોય છે અને ૯૦ કલાકનો ટાર્ગેટ આપવામાં આવે છે. એક શાકાહારી સાઇક્લિસ્ટને ભાગે ત્યાં વધારાની મુસીબતો આવે તે નફામાં. મેહુલે તે ૮૯ કલાકમાં પૂરી કરી હતી.

Related Posts
1 of 319

આ ઇવેન્ટ સાઇક્લિંગની દુનિયાની સૌથી લાંબી અને સૌથી ટફ ઇવેન્ટ ગણાય છે. એવરેસ્ટ પર જવું એ પણ દુનિયાનું સૌથી મુશ્કેલ કાર્ય છે એટલે મેહુલે શારીરિક માનસિક મજબૂતાઈ મેળવવા આવી સાઇક્લિંગની ઇવેન્ટો પસંદ કરી હતી. ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લેતાં પહેલાં માનસિક તૈયારી કરવી પડે. કેમ કે એક વખત તેમાં હાર મળ્યા પછી આપણે અહીં એવું છે કે લોકો નામ કરતાં બદનામ વધુ કરે છે. આ વાત પણ મેહુલના દિમાગમાં સતત રહેતી હતી. સાઇક્લિંગ અને રનિંગમાં એન્ડ્યુરન્સ એટલે કે લાંબી રેસના ઘોડા બનાય છે એટલે મેહુલે માઉન્ટ જવાની તૈયારી રૃપે એ બંનેને પસંદ કર્યા. મેહુલ ૧૨૦૦ કિલોમીટરની બે, ૧૦૦૦ કિલોમીટરની બે, ૬૦૦ કિલોમીટરની ચાર, ૪૦૦ કિલોમીટરની ત્રણ, ૩૦૦ કિલોમીટરની ચાર, ૨૦૦ કિલોમીટરની પાંચ ઇવેન્ટ પૂરી કરી છે. આમ મેહુલે ઇવેન્ટમાં ૧૦,૫૫૦ કિલોમીટર સાઇકલ ચલાવી છે. ઇવેન્ટમાં સાઇકલ ચલાવવા માટે ત્રણ ગણી ટ્રેનિંગ લાગે. એ રીતે જોઈએ તો મેહુલે ૨૦૧૩થી ૨૦૧૫ સુધી માત્ર બે વર્ષમાં ૩૦,૦૦૦ કિલોમીટર સાઇકલ ચલાવી છે.

સાઇક્લિંગ અને રનિંગથી મજબૂત પાયો બનાવ્યા પછી ૨૦૧૫થી મેહુલે પર્વતારોહણ ચાલુ કર્યું. પર્વતારોહણ માટે મેહુલે નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ, ઉત્તરકાશીમાંથી ૨૮ દિવસનો કોર્સ કર્યો. તમને આખરે એવું ક્યારે લાગ્યું કે હવે હું એવરેસ્ટ જવા તૈયાર છું? પ્રશ્નના જવાબમાં મેહુલ કહે છે, ‘ગત વર્ષે મેં એક જ મહિનામાં ગંગોત્રી વેલીનાં બે શિખરો ૩૦૧૦ મીટરનો માઉન્ટ થેલુ અને ૭૦૭૩ મીટરનો માઉન્ટ સતોપંત શિખર સર કરીને આ સિદ્ધિ મેળવનારો પ્રથમ ગુજરાતી બન્યો હતો. માઉન્ટ સતોપંત વખતે મારા પ્રદર્શનથી મને સંતોષ થયો કે હવે મને એવરેસ્ટ જવામાં વાંધો નહીં આવે.

‘માઉન્ટ એવરેસ્ટ જવામાં શરીર મનની દુરસ્તીનો ગુણોત્તર ૪૦ઃ૬૦નો હોવો જોઈએ. એટલે કે માનસિક રીતે તમે વધુ ફિટ હોવા જોઈએ.’ માનસિક ફિટનેસ મેળવવા માટે મેહુલે એવી ઇવેન્ટો પણ પાર કરી છે કે જેમાં એવી ક્ષણો આવી હોય કે હવે આગળ નહીં વધી શકાય અને એ પછી પણ તેમણે ઇવેન્ટ પૂરી કરી હોય. ધોળાવીરામાં રન ધ રન ઇવેન્ટમાં મેહુલને ક્રેમ્પ થયા હતા. જેમાં શરીરમાંથી મીઠંુ અને પાણી ઓછું થઈ જાય છે. મેહુલ કહે છે, ‘ચાલુ રનિંગમાં જ હું પડી ગયો હતો. ડૉક્ટરે મને કહ્યું કે તું આ ઇવેન્ટ પૂરી નહીં કરી શકે. પુષ્કળ પાણી પીને તું સ્વસ્થ થઈને પાછો ફરી જા. મેં કહ્યું કે હું પાછો ફરવા નહીં, ઇવેન્ટ પૂરી કરવા આવ્યો છું અને એ ઇવેન્ટમાં હું ચોથા ક્રમે આવ્યો હતો. એવરેસ્ટને હું સાગરમાથા કહું છું. મા અંબે ઉપર મારી અનન્ય શ્રદ્ધા છે અને એવરેસ્ટ જતી વખત મને એક પણ વખત એવો વિચાર નહોતો આવ્યો કે મારાથી એવરેસ્ટ પર નહીં જવાય. માની ઇચ્છા હશે તો મને ઉપર પહોંચાડશે અને માની ઇચ્છા નહીં હોય તો મને વચ્ચેથી પાછો મોકલશે એમ હું માનતો હતો.’

મેહુલે કરેલી પાંચ પિક સહિતની ઘણી ઇવેન્ટોમાં આવું કંઈક ને કંઈક બન્યું છે. એમાં હાર નહીં માનવાની મારી જીદ્દના કારણે હું માનસિક રીતે મજબૂત થયો છું. આ પાંચ પિક એવરેસ્ટના સ્ટિમ્યુલેશન રૃપે હતા. મેહુલે આ એવરેસ્ટને લાગતાં-વળગતાં શિખરો પસંદ કર્યા. મેહુલે પહેલું ૨૦૧૪માં માઉન્ટ એલ્બ્રુસ રશિયામાં આવેલું છે અને એ ૫૬૪૨ મીટરનું રશિયા ખંડનું સૌથી ઊંચંુ શિખર છે તે સર કર્યું હતું. પછી ૨૦૧૫માં લેહલદ્દાખમાં ૬૧૫૩ મીટર ઊંચાઈએ આવેલું સ્ટોક કાંગરી શિખર સર કર્યું. એ પછી ગંગોત્રી વેલીમાં ૬૫૬૨ મીટર માઉન્ટ ભગીરથી-૨ સર કર્યું. એ પછી ૨૦૧૭માં એક જ મહિનામાં માઉન્ટ થેલુ અને માઉન્ટ સતોપંત સર કર્યા અને એ પછી એવરેસ્ટ સર કર્યો છે.

એવરેસ્ટ જવામાં મેહુલને રોકવાવાળા, હતોત્સાહી કરવાવાળાઓ સાથે કેવી રીતે કામ પાર પાડ્યું તે જાણવું પણ જરૃરી છે. મેહુલના કહેવા પ્રમાણે, તેમના એવરેસ્ટ પર જવાના સપનાથી અળગા રાખવાની કોશિશ કરે તેવા લોકોને તેમણે નજીક જ નથી આવવા દીધા અથવા તો તેમને સતત નજર અંદાજ કર્યા છે. મેહુલ કહે છે, ‘મેં ૫૫ હજાર રૃપિયાની મારી પહેલી સાઇકલ ખરીદી ત્યારે મારો જિગરી દોસ્ત મને મારવા દોડ્યો હતો, પરંતુ મારું એવરેસ્ટ પર જવાનું સપનું પૂરું કરવામાં પણ મારી સૌથી નજીક એ હતો. મને અમર્યાદ લોકોએ મદદ કરી છે. મને લોકોએ ૧૪-૧૫ લાખ રૃપિયાની મદદ કરી છે. એ મદદ પણ કેવી? મારો એક મિત્ર ફરવા જવાનો હતો ત્યારે મેં ફેસબુક પર મૂકેલી પૈસાની ટહેલની તેને ખબર પડી તો તેણે ફરવાનું માંડી વાળીને તરત પૈસા ટ્રાન્સફર કરી દીધા.’

હવે આપણે મેહુલના એવરેસ્ટ આરોહણ સાથે જોડાઈએ. તેને એવરેસ્ટ ચડવા દરમિયાન કેવા પડકારોનો સામનો કરવો પડ્યો, કેવી દિવ્યતા અનુભવાઈ તેની વાતો કરીએ.

——————–   વધુ વિગતો વાંચવા માટે અભિયાન સબસ્ક્રાઇબ કરો   ——————– 

Leave A Reply

Your email address will not be published.

Translate »