તમારા માટે, તમારી સાથે, સતત…

ભાજપ-પીડીપી ગઠબંધનનો અંત – કાશ્મીર હવે કયા માર્ગે ?

ભાજપે પીડીપીને સમર્થન પાછું ખેંચી લીધું

0 206

ઘટનાચક્ર

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક વર્ષની વાર છે અને મોદીની રાજનીતિનો ખરો પ્રારંભ હવે થયો છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપી ગઠબંધનનો અંત એ પહેલું મોટું પગલું છે. કાશ્મીરમાં સૈન્યના ઑપરેશન ઑલ આઉટને કોઈ પણ ભોગે નિષ્ફળ ન થવા દેવાય એનો પ્રચ્છન્ન સંકેત પણ તેમાં છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપીના કજોડાં સમાન સમાન ગઠબંધનનો આખરે લગભગ સાડા ત્રણ વર્ષે અંત આવ્યો છે. ભાજપે પીડીપીને સમર્થન પાછું ખેંચી લેતાં રાજ્યની સંયુક્ત સરકારનું પતન થયું છે. ભાજપના નિર્ણયને પગલે મહેબુબા મુફ્તીએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. ૧૯ જૂનની બપોર પછી ઝડપભેર બનેલા ઘટનાક્રમમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા તુરંત રાજ્યપાલને મળવા પહોંચી ગયા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈની સાથે મળીને સરકાર રચવાના નથી. રાજ્યપાલને મળ્યા બાદ તેમણે પત્રકારો સમક્ષ એ વાત સ્પષ્ટ કરી હતી કે તેમના પક્ષને ૨૦૧૪ની ચૂંટણીમાં જનાદેશ મળ્યો ન હતો. એ જ સ્થિતિ આજે પણ છે અને એથી તેઓ સરકાર રચવા પ્રયાસ કરવાને બદલે રાજ્યમાં રાજ્યપાલના શાસન પછી વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજાય તેમ ઇચ્છે છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પણ કોંગ્રેસ પીડીપીને સમર્થન નહીં આપે એ સ્પષ્ટ કર્યું હતું. આ ઘટનાક્રમ બાદ રાજ્યમાં રાજ્યપાલના શાસન સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.

Related Posts
1 of 269

૨૦૧૪માં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૨૫ બેઠકો મળી હતી. જ્યારે પીડીપીને ૨૮ બેઠકો મળી હતી. એ સિવાય નેશનલ કોન્ફરન્સને -૧૫, કોંગ્રેસને -૧૨ અને અન્યોને ૭ બેઠકો મળી હતી. આ સંજોગોમાં ભાજપ અને પીડીપીમાંથી કોઈ એક પક્ષને સાથે રાખીને જ સરકાર બની શકે તેમ હતી. અત્યંત પેચીદી પરિસ્થિતિમાં ભાજપ અને પીડીપીએ સાથે મળીને સરકાર રચવાનો નિર્ણય કર્યો. આ ગઠબંધન અસાધારણ હતું. એ વખતે પીડીપીના નેતા મુફ્તી મહંમદ સૈયદ હયાત હતા. પીડીપીની એકંદર ઇમેજ પાકિસ્તાન તરફી અને કાશ્મીરના ઉગ્રવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર પક્ષ તરીકેની હતી. આવા પક્ષ સાથે ભાજપે ગઠબંધન કર્યું ત્યારે ભાજપની પણ ભારે ટીકા થઈ હતી, પરંતુ બંને પક્ષોએ જમ્મુ-કાશ્મીરના  વિકાસના એજન્ડા પર સમજૂતી સાધી હતી. અન્યથા આરંભથી જ બંને પક્ષો વચ્ચે અનેક મુદ્દે મતભેદો પ્રવર્તતા હતા. મુફ્તી મહંમદ સઇદે મુખ્યપ્રધાન પદના શપથ લીધા પછી તુરંત જ વિવાદાસ્પદ વિધાન કર્યું હતું અને કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ તેને માટે પાકિસ્તાન અને હુર્રિયતનો આભાર માન્યો હતો. મુફ્તીસાહેબના નિધન પછી તેમનાં પુત્રી મહેબુબા મુફ્તી મુખ્યપ્રધાન બન્યાં.

ભાજપ-પીડીપીની સરકાર રચાયા પછી અનેક બાબતોમાં બંને પક્ષો વચ્ચે વિસંવાદ ચાલતો રહેતો હતો, પરંતુ મહદ્અંશે ભાજપના સરકારમાં રહેલા નેતાઓ અને અન્ય નેતાઓ સરકારને ટકાવી રાખવા માટે સંયમ જાળવી મૌન રહેતા હતા. પીડીપીના નેતાઓ અને ખુદ મહેબુબા મુફ્તીનું વલણ ખુલ્લેઆમ ત્રાસવાદીઓ અને સૈન્યના જવાનો પર પથ્થરમારો કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિનું રહ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથેના ગઠબંધનના શિલ્પી રામ માધવ હતા. આ ગઠબંધનથી દેશભરના ભાજપ કાર્યકરો નારાજ હતા. કાશ્મીરમાં ભાજપે સત્તા માટે સિદ્ધાંતોનું બલિદાન આપ્યું હોવાની વ્યાપક લાગણી પક્ષમાં પ્રવર્તતી હતી. મુખ્યપ્રધાન અને પીડીપીના નેતાઓના વલણને કારણે પક્ષના લોકોની આવી લાગણી દૃઢ થતી જતી અને ભાજપે મોટી ભૂલ કરી હોવાનું અનુભવાતું હતું, પરંતુ ભાજપ જમ્મુ-કાશ્મીરમાં સરકારમાં સહભાગી બનીને પરિસ્થિતિને સુધારવાની એક તક લેવા ઇચ્છતો હતો. ભાજપનો આ પ્રયોગ સરવાળે નિષ્ફળતામાં પરિણમ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમામ પ્રકારના સહકાર અને વિધેયાત્મક વલણનો કાશ્મીરની ખાસ કરીને ખીણ પ્રદેશની જનતા દ્વારા યોગ્ય પ્રતિસાદ મળ્યો નહીં. વડાપ્રધાને જમ્મુ-કાશ્મીર માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરી હતી. તેઓ સતત કાશ્મીરની મુલાકાત લેતા રહ્યા. ખીણપ્રદેશમાં પૂરની ગંભીર પરિસ્થિતિમાં સૈન્ય અને સરકારની અસાધારણ રાહત કામગીરીની એ વખતે તો પ્રશંસા થઈ, પરંતુ તેનાથી કાશ્મીરીઓના સૈન્ય પ્રત્યેના ધિક્કારના વલણમાં કોઈ ફરક પડ્યો નહીં. જાનના જોખમે કાશ્મીરીઓના જીવન બચાવનાર, બીમાર લોકોને લશ્કરી હૉસ્પિટલમાં સારવાર કરનાર, તેમને માટે રક્તદાન કરનાર, તેમને માટે ખોરાક-ભોજન-પાણીની વ્યવસ્થા ભૂખ્યા રહીને, ઉજાગરા કરીને પણ કરનાર સૈન્યના જવાનો પર પથ્થરમારો કરતા અને તેમનાં વાહનોને ઘેરી લઈને જીવલેણ હુમલો કરતાં કાશ્મીરી યુવાનોના હાથોને સંકોચ કે હિચકિચાટ ન થયો, આવું કરનાર બાળકો, યુવાનોના વાલીઓ તેમના પર નિયંત્રણ રાખવા ઉત્સુક જોવાયા નહીં. કાશ્મીરી યુવાનોના શિક્ષણ, રોજગાર અને રમતોમાં પ્રોત્સાહન માટેના ભરચક પ્રયાસ થયા, પણ કાશ્મીરીઓને તેનું જાણે કોઈ મૂલ્ય ન હતું.

——————————-વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો.——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »