તમારા માટે, તમારી સાથે, સતત…

સચોટ આગાહીઓથી ભરેલું મામૈદેવનું સાહિત્ય માગે છે વધુ સંશોધન

મહેશ્વરી સંપ્રદાયના લોકો મહેશ શંકર ભગવાનને ઇષ્ટ દેવ ગણે છે

0 198

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

ફ્રાન્સના ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસની આગાહીઓ આખું વિશ્વ જાણે છે. તેમાંની અમુક સાચી પણ પડી છે. તેની આગાહીઓ જેવી જ અને તેનાથી પણ વધુ સચોટ આગાહીઓ કચ્છમાં જન્મેલા મહેશ્વરી સમાજના ધર્મગુરુ મામૈદેવે કરી છે. તેમનું બેસુમાર સાહિત્ય કચ્છ, સૌરાષ્ટ્ર અને સિંધ (પાકિસ્તાન)માં છૂટુંછવાયું પડ્યું છે. અનેક પ્રકારની શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના કારણે વર્તમાન સમયના અનેક ધર્મગુરુઓ પાસે રહેલું સાહિત્ય અન્યો સુધી પહોંચતું નથી. જો આ સાહિત્ય એકઠું કરી શકાય અને તેનો સઘન અભ્યાસ થાય તો મામૈદેવની વાણીમાંથી ભવિષ્યની અનેક સચોટ આગાહીઓ મળી શકે.

ભવિષ્ય જાણવા માટે દરેક માણસ ઉત્સુક હોય છે, પરંતુ સાચું ભવિષ્ય કથન તો કોઈક જાણકાર જ કહી શકે છે. જોકે આજે આવા જાણકારો મળવા મુશ્કેલ હોય છે. કચ્છ અને સિંધ (પાકિસ્તાન)માં ૧૨મી-૧૩મી સદીમાં થઈ ગયેલા મહેશ્વરી સંપ્રદાયના ધર્મગુરુ મામૈદેવે જે સાહિત્ય રચ્યું છે તેમાં ભવિષ્યવાણીના ૩ લાખથી વધુ દુહાઓ, ખગોળશાસ્ત્રને લગતી માહિતી, ખેતી અને પૃથ્વીને લગતી માહિતી તથા યોગ- સાધના, ચૈતન્ય, સ્વર્ગ- નર્ક વગેરે વિશેના દુહાઓનો સમાવેશ થાય છે. તેમણે જે ભવિષ્યવાણી કરી છે તેમાંની અનેક આજે સાચી પડતી જણાય છે. વર્તમાન સમયમાં પણ ખૂબ આધુનિક લાગે અને વિશ્વાસ કરી ન શકાય તેવી વાતો પણ તેમણે વર્ણવી છે. અગમવાણી સમાજવ્યવસ્થા, દેશ, કાળ પરથી પણ કરવામાં આવી છે. ભવિષ્યમાં લોકમાનસ કેવું હશે તેનો પણ તેમાં નિર્દેશ કરાયો છે. તેમની ભવિષ્યવાણી ૩ લાખથી વધુ દુહાઓમાં હોવાનું કહેવાતું હોવા છતાં આજે ૩ હજારથી પણ ઓછી ઉપલબ્ધ છે. ફ્રાન્સમાં ૧૬મી સદીની શરૃઆતમાં થઈ ગયેલા ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસની વાણી સ્પષ્ટ ન હતી. તેને ઉકેલનારાના મત મુજબ તેનું અલગ-અલગ અર્થઘટન કરાય છે, પરંતુ મામૈદેવની વાણી ખૂબ સ્પષ્ટ અને ચોક્કસ છે. મામૈદેવ કોણ હતા?

મહેશ્વરી સંપ્રદાયના લોકો મહેશ શંકર ભગવાનને ઇષ્ટ દેવ ગણે છે. આ ધર્મના આદ્ય સંસ્થાપક ધણી માતંગ દેવ હતા. તેમના પુત્ર લુણંગદેવ ભગવાન ગણેશના અવતાર ગણાય છે. તેમના પુત્ર માતૈદેવ આયુર્વેદના જ્ઞાતા હતા. માતૈદેવના પુત્ર મામૈદેવ હોવાનું મનાય છે તો કોઈ મામૈદેવને માતંગદેવની ૧૩મી પેઢીના વારસ ગણાવે છે. જોકે બહુસંખ્ય જાણકારો આ માહિતી સાથે સહમત થતાં નથી અને મામૈદેવને માતંગદેવના પ્રપૌત્ર ગણે છે. તેમનો જન્મ ભુજ નજીકના લાખોંદ પાસે આવેલા ગુડપધ્ધર ગામે થયો હોવાનું મનાય છે. તેઓ અથર્વવેદના જ્ઞાતા હતા. સિંધમાં તેમણે પહેલી વખત જ્ઞાનબોધ કર્યો હતો. ત્યાંથી તેઓ હિન્દુ અનુયાયીઓ સાથે કચ્છ આવ્યા હતા અને તે સમયના જાડેજા રાજવીઓમાં રહેલો અંદરોઅંદરનો કુસંપ દૂર કરાવીને સુલેહ કરાવી હતી. તેથી રાજ તરફથી દલિતો પર થતાં અત્યાચારમાં રાહત મળી હતી અને અસ્પૃશ્યતા ઘટવામાં મદદ મળી હતી. તેઓ મુસ્લિમ આક્રમણ વખતે સેનાપતિ તરીકે પણ લડ્યા હતા.

Related Posts
1 of 67

તેમના મૃત્યુની ઘટના એક ચમત્કાર સમી છે. તેમની ધર્મની બહેન રાજપૂત રાણી મકલીબહેનને મામૈદેવના આશિષથી જામનંદાજી નામનો પુત્ર થયો. તે સિંધનો રાજા થયો. તે વખતે સિંધમાં મુસ્લિમોનો પ્રભાવ વિસ્તરી રહ્યો હતો. મૌલવીઓના કહેવાથી રાજા જામનંદાજીએ મામૈદેવની શક્તિના પરચારૃપે દિલ્હીનો બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજી તે સમયે શું કરે છે તે બતાવવાનું કહ્યું અને મામૈદેવે તેને દિલ્હી દરબાર અને બાદશાહનો રંગમહેલ કાંસાના થાળમાં બતાવ્યા આથી જોઈને જામનંદાજી ગભરાયો, મામૈદેવ પોતાના દુશ્મનોને પોતાની ખાનગી વાત જણાવશે એવા ડરથી તેમનો શિરચ્છેદ કર્યો. કપાયેલું મસ્તક નીચે જમીન પર પડવાના બદલે તેમના લાંંબા થયેલા હાથમાં ઝલાયું અને આ મસ્તકને પકડીને તેમનું ધડ સમૈનગરથી મકલી ગામ સુધી ચાલીને પહોંચ્યું, રસ્તામાં તેમણે જગતનું રહસ્ય, સૃષ્ટિનું સર્જન, આવનારા યુગનું ભાવિ નવ લાખ દુહાઓમાં ભાખ્યું. આ દુહાઓને વેદ કહેવાય છે, જે અગમવાણી કે મામૈવાણી તરીકે પણ ઓળખાય છે.

વેરવિખેર અને ગુપ્ત રહેલું સાહિત્ય
તેમનું આ સાહિત્ય લોકકંઠે સચવાયેલું હતું. લાંબા સમય બાદ તે ગ્રંથસ્થ થયું હોવાનું મનાય છે. હસ્તલિખિત ગ્રંથોમાં સચવાયેલું આ સાહિત્ય અત્યારે વેરવિખેર પડ્યું છે. કચ્છ, સિંધ અને સૌરાષ્ટ્રમાં હોવાનું અનુમાન છે, પરંતુ જેમની પાસે આ સાહિત્ય છે તેઓ બીજાને જોવા કે વાંચવા આપતા નથી. તેમ જ જેમની પાસે આ સાહિત્ય છે, તેઓ પોતે તો તે ઉકેલી શકે તેમ નથી. આ સાહિત્ય જૂની કચ્છી અને સિંધી ભાષામાં લખાયેલું છે. આ ભાષા આજે ખૂબ બદલાઈ ગઈ હોવાથી તે સમજવી નિષ્ણાતો માટે પણ અઘરી છે. જોકે મામૈદેવની વાણી સંગ્રહાયેલા હસ્તલિખિતો નિષ્ણાતોને જોવા જ મળતા નથી. આથી અત્યારે તેમના સાહિત્ય પૈકીનું ખૂબ જ થોડું સાહિત્ય અત્યારે ઉપલબ્ધ છે.

મહેશ્વરી ધર્મ શું છે?
મહેશ્વરી ધર્મ એ વૈદિક ધર્મ છે. અથર્વવેદ તેનો માન્ય ધર્મ ગ્રંથ છે. મામૈદેવે વેદોમાં લખાયેલા સાહિત્યને કચ્છી- સિંધીમાં ઉતારીને લોકભોગ્ય બનાવ્યું હતું. વેદોમાં ક્ષુદ્રતાનો કોઈ ઉલ્લેખ નથી. સ્ત્રીઓને પણ વેદોએ સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે. વેદોને જ કેન્દ્રમાં રાખીને ચાલનારા મહેશ્વરી ધર્મની સૌથી મહત્ત્વની બારમતીની ક્રિયા દરમિયાન પણ સ્ત્રીઓને મહત્ત્વ અપાયું છે. બારમતી ક્રિયાની શરૃઆત મહિલાઓ દ્વારા જ થાય છે. આ ધર્મના તમામ ધર્મગુરુઓએ અસ્પૃશ્યતાને દૂર કરવા પ્રયત્નો કર્યા હતા. કલયુગ પછી ફરી સતયુગ (પચોરથ યુગ) આવશે, તે પહેલાંની સ્થિતિનું વર્ણન પણ તેમણે અનેક આગાહીઓમાં કર્યું છે. તેમણે માતંગ દેવ મૂળુરાજાનું નામ ધારણ કરીને ફરી અવતાર લેશે તેમ કહ્યું છે. તેમની અગમવાણીમાં આ અવતાર માટે નકલંક દેવ, મૂળુરાજા, સુરંગી જેવા અલગ-અલગ શબ્દ પ્રયોગ કર્યા છે.

———————વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો.———————

Leave A Reply

Your email address will not be published.

Translate »