તમારા માટે, તમારી સાથે, સતત…

વકીલે સધિયારો આપતાં ઉદયની આંખોમાં ચમક આવી ગઈ

'મેમ તમે પ્રયત્ન કરો તો આજે જ કેસ પૂરો થઈ જાય!'

0 268

નવલકથા – પ્રકરણ – ૧૪

  • કામિની સંઘવી

કૉફી હાઉસની સાઇટ પર જતી વખતે રસ્તામાં કૌશલે તેના કેસ વિશે પૂછપરછ કરતાં કશિશને આશ્ચર્ય થયું. કશિશે રિવિઝન અરજી અંગે આપેલી માહિતી તેણે ધ્યાનપૂર્વક સાંભળી. આ દરમિયાન સાઇટ પર દોરેલું એક વૉલ પેઇન્ટિંગ કશિશને ખૂબ ગમ્યું, પણ કૌશલને તેમાં કંઈ વિશેષ ન જણાયું. કશિશે પાબ્લો પિકાસોના પેઇન્ટિંગની રેપ્લિકા અને ચિત્રનો અર્થ સમજાવ્યો, પરંતુ જ્યારે આ આઇડિયા ધ્યેયનો હતો તેવું જણાવ્યું ત્યારે કૌશલ મૂડ આઉટ થઈ ગયો. થોડા દિવસો બાદ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતાં કશિશ અને કૌશલ કૉફી શોપના ઉદ્ઘાટનનો દિવસ નક્કી કરતાં હતાં ત્યારે રાહુલે ફોન કરી કોર્ટમાં હિયરિંગની માહિતી આપી. બીજા દિવસે કશિશ કોર્ટ જવા તૈયાર થઈ ત્યારે તેની સાથે જવા કૌશલ પણ તૈયાર થયો. આથી કશિશ પણ તેના વર્તનને લઈને વિચારમાં પડી. બંને સાથે સેશન્સ કોર્ટ પહોંચ્યાં. કૌશલને કોર્ટમાં આવેલો જોઈ ઉદય તેની તરફ ગયો અને તેની સાથે હાથ મિલાવ્યા, જ્યારે કશિશને જાણીજોઈને નજરઅંદાજ કરી તેની તરફ કટાક્ષ પણ કર્યાે. આનાથી તમતમી ગયેલી કશિશને કૌશલ અને ઉદયનું વર્તન વિચિત્ર લાગ્યું. તેણે ધ્યેયની ઓફિસમાં પહોંચી પોતાનો ગુસ્સો ઠાલવ્યો. આખી વાત જાણી ધ્યેયે મેસેજ કરી કૌશલને ઉદય પાસેથી બોલાવી લીધો. ઉદયને કટાક્ષ કરવાનો મોકો કૌશલે આપ્યો તે કશિશને ન ગમ્યું. ધ્યેયે વાતને આટલી ગંભીરતાથી ન લેવા કશિશને સમજાવ્યું, પણ કશિશની નારાજગી ન ગઈ. જજે મૅજિસ્ટ્રેટ કોર્ટને સમર્થન આપતો ચુકાદો જાહેર કરી ઉદય અને મહેન્દ્રભાઈ સામે ટ્રાયલ ચલાવવાનો આદેશ કર્યાે. આથી ઉદય નિરાશ થઈ ગયો. ઉદયને નિરાશ જોઈ તેના વકીલ લાકડાવાલાએ તેમના ભાથામાં હજુ ઘણા હથિયાર પડેલાં છે તેવો સધિયારો આપ્યો. આ સાંભળી ઉદયની આંખોમાં ચમક આવી ગઈ.

   હવે આગળ વાંચો…

‘કેસ જીતવા માટે કયા-કયા હથિયાર છે આપણી પાસે?’ ઉદયે એના વકીલ નીતિન લાકડાવાલાને પૂછ્યું એટલે એમણે રહસ્યમય સ્મિત કરતા કહ્યું,

‘તમે મને છૂટો દોર આપી શકો?’

નીતિનભાઈની વાત ઉદયને સમજાય નહીં.

‘એટલે?’ એણે પૂછ્યું,

‘તમે એ કહેવત જાણો છો ને,

‘એવરિથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વૉર!’ બસ, આપણે હવે આ જ કરવાનું છે. જો તમે પરમિશન આપતા હોવ તો!’

‘એમાં પરમિશનની શી જરૃર છે? મારે આ કેસ જીતવો છે…બસ…!’ ઉદયે કહી દીધું. આ સાંભળીને બંનેની સહેજ પાછળ ચાલતા મહેન્દ્રભાઈના પગ થંભી ગયા. આ વાત એમના માટે આઘાતજનક હતી. એમની વય એમને સાવચેત કરતી હતી કે વકીલ જે કહે છે તેનો અર્થ શું થાય. મહેન્દ્રભાઈ ઝડપથી ચાલીને ઉદય અને નીતિનભાઈ સાથે થઈ ગયા.

‘ભાઈ નીતિન, તું કેસ ગમે તે રીતે લડે, પણ મારી દીકરી પર કોઈ લાંછન નહીં લગાવતો ભાઈ! બસ, એના ચરિત્ર પર ડાઘ લગાવવાનું કામ નહીં કરતાં! ભલે હું કેસ હારી જાવ..!’ મહેન્દ્રભાઈની આંખમાં લાચારી હતી. વૃદ્ધ અને અશક્ત પિતાની આંખમાં હોય તેવી બેબસી. એકાદ ક્ષણ ઉદયનું દિલ હચમચી ગયું, પણ બીજી પળે એને કશિશે લગાવેલા આરોપ યાદ આવ્યા, ‘તમારી દીકરીએ મારી ઉપર કાંઈ વિતાડવાનું બાકી રાખ્યું છે? તો ય હજુ તમે એનો જ પક્ષ લો છો?’ ઉદયના ચહેરા પર ગુસ્સો તો હતો, પણ સાથે-સાથે નારાજગી પણ હતી.

‘આપણે બેઉ જણે જે કર્યું તે એને પૂછ્યા વિના કર્યું હતું. એટલે ભલે હું બીજું સમજતો ન હોવ, પણ એટલું સમજું છું કે એનું દિલ ખૂબ દુઃભાયું હશે ત્યારે જ આમ મારા પર કેસ કર્યો હશે ને?’ મહેન્દ્રભાઈ દીકરીના દિલની વેદના સમજતા હતા. આખરે કશિશ એમની વહાલસોયી દીકરી હતી. છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય, પણ અહીં તો ઊલટું જ થયું હતું અને એ જ વેદના એમને ખળભળાવતી હતી.

અત્યાર સુધી બાપ-દીકરા વચ્ચે ચાલતી વાતચીત ચુપચાપ સાંભળતા નીતિનભાઈ વચ્ચે બોલ્યા, ‘અંકલ…તમે ફિકર ન કરો. તમે કહ્યું તે બાબતનું હું ધ્યાન રાખીશ.’ એમ કહીને નીતિનભાઈએ ઉદયને ચૂપ રહેવા ઇશારો કર્યો એટલે એ કશું બોલ્યો નહીં. બધા ગાડી પાસે આવ્યા એટલે નીતિનભાઈએ દરવાજો ખોલીને મહેન્દ્રભાઈને બેસાડી દીધા.

‘અંકલ તમે બેસો, અમે પાન ખાઈને આવીએ!’

બંને પાનના ગલ્લે ઊભા રહ્યા, ઉદયે બે કલકત્તી મીઠા પાનનો ઓર્ડર આપ્યો. નીતિનભાઈએ સિગારેટ સળગાવી.

‘અંકલે કહ્યું તેવું કરવાનું છે આપણે?’ નીતિન લાકડાવાલાએ સિગારેટના કશ લેતાં પૂછ્યું,

‘તમે શું કહો છો?’ ઉદય એમની સામે જોઈ રહ્યો.

‘કેસ જીતવો હોય તો મેં કહ્યું છે તે એક જ રસ્તો છે.’

ઉદય અસમંજસમાં તાકી રહ્યો. એની નજર સામે નાનપણથી લઈને કશિશનાં લગ્ન થયાં ત્યાં સુધીની બધી ઘટનાઓ રીલ માફક ફરી ગઈ. એવું તો ન હતું કે એને કશિશ પ્રત્યે વહાલ ન હતું, પણ એ સમજતો હતો કે મોટાભાઈ તરીકે એણે જે કાંઈ પણ કર્યું તે યોગ્ય જ કર્યું છે. કશિશને બહાર ભણવા જવા ન દીધી એ એની ભૂલ હતી, પણ ઉદયને કદી એવું લાગ્યું ન હતું,

Related Posts
1 of 279

‘હું વિચારીને કહું.’

* * *

‘કૉફી હાઉસનું ઓપનિંગ ક્યારે કરવું છે?’  બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ સમયે કૌશલે પૂછ્યું એટલે કશિશને આનંદ થયો કે ચાલો, કૌશલે આજે સમજદારી દેખાડી, કદાચ કાલે કોર્ટમાં લોચો માર્યો હતો ત્યારે ધ્યેયે એને સાચવી લીધો હતો એટલે કૌશલનું વર્તન બેલેન્સ થયું લાગે છે.

‘પાંચ જુલાઈ રાખીએ?’ કશિશે પૂછ્યું,

‘પણ તે વર્કિંગ ડે છે, લોકો આવશે?’ કૌશલને શક હતો કે ચાલુ દિવસે લોકો એટલા બધા વ્યસ્ત હોય કે કશે જવાનું બહુ પસંદ ન કરે.

‘લુક, જે લોકો ખરેખર આપણું ભલું ઇચ્છે છે તે ચોક્કસ આવશે. બાકી ફોર્માલિટી માટે આવતાં લોકો આવે કે ન આવે એની આપણે ચિંતા કરવી ન જોઈએ.’ કશિશે ચોખ્ખેચોખ્ખું કહ્યું.

‘હમમ..યુ આર રાઇટ! તો પાંચ જુલાઈ ફિક્સ રાખીએ. ઑફિસ જઈને હું તને કાર્ડની ડિઝાઇન મોકલાવું છું. તું પસંદ કરી લેજે.’

‘નો… મારે કશુંક યુનિક કરવું છે.

આપણે એવું કરી શકીએ કે કૉફી હાઉસમાં શું છે તેવા કાર્ડ ડિઝાઇન કરીને સાથે કૉફીના એક-બે સેમ્પલ મોકલીએ? લોકો ટેસ્ટ કરે અને એમને પસંદ આવશે તો તરત જ કૉફી હાઉસ આવશે. તેવું કરી શકાય?’ કશિશે પોતાનો આઇડિયા કહ્યો અને કૌશલ સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

‘ગ્રેટ…હું ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને મોકલું છું. તું એની સાથે ડિસ્કસ કરી લેજે.’ કૌશલે પોઝિટિવ રિપ્લાય આપ્યો એટલે કશિશને ગમ્યું. થોડા દિવસ પછી કશિશ સતત કૉફી હાઉસના કામકાજમાં બિઝી રહી. આમ તો એણે બધું ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને સોંપી દીધું હતું, પણ એના પર પર્સનલ ધ્યાન રાખતી હતી. જેથી કરીને બધું કામ ચોકસાઈથી થાય. એ દરમિયાન એ રાહુલના કોન્ટેક્ટમાં હતી, કારણ કે પચીસ જૂને કોર્ટમાં ડેટ હતી અને ત્યારે પ્લી રેકોર્ડ થશે એટલે કે આરોપીઓ ઉદય શાહ અને મહેન્દ્ર શાહ પર ચાર્જીસ ફ્રેમ થશે. એટલે કેસ આગળ વધશે.

પચીસ તારીખે સવારે બ્રેકફાસ્ટ સમયે જ કશિશે કૌશલને જાણ કરી.

‘આજે કોર્ટમાં ડેટ છે…મહત્ત્વનો દિવસ છે. કૉફી હાઉસના કેટલાંક ઇન્વિટેશન પર્સનલી આપવાના છે એ મેં મારા ગ્રૂપમાં આપી દીધા છે. હવે તું તારા ગ્રૂપમાં પણ આપી દેજે.’

‘ઓ.કે…’ કૌશલે કોર્ટમાં આવવા વિશે કે કેસ વિશે કશું કહ્યું નહીં. તેથી કશિશને રાહત થઈ.

કશિશ કોર્ટમાં પહોંચી ત્યારે રાહુલ આવી ગયો હતો. રાહુલે આજે પ્લી રેકોર્ડ થશે તેની વિગત સમજાવીને કહ્યું,

‘મેમ તમે પ્રયત્ન કરો તો આજે જ કેસ પૂરો થઈ જાય!’ રાહુલની આવી ઓચિંતી સલાહથી કશિશ ચોંકી ગઈ.

‘રિયલી? કેવી રીતે?’ કશિશના ચહેરા પર ભારોભાર આશ્ચર્ય હતું.

‘ઇમોશનલ બ્લેકમેઇલ.’ પછી રાહુલે વિગતવાર સમજાવ્યું. પછી બોલ્યો,

‘એટલે કે તમે તમારા પપ્પાને કહો કે આજે પ્લી રેકોર્ડ થાય ત્યારે એમના પરના આરોપ કોર્ટમાં કહેવામાં આવશે પછી છેલ્લે પૂછવામાં આવશે કે આ આરોપ તમને મંજૂર છે? જો તમારા પપ્પા ત્યારે કહી દે કે આરોપ મંજૂર છે. એટલે તરત જ કેસનો ફેંસલો આવી જાય અને એમને સજા થઈ જાય અને કેસ પૂરો.’

——————————.

નવલકથાની આગળની કડી વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »