તમારા માટે, તમારી સાથે, સતત…

સરનામાં બદલતી આ જિંદગી

પોતે જીવતો છે તે હકીકત જ તેને પરમ આશ્ચર્ય જેવી લાગતી હતી.

0 84
  • ભૂપત વડોદરિયા

રશિયાનો મહાન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કી હજુ સત્તર વર્ષનો કિશોર હતો ત્યારે તેણે ઉંમરમાં એક જ વર્ષ મોટા અને એકમાત્ર મિત્ર જેવા તેના મોટા ભાઈ મિખેઈલને એક પત્રમાં લખ્યું હતું ઃ ‘માણસ એક રહસ્ય છે. એનો ભેદ પામવો જોઈએ અને એ રહસ્ય પામવામાં તમારે આખી જિંદગી વિતાવવી પડે તોપણ તમે એવું માનશો નહીં કે તમારી જિંદગી નકામી ગઈ છે. માણસનું આ રહસ્ય મારું સમગ્ર મન રોકી રહ્યું છે, કેમ કે મારે માણસ બનવું છે.’

દોસ્તોવસ્કીની છ દાયકાની જિંદગી જાણે માણસને પામવા માટેની એક કોશિશ જેવી લાગે છે. તે લેખક તરીકે મહાન બન્યો, પણ તેનું રહસ્ય પણ એ જ કે તે માણસના હૃદય સુધી પહોંચવાની સતત મથામણ કર્યા કરે છે. આમ જુઓ તો એની જિંદગી દુઃખના એક દરિયા જેવી છે. તદ્દન અદનો માણસ છે. કોઈ પણ સામાન્ય માણસ જેવો જ વહેમી છે, એવો જ ઢીલો છે, લઘુતાગ્રંથિથી પીડાય છે, આત્મવિશ્વાસની કમી છે – પણ સામે કટોકટીની ક્ષણ આવીને ઊભી ન રહે ત્યાં સુધી જ તે આવો નરમ-નિર્બળ લાગે છે. જેવી કસોટી-કટોકટી સામે આવી કે તરત તે એકદમ ટટ્ટાર, મક્કમ અને પોલાદી બની જાય છે. આખી જિંદગી એ દેવાદારનો દેવાદાર રહ્યો – પંચાવન વર્ષની ઉંમરે તેણે નાનકડું ઘર ખરીદ્યું – પોતાના માલિકીનું આ એનું પહેલું અને છેલ્લું ઘર. જિંદગીમાં નહીં નહીં તોય વીસ વાર પોતાનું સરનામું બદલવું પડ્યું હતું. શાહુકારો તેના લોહીના તરસ્યા હતા અને એ અહીંથી તહીં સંતાકૂકડી રમ્યા કરતો હતો, પણ એ તો જિંદગીને જુદી રીતે જ જોતો હતો. એને મન તો જિંદગી ‘માણસનું રહસ્ય’ પામવા માટેની એક વિકટ યાત્રા હતી.

પોતે જીવતો છે તે હકીકત જ તેને પરમ આશ્ચર્ય જેવી લાગતી હતી. તે વારંવાર પોતાની જીભ જોયા કરતો. તે વારંવાર પોતાની નાડી પણ જાતે તપાસ્યા કરતો. તેને વાઈનું દરદ હતું અને શ્વાસની તકલીફ હતી. તબિયતની બીજી નાની-નાની ગરબડોનો પાર નહોતો. એના દાદા પાદરી હતા – તેથી જ કદાચ જિંદગીનાં અસહ્ય દુઃખો વચ્ચે પણ તે કોઈ ઊંડી શ્રદ્ધાના બળે અડગ અને ભાંગી ગયા વગર ઊભો રહી શક્યો હશે. તેના પિતા દાક્તર હતા. દોસ્તોવસ્કી માનવીના જટિલ મનોવ્યાપારોનું આબાદ પૃથક્કરણ તબીબી નિર્મમતાથી કરી શકે છે. તે ખુદ પોતાના ખોળિયાની બહાર નીકળીને પોતાની જાતને પણ નીરખી શકે છે. બહુ થોડા માણસોએ આટલી નિર્દયતાથી ખુદ પોતાની જાતનું આટલું બારીક નિરીક્ષણ-પરીક્ષણ કર્યું હશે.

Related Posts
1 of 140

જિંદગીભર એ પ્રતિકૂળ સંજોગો સામે લડતો રહ્યો હતો અને જિંદગીની અનેક પીડાઓ અને પ્રશ્નોને કાગળ ઉપર આલેખવા મથતો રહ્યો હતો. એના સંજોગોનો ગેરલાભ ઉઠાવવામાં કોઈએ કશું બાકી રાખ્યું નહોતું, પણ દોસ્તોવસ્કી મોટા ભાગે પોતાની સર્જનપ્રવૃત્તિમાં જ આશ્વાસન અને આશ્રય શોધતો રહ્યો હતો. દોસ્તોવસ્કી માણસની સમાનતામાં માને છે- સમાજવાદમાં માને છે, પણ એનો સમાજવાદ ઈસુ ખ્રિસ્તનો સમાજવાદ છે. એક માણસ બીજા માણસને પોતાના જેવો જ ગણે, એની પ્રત્યે કરુણા દાખવે તો માણસની અને આ સંસારની સિકલ બદલાઈ જાય.

પણ માણસ માણસની સાથે કરુણાનો વ્યવહાર રાખતો નથી. તે ઈશ્વરને મદદ કરવા તૈયાર છે, પણ માણસને મદદ કરવા તૈયાર નથી! તેને એટલો ખ્યાલ પણ આવતો નથી કે ઈશ્વરને માણસની મદદની કોઈ જરૃર નથી. તે ભૂખ્યો હોય તોય તમારા ભાવનો ભૂખ્યો હોઈ શકે છે. બાકી તમારી કાળી કે ધોળી લક્ષ્મીની એને કંઈ જરૃર નથી, પણ આપણા દેશમાં ધર્મનું જે વ્યાપક વેપારીકરણ થઈ રહ્યું છે તે જોઈએ ત્યારે એમ થાય કે ઈશ્વરના નામે, ધર્મના નામે આ કેટલું મોટું ધતિંગ ચાલે છે અને આપણે સૌ અર્ધ-ઉઘાડી આંખે આ બધું જોઈ રહ્યા છીએ.

મથુરામાં કંસના કારાવાસમાં જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો તે કૃષ્ણની જન્મભૂમિ તમને બતાવવા માટે બિચારા કેટલાય ગરીબ જુવાનો પડાપડી કરે છે. યાત્રીને મૂંઝવી દે છે. બસ પાંચ જ રૃપિયા/દસ જ રૃપિયા! તમને કૃષ્ણની ભૂમિ બતાવું, સરસ દર્શન કરાવું. બીજાં જોવાલાયક સ્થળો પણ બતાવું! હું ભિખારી નથી, હું ગરીબ વિદ્યાર્થી છું! તે છોકરો ખરેખર વિદ્યાર્થી હોવાનો પુરાવો પણ રજૂ કરે છે. તમે વૃંદાવનમાં જાઓ કે ગોકુળમાં જાઓ – એક બાજુ ભગવાનની મૂર્તિ પાસે નાણાનો ઢગલો થયા કરે છે અને બીજી બાજુ આ ગરીબ કિશોરો જુવાનો પાંચ-દસ રૃપિયા માટે ટળવળે છે. ગોકુળમાં તો માત્ર પાંચ રૃપિયાના બદલામાં, કંસના કારાવાસમાંથી મેઘલી રાતે શિશુ કૃષ્ણને લઈને યમુના નદી પાર કરીને સામા કાંઠા પર જે સ્થળે વસુદેવ આવી પહોંચ્યા હતા તે સ્થળ બતાવવા એક યુવાન અતિ ઉત્સુક હતો, પણ ગોકુલ ગામનો જ બીજો યુવાન પોતાનો હક છીનવાઈ ગયો હોય તેમ પેલા યુવાનની મારપીટ કરવા સુધી પહોંચી ગયો. માત્ર પાંચ જ રૃપિયા માટે! આ તો  બિચારા લાચાર ગરીબ જુવાનો છે. તેમને કાંઈક કામ જોઈએ છે, પણ કશું કામ મળતું નથી એટલે આવી રીતે ભોમિયાની ભૂમિકા ભજવવા મથી રહ્યા છે, પણ કોઈ મંદિરની અંદર પગ મુકો – માખીઓની જેમ માણસો યાત્રીઓને ચોંટી પડે છે. પચાસ રૃપિયા આપો – તમને તદ્દન નજીકથી દર્શન કરાવું! સો રૃપિયા આપો – તમને મૂર્તિની ખૂબ નજીક લઈ જાઉં! બધે જ જાણે કળિયુગની કાળી લક્ષ્મીની છાયામાં ભગવાન ઢંકાઈ ગયા છે.

કોઈને એટલું સમજાતું નથી કે ઈશ્વરને ધનની આવી કોઈ જરૃર નથી. ધાર્મિક સ્થાનો બાંધવાની રીતસર હરીફાઈ આપણા દેશમાં જુદા-જુદા પંથના સમર્થકો વચ્ચે ચાલ્યા જ કરે છે. ઠેર-ઠેર જાણે વેપારી પેઢીઓની શાખાઓ ફેલાઈ રહી છે અને સર્વત્ર આ રૃપિયો જ જાણે ઈશ્વર સુધી પહોંચવાનું એકમાત્ર પૈડું હોય તેવું દેખાય છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »