તમારા માટે, તમારી સાથે, સતત…

વ્યંગરંગ – હાય હાય! હવે?

'બહુ મોટી કૃપા થશે દેવી પણ કાલની ચાનું કેમ કરશું?'

0 88
  • કલ્પના દેસાઈ

‘હાય હાય!’

‘શું થયું?’

‘હે ભગવાન!’

‘અરે, શું થયું?’

‘અરેરે…’

‘હવે કંઈ બોલશે કે આમ જ મને બિવડાવ્યા કરશે?’

‘આ દૂધ ઊભરાઈ ગયું.’

‘હા તો એમાં દુનિયા લૂંટાઈ ગઈ હોય એમ જાતજાતના અવાજો કેમ કાઢે છે? છો ઊભરાઈ ગયું તો. બીજું મગાવી લે.’

‘બોલ્યા, બીજું મગાવી લે. આજે ભારત બંધ છે તે યાદ છે ને?’

‘આજે બંધ છે? આવતી કાલે બંધ રહેવાનું હતું તે આજે બંધ કરી દીધું?’

‘આજે એક પક્ષવાળાએ બંધ રખાવ્યું છે અને કાલે એના વિરોધી પક્ષે બંધ રખાવ્યું છે.’

‘ઓહ, એવું છે? મારા કેમ ધ્યાન બહાર રહ્યું? ચાલ, હશે હવે. આપણે તો આ બધા બંધથી ટેવાઈ ગયા છીએ. લાવ તું ચા મૂકી દે એના કરતાં.’

‘તે મેં હાય હાય ‘ને અરેરે ‘ને હે ભગવાન શેનું કરેલું?’

‘શેનું?’

‘લો, એટલુંય ભૂલી ગયા?’

‘હવે તું સવાલ બહુ પૂછે યાર. કહી દે ને જે હોય તે.’

‘તમે મારી વાત ધ્યાનથી ક્યારેય સાંભળી છે?’

‘તો હમણાં શું કરું છું?’

‘તો કેમ પૂછ્યું કે શાનું હાય હાય કર્યું ‘ને ભગવાનને કેમ યાદ કર્યા?’

Related Posts
1 of 14

‘હે ભાગ્યવાન! હું કાન પકડું બસ? તેં કેમ હાય હાય કરેલું?’

‘દૂધ ઊભરાઈ ગયું છે અને હવે ઘરમાં ચા મૂકવા જેટલુંય દૂધ નથી અને બે દિવસ ભારત બંધ છે. બોલો, હવે સમજ પડી? ‘ને યાદ રહ્યું તમને?’

‘હે ભગવાન!’

‘હવે યાદ આવ્યા ભગવાન?’

‘ઓહો! આ તો તો બહુ મોટી ઉપાધિ થઈ ગઈ. હવે તો ભગવાનેય ચાની વ્યવસ્થાય નહીં કરી શકે. અરેરે! ચા વગર કેમ ચાલશે? તારે થોડું તો ધ્યાન રાખવું જોઈએ ને?’

‘લો, તમે મારા પર ઢોળી દીધું. હવે હું એક જ મિનિટ આમતેમ થઈ એમાં દૂધ ઊભરાઈ ગયું તેમાં હુંય શું કરું? બધે કેટલેક મરું?’

‘અરે ભાઈ! દૂધ માટે નથી કહેતો કે તને એના માટે દોષ નથી આપતો. ઊભરાય હવે, દૂધ છે તો ઊભરાય પણ ખરું ને બળે પણ ખરું. મેં ક્યારેય એના માટે તને કંઈ કહ્યું છે? આ તો ભારત બંધ રહેવાનું તે જો તને ખબર હતી તો તારે વધારાનું દૂધ લાવી મૂકવાનું હતું ને? એક તો ટીવીમાં ઢોળાતા દૂધને જોઈને અફસોસ કરવાનો અને ઘરમાં દૂધના એક ટીપા માટે કકળાટ કરવાનો. આ તો શું કે તને યાદ હોત તો સારું થાત. મારે આમ ચા વગર તો ટળવળવું ન પડત. હવે બહાર પણ બધું

બંધ હશે. ચા પીવાની તકલીફ પડવાની આ તો.’

‘ભારત બંધની આખા ભારતને ખબર હોય ને તમને ખબર ના હોય એમ કેમ બને? આખો દિવસ તો સમાચારમાં ઊંચાનીચા થયે રાખતા હો ત્યારે તમને એટલુંય યાદ ના રહ્યું? બસ, મારો વાંક કાઢીને છૂટી પડવાનું. મને ખબર હતી એટલે જ તો અફસોસ થયો. આ વધારાનું દૂધ જ હતું.’

‘અરેરે!’

‘હવે તમેય મારી જેમ હાય હાય કરવા ના બેસતા. આ મલાઈ ચોંટી છે તપેલીમાં તેમાં પાણી નાંખીને ચા બનાવી આપું, બેસો.’

‘બહુ મોટી કૃપા થશે દેવી પણ કાલની ચાનું કેમ કરશું?’

‘હવે આજની ચા તો પીઓ, કાલની વાત કાલે. સાંજે હું પાડોશણને ત્યાં જઈને વાતવાતમાં જાણી લઈશ ‘ને દૂધની વધારાની એકાદ કોથળી માગી લાવીશ.’

‘એમને ત્યાં પણ દૂધ ઊભરાઈ ગયું હશે તો?’

‘હવે તમે ઊંધુંચત્તું વિચારવાનું રહેવા દો તો સારું. એમના હસબન્ડ તો બહુ હોશિયાર છે. ભારત બંધની ખબર પડતાં જ અઠવાડિયાનો સામાન લાવીને મૂકી દીધો હશે.’

‘ઓહ! હવે એમના હસબન્ડ સારા થઈ ગયા! હે ભગવાન! અહીં કોઈ ગમે તેટલું કરશે પણ સારા તો બાજુવાળીના હસબન્ડ જ લાગવાના. જેવા નસીબ, બીજું શું? મારા નસીબમાં તો ડફણાં જ ખાવાના છે. આખી જિંદગી ઘરના માટે ઘસી કાઢી, પણ સારા તો બાજુવાળીના હસબન્ડ જ, વાહ! શું જમાનો આવ્યો છે? મારા જ ઘરમાં, મને જ આવું ઇનામ મળશે તે ખબર નહોતી.’

‘હાય હાય!’

‘હવે શું થયું? હવે મહેરબાની કરીને એ જ બધું પાછું, અરેરે! ને હે ભગવાન! કહીને રડવા નહીં બેસતી.’

‘કંઈ નહીં, અહીં તમારા લવારા સાંભળવામાં પેલી મલાઈવાળી ચા પણ બળી ગઈ.’

‘હાય હાય! હવે?’
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »