તમારા માટે, તમારી સાથે, સતત…

હાર્દિકનો ફરી ભાજપ સામે મોરચો કે અસ્તિત્વ માટે જંગ?

ચૂંટણી સુધી આવો માહોલ જાળવી રાખવામાં સફળ થશે?

0 215

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

હાર્દિક પટેલ ફરી એકવાર પાટીદારોના મુદ્દાઓ લઈને મેદાનમાં આવ્યો છે. પાસની ટીમના સાથીદારોએ સાથ છોડયા બાદ હાર્દિકે ધ્રાંગધ્રા પાસેના માલવણમાં પાટીદાર ન્યાય મહાપંચાયત યોજીને ફરી એકવાર ભાજપ સામે મોરચો માંડ્યો છે. મહાપંચાયતનો આ કાર્યક્રમ રાજ્યના રાજકારણમાંથી હાર્દિક ફેક્ટર હજુ હટ્યું નથી તેવો સંકેત આપવા માટેનો હતો તેમ મનાઈ રહ્યું છે.

Related Posts
1 of 269

છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર આંદોલન પણ શાંત હતું. વિધાનસભાની ચૂંટણીઓ પછી હાર્દિક પટેલ પણ એક્ટિવ હતો નહીં. હવે ફરી એકવાર પાટીદાર અનામત સહિતના મુદ્દાઓને લઈ હાર્દિક પટેલ એક્ટિવ બન્યો છે. પાસની ટીમના કેટલાક સાથીદારોએ સાથ છોડ્યા છતાં હાર્દિક પટેલે તા. ર૬મીએ ધ્રાંગધ્રા નજીકના માલવણ ગામમાં પાટીદાર ન્યાય મહાપંચાયત કાર્યક્રમ યોજી પોતે હજુ મેદાનમાં છે તેની નોંધ લેવડાવી છે. પાટીદાર મહાપંચાયતના આ કાર્યક્રમમાં માણસો ભેગા કરવામાં હાર્દિક અને તેની ટીમ સફળ રહી હતી. ૧પ હજાર લોકોની હાજરીનો દાવો તેની ટીમ કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ અપાયંુ હતું, પણ અપેક્ષા મુજબ કોંગ્રેસના ધારાસભ્યો જ હાજર રહ્યા હતા, જ્યારે ભાજપના ધારાસભ્યો કે કોઈ આગેવાનો આવ્યા ન હતા. કોંગ્રેસના ૧૩ ધારાસભ્યોએ હાજરી આપી પાટીદારોની અનામતની માગણી સહિતના મુદ્દાઓને સમર્થન આપ્યું હતું. ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે મંચ પર મહાપંચાયતનું મોટું બેનર હતું, પણ આયોજક સંસ્થાનું નામ ક્યાંય નજરે ચડે તેવી રીતે ન હતું. આયોજક ટીમના એક સભ્ય કહે છે, પાસની સ્થાનિક તાલુકા – જિલ્લા ટીમ દ્વારા આ કાર્યક્રમ થયો હતો. માલવણનો મહાપંચાયતનો કાર્યક્રમ સફળ થતા હાર્દિક પટેલ અને તેની ટીમ ફરી એકવાર ફોર્મમાં આવી ગઈ છે. આ કાર્યક્રમમાં હાજરી આપનાર એક પાટીદાર નેતા કહે છે, રાજ્યના રાજકારણમાં પોતાની હાજરી બતાવવા અને પાટીદાર અનામત આંદોલન હજુ પૂરું થયું નથી તે બતાવવામાં હાર્દિક પટેલ હાલ તો સફળ થયો છે. આ કાર્યક્રમ થકી ફરી એકવાર હાર્દિકે ભાજપ સામે મોરચો ખોલ્યો છે. જોકે તે ર૦૧૯ની લોકસભાની ચૂંટણી સુધી આવો માહોલ જાળવી રાખવામાં સફળ થશે કે નહીં તે તો સમય જ કહેશે. માલવણના મહાપંચાયતના કાર્યક્રમમાં હાર્દિકે જે રીતે ભાષણ આપ્યું તે જ બતાવે છે કે તેણે ફરી એકવાર ભાજપ સામે બાંયો ચડાવી છે. હાર્દિકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાન પર પ્રહારો કર્યા હતા. વિધાનસભાની ચૂંટણીઓ વખતે જેવું ભાષણ આપતો તેવું માલવણમાં હાર્દિકે ભાષણ આપ્યું હતંુ. હાર્દિક સિવાયના મોટા ભાગના વક્તાઓએ પણ ભાજપ સામે રોષ વ્યક્ત કરતાં નિવેદનો કર્યાં હતાં. ફરી એક વાર પાટીદાર અનામત અને શહીદ થયેલા ૧૪ પાટીદાર યુવાનોને ન્યાય અપાવવાના મુદ્દે લડત આપવાની મંચ પરથી હાકલ કરવામાં આવી હતી.

માલવણમાં યોજાયેલો પાટીદાર મહાપંચાયતનો કાર્યક્રમ નેતાઓના વાણી વિલાસને લઈને પણ વિવાદમાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનાં માતુશ્રી વિશે કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને વિવાદ જાગ્યો છે. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ ભવન પહોંચી વિરજી ઠુંમર માફી માગે તેવી માગણી કરી હતી. આ કાર્યક્રમમાં હાર્દિક પટેલે પણ અતિ ઉત્સાહમાં આવી જઈ વડાપ્રધાન અને ભાજપના નેતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. કેટલાક શબ્દો તો લખી શકાય તેવા નથી. કાર્યક્રમમાં હાજર કોંગ્રેસના એક પાટીદાર ધારાસભ્ય કહે છે, કોઈ પણ પક્ષ કે સંસ્થાનો જાહેર કાર્યક્રમ હોય તેમાં મંચ પરથી બોલવામાં મર્યાદા રહેવી જોઈએ. ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષે સંયમ રાખવો જોઈએ, પણ અફસોસ એ વાતનો છે કે આજના રાજકારણમાં હવે આવી અપેક્ષા રાખવી નિરર્થક બની છે.

——————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »