તમારા માટે, તમારી સાથે, સતત…

પાસ-ઠાકોર સેનાનાં સંગઠનોમાં ભંગાણ

‘પાસ’ અને ઠાકોર સેનામાં ભંગાણ - ઠાકોર સેવા સંઘનો અલગ ચોકો

0 271

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

ભાજપ સરકાર માટે વિધાનસભાની ચૂંટણીમાં પરેશાની ઊભી કરનાર પાસ સંગઠનમાં ભંગાણ પડ્યું છે. આવું જ ઠાકોર સેનામાં થયું છે. ઠાકોર સેવા સંઘનો અલગ ચોકો ઊભો થયો છે. ગુજરાતના રાજકારણમાં મોટી અસર ઊભી કરનારાં આ બે મુખ્ય સંગઠનો નબળાં પડતાં હવે ફાયદો કોને થશે સરકારને કે સમાજને? એવો સવાલ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતના રાજકારણ અને જાહેરજીવનમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને ઠાકોર સેના ખાસ્સી ચર્ચામાં રહી છે. સમાજ સેવાના ઉદ્દેશ્યથી રચાયેલાં આ બંને સંગઠનોએ રાજ્યના રાજકારણને મોટી અસર કરી હતી, પણ હવે આ બંને સંગઠનોએ સામાજિક અને રાજકીય રીતે પક્કડ ગુમાવી દીધી છે. પાસના હાર્દિક પટેલ અને ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરનો હવે સમાજમાં પડ્યો બોલ ઝીલાતો નથી. તેમના જ સાથીદારો અલગ પડી રહ્યા છે. પહેલા વાત કરીએ પાસ સંગઠનની તો આ સંગઠન દ્વારા રાજ્યભરમાં અનામતના આંદોલનને ચલાવવામાં આવ્યંુ અને આ આંદોલનની અસર રાજકીય રીતે એટલી તીવ્ર રહી કે આનંદીબહેન પટેલની સરકારનો ભોગ લેવાયો અને હાર્દિક પટેલ હીરો બની ગયો. વિધાનસભાની ચૂંટણી આવતાં સંગઠનમાં ફાટફૂટનાં બીજ રોપાયા હતા. સંગઠનના નામે રાજકીય લાભ લેવા માગતા આગેવાનોએ રાજકીય પક્ષો પાસેથી ટિકિટ લીધી ત્યારથી કાર્યકરોમાં નારાજગી વધી હતી. હાર્દિક કોંગ્રેસ તરફ કૂણુ વલણ ધરાવે છે તેવા આક્ષેપો થતા રહ્યા છે. વાદ – વિવાદ વચ્ચે વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ પછી પણ પાસની ગાડી પાટે ચડવાને બદલે વધુ ગોટે ચડી છે.

Related Posts
1 of 269

આંદોલન સમયે એક સમયના હાર્દિકના ખાસ સાથીદાર અને પાસમાં સંગઠન પ્રભારીની મહત્ત્વની જવાબદારી સંભાળનાર બોટાદના દિલીપ સાબવાએ હવે હાર્દિક પટેલથી અલગ રાહ પકડ્યો છે. બોટાદમાં લગભગ બે મહિના પહેલાં પાસનું મહત્ત્વનું અધિવેશન મળ્યંુ હતું. આ અધિવેશનમાં હાર્દિક પટેલ હાજર રહ્યો ન હતો. આ અધિવેશનમાં પણ મંચ પર હાર્દિકનો કોઈ ફોટો રાખવામાં આવ્યો ન હતો. સરદાર અને ખેડૂતની તસવીર મૂકવામાં આવી હતી. પાસના હાલના સંગઠન પ્રભારી દિલીપ સાબવા કહે છે, ‘અમારું આ સંગઠન એક વિચારધારાથી ચાલે છે. સમાજને અનામત અપાવવા સહિતના મુદ્દાઓને લઈને અમારી લડત ચાલુ રહેશે, પણ હવે અમારું આંદોલન કોઈ વ્યક્તિ વિશેષ આધારિત નહીં રહે. પાસના નેજા હેઠળ જ તા. ર૪ જૂનથી ઊંઝાથી કાગવડ સુધીની શહીદ યાત્રાનું આયોજન કરાયું છે. ૪ હજાર કિ.મી.ની આ વાહન યાત્રા ૩પ દિવસ ચાલશે. આ યાત્રામાં હાર્દિક પટેલ એક પાટીદાર તરીકે જોડાઈ શકે છે. સમાજના તમામ લોકોને ખુલ્લું આમંત્રણ છે. કોઈ વ્યક્તિને ફોકસ કરીને આ યાત્રા નહીં હોય. પાટીદારોના ૧૪ શહીદોને ન્યાય મળે તેવી અમારી માગણી છે.

ટૂંકમાં એમ કહી શકાય કે પાસમાંથી જ હવે હાર્દિકને સાઇડ લાઇન કરવામાં આવ્યો છે. જોકે, હાર્દિક પટેલ હજુ તેના સાથીદારોને સમાજ માટે કાર્ય કરતો રહીશ તેવું કહી રહ્યો છે. પાસ ટીમમાં ભંગાણ પડવાથી સરકારે હાલ તો રાહતનો દમ લીધો છે. હવે વાત કરીએ ઠાકોર સેનાની તો અલ્પેશ ઠાકોરે આ સેના મારફત જોરદાર આંદોલન ચલાવ્યું તેની મોટી અસર રાજકારણમાં થઈ. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે વિધાનસભામાં ટિકિટ આપી અને ધારાસભ્ય બની ગયા. સરકારની મુશ્કેલી અલ્પેશે વધારી હતી. હવે અલ્પેશ સામે ઠાકોર સેનામાં નારાજગી ઊભી થઈ છે. ઠાકોર સેવા સંઘના નામે એક નવું સંંગઠન ઊભંુ કરવામાં આવ્યંુ છે. અલ્પેશના ખાસ સાથીદાર જુગલજી ઠાકોર આ નવા સેવા સંઘના પ્રમુખ બન્યા છે. આ બિન રાજકીય સંસ્થા ભલે કહેવાતી હોય, પણ એવી ચર્ચા છે કે ભાજપના ઇશારે ઠાકોર સેવા સંઘ ઊભો કરવામાં આવ્યો છે. શાસક ભાજપને રાજકીય રીતે નુકસાન કરનાર પાસ અને ઠાકોર સેના બંને સંગઠનોમાં ભંગાણ પડ્યું છે. આગેવાનો વચ્ચેનું અંતર વધી રહ્યું છે તે લોકસભાની ચૂંટણી પહેલાં શાસક પક્ષ માટે તો રાહતની વાત છે, પણ સમાજના પ્રશ્નો હવે અસરકારક રીતે ઉઠાવવામાં ફાયદો થશે? એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.

————————.

રાજ્યના રાજકીય ફલક પર બનતી ઘટનાઓનું ત્વરિત વિશ્લેષણ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »