મુકામ મુંબઈ – લતિકા સુમન
થોડા દિવસો પહેલાં જ મુંબઈના ડોંબિવલી વિસ્તારમાં રહેતા મંદાર મ્હાત્રે નામના ઓગણીસ વર્ષીય મરાઠી ભાષી હિન્દુ યુવાને જૈન મુનિ તરીકે દીક્ષા ગ્રહણ કરી. આ યુવાનનું દીક્ષા ગ્રહણ કરવું ચર્ચાનો વિષય બન્યો, કારણ કે તે જૈન પરિવારમાંથી નહોતો આવતો. મરાઠી ભાષી પરિવારમાંથી આવતો આ યુવાન હવે મુનિ તરીકે દીક્ષા ગ્રહણ કરી તેની સામે બેઠેલા ગુજરાતી શ્રોતાઓનું માર્ગદર્શન કરી રહ્યો છે.
હું બાળપણથી જ જૈન દેરાસરમાં જતો હતો અને મને વિશ્વાસ થયો કે આ મારો માર્ગ છે. આ માર્ગ પર ચાલીને મને મોક્ષપ્રાપ્તિ થશે અને મેં દીક્ષા ગ્રહણ કરી. બાલમુનિ માર્ગશેખરજીનો આ ઉત્તર હતો. ‘અભિયાન’એ આગળ પ્રશ્ન કર્યો કે, શું તમે ભગવાન શ્રીકૃષ્ણની ભગવદ્ ગીતાનું વાંચન કર્યું છે? માર્ગશેખરજીએ નમ્રતાપૂર્વક નકારમાં જવાબ આપ્યો.
માર્ગશેખર વિજયજી મહારાજ – મંદાર મ્હાત્રે ડોંબિવલીના તુકારામ નગરનો રહેવાસી હતો. આ પરિવાર કોંકણના ઉરણ વિસ્તારમાંથી મુંબઈ આવીને વસ્યો હતો. માતા રોહિણી અને પિતા સુવાસનું એકમાત્ર બાળક એટલે મંદાર. મંદારના પિતા થાનેની એક કંપનીમાં ટૅક્નિશિયન તરીકે કામ કરે છે, જ્યારે માતા મહદ્અંશે બીમાર રહે છે. મ્હાત્રે પરિવારના પડોશમાં મધુબહેન નાગડાનો ગુજરાતી પરિવાર વસે છે. મધુબહેનને કોઈ સંતાન ન હોવાને કારણે તેમણે મંદારને જ પોતાના સગા દીકરાની જેમ ઉછેર્યો હતો. મંદાર જ્યારે શાળાએથી આવતો ત્યારે મધુબહેન તેને પોતાની સાથે દેરાસરમાં લઈ જતાં. મંદારનાં માતા-પિતાને લાગતું કે કોઈ ખરાબ સંગતમાં સપડાય એના કરતાં મંદાર ભલે દેરાસરમાં જતો અને પ્રવચન સાંભળતો. તેથી જ તેમણે મંદારને ક્યારેય દેરાસર જતા નહોતો રોક્યો. મંદારને પ્રવચન સાંભળવું ખૂબ ગમતું. તે રોજ મધુબહેન સાથે દેરાસરમાં જતો. લગભગ ત્રણ વર્ષ પહેલાં ચાતુર્માસના સમયે ગુરુપૂજ્ય અભયશેખર સૂરિ મહારાજ ડોંબિવલીના એક દેરાસરમાં રોકાયા હતા. તેમના પ્રવચનથી પ્રભાવિત થઈને મંદારે મુનિ મહારાજ સાથે ગિરનાર જવાની જિદ પકડી. જોકે એ સમયે અભયશેખર સૂરિજી મહારાજે કહ્યું કે, ‘તારાં માતા-પિતાની મંજૂરી લઈ આવ તો જ હું તને લઈ જઈ શકું. એ સિવાય તું અમારી સાથે ન આવી શકે.’
મંદારના પિતા સુહાસ મ્હાત્રેએ ‘અભિયાન’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘મંદાર મારી પાસે આવ્યો અને તેણે મને ગુરુજી સાથે ગિરનાર જવાની વાત કરી. હું ચિંતામાં પડી ગયો. એક તરફ તેને ભક્તિ અને પ્રવચનમાં લીન થયેલો જોઈને સારું લાગી રહ્યું હતું જ્યારે બીજી તરફ ચિંતા પણ થઈ રહી હતી. આખરે મારે તેની જિદ સામે નમતું જોખવું પડ્યું અને અમે ગિરનાર માટે નીકળી પડ્યા. અમે જ્યારે સુરત રોકાયા ત્યારે તેણે એક બાલમુનિને દીક્ષા ગ્રહણ કરતા જોયા. પછી અમદાવાદમાં બે મુનિઓની દીક્ષા થઈ અને ગિરનારમાં પણ તેણે જોયું કે બાલમુનિઓએ દીક્ષા લીધી. એ જ સમયે મંદારે મને કહ્યું કે હવે તેને પણ દીક્ષા લેવી છે. મંદારના શબ્દો સાંભળીને હું અસ્વસ્થ થઈ ગયો. એ સમયે મને અહેસાસ થયો કે આ છોકરો ઈશ્વરના માર્ગે આગળ વધી ગયો છે. તે કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. જોકે એ સમયે મેં તેને ભણવાનું પૂરું કરવા કહ્યું. તેણે જેમ-તેમ કરીને દસમા ધોરણની પરીક્ષા પાસ કરી. દસમા ધોરણમાં તેના પંચોતેર ટકા આવ્યા, પણ વધુ અભ્યાસ માટે તેણે અનિચ્છા જતાવી. તેને નહોતું ભણવું. તે દીક્ષા લેવાની જિદ પર અડી ગયો હતો. આખરે ત્રણ વર્ષ બાદ અમે તેને દીક્ષા ગ્રહણ કરવા માટે મંજૂરી આપી. ઘરના અન્ય સભ્યો અને સગાંવહાલાંઓએ પણ મંદાર સાથે વાત કરી અને તેને જિદ ન કરવા જણાવ્યું, પણ તે ટસ નો મસ થવા તૈયાર નહોતો. આખરે થોડા વિરોધ બાદ સહુએ તેને દીક્ષા લેવા માટે મંજૂરી આપી દીધી. જ્યારે તેણે દીક્ષા લીધી ત્યારે અમે સૌ ખુશ હતા. અમારમાંથી કોઈના પણ મનમાં અસ્વસ્થતા નહોતી. ખુશી હતી કે હવે અમારો દીકરો અધ્યાત્મના માર્ગે આગળ વધીને મોક્ષ પ્રાપ્ત કરશે.’
મંદાર મ્હાત્રેએ દીક્ષા ગ્રહણ કરીને માર્ગશેખર વિજયજી મહારાજ નામ ધારણ કર્યું છે. બાલમુનિ માર્ગશેખર વિજયજી મહારાજને ગુરુ અભયશેખર સૂરિ મહારાજે દીક્ષા આપી અને દેરાસરમાં માર્ગશેખર વિજયજીનું પ્રસ્થાન કરાવ્યું. સફેદ વસ્ત્ર, ભૌતિક સુખસુવિધાઓનો ત્યાગ, પંખાની હવા નહીં. ફ્રીઝનું પાણી નહીં. એક મંદિરથી બીજા મંદિરે ચપ્પલ વિના ફરવાનું – વગેરે હવે માર્ગશેખર વિજયજીની દિનચર્યાનો ભાગ બની ગયું. એક તરફ આજની પેઢી મોબાઇલ-વૉટ્સઍપ અને ફેસબુક જેવી લતોની આદિ બની રહી છે ,ત્યાં મુનિ માર્ગશેખર વિજયજીએ સામાન્ય અને સાદું જીવન અપનાવ્યું છે. ‘અભિયાન’એ જ્યારે માર્ગશેખર વિજયજીને પૂછ્યું કે, દીક્ષા ગ્રહણ કરી સાદું જીવન અપનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? ત્યારે માર્ગશેખર વિજયજીનો જવાબ હતો, હું મોક્ષ મેળવવા ઇચ્છું છું અને મોક્ષ મેળવવાનો આ જ એક રસ્તો છે. શું જૈન ધર્મ સિવાય બીજો કોઈ માર્ગ નહોતો? તેવા પ્રશ્નના જવાબમાં મુનિ મહારાજે ઉત્તર આપ્યો કે ના, હું બાળપણથી આ જ માર્ગે ચાલ્યો છું અને આ જ રસ્તો મને યોગ્ય લાગ્યો છે. ‘અભિયાન’એ આગળ પૂછ્યું કે શું તમે ક્યારેય તમારા ઘરમાં દેવી-દેવતાઓની પૂજા કરી છે? ત્યારે મુનિજીનો જવાબ હતો કે ના મેં ક્યારેય નથી કરી, પણ મારાં માતા-પિતા કરે છે. માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાને કારણે તેમને દીક્ષા લેતાં વેળા પોતાનાં માતા-પિતાનો વિચાર ન આવ્યો એવું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે માર્ગશેખર વિજયજી મહારાજનો જવાબ હતો કે, મને એમનો બિલકુલ વિચાર નહોતો આવ્યો. તેઓ પોતાની જાતને સંભાળી શકે છે. તમારી ઉંમરના બાળકો ભૌતિક સુખ સુવિધામાં લીન હોય છે, શું તમને ક્યારેય એવું આકર્ષણ નથી થયું? એવો પ્રશ્ન ‘અભિયાન’એ કહ્યો ત્યારે મુનિ મહારાજે કહ્યું કે, મને ક્યારેય એ બધાનું આકર્ષણ નથી થયું. હું અધ્યાત્મના માર્ગે ચાલવા ઇચ્છું છું. તો તો તમે હિન્દુ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો જ હશે એવો સવાલ પૂછાયો ત્યારે બાલમુનિએ નકારમાં જવાબ આપ્યો કે, તેમણે કોઈ ધર્મગ્રંથોનો અભ્યાસ નથી કર્યો. તેઓ જૈન મુનિના પ્રવચન સાંભળીને અધ્યાત્મ અને મોક્ષના માર્ગે આગળ વધવા પ્રભાવિત થયા. માર્ગશેખર વિજયજી મહારાજનું કહેવું છે કે તેમણે પસંદ કરેલા માર્ગ પર તેમને વિશ્વાસ છે. તેમને જૈન ધર્મમાં વિશ્વાસ છે.
મંદાર મ્હાત્રેને દીક્ષા આપીને માર્ગશેખર વિજયજી નામ આપનારા ગુરુ અભયશેખર સૂરિજી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું કે એક તરફ લોકો ભૌતિક સુખસુવિધા તરફ દોટ લગાવી રહ્યા છે ત્યારે બીજી તરફ બાળદીક્ષાનું પ્રમાણ વધી રહ્યું છે તેની પાછળનું કારણ શું છે? આ પ્રશ્નના જવાબમાં અભયશેખર સૂરિજી મહારાજે કહ્યું કે જેમને જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, અહંકારનો નાશ કરવો છે તેમને ભૌતિક સુખ-સુવિધાઓ સાથે કોઈ પ્રકારની નિસબત નથી હોતી. જ્ઞાન પામવાની જિજ્ઞાસાને કારણે મનુષ્ય દીક્ષા લેવાનું પસંદ કરે છે. માર્ગશેખર વિજયજી પહેલાં હિન્દુ યુવક નથી જેમણે આ રીતે દીક્ષા લીધી હોય. અગાઉ કર્ણાટકના લિંગાયત પરિવારના યુવાને પણ દીક્ષા ગ્રહણ કરી છે અને જૈન પરિવારમાં કામ કરતી એક મહિલાએ પણ દીક્ષા ગ્રહણ કરીને સાધ્વી જીવન અપનાવ્યું છે. જ્યારે માર્ગશેખર વિજયજીએ દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા જતાવી હતી ત્યારે મેં ગુરુ તરીકે તેની આકરી પરીક્ષાઓ લીધી. ત્રણ-ચાર વર્ષ સુધી તેને મુનિ જીવન કેવી રીતે જીવાય છે તેનું જ્ઞાન આપ્યું. આકરી કસોટીઓ કરી, તપ-ઉપવાસ કરી શકશે કે
નહ ીં- સાદું જીવન જીવી શકશે કે નહીં, મોહનો ત્યાગ કરી શકશે કે નહીં વગેરે પરીક્ષાઓ કર્યા બાદ મંદારને માર્ગશેખર વિજયજી તરીકે દીક્ષા આપી. તેમના પરિવારે પણ નોનવેજ ખાવાનું છોડી દીધું છે. દીક્ષા ગ્રહણ કરવા માટે ક્યારેય કોઈના પર દબાણ નથી કરવામાં આવતું. જૈન ધર્મમાં આત્માનું શુદ્ધીકરણ, મોહ-માયાથી છુટકારો, ખપ પૂરતા પૈસા વગેરે રાખતાં શીખવવામાં આવે છે. અમારી પાસે કોઈ બેન્ક બેલેન્સ નથી હોતું. અમને કોઈ મોહ નથી આકર્ષતો, કોઈ પ્રકારની ચિંતા નથી સતાવતી – આ બધી બાબતો જ દીક્ષા ગ્રહણ કરવા માટે કારણરૃપ બને છે.
માર્ગશેખર વિજયજી મહારાજને દીક્ષા આપનાર ગુરુ અભયશેખર સૂરિજી મહારાજે આજથી ચંુમાળીસ વર્ષ પહેલાં દીક્ષા ગ્રહણ કરી હતી. એ સમયે તેઓ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. અભયશેખર સૂરિજી મહારાજ કહે છે કે આ બધો કર્મોનો ખેલ છે. નહીંતર કોઈ હિન્દુુ યુવક સુખ સુવિધાઓ છોડીને શા માટે મોક્ષનો માર્ગ પસંદ કરે.
——————-.