તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છના છ સાયક્લિસ્ટ બન્યા ‘સુપર રેન્ડોનિયર’

ચકલીઓને બચાવવા આખા ગામની સામૂહિક પહેલ

0 114

પ્રદેશ વિશેષ

…તો પછી આવાં બોર્ડ હટાવી લેવા જોઈએ
અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં લગભગ દરેક રાઈડ્સ આગળ બોર્ડ લગાવવામાં આવ્યાં છે કે, ‘આ રાઈડ્સમાં પાંચ વર્ષનાં બાળકો એકલા કે પરિવાર સાથે બેસી શકશે નહીં’, પરંતુ નવાઈની વાત એ છે કે આ બોર્ડ માત્ર દેખાવ પૂરતાં જ લગાવવામાં આવ્યાં છે, કારણ કે દરેક રાઈડ્સમાં નાનાં બાળકો કાં તો એકલા અથવા તો પરિવાર સાથે બેસે છે, જ્યારે કેટલીક રાઈડ્સમાં તો ‘નાનાં બાળકો જ બેસી શકે’ તેવાં બોર્ડ લગાવ્યાં હોવા છતાં ગાર્ડનમાં આવતાં પેરેન્ટ્સ પોતાના બાળકને લઈને રાઈડ્સમાં બેસે છે. આ અંગે જ્યારે રાઈડ્સનું સંચાલન કરતા ભાઈને પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ હતો કે, ‘અમે તો ના કહીએ છીએ, પરંતુ બાળકોનાં માતા-પિતા માનતાં જ નથી. તેમને બીજો પ્રશ્ન કર્યાે કે, તો પછી શા માટે સૂચનાઓનાં બોર્ડ લગાવ્યાં છે? જવાબ મળ્યો કે, ‘આ તો માત્ર દેખાવ માટે જ છે, બાકી અહીં બધું ચાલે છે.’ ગાર્ડનમાં બાળકોની ભીડ રહેતી હોય છે. તેવા સમયે ક્યારેક કોઈ દુર્ઘટનાનો ભય રહેતો હોય છે. જોકે આમાં માત્ર રાઈડ્સ ચલાવનારનો જ નહીં, એવાં માતા-પિતાનો પણ એટલો જ વાંક હોય છે જેઓ પોતાનાં નાનાં બાળકોને એકલા બેસાડે છે. ઘણા બાળકો પોતાના મોટા ભાઈ-બહેન સાથે આવતાં હોય છે. તેમને આવી કશી જ ખબર નથી હોતી. ગાર્ડનમાં રાઈડ્સને લઈને જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન ન થતું હોય તો સૂચનાઓનાં બોર્ડ ત્યાંથી હટાવી લેવા જોઈએ તેવો લોકમત પ્રવર્તી રહ્યો છે.
—————————–.

Related Posts
1 of 142

કચ્છના છ સાયક્લિસ્ટ બન્યા ‘સુપર રેન્ડોનિયર’
ભુજમાં ચાલતી બાઇસિકલ ક્લબના છ સદસ્યોએ તાજેતરમાં જ ત્રણ અઘરી ગણાતી રાઈડ્સમાં ફ્રાન્સની ક્લબ દ્વારા મળતો ‘સુપર રેન્ડોનિયર’નો ખિતાબ હાંસલ કર્યો છે. ક્લબના સદસ્ય ડૉ. અભિનવ કોટક જણાવે છે, ‘આરોગ્યની જાળવણી માટે અમે ચારેક વર્ષથી નિયમિત સાઇક્લિંગ કરીએ છીએ. ફ્રાન્સની એક ક્લબ એડેક્સ ક્લબ પર્શિયનની મેમ્બરશિપ અમે ધરાવીએ છીએ. આ ક્લબ દ્વારા વિશ્વભરમાં ૨૦૦ કિ.મી., ૩૦૦ કિ.મી., ૪૦૦ કિ.મી., ૬૦૦ કિ.મી., ૧૦૦૦ કિ.મી.ની રાઈડ યોજાય છે. જે પૈકીની પહેલી ચાર રાઈડ જો કોઈ મેમ્બર એક જ વર્ષમાં પૂરી કરે તો તેને ‘સુપર રેન્ડોનિયર’નો મેડલ અપાય છે. સાઇકલ પર રાઈડ કરવા માટે ફ્રેન્ચ ભાષામાં ‘રેન્ડોનિયર’ શબ્દ છે. અમે પહેલી ચારેય રાઈડ એક જ વર્ષમાં પૂરી કરતાં અમને છએ વ્યક્તિને આ ખિતાબ મળ્યો છે.’ આ સભ્યોએ ૨૦૦ કિ.મી.ની રાઈડ માટે ૧૩.૫ કલાકમાં ભુજ- કોઠારા- ભુજ, ૩૦૦ કિ.મી.ની રાઈડ માટે ૨૦ કલાકમાં ભુજ- નારાયણ સરોવર- ભુજ, ૪૦૦ કિ.મી.ની રાઈડ માટે ૨૭.૫ કલાકમાં ભુજ- સાંતલપુર- ભુજના રૃટ પસંદ કર્યા હતા, જ્યારે ૬૦૦ કિ.મી. માટે ૪૦ કલાકમાં ભુજ- સાણંદ- ભુજના માર્ગ પર સાઇકલ ચલાવી હતી. ડૉ. કોટક ઉપરાંત વત્સલ સોની, જિજ્ઞેશ જેઠવા, ડૉ. નિલેશ ક્ષત્રિય સહિતના છ સભ્યોએ ચારેય રાઈડ નિયત સમયમાં પૂરી કરી હોવાથી તેમને ‘સુપર રેન્ડોનિયર’નો મેડલ મળ્યો હતો.
—————————–.

ચકલીઓને બચાવવા આખા ગામની સામૂહિક પહેલ
ભુજ તાલુકાનાં માત્ર ૫૫૦ ઘરો ધરાવતાં નાનકડા ગામ લોડાઈએ વિનાશ તરફ ધકેલાતી ચકલીઓને બચાવવા અનોખી પહેલ કરી છે. અહીંના જીવદયા મંડળ તથા ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગામનાં તમામ ઘરો, ધર્મ સ્થાનકો અને દુકાનોમાં ચકલીઘર, પાણીનું કૂંડું લગાવાશે. ચકલીને ચણ નાખવાની અને પાણીના કૂંડા સાફ કરવાની જવાબદારી ગ્રામજનોએ હોંશે હોંશે સ્વીકારી છે. આ અંગે વાત કરતાં માનવજ્યોતના પ્રબોધભાઈ મુનવર કહે છે, ‘ગામમાં મુખ્યત્વે આહીર, હરિજન, મુસ્લિમ, લોહાણા અને જૈન સમાજની વસતી છે. ૪૦૦૦ લોકો અહીં વસે છે. ઘર આંગણાનું પક્ષી ચકલીને બચાવવાની જરૃર ગામલોકોને સમજાઈ છે. ગામના જ એક વિકલાંગ સરમણભાઈ ઓડેદરા અહીં પુઠ્ઠાના ચકલીઘર બનાવીને તેનું વિતરણ કરે છે. આથી તેમાંથી પ્રેરણા લઈને લોકોએ પણ પોતાના ઘરે ચકલીઘર રાખવાનું નક્કી કર્યું છે.’ સરમણભાઈએ એક મહિનામાં ૩૫૦ જેટલાં ચકલીઘર બનાવીને તે ગામમાં લગાવ્યાં છે. તેઓ કહે છે, ‘દરેક શાળામાં વિશ્વ ચકલીદિનની ઉજવણી થવી જોઈએ. વિદ્યાર્થીઓને ચકલીઓને પ્રેમ કરતાં, ચકલીઘર બનાવતાં શીખવવું જોઈએ. શાળા તથા તેમનાં ઘરોમાં ચકલીઘર અને કૂંડા લગાવવા પ્રેરણા આપવી જોઈએ.’ માનવજ્યોત દ્વારા વર્ષોથી ચકલીઘર તથા કૂંડાનું વિતરણ કરાય છે. હવે લોડાઈની જેમ જ બીજા ગામોમાં પણ દરેક જગ્યાએ ચકલીઘર લગાવશે.
—————————–.
હેતલ રાવ (અમદાવાદ), સુચિચા બોઘાણી કનર(કચ્છ)

Leave A Reply

Your email address will not be published.

Translate »