તમારા માટે, તમારી સાથે, સતત…

એક હેડ-કોન્સ્ટેબલ જે પોલીસ અધિકારીઓને લેક્ચર આપે છે

ઔરંગાબાદના હેડ-કોન્સ્ટેબલ દ્વારકાદાસ ભાંગે મહારાષ્ટ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં કવિક્શન રેટ સુધારવા અંગે લેક્ચર આપે છે

0 235
  • સમાજ –

ઔરંગાબાદના હેડ-કોન્સ્ટેબલ દ્વારકાદાસ ભાંગે મહારાષ્ટ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં કવિક્શન રેટ સુધારવા અંગે લેક્ચર આપે છે. અત્યાર સુધીમાં ૬૫૦થી પણ વધુ લેક્ચર આપનારા ભાંગેને ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પણ ગંભીરતાથી સાંભળે છે, ત્યારે કન્વિક્શન રેટ પર ભાંગેના વિચારો અને ટિપ્સની આછેરી ઝલક.

સામાન્ય રીતે પોલીસ જવાન પોલીસ વિભાગના પોતાના ઉચ્ચ અધિકારીઓને સલામી આપતો હોય છે, પણ એક હેડ-કોન્સ્ટેબલ એવા છે જેમને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ સેલ્યુટ કરે છે. હવે હેડ-કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ જવાનને પોલીસ અધિકારીઓ માન આપે એટલે સ્વાભાવિક રીતે નવાઈ લાગે, પણ આ વાસ્તવિકતા છે, કોઈ ફિલ્મનું દૃશ્ય નથી. યેસ, એક હેડ-કોન્સ્ટેબલ એવા છે જેમને નાનાથી લઈને પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા સૌ અધિકારીઓ સેલ્યુટ કરે છે. કોણ છે આ વ્યક્તિ આવો જાણીએ. આ હેડ-કોન્સ્ટેબલનું નામ છે – દ્વારકાદાસ ભાંગે.  દ્વારકાદાસ ભાંગે ઔરંગાબાદ ક્રાઇમ બ્રાંચ સાથે જોડાયેલા છે. મહારાષ્ટ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં અવારનવાર તેમના લેક્ચરનું આયોજન કરવામાં આવે છે. ૬૫૦થી પણ વધુ લેક્ચર આપનારા દ્વારકાદાસ ભાંગેને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નાના-મોટા અને ઉચ્ચ હોદ્દો ધરાવતા દરેક અધિકારીઓ કોઈ પણ પ્રકારનો અહંકાર રાખ્યા વિના સાંભળે છે. એવું તો શું હોય છે ભાંગેના લેક્ચરમાં એવો સહજ વિચાર આવે. તો એનો જવાબ છે – કન્વિક્શન. ભાંગેના લેક્ચરનો મૂળ આધાર છે કન્વિક્શન રેટ કેવી રીતે વધારી શકાય. વર્ષ ૨૦૧૧ સુધીમાં મહારાષ્ટ્રમાં કન્વિક્શન રેટ દસથી અગિયાર ટકાની વચ્ચે હતો એ આજે વધીને ૩૫ ટકાએ પહોંચ્યો છે. કન્વિક્શન રેટની ટકાવારી વધવા પાછળ સરકાર અને પોલીસ દ્વારા કરવામાં આવતા પ્રયત્નોની સાથે ભાંગે દ્વારા આપવામાં આવતા લેક્ચર પણ કારણભૂત છે. ટૂંકમાં, મહારાષ્ટ્ર પોલીસનું કન્વિક્શન પરફોર્મન્સ સુધરવા પાછળ ભાંગેનો પણ આડકતરો હાથ છે.

હવે વાત કરીએ કન્વિક્શનની. કન્વિક્શન એટલે શું. જ્યારે કોઈ ગુનો થાય છે અને કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ ગુનેગારની સામે પુરાવાઓ એકત્રિત કરી કોર્ટમાં રજૂ કરવામાં ઘણીવાર નિષ્ફળ જાય છે. નિષ્ફળ જવા પાછળ ઘણા બધાં કારણો જવાબદાર હોય છે. પુરાવાના અભાવે ઘણા આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે. ટૂંકમાં, કન્વિક્શન એટલે પુરાવા રજૂ કરવાની ટકાવારી. એક સમયે જ્યાં મહારાષ્ટ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં કન્વિક્શન રેટ દસ કે અગિયાર ટકા જ હતો એ આજે વધીને પાંત્રીસ ટકા થયો છે. દ્વારકાદાસ ભાંગેના લેક્ચરમાં કન્વિક્શન રેટ કેવી રીતે વધારી શકાય તેની ટિપ્સ હોય છે અને પોલીસ ડિપાર્ટમેન્ટનું માનવું છે કે કન્વિક્શન રેટ વધવા પાછળ ભાંગેના લેક્ચર પણ જવાબદાર છે.

Related Posts
1 of 319

હવે વાત કરીએ દ્વારકાદાસ ભાંગેની. ઔરંગાબાદ ક્રાઇમ બ્રાંચ સાથે જોડાયેલા દ્વારકાદાસ ભાંગેએ બીએસસીનો અભ્યાસ કર્યો છે. એક વર્ષ સુધી કૉલેજમાં સાયન્સ પ્રોફેસર રહ્યા બાદ તેમણે મહારાષ્ટ્ર પોલીસની પરીક્ષા પાસ કરી અને વર્ષ ૧૯૯૧માં ઔરંગાબાદમાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટિંગ મળી. થોડાં વર્ષો પહેલાં જ્યારે ઔરંગાબાદના પોલીસ કમિશનર તરીકે એ.એન. રાયની નિયુક્તિ કરવામાં આવી ત્યારે તેમને એક એવા કોન્સ્ટેબલની જરૃરત હતી જેને અંગ્રેજી સારી આવડતી હોય. કોઈએ પોલીસ કમિશનરને દ્વારકાદાસ ભાંગેનું નામ આપ્યું. ધીરે-ધીરે ભાંગે રાયના માનીતા પોલીસ જવાન બની ગયા. ભાંગે રાય માટે કેસોની અને આદેશોની ડ્રાફ્ટિંગ કરવા લાગ્યા. પોલીસ કમિશનર રાય બાદ જેટલા પણ નવા પોલીસ કમિશનર આવતા તે દરેક દ્વારકાદાસ ભાંગેની મદદ લેવા લાગ્યા. દ્વારકાદાસ ભાંંગે પાસે માત્ર આદેશોની ડ્રાફ્ટિંગનું જ કામ નહોતું કરાવવામાં આવતું, પણ જ્યાં જરૃર પડે ત્યાં તેમની પાસે કાયદાકીય સલાહ પણ લેવામાં આવતી. ભાંગેએ એ સમય દરમિયાન કાયદાની ડિગ્રી પણ લઈ લીધી હતી. તેમણે એલએલએમ કર્યું. એ સમય દરમિયાન તેમણે સમગ્ર દેશના ૨૧૫ જેટલા કેસોની સ્ટડી કરી, જેમાં આરોપી નિર્દોષ છૂટી ગયા હતા અને પોલીસ કેસ હારી ગઈ હતી. એ પછી ભાંગેએ કોર્ટમાં પોલીસના કેસ હારી જવા પાછળના કારણોનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું અને પોતાના વરિષ્ઠ અધિકારીઓ સુધી પોતાના મનની વાત પહોંચાડી. તેમણે પોતાની સ્ટડીને એક પુસ્તકના રૃપમાં પ્રકાશિત કરી. બાદમાં તેમણે બીજું પણ એક પુસ્તક લખ્યું, જેનું શીર્ષક છે – ડાઇજેસ્ટ ઓન એમપીડીએ એક્ટ ૧૯૮૧. ભાંગેના મનની વાત અને સ્ટડીને તેમના વરિષ્ઠોએ ખૂબ ગંભીરતાથી લીધી અને તેના પર અમલ કરવાની પણ શરૃઆત કરી દીધી. ધીરે ધીરે તેના સકારાત્મક પરિણામો આવવા લાગ્યા. જ્યારે એડિશનલ ડીજી(ટ્રેનિંગ) સંજય સક્સેનાને આ વાત ખબર પડી તો તેમણે એક આદેશ બહાર પાડ્યો કે મહારાષ્ટ્રના બધા જિલ્લાના એસપી અને કમિશનર ભાંગે દ્વારા કરવામાં આવેલી સ્ટડી અને નિષ્કર્ષ તેમજ સુઝાવો પર ધ્યાન આપે અને પોતાના જ્યુરિડિક્શનમાં પણ આ પ્રકારની સ્ટડી કરે. ત્યારથી જ ભાંગેને સમગ્ર મહારાષ્ટ્રમાં જુદાં-જુદાં શહેરોમાં લેક્ચર માટે બોલાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ કેસની તપાસમાં પીએસઆઈથી લઈને ડીવાય. એસ.પી. સુધીના લોકો સંકળાયેલા હોય છે, તેથી ભાંગે આ સમગ્ર રેન્કના અધિકારીઓને કન્વિક્શન રેટ વધારવાની ટિપ્સ આપે છે. તેમણે મહારાષ્ટ્ર પોલીસ એકેડેમીમાં પણ ઘણા લેક્ચર આપ્યા છે.

ભાંગે કહે છે, ‘મેં સ્ટડી દરમિયાન જોયું છે કે કોઈ પણ કેસના પ્રિ ટ્રાયલ દરમિયાન તપાસ અધિકારીની ભૂમિકા ખૂબ મહત્ત્વની બની રહે છે. પ્રિ ટ્રાયલનો અર્થ થાય છે – ચાર્જશીટ દાખલ કર્યા પહેલાંની પ્રક્રિયા.’ તેઓ પોતાના વરિષ્ઠ અધિકારીઓને ચાર્જશીટ દાખલ કરતા પહેલાં એવા કયા પુરાવાઓ છે જે એકઠા કરવા જોઈએ અને જેના આધારે કેસ દરમિયાન કોર્ટ આ પુરાવાઓની ગંભીરતાથી નોંધ લે, તેનું સૂચન કર્યું. એટલું જ નહીં, ભાંગેનું સૂચન છે કે તપાસ અધિકારીઓ અને સરકારી વકીલની વચ્ચે સંબંધિત કેસોના સંદર્ભમાં અઠવાડિયામાં એક વાર મીટિંગ કરે. સુપિરિયર ઇન્વેસ્ટિગેટિંગ ઑથોરિટી અને પ્રોસિક્યુટર ઑફિસના પ્રતિનિધિઓ વચ્ચે મહિનામાં એકવાર કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવે. સાક્ષીઓની મૉક કોર્ટ ડ્રિલ કરવામાં આવે અને તપાસ અધિકારીઓ નિયમિતરૃપે સાક્ષીઓના સંપર્કમાં રહે – ખાસ કરીને એવા કેસોમાં, જેમાં લાંબા સમય સુધી કેસ ચાલવાની સંભાવના હોય. તેના કારણે સાક્ષીઓની ફરી જવાની શક્યતાઓમાં ઘટાડો નોંધાશે. જો સાક્ષી કોઈ કેસમાં વળતરનો હકદાર હોય તો તેને નિર્ધારિત સમય સુધીમાં વળતર મળી જવું જોઈએ. એવા પ્રયત્નો કરવામાં આવે કે એક સરકારી વકીલ પાસે એક જ કેસ હોય. સામાન્ય રીતે સીન એવો હોય છે કે આપણે ત્યાં એક સરકારી વકીલ ત્રણ-ત્રણ, ચાર-ચાર કેસો એકસાથે ચલાવે છે, તેને કારણે તેનું ધ્યાન માત્ર એક કેસ પર ન રહેતાં અન્ય કેસો પર વહેંચાઈ જાય છે. જો એક જ કેસ હશે તો વકીલનું સંપૂર્ણ ધ્યાન એ કેસ પર જ રહેશે.

—.

કન્વિક્શન રેટ ૬૫ ટકા સુધી વધારવાનું લક્ષ્ય
ભાંગે પોતાના લેક્ચરમાં કહે છે કે, ઘણીવાર પોલીસ કોઈ નક્કર પુરાવા વગર જ કેસ ફાઇલ કરી દે છે. આવા કેસોને ડિસ્પોઝ ઓફ કરી દેવામાં આવે. તેને કારણે કન્વિક્શન રેટમાં સુધારો આવશે. ભાંગે પોલીસ વિભાગમાં કન્વિક્શન રેટ ૬૫ ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખી રહ્યા છે. હજુ તેમની પાંચ વર્ષની સર્વિસ બાકી છે. મહત્ત્વની વાત એ છે કે ભાંગે એક હેડ-કોન્સ્ટેબલ હોવા છતાં પોતાના કરતાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓને લેક્ચર આપે છે, પણ તેમનું અધિકારી બનવાનું સપનું અધૂરું છે. તેમણે વર્ષ ૨૦૧૩માં પીએસઆઈ તરીકે પ્રમોશન લેવા માટે અરજી આપી હતી. જોકે આ અરજી હજુ સુધી પેન્ડિંગ છે. જોકે, આવા ટેલેન્ટેડ પોલીસ અધિકારીઓ માટે મુખ્યમંત્રી પાસે વિશેષ સત્તા હોય છે. જો સરકાર ધારે તો ભાંગેને ડીવાય.એસ.પી. બનાવી શકે છે.

—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »