તમારા માટે, તમારી સાથે, સતત…

સહુનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપી ગયા છે શ્રી રામકૃષ્ણ પરમહંસ

કાલી ભક્તિ અને સાધનાને જીવનમંત્ર બનાવ્યો.

0 140
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

પહેલી જાન્યુઆરી ૧૮૮૬ શ્રી રામકૃષ્ણ પરમહંસના અનુયાયીઓ માટે અલૌકિક અનુભૂતિનો દિવસ હતો. રામકૃષ્ણ પરમહંસ તેમના શિષ્યો, સંન્યાસીઓ અને અનુયાયીઓ માટે ઠાકુર હતા. બંગાળીમાં ઠાકુર ઈશ્વરને કહેવાય છે. અત્યંત સાદા સરળ કાલી ભક્ત સાધનામાં લીન રહેતા કે તેમના માટે કહેવાતું કે તેઓ એકાગ્ર થઈ મા કાલી સાથે સંવાદ કરતા ત્યારે તેમના ગળામાં કૅન્સર હોવાનું નિદાન થયું હતું. શાસ્ત્રોમાં તેને રોહિની કહેવાયું છે. તેમની સારવાર માટે ડૉ. મહેન્દ્રલાલ સરકાર દક્ષિણેશ્વર નિયમિત ન પહોંચી શકે એટલે તેમણે કલકત્તામાં તે સમયે કાશીપુર ઉદ્યાનબાડીમાં રોકાણ કર્યું હતું. તેમણે ભાવ સમાધિમાં જ કલ્પતરુની જેમ હાજર રહેલા ગૃહસ્થ અનુયાયીઓને સ્પર્શ કરી આશીર્વાદ આપ્યા, કહ્યું, ‘તમારામાં ચૈતન્ય પ્રગટ થાય, જગતમાં સહુનું કલ્યાણ થાય.’ અચરજની વાત એ હતી કે ત્યારે તેમની સમીપ કોઈ શિષ્ય, સંન્યાસી ન હતા. ગિરીશચંદ્ર ઘોષ તેમની નજીક હતા.

ગિરીશચંદ્ર ઘોષ બંગાળી રંગભૂમિના સુવર્ણકાળના સર્જક ગણાય છે. લેખક, કવિ, નાટ્યકાર હતા. પૌરાણિક ચરિત્રો પર નાટક ભજવતા. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ એકવાર તેમનું નાટક ચૈતન્યલીલા જોવા સ્ટાર થિયેટરમાં ગયા. ત્યારથી ગિરીશચંદ્ર ઘોષ તેમના અનુયાયી બની ગયા. તેમણે પુરાણમાં જેમ કલ્પતરુનું વર્ણન છે તે ઠાકુરમાં જોયું. ત્યારથી પહેલી જાન્યુઆરીના દિવસે દક્ષિણેશ્વરમાં ભાવપૂર્વક કલ્પતરુ ઉત્સવ ઉજવાય છે. રામકૃષ્ણ મઠ અને મિશન, શિક્ષણ કેન્દ્રો, વિશ્વ વ્યાપી વેદાંત સોસાયટી અને રામકૃષ્ણ પરમહંસના ભક્તો પણ ઉત્સવ ઉજવે છે.

Related Posts
1 of 140

શ્રી રામકૃષ્ણ પરમહંસ તત્ત્વજ્ઞાનના શિક્ષક હતા. રાણી રાસમણિએ દક્ષિણેશ્વર મંદિરનું નિર્માણ કર્યું, જેના વિશાળ પરિસરમાં નવરત્ન મંદિર છે. મા કાલી અહીં ભવતારિણી સ્વરૃપે પૂજાય છે. દ્વાદશ શિવ મંદિર તરીકે બાર શિવ મંદિરો છે. રાધાકૃષ્ણનું મંદિર છે. હુગલીના કાંઠે આ ભવ્ય મંદિર અધ્યાત્મિક પાઠશાળા જેવું છે, જ્યાં સમાધિનો સ્પર્શ થાય છે. મંદિરના નિર્માણ પછી પ્રથમ મુખ્ય પુરોહિત રામકૃષ્ણના મોટાભાઈ રામકુમાર ચટ્ટોપાધ્યાય બન્યા. તેમના પછી રામકૃષ્ણ પરમહંસ (મૂળ નામ ગદાધર ચટ્ટોપાધ્યાય) મુખ્ય પુરોહિત બન્યા, જેમણે કાલી ભક્તિ અને સાધનાને જીવનમંત્ર બનાવ્યો. વેદ અને પુરાણ સંસ્કૃતિ વિશ્વમાં ગુંજે તે માટે અનેક પ્રયત્નો કર્યા. દક્ષિણેશ્વરમાં કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, દેવેન્દ્રનાથ, બંકિમચંદ્રને મળતાં. નિત્ય પૂજા અર્ચના ઉપરાંત વેદાંતનો નિયમિત અભ્યાસ થાય તેવાં કેન્દ્રો માટે પ્રયાસ કરતા. કલકત્તા અને દક્ષિણેશ્વર વચ્ચે  અનેક બાડી(ભવનો)માં નિવાસ કરી લોકોને કીર્તનમાં જોડ્યા. શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનનો પાયો વેદાંત માર્ગ પર મુકાયો છે.

કાશીપુર ઉદ્યાનબાડી તેમાંની એક છે, જ્યાં તેમણે માનવદેહને ખોળિયું ગણાવ્યું. તેમને અંદેશો આવી ગયો હતો. અહીં એક સ્મૃતિચિત્ર હજી પણ છે જેમાં નરેન્દ્રનાથ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શારદાનંદ અને સ્વામી અભેદાનંદ નજરે પડે છે. નરેન્દ્રનાથ દત્ત જે સ્વામી વિવેકાનંદ નામે આખી દુનિયામાં હિન્દુ સંસ્કૃતિનો ડંકો વગાડી આવ્યા. તાજેતરમાં તેમના શિકાગો ખાતે ધર્મ સંમેલનમાં આપેલ અસરદાર વ્યાખ્યાનનાં સવા સો વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનું સમાપન થયું, જેમાં પહેલીવાર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની ૫૪ શિક્ષણ સંસ્થાઓના ૩૦૦૦ પૂર્વ વિદ્યાર્થીઓનું મિલન બેલુર મઠમાં યોજાયું.

રામકૃષ્ણ પરમહંસ અને મા શારદા ધર્મ શિક્ષણને ભક્તિ માર્ગમાં જોડતા ગયા. તેમની સ્મૃતિ આજે પણ સંદેશાત્મક છે, લોકો તેમની છબી કે મૂર્તિ સામે બેસી સમાધિ અનુભવે છે, જેમનું જીવન જ લોક જાગૃતિ માટે નિમિત્ત બન્યું એવા ઠાકુર કલ્પતરુ  બની શકે, જેમણે કાશીપુર ઉદ્યાનબાડીમાં કાયમ માટે અંતિમ સમાધિ ધારણ કરી તે પહેલાં સર્વ લોકમાં ચૈતન્ય પ્રગટે એવા ભાવ પ્રગટ કર્યા તે જ ઉપલક્ષે દર વર્ષે ઉજવાય છે. કલ્પતરુ ઉત્સવ! શ્રદ્ધા હોય તેને સંભળાય છે ઠાકુરના કલ્યાણકારી અમૃત વચન!

————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »