તમારા માટે, તમારી સાથે, સતત…

કોંગ્રેસની વિચારધારા અને નીતિમત્તાનાં મહોરાં ઊતરી ગયા

ભારતના રાજકીય ઇતિહાસના આ અભૂતપૂર્વ ડ્રામાથી તમામ પક્ષોની કહેવાતી વિચારધારા અને નીતિમત્તાના મહોરા ઊતરી ગયા

0 145
  • કવર સ્ટોરી – નિલેશ કવૈયા

શિવસેના સાથે ગઠબંધન સરકાર રચવા માટે શરદ પવારે કોંગ્રેસને મનાવી લીધી એમાં પવારની જીત અને કોંગ્રેસની હાર થઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડ શિવસેના અને એનસીપીની સરકારને બહારથી ટેકો આપવાના મૂડમાં હતી.જોકે પછી પવારના સમજાવવાથી અને સ્થાનિક નેતાઓના દબાણના કારણે સોનિયા ગાંધીએ સરકારમાં સામેલ થવા લીલીઝંડી આપી હતી. આ નિર્ણયથી કોંગ્રેસને કેટલો ફાયદો અને કેટલું નુકસાન થયું છે તે જોઈએ.

છેલ્લા એક મહિનાથી ચાલતા મહારાષ્ટ્રના અભૂતપૂર્વ પોલિટિકલ ડ્રામામાં વિધાનસભામાં ફલોર ટેસ્ટ પહેલાં મુખ્યપ્રધાનપદેથી દેવેન્દ્ર ફડણવીસે અને નાયબ મુખ્યપ્રધાન પદેથી અજિત પવારે રાજીનામું આપતા આ લખાય છે ત્યારે વધુ એક વળાંક આવ્યો છે. તેની સાથે જ મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકાર રચવાનો માર્ગ પણ મોકળો થયો છે. જોકે આ ગઠબંધન સરકાર કેટલો સમય અને કેવી રીતે ચાલશે તે સમય બતાવશે, પરંતુ ભારતના રાજકીય ઇતિહાસના આ અભૂતપૂર્વ ડ્રામાથી તમામ પક્ષોની કહેવાતી વિચારધારા અને નીતિમત્તાના મહોરા ઊતરી ગયા છે. સત્તા માટે થઈને ઉત્તર-દક્ષિણ ધ્રુવ ગણાતા પક્ષો આજે એક થયા છે. શિવસેનાએ તેનો હિન્દુત્વનો અંચળો કાઢીને ફેંકી દીધો છે. તો સામે પક્ષે કોંગ્રેસે પણ તેની બિનસાંપ્રદાયિક વિચારધારાને હાલ તડકે મુકી દીધી છે. ભાજપે પણ જેને જેલમાં પૂરવાની વાત કરી હતી અને જેના પર ભ્રષ્ટાચારના આરોપો મુકીને સભાઓ અને સોશિયલ મીડિયા ગજવ્યું હતું તેવા સિંચાઈ કૌભાંડના આરોપી અજિત પવાર સાથે મળીને ચુપચાપ સરકાર બનાવતા તેના સમર્થકોને પણ આઘાત લાગ્યો હતો. મહારાષ્ટ્ના રાજકારણે તમામના નકાબ ચીરી નાખ્યા છે. કોંગ્રેસ અને એનસીપી સાથે બેસવાના શિવસેનાના નિર્ણયે તેમના

Related Posts
1 of 254

કટ્ટર સમર્થકોને મોટો આંચકો આપ્યો છે. ચારેય પક્ષોએ એ સાબિત કર્યું છે કે રાજકારણમાં કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી તે તો ઠીક પણ કોઈ વિચારધારા કે આદર્શ પણ હોતા નથી. એ બધંુ તો મતદારોને ભોળવવા કે મૂર્ખ બનાવવા માટે જ હોય છે. રાજકીય પક્ષની એકમાત્ર વિચારધારા હોય છે, સત્તા, સત્તા અને માત્ર સત્તા. વિચારધારાના બહાના હેઠળ જે પક્ષો છૂટા પણ પડે છે તેમાં પણ અહમનો ટકરાવ અને રાજકીય સ્વાર્થ જ મુખ્ય હોય છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ શિવસેના સાથે સરકાર બનાવવાની હિમાયત કરી હતી. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને એવું સમજાવવા પ્રયાસ કર્યો હતો કે રાષ્ટ્રીય સ્તરે મુશ્કેલીભર્યા સમયમાં રહેલી પાર્ટી માટે વિચારધારાથી ઉપર ઊઠીને વિચારવાની જરૃર છે. અહેવાલો મુજબ એક વરિષ્ઠ નેતાએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો કે ‘શિવસેના સાથે જોડાણ વિચારધારાની સાથે સમાધાન નથી, પરંતુ વિચારધારાનું કૂટનીતિથી રક્ષણ છે.’ કોંગ્રેસનો એક મોટો વર્ગ શિવસેના સાથે જોડાણ કરવાના પક્ષમાં ન હતો. ખાસ કરીને મહારાષ્ટ્ર બહારના નેતાઓ.જોકે મહારાષ્ટ્રના સ્થાનિક નેતાઓને તેમાં વાંધો ન હતો. કેમ કે તેમને સત્તાની મધલાળ દેખાતી હતી. શિવસેના સાથે ગઠબંધનનો છોછ ફગાવી દેવા માટે કેટલાક નેતાઓએ એવી પણ દલીલ કરી હતી કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર એકમાત્ર ભાજપ છે અને તેને રોકવા માટે કોઈ પણ પ્રાદેશિક પક્ષ સાથેનું જોડાણ લાંબાગાળે કોંગ્રેસ માટે ફાયદાકારક છે. શિવસેના સાથેનું જોડાણ કોંગ્રેસ માટે તેની પ્રચલિત વિચારધારા સાથે દ્રોહ સમાન ન ગણાય? આવી ગડમથલ પણ ચાલી હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે પણ આ મુદ્દે ચર્ચા ચાલી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યોએ પણ શિવસેના સાથે જોડાણ થાય તો પાર્ટી છોડી દેવાની ધમકી આપી હતી. એ.કે. એન્ટોની, કે.સી. વેણુગોપાલ અને મલ્લિકાર્જુન ખડગે જેવા મોટા નેતાઓએ પણ શરૃઆતમાં જોરદાર વિરોધ કર્યો હતો. જોકે પાછળથી તેમને મનાવી લેવાયા હતા. રાજ્યસભાના એક સાંસદે કહ્યું કે ભાજપ સાથેના શિવસેનાના સંબંધો છેલ્લાં કેટલાંક વર્ષોથી એટલા સારા રહ્યા નહોતા. નવા સાથીઓની તલાશમાં ઉદ્ધવ ઠાકરેએ પણ તેમના પિતા બાળ ઠાકરેએ જે વિચારધારા સાથે શિવસેનાની સ્થાપના કરી હતી તેની સાથે સમજૂતી કરવાનું મન બનાવી લીધું હતું. શિવસેનાના બોલકા પ્રવક્તા સંજય રાઉતને પણ જ્યારે પાર્ટીની કોંગ્રેસ વિરોધી અને કટ્ટર હિન્દુત્વવાદી છબી અંગે પૂછયું ત્યારે ડિપ્લોમેટિક જવાબ આપ્યો કે કોંગ્રેસે આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હતો અને મહારાષ્ટ્રના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બીજી તરફ રાજ્યસભાના એક સાંસદે તેને શિવસેનાની સામાજિક છબી બદલવાનો પ્રયાસ ગણાવ્યો છે. સાંસદે ધ્યાન દોર્યું હતું કે નવી શક્યતાઓને આગળ ધપાવવા પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેએ રાજકીય વિચારધારા સાથે સમાધાન સ્વીકાર્યું છે.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને પક્ષની જૂની કોંગ્રેસ વિરોધી અને કટ્ટર હિન્દુત્વની છબી વિશે પૂછવામાં આવ્યું હતું, તેમણે રાજદ્વારી જવાબ આપ્યો હતો કે કોંગ્રેસે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો અને મહારાષ્ટ્રની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ બાબત હંમેશાં યાદ રાખવી જોઈએ. બીજી બાજુ શિવસેના સાથે બેસવાનો નિર્ણય કોંગ્રેસ માટે પણ આસાન ન હતો. કહેવાય છે કે સોનિયા ગાંધી કેટલીક શરતો સાથે આ માટે તૈયાર થયાં હતાં. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, કે.સી. વેણુગોપાલ અને મલ્લિકાર્જુન ખડગેએ એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યો હતો. તેને સોનિયા ગાંધીએ ગ્રીન સિગ્નલ આપ્યું તે પછી તેને લઈને આ ત્રણેય નેતાએ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.જેમાં એવી શરત હતી કે સરકાર ચલાવવા એક કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી થવો જોઈએ.ત્રણેય પાર્ટીઓના સિનિયર નેતાઓની એક કોર્ડિનેશન કમિટીની રચના કરવામાં આવે.સત્તાની ભાગીદારી માટે પણ ફોર્મ્યુલા બનાવવામાં આવે. કોંગ્રેસની માગણી હતી દર ચાર ધારાસભ્યએ એક મંત્રીનો રેશિયો નક્કી કરવામાં આવે અને સ્પીકરપદ કોંગ્રેસને આપવામાં આવે. રાજ્યની સાથે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સત્તાની ભાગીદારીની ફોર્મ્યુલા પણ અત્યારે જ નક્કી કરવામાં આવે. ત્રણેય પાર્ટીઓ સાથે મળીને એવી જાહેરાત કરે છે ખેડૂતોના હિત માટે અને ભાજપને સત્તાથી દૂર રાખવા માટે સરકાર બનાવી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે સરકારમાં સામેલ થવા માટે સોનિયા ગાંધીને સમજાવવામાં ખાસ કરીને મહારાષ્ટ્રના નેતા અશોક ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ અને સુશીલકુમાર શિંદેની મહત્ત્વની ભૂમિકા રહી હતી. શરૃઆતમાં ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યપ્રધાન બને તેની સામે પણ કોંગ્રેસને વાંધો હતો, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે અજિત પવાર સાથે એકાએક સરકાર બનાવતા રાજકીય સમીકરણો બદલાયા હતા અને ત્રણેય પક્ષો પોતપોતાના મતભેદો ભુલાવીને વધુ નજીક આવ્યા હતા.કોંગ્રેસે મુખ્યપ્રધાન ઠાકરે પરિવારનો નહીં તેવી માગણી પડતી મુકી હતી. જોકે તે પહેલાં શરદ પવારે મુખ્યપ્રધાન બનવા ઉદ્ધવ ઠાકરે માની ગયા છે તેવી જાહેરાત કરી હતી. કોંગ્રેસે પણ તેની સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. એક વાત એવી પણ છે કે પહેલા કોંગેસ હાઈકમાન્ડ શિવસેના અને એનસીપીની સરકારને બહારથી ટેકો આપવાના મૂડમાં હતી. જોકે પછી પવારના સમજાવવાથી અને સ્થાનિક નેતાઓના દબાણના કારણે સોનિયા ગાંધીએ સરકારમાં સામેલ થવા લીલીઝંડી આપી હતી.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »