તમારા માટે, તમારી સાથે, સતત…

શિવસેનાની અવળી ચાલ માટે ગુજરાતી દ્વેષ પણ કારણભૂત

પરંતુ સમય બદલાયો. નવા હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદીએ નક્કર કામગીરીના પગલે હિન્દુ વોટબેંક પર ભાજપે કબજો મેળવ્યો

0 303
  • કવર સ્ટોરી – હિંમત કાતરિયા

દેશભરમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી, શરદ પવારની એનસીપી, ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી, લાલુ યાદવની આરજેડી, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ જેવી પ્રાદેશિક પાર્ટીઓ મોદી વેવમાં મૂળસોતી ઉખડી રહી છે. ત્યારે ભાજપની હૂંફમાં પોતાનું અસ્તિત્વ સલામત રાખવામાં સફળ રહેલી શિવસેનાને ભાજપ સાથે છેડો ફાડી નાખવાની કમત કેમ સૂઝી?

ઉદ્ધવ ઠાકરેનેે શિવસૈનિકોએ જ સવાલ કર્યો કે કેમ ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યો અને આપણે દુશ્મન નંબર વન એનસીપી સાથે સરકાર બનાવવાની ફરજ કેમ પડી? ગત શુક્રવારે તારીખ ૨૨ નવેમ્બરે ઉદ્ધવે આના જવાબમાં કહ્યંુ કે, ભાજપે બાળાસાહેબ ઠાકરેને આપેલું વચન તોડી નાખ્યું. રાજ્યમાં ફરી ચૂંટણી ન કરાવવી પડે એ કારણે જ આપણે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર રચવાનો નિર્ણય લીધો છે. આ કારણ ગળે ઊતરે એવું છે? નહીં. તો આવો અસલી કારણ શોધીએ.

ભાજપ અને શિવસેના વચ્ચેનું ત્રણ દાયકા જૂનું ગઠબંધન આખરે તૂટ્યું કેમ? આ પ્રશ્નનો નક્કર જવાબ ઉપરછલ્લા સંશોધનમાં ક્યાંયથી નથી મળતો. કોઈ કહે છે કે ઉદ્ધવ ઠાકરેની મુખ્યમંત્રી બનીને સત્તા ભોગવવાની ભૂખ સંબંધો તોડવાનું મુખ્ય કારણ છે. કોઈ કહે છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાને હંમેશાં મોટાભાઈ બની રહેવું છે અને ભાજપને અનુજ તરીકે સ્વીકારવો છે, શિવસેનાનું કદ નાનું થયું તેથી તે ગિન્નાયો અને છૂટો પડ્યો એવો તર્ક પણ ઘણા આપે છે. અસલી જવાબ ઉપર આવીએ એ પહેલાં શિવસેના અને ઉદ્ધવ ઠાકરેના અસલી ચરિત્ર ઉપર એક નજર નાખી લઈએ અને પછી ક્રમવાર આગળ વધીએ.

શિવસેનાનું મૂળ ચરિત્ર મરાઠી માનુષનું છે. બાદમાં સેનાએ હિન્દુત્વના મુદ્દે પણ વાતો કરવાનું શરૃ કર્યું હતું. મરાઠી માનુષથી ગોઠણભેર થયેલા બાળાસાહેબ ઠાકરે હિન્દુત્વના મુદ્દે પગભર થયા અને જોતજોતામાં હિન્દુ હૃદય સમ્રાટ બની ગયા. એક હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબનો દેહાંત થયો અને બીજા હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદીએ પ્રચંડ લોકચાહના મેળવી. હિન્દુત્વ વોટબેંકને કબજે કરવા બાળાસાહેબના વારસ ઉદ્ધવ ઠાકરે કરતાં નરેન્દ્ર મોદી ઘણા આગળ નીકળી ગયા.

પરંતુ સમય બદલાયો. નવા હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદીએ નક્કર કામગીરીના પગલે હિન્દુ વોટબેંક પર ભાજપે કબજો મેળવ્યો. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો. પાકિસ્તાનને વિદેશનીતિમાં શિકસ્ત આપીને ઢીલુઘેંસ કરી નાખ્યું. અયોધ્યાની વિવાદિત જગ્યા રામલલ્લાને અપાવી દીધી. આ પરિસ્થિતિમાં અપેક્ષા તો એવી રહે છે કે હિન્દુ હૃદય સમ્રાટ સ્વર્ગસ્થ બાળાસાહેબની ઇચ્છાઓ પુરી કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપને ઉદ્ધવ ઠાકરેએ કંકુ-ચોખાએ પોંખવા જોઈએ, પરંતુ બન્યુ ઊલટું, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તે દિવસથી શિવસેનાના પેટમાં જાણે કે તેલ રેડાયંુ હોય એમ શિવસેના પ્રમુખ વડાપ્રધાન વિરુદ્ધ લવારીઓ કરી રહ્યા હતા. વડાપ્રધાન અને ગૃહપ્રધાન એવા બે ગુજરાતીઓની ની સિદ્ધિઓની સાથે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતના પ્રહારો પણ તીખા થયા. આવું કેમ થયું?

આનો એક જ જવાબ મળે છે, ઉદ્ધવ ઠાકરેનો ગુજરાતી દ્વેષ. એ દ્વેષનું વિશ્લેષણ કરીએ એ પહેલાં આસપાસની વસ્તુને જરા વિગતે સમજીએ. કેન્દ્ર સરકારમાં હંમેશાં ગુજરાતી કરતાં મરાઠી નેતાઓનું કદ અને દબદબો મોટા રહ્યા છે. મરાઠી નેતાઓ કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દાઓ ઉપર બિરાજતા આવ્યા છે. અલબત્ત, એમાં ગુજરાતના લોકો કે ગુજરાતના નેતાઓએ ક્યારેય કોઈ દોષ જોયો નથી, પરંતુ સામે પક્ષે એવું નથી. મહારાષ્ટ્રનું ગ્રોથ એન્જિન મુંબઈ છે અને મુંબઈને મહત્તમ ગુજરાતી વેપારીઓ ચલાવે છે એ વાત કોઈનાથી છાની નથી. તેમ છતાં મરાઠી નેતાઓને ગુજરાતીઓ ખૂંચે છે.

શિવસેનાનું આ ચરિત્ર અત્યારે જ કેમ દેખાયું? અત્યાર સુધી છદ્મ વેશે કેમ રહ્યું? એનો જવાબ કંઈક એવો છે કે શિવસેના પ્રમુખ હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે અને ભાજપના નેતા પ્રમોદ મહાજનના

Related Posts
1 of 266

નેતૃત્વમાં સેના-ભાજપ ગઠબંધન થયું હતું. પ્રમોદ મહાજનના નિધન બાદ ભાજપ તરફથી દિવંગત નેતા ગોપીનાથ મુંડે શિવસેના અને બાળાસાહેબ ઠાકરે સાથે સારો તાલમેલ જાળવતા હતા. બાળાસાહેબની ધોલધપાટ પછી પણ મહાજન-મુંડેએ શિવસેના સાથે સંબંધ ટકાવી રાખતા હતા. યુતિમાં શિવસેના પતિનો અને ભાજપ પત્નીની ભૂમિકા નિભાવી રહ્યા હતા. ક્યારેક તો ભાજપની ભૂલ ન હોવા છતાં પુરી નરમાશ સાથે રજૂ થવું પડતું હતું. બાળાસાહેબ વ્યક્તિગત સ્તર પર આ નેતાઓને પોતાપણાની ગાઢ લાગણીથી જોડતા હતા. સૌથી મહત્ત્વનું તો એ હતું કે આખરે સૌ મરાઠી માનુસ હતા. પરંતુ મહાજન, મુંડે અને પછી બાળાસાહેબના અવસાન બાદ ધીમે-ધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ. બે ગુજરાતીઓ ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ મેદાનમાં આવતા પતિ-પત્નીનો સંબંધ ખતમ થયો અને મોટા ભાઈ-નાના ભાઈનો રોલ શરૃ થઈ ગયો. પરિસ્થિતિ બદલાઈ રહી હતી, બગડી રહી હતી. તેમ છતાં સેના પોતાના જૂના રુઆબ પર મુસ્તાક હતી અને ભાજપવાળા તેના દબાણ હેઠળ છટપટાતા હતા.

નરેન્દ્ર મોદી એટલી ત્વરાથી આગળ વધી રહ્યા હતા કે સમગ્ર દેશની જેમ મહારાષ્ટ્રમાં પણ તેમના નામના સિક્કા પડતા હતા. ૨૦૧૪ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બંને અલગ થઈને લડ્યા અને ભાજપને શિવસેના કરતા બમણી સીટ મળી. પછી ભાજપ-સેનાની યુતિ સરકાર રચાઈ. ફરક એટલો હતો કે આ વખતે ભાજપ મોટો ભાઈ હતો અને સેના નાનો ભાઈ. ખાસ ગુજરાતી દ્વૈષી ઉદ્ધવ ઠાકરેને મોદી-શાહને મોટા ભાઈ તરીકે અપનાવવાનું અકારું થઈ પડ્યું. હવે ભાજપના દબાણમાં સેના છટપટાવા લાગી. આખરે મરાઠી માનુસના નામે જ તો મહારાષ્ટ્રમાં સેના-એનસીપી-કોંગ્રેસની ઉત્તર-દક્ષિણ- પશ્ચિમની યુતિ સર્જાઈ.

ઉદ્ધવ ઠાકરે પાસે શિવસૈનિકોએ જવાબ માંગ્યો કે કેમ ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યો અને આપણે દુશ્મન નંબર વન એનસીપી સાથે સરકાર બનાવવાની ફરજ કેમ પડી? ગત શુક્રવાર તારીખ ૨૨ નવેમ્બરે ઉદ્ધવે આપેલો જવાબ કોઈને ગળે ઊતરે એવો નથી. ઉદ્ધવે કહ્યું કે ભાજપે બાળાસાહેબ ઠાકરેને આપેલું વચન તોડી નાખ્યું. રાજ્યમાં ફરી ચૂંટણી ન કરાવવી પડે એ કારણે જ આપણે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર રચવાનો નિર્ણય લીધો છે.

નરેન્દ્ર મોદી પ્રત્યેનો ઉદ્ધવનો દ્વેષ એટલો પ્રબળ હતો કે ઑક્ટોબર ૨૦૧૮માં મુંબઈમાં શિવસેનાની વાર્ષિક દશેરા સભાને સંબોધતા ઉદ્ધવે ઘોષણા કરી દીધી કે ૨૦૧૪ જેવી ‘લહેર’ નથી. ઉદ્ધવે તો એ વર્ષે પાર્ટીના સંમેલનમાં જાહેરાત પણ કરી દીધી હતી કે ભવિષ્યની ચૂંટણી શિવસેના એકલો લડશે. લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી પણ ગુજરાતી દ્વેષી ઉદ્ધવ એ ન જોઈ શક્યા કે ગત લોકસભાની ચૂંટણી જો શિવસેના એકલી લડી હોત તો ચોક્કસ મોદી વેવમાં તણાઈ જ જાત. બે-ચાર સીટમાં સમેટાઈ જાત. તો અત્યારે જે ૧૮ સાંસદો ચૂંટાઈ આવ્યા છે તેને બદલે માંડ બે-ચાર સીટો મળત.

પરંતુ ઉદ્ધવનો ગુજરાતી દ્વેષ એટલો તો પ્રબળ હતો કે તે લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસની જેમ વડાપ્રધાન મોદીને સવાલો કરવા લાગ્યા હતા કે રામ મંદિરનું નિર્માણ કેમ નથી કરતા? લોકોના ખાતામાં ૧૫ લાખ જમા કરાવવાની જેમ આ પણ એક જુમલો તો નથીને? વડાપ્રધાન બન્યાના સાડા ચાર વર્ષ પછી પણ મોદી કેમ અયોધ્યા નથી ગયા?

ટીટ ફોર ટેટ. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શિવસેનાની મોટા ભાઈની ભૂમિકા છીનવી લીધી અને પોતે મોટો ભાઈ બની ગયો. શિવસેનાનું અસલ પોત ભાળી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની સ્થિતિ જાળવી રાખવી અને તેને વધુ મજબૂત કરવા મરાઠા સમુદાય ઉપર મજબૂત પકડ બનાવવા માટેનોે પેંતરો રચ્યો છે. શિવાજી મરાઠી લોકોના સૌથી મોટા આઇકોન છે અને શિવસેના માટે બહુ મહત્ત્વના છે. ભાજપ શિવાજી મહારાજના આ આઇકોનને પોતાની સાથે જોડી લેવા માંગે છે. કોંગ્રેસના સરદાર પટેલને ભાજપે અંકે કરી લીધા પછી હવે પક્ષ શિવાજી મહારાજને અંકે કરવા આગેકૂચ કરી રહ્યો છે. પત્ની અને અનુજની ભૂમિકામાં હતો તે ભાજપ અત્યારે નથી. શિવસેનાને ધોબી પછાડ આપવા દેશના ગૌરવશાળી અતીતના મહાનાયક શિવાજી મહારાજ માત્ર મરાઠાઓનું નહીં, પણ આખા દેશનું ગૌરવ છે એમ કહીને મોદી સરકારે જાહેરાત કરી હતી કે ૩૬૦૦ કરોડ રૃપિયાના ખર્ચે કાંઠાથી દોઢ કિલોમીટર દૂર અરબ સાગરમાં છત્રપતિ શિવાજીની ૧૯૨ મીટર ઊંચી પ્રતિમા લાગશે અને અહીં એકસાથે ૧૦ હજાર લોકો આવી શકશે. વડાપ્રધાને સ્મારકનો શિલાન્યાસ અને જળપૂજન પણ કરી નાખ્યું.

ન ખુદા હિ મિલા ન વિસાલે સનમ, ન ઇધર કે રહે ન ઉધર કે સનમ. આવી હાલત અત્યારે શિવસેનાની થઈ છે. હવે શિવસેના પાસે ખાસ કોઈ સાધન રહ્યંુ નહીં. સંભવતઃ હવેથી શિવસેનાને હિન્દુત્વના મુદ્દા સાથે છેડો ફાડનાર ઉદ્ધવ હવે તે પેટભરીને ફરીથી મરાઠી માનુસને લલકારતું પ્રાંતવાદી રાજકારણ ખેલશે અને મોદી-શાહના વિજય રથને અટકાવવાના પેંતરા કરશે.

એક જમાનામાં ‘યે હૈ મુંબઈ મેરી જાન’ ભલે કહેવાતું હોય આજે મુંબઈ ખમી ન શકે એટલું ગીચ, સતત ટ્રાફિકમાં ફસાયેલું, ગંદું, રહી ન શકાય એવું, અસમાન અને અણઘડ શહેર બની ગયું છે. છેલ્લાં ૨૦ વર્ષથી મુંબઈ મહાનગરપાલિકા ઉપર ભાજપ અને શિવસેનાનો કબજો રહ્યો છે અને કાયમ મેયર પદે શિવસેનાનો કબજો રહ્યો છે. દેશની આર્થિક રાજધાની એવા મુંબઈની સડકોમાં આંટા મારો તો કેટલાક રસ્તાઓ એવા મળશે કે રસ્તામાં પડેલા ખાડા દાયકાથી નહીં પૂરાયા હોય એવું લાગશે. અઢી દાયકાથી મુંબઈની ગતિ ન સુધારી શકતો અને મુંબઈ મહાનગરપાલિકાને ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બનાવી ચૂકેલો શિવસેના હવે દેશની ગતિ સુધારવા નીકળ્યો છે. આગામી લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં ભાજપ સામે ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યો છે અને ઉદ્ધવે એવી જાહેરાત પણ કરી દીધી છે. આમ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના માર્ગના રોડા બનવા સિવાયનો કયો પ્રકલ્પ હશે? આ ગુજરાતી બેલડી મોદી-શાહ દ્વેષની પરાકાષ્ઠા નથી તો શું છે?

———————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »