તમારા માટે, તમારી સાથે, સતત…

સુપ્રીમ કોર્ટમાં હુકમનો એક્કો સાબિત થયેલા એએસઆઈના રિપોર્ટમાં આખરે શું હતું?

રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મસ્જિદના ઢાંચાની નીચે ઉત્તર ભારતનાં મંદિરોની શૈલી સાથે મેળ ખાતો વિશાળ ઢાંચો મળ્યો છે.

0 175
  • કવર સ્ટોરી – પ્રજ્ઞેશ શુક્લ

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી દરમિયાન આર્કિયૉલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (એએસઆઈ) એટલે કે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણનો રિપોર્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે. અલાહાબાદ હાઈકોર્ટના આદેશથી એએસઆઈએ વિવાદિત જમીન ખોદી હતી. એએસઆઈએ ઉત્ખનન બાદ કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મસ્જિદના ઢાંચાની નીચે ઉત્તર ભારતનાં મંદિરોની શૈલી સાથે મેળ ખાતો વિશાળ ઢાંચો મળ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ હકીકતનો સ્વીકાર કર્યો હતો.

એએસઆઈના રિપોર્ટથી મુસ્લિમ પક્ષની એ દલીલ પાયાવિહોણી સાબિત થઈ ગઈ કે, બાબરે અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ ખાલી પડેલી જમીન પર કરાવ્યું હતું અને ત્યાં પહેલા કોઈ મંદિર નહોતું. આટલું જ નહીં, રિપોર્ટથી હિન્દુ પક્ષના કેસને પણ મજબૂતી મળી, જે શરૃઆતથી જ રામ જન્મસ્થાન પર મંદિર તોડીને મસ્જિદ બનાવી હોવાનો આરોપ લગાવીને જમીન પર માલિકી હક્કનો દાવો કરી રહ્યો હતો.

એએસઆઈના રિપોર્ટનાં તારણો પર હિન્દુ-મુસ્લિમ પક્ષના વિરોધાભાસી દાવાઓને જોતા આ રિપોર્ટ સમજવો ખૂબ જરૃરી બની જાય છે. એએસઆઈના રિપોર્ટના તારણોમાં કહેવાયું છે કે, વિવાદિત સ્થળની ઠીક નીચે એક વિશાળ બાંધકામ હતું અને ત્યાં સતત નિર્માણ થયાના પુરાવાઓ મળ્યા છે, જે ૧૦મી સદીથી લઈને વિવાદિત ઢાંચો બન્યો ત્યાં સુધી ચાલુ રહ્યા હતા. અહીંથી નક્શીકામ કરેલી ઈંટો, દેવતાઓની યુગલ ખંડિત મૂર્તિ અને નકશીદાર વાસ્તુશિલ્પ, જેમાં પાંદડાના ગુચ્છા, કબૂતરખાનું, દરવાજાના હિસ્સા, કમળની આકૃતિ, ગોળાકાર પૂજા સ્થળ જેવી વસ્તુઓ મળી હતી, જેની ઉત્તરની તરફ કાઢવામાં આવેલી એક નીક પણ છે (જેને ભગવાન શિવના મંદિર સાથે જોડીને જોવામાં આવે છે). આ મોટા ઢાંચામાં ૫૦થી વધુ સ્તંભોનો આધાર મળ્યો છે. આ તમામ અવશેષ ઉત્તર ભારતનાં મંદિરોની ખાસિયત સાથે સામ્યતા ધરાવે છે.

એએસઆઈના રિપોર્ટમાં અયોધ્યામાં કરવામાં આવેલા ખોદકામને એએસઆઈના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના ગણાવવામાં આવી છે. એએસઆઈએ પાંચ મહિનામાં ૯૦ ખાઈ ખોદી હતી. વિવાદિત સ્થળ પર ખોદકામ ૧૨ માર્ચ, ૨૦૦૩થી ૭ ઑગસ્ટ, ૨૦૦૩ સુધી ચાલ્યું હતું.

ડાબેરી વિચારધારાએ સમગ્ર મામલાને જટિલ બનાવ્યો
એએસઆઈના પૂર્વ ક્ષેત્રીય નિદેશક (ઉત્તર) કે.કે. મોહમ્મદ અયોધ્યામાં ઉત્ખનન કરનારી ટીમના સભ્ય પણ રહ્યા છે. તેમણે તેમના બહુચર્ચિત પુસ્તક ‘મૈં ભારતીય હું’માં અયોધ્યાની વિવાદિત જમીનના ખોદકામ દરમિયાનની દિલધડક અને ચોંકાવનારી હકીકતો વર્ણવી છે. આ પુસ્તકના જ કેટલાક સંપાદિત અંશો પર એક નજર કરીએ…

વર્ષ ૨૦૦૩માં અયોધ્યાની વિવાદિત જમીન પર કરવામાં આવેલા ખોદકામમાં પુરાતત્ત્વવિદોની ટીમમાં દિલ્હી સ્કૂલ ઑફ આર્કિયૉલોજીના ૧૨ વિદ્યાર્થીઓ પણ હતા. કે.કે. મોહમ્મદ આ વિદ્યાર્થીઓમાંથી એક હતા. તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે કે. ખોદકામમાં મળેલા પુરાવાઓના આધારે વર્ષ ૧૯૯૦માં તેમણે નિવેદન આપ્યું હતું કે, તેમણે ખુદ વિવાદિત જમીન હેઠળ મંદિરના અવશેષો જોયા હતા. તે સમયે માહોલ ખૂબ ગરમ હતો. હિન્દુ અને મુસ્લિમ બે જૂથોમાં વહેંચાઈ ગયા હતા.

ઘણા મધ્યસ્થીઓએ સમાધાન માટે પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ વીએચપીનું આંદોલન ઘણુ ફેલાઈ ગયું હતું. બીજી તરફ કેટલાક ઉદારવાદી મુસ્લિમો વિવાદિત સ્થાન અથવા બાબરી મસ્જિદ હિન્દુઓને આપી દેવા માટે તૈયાર પણ હતા, પરંતુ તેઓ પોતાનો અભિપ્રાય જાહેરમાં વ્યક્ત કરી શક્યા નહીં. ડાબેરી ઇતિહાસકારો કટ્ટરપંથી મુસ્લિમ સંગઠનોની મદદ કરવા માટે આગળ આવ્યા હતા અને મુસ્લિમ પક્ષને દાવો ન છોડવા માટે મનાવ્યા હતા. આ ઇતિહાસકારોમાં જેએનયુના કે.એસ. ગોપાલ, રોમિલા થાપર, બિપિનચંદ્ર જેવા ઘણા જાણીતા ઇતિહાસકારો સામેલ છે. તેમણે મુસ્લિમ પક્ષની સામે દાવો કર્યો હતો કે, ૧૯મી સદી પહેલાં મંદિર તોડવા જેવા કોઈ પુરાવા મળ્યા નથી. આ ઇતિહાસકારોનો સાથ આર.એસ. શર્મા, અનવર અલી, ડી.એન. ઝા, સૂરજભાણ, પ્રો. ઈરફાન હબીબ જેવા ઘણા ડાબેરી ઇતિહાસકારોએ પણ આપ્યો હતો. પ્રો. હબીબ તે સમયે ‘ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદ’ના અધ્યક્ષ પણ હતા. આ ઇતિહાસકારોએ ‘બાબરી મસ્જિદ એક્શન કમિટીના નિષ્ણાત’ તરીકે ઘણી બેઠકોમાં ભાગ લીધો હતો. બીજા શબ્દોમાં કહીએ તો, ડાબેરી ઇતિહાસકારોએ આ સમસ્યાને હલ કરવાને બદલે આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.

Related Posts
1 of 326

વિવાદિત જમીન પર કરવામાં આવેલા ખોદકામમાં ૧૩૭ મજૂરો જોડાયા હતા, જેમાંથી ૫૨ મુસ્લિમ હતા. તેમજ બાબરી મસ્જિદ એક્શન કમિટીના પ્રતિનિધિ તરીકે સૂરજભાણ મંડલ, સુપ્રિયા વર્મા, જયા મેનન વગેરે ઉપરાંત હાઈકોર્ટના એક ન્યાયાધીશ પણ સંપૂર્ણ દેખરેખ રાખી રહ્યા હતા. તેથી ખોદકામ પછીનાં પરિણામો પર સવાલ ઉઠાવવાનું કોઈ કારણ કે તર્ક નથી.

હાઈકોર્ટે જ્યારે મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે પણ ડાબેરી ઇતિહાસકારોએ તેમની ભૂલ સ્વીકારી ન હતી. તેનું પહેલું મોટું કારણ એ હતું કે, ખોદકામ દરમિયાન જે ઇતિહાસકારોને સામેલ કરવામાં આવ્યા હતા તેઓ નિષ્પક્ષ હોવાને બદલે બાબરી મસ્જિદ એક્શન કમિટીના પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા હતા. બીજું કારણ એ હતું કે, આમાંથી ફક્ત ૩-૪ લોકોને જ આર્કિયૉલોજીની  ટૅક્નિકલ વાતોની જાણ હતી. બીજી તરફ, સૌથી મોટું કારણ એ હતું કે, અયોધ્યા વિવાદ ક્યારેય હલ થઈ શકે તેવું આ લોકો કદાચ ઇચ્છતા જ નહોતા.
——.

પુરાતત્ત્વ રિપોર્ટ વિશ્વસનીય, તેના પર કોઈ વિવાદ નથી
અલાહાબાદ હાઈકોર્ટે પક્ષકારોનો વિરોધ હોવા છતાં પણ સુઓમોટો કરીને ૧ ઑગસ્ટ અને ૨૩ ઑક્ટોબર, ૨૦૦૨ના રોજ અયોધ્યાના વિવાદિત સ્થળ નીચે જિયો રેડિયોલૉજિકલ સર્વેનો આદેશ આપ્યો હતો. તોજો વિકાસ ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડે આ સર્વે કર્યો અને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૦૩ના દિવસે હાઈકોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો. સર્વેમાં જમીનની અંદર કેટલીક વિસંગતતા હોવાથી હાઈકોર્ટે ૫ માર્ચ, ૨૦૦૩ના રોજ આર્કિયૉલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (એએસઆઈ)ની ટીમને વિવાદિત સ્થળે ખોદકામ કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. એએસઆઈએ ૨૫ ઑગસ્ટ, ૨૦૦૩ના રોજ હાઈકોર્ટને રિપોર્ટ સોંપ્યો હતો.

પૂર્વ આઈપીએસ અધિકારી, ૧૮૮૯-૯૦માં ગૃહ મંત્રાલયમાં ઓફિસર ઑન સ્પેશિયલ ડ્યુટી (ઓએસડી) અને વી.પી. સિંહ તથા ચંદ્રશેખરના વડાપ્રધાનકાળ દરમિયાન અયોધ્યા વિવાદના મધ્યસ્થી રહી ચૂકેલા કુણાલ કિશોર એએસઆઈના રિપોર્ટ અંગે ઘણી રસપ્રદ વાતો જણાવે છે. તેમના જ શબ્દોમાં જાણીએ…

એક પક્ષ એવો દાવો કરે છે કે, અયોધ્યામાં સંબંધિત સ્થળ પર હાડકાં મળ્યાં હતાં, જે ઇસ્લામિક સંસ્કૃતિના દાવાને સાબિત કરે છે. તથ્ય એ પણ છે કે, હિન્દુ ધર્મમાં પિતૃઓને ખુશ કરવા માટે પક્ષી અથવા મૃત પશુનું માંસ આપવાની પરંપરા છે. અયોધ્યામાં રાજા ચંદ્રદેવે પૂર્વજોનું પિંડદાન કર્યું હતું. તેથી ત્યાંથી હાડકાં (અસ્થિ) મળી આવે તે આશ્ચર્યજનક નથી. એવા પુરાવા છે કે, ૩૦ માર્ચ, ૧૫૭૪ના રોજ રામનવમીના દિવસે તુલસીદાસે રામચરિત માનસની રચના ત્યાં ભગવાનનાં ચરણોમાં માથું ટેકવીને કરી હતી.

મારા પુસ્તકમાં સાબિત થયું છે કે, અયોધ્યામાં રામ મંદિરને બાબરના આદેશથી ૧૫૨૮માં સેનાપતિ મીર બાકીએ તોડી પાડ્યું નહોતું, પરંતુ ઔરંગઝેબના સંબંધી ફિદાઈ ખાને ૧૬૬૦માં તેને તોડ્યું હતું. બાબર ક્યારેય પણ અયોધ્યા આવ્યો જ નહોતો. મીર બાકીએ બાબરી મસ્જિદ બનાવડાવી એ દાવો પણ ખોટો છે. ઔરંગઝેબે અયોધ્યામાં ત્રણ મંદિરો તોડ્યા હતા. મુસ્લિમ પક્ષ બાકીનાં મંદિરો તોડવાની વાત સ્વીકારે છે, પણ અયોધ્યાના મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હું એએસઆઈ રિપોર્ટને વિશ્વસનીય માનું છું. હાઈકોર્ટના આદેશથી એએસઆઈએ ખોદકામ કરી રિપોર્ટ આપ્યો હતો. કોર્ટે કાયદેસર કમિશનરની નિમણૂક કરી હતી. ભારતની અનેક હસ્તપ્રતો (પાંડુલિપિઓ)માં પણ રામના જન્મસ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ઉલ્લેખ હતો કે, ‘સીતા કૂપ અને સીતા રસોઈ’ વચ્ચે રામ જન્મસ્થાન હતું. સીતા કૂપ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. ઑસ્ટ્રેલિયાથી આવેલા ફાધર જોસેફ ટિફેનથલેરના પુસ્તક ‘ડિસ્ક્રિપ્ટો ઇન્ડિયા’માં જન્મસ્થાન અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો. આ પુસ્તક ૧૭૬૭માં પ્રકાશિત થયું હતું.

પુસ્તકમાં મંદિરની અંદર કાળા ગ્રેનાઈટની વેદી બનેલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, હિન્દુઓ તેની ત્રણ વખત પરિક્રમા કરતા હતા. જોસેફના કહેવા અનુસાર, ઔરંગઝેબે મંદિર તોડાવી નાંખ્યું હોવા છતાં પણ હિન્દુઓએ ત્યાં આવવાનું બંધ કર્યું નહોતું. તેઓ આવતા અને પરિક્રમા કરીને શીશ ઝુકાવતા હતા. આ ઉપરાંત ૩૦ નવેમ્બર, ૧૮૫૮ના રોજ મસ્જિદના વહીવટદાર સૈયદ મોહમ્મદ ખતીબે અયોધ્યાના તત્કાલીન થાણા ઈન્ચાર્જ શીતલ દુબેને એક પત્ર લખ્યો હતો.

પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, પંજાબથી આવેલા ૨૫ સશસ્ત્ર શીખોના જથ્થાએ મસ્જિદ પર કબજો કરીને અંદર હવન કર્યો અને દીવાલ પર રામનું નામ લખી દીધું. પત્રમાં એ પણ લખ્યું હતું કે, જે સ્થળે શીખોએ પૂજા કરી હતી, તે મસ્જિદની એકદમ વચ્ચે જ છે, જેને હિન્દુઓ જન્મસ્થાન તરીકે ઓળખે છે. આ દસ્તાવેજ મુસ્લિમ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૮૧૦-૧૪ દરમિયાન અયોધ્યાનો સર્વે કરાવનારા અધિકારી બુકાનને તેમના રિપોર્ટમાં મસ્જિદની વચ્ચે જન્મસ્થાન હોવાની ચર્ચા કરી હતી. લંડનની બ્રિટિશ લાઇબ્રેરીમાં રાખવામાં આવેલો આ રિપોર્ટ ક્યારેય પ્રકાશિત થઈ શક્યો નહીં.
————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »