તમારા માટે, તમારી સાથે, સતત…

એક ધાર્મિક વિવાદ, જેનું રાજનીતિકરણ થયું

ધાર્મિક મુદ્દો ૧૦૦ વર્ષ બાદ ધીમે ધીમે રાજકીય રંગ પકડવા લાગ્યો

0 113
  • કવર સ્ટોરી – પ્રજ્ઞેશ શુક્લ

અયોધ્યા વિવાદ તેની શરૃઆતનાં વર્ષોમાં ફક્ત ધર્મ અને આસ્થા સાથે જ જોડાયેલો હતો. હિન્દુ અને મુસ્લિમ બંને માટે આ આસ્થા સાથે જોડાયેલો મુદ્દો હતો. ધાર્મિક મુદ્દો ૧૦૦ વર્ષ બાદ ધીમે ધીમે રાજકીય રંગ પકડવા લાગ્યો હતો.

૧૮૫૩ – અયોધ્યામાં પહેલા કોમી રમખાણો
અયોધ્યા મુદ્દે સૌથી પહેલાં રમખાણો વર્ષ ૧૮૫૩માં થયાં હતાં. એ સમયે નિર્મોહી અખાડાએ દાવો કર્યો હતો કે, મસ્જિદની જગ્યાએ મંદિર હતું. તેને બાબર શાસનકાળમાં નષ્ટ કરવામાં આવ્યું હતું. ફૈઝાબાદ ગેઝેટ અનુસાર, ૧૮૫૫ સુધી બંને ધર્મના લોકો એક જ ઇમારતમાં પૂજા કે ઇબાદત કરતા રહ્યા હતા.

૧૮૫૯ – પરિસરના ભાગલા કર્યા
અવધ હિંસાને ધ્યાનમાં રાખીને બ્રિટિશ શાસકોએ વર્ષ ૧૮૫૯માં મસ્જિદની સામે દીવાલ બનાવીને તેને બે ભાગમાં વહેંચી દીધી હતી. પરિસરની અંદરના ભાગમાં મુસ્લિમો અને બહારના ભાગમાં હિન્દુઓને પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

૧૯૩૪ – પહેલી વખત દીવાલ-ગુંબજ ક્ષતિગ્રસ્ત થયા
૧૯૩૪માં ફરી એક વખત રમખાણો ફાટી નીકળ્યાં હતાં. તેમાં મસ્જિદની દીવાલો પાડી નાંખવામાં આવી. આ સાથે જ ગુંબજને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બ્રિટિશ સરકારે તેનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું.

Related Posts
1 of 326

૧૯૮૪ – રાજનીતિકરણ શરૃ થયું
આઝાદી પહેલાંથી શરૃ થયેલો અયોધ્યા વિવાદ અત્યાર સુધી ફક્ત ધાર્મિક રીતે જ ચર્ચામાં હતો. તેમાં રાજકારણ હાવી થયું નહોતું, પરંતુ વર્ષ ૧૯૮૪થી તે ધાર્મિકની સાથે સાથે રાજનૈતિક વિવાદ પણ બની ગયો. તેનું કારણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંસ્થાપક સભ્યોમાંના એક લાલકૃષ્ણ અડવાણી આ વિવાદમાં કૂદ્યા એ હતું. અડવાણી આ વિવાદમાં આગળ આવ્યા હોવાથી આ ધાર્મિક અને રાજકીય મુદ્દો બની ગયો. રામજન્મભૂમિને મુક્ત કરાવવા અને રામ મંદિર બનાવવાના ઉદ્દશ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના નેતૃત્વમાં એક સમિતિ બનાવવામાં આવી. એ જ રીતે, ગોરખનાથ ધામના એ વખતના મહંત અવૈદ્યનાથે પણ રામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિની સ્થાપના કરી દીધી. આ સમિતિના પ્રમુખ મહંત અવૈદ્યનાથે લોકો અને શિષ્યોને કહ્યું હતું કે, મત એ જ પક્ષને આપવામાં આવે, જે આ પવિત્ર સ્થળને મુક્ત કરાવશે. આ ચળવળનું નેતૃત્વ થોડા સમય બાદ લાલકૃષ્ણ અડવાણીએ સંભાળ્યું હતું.

૧૯૮૬ – રાજીવ ગાંધીએ તાળાં ખોલાવ્યાં
૧૯૮૬માં શાહબાનો કેસમાં રાજીવ ગાંધી સરકારના વલણથી હિન્દુ સંગઠનો ખૂબ નારાજ હતા અને તેમણે આ વાતને સરકારની તુષ્ટિકરણની નીતિ ગણાવીને વિરોધ શરૃ કર્યો હતો. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ હિન્દુઓને ખુશ કરવા માટે વિવાદિત જમીનનાં તાળાં ખોલાવી દીધાં હતાં.

૧૯૮૯ – રામમંદિરનો શિલાન્યાસ કરાયો
૧૯૮૯માં ભાજપે વીએચપીને સમર્થન જાહેર કર્યું. વીએચપીના નેતા દેવકીનંદન અગ્રવાલે રામલલ્લા તરફથી મંદિરનો દાવો કોર્ટમાં રજૂ કર્યો. નવેમ્બર મહિનામાં મસ્જિદથી થોડે દૂર રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

૧૯૯૦ – પહેલી કારસેવા અને ગોળીબારકાંડ
વર્ષ ૧૯૯૦માં પહેલી વખત અયોધ્યામાં કારસેવા કરતા કરતા મસ્જિદ પર ભગવો ઝંડો લહેરાવવામાં આવ્યો. તત્કાલીન મુલાયમ સરકારના આદેશ પર ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં અનેક કારસેવકોનાં મોત થયાં. ૧૯૯૧ની વિધાનસભા ચૂંટણીમાં મુલાયમ સરકારને આ આદેશ બહુ ભારે પડ્યો અને ભાજપે ઉત્તર પ્રદેશમાં પહેલી વખત સરકાર બનાવી, કલ્યાણસિંહ મુખ્યપ્રધાન બન્યા હતા.

૧૯૯૧ – ભાજપને પ્રાણવાયુમળ્યો
આ વિવાદે ભાજપને રાષ્ટ્રીય રાજકારણમાં ઓળખ અપાવવાનું કામ કર્યું. જો તેને ભાજપનો ‘પ્રાણવાયુ’ કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. ભાજપે અયોધ્યા મુદ્દાના દમ પર જ ૧૯૯૧માં યુપીમાં સરકાર બનાવી હતી. આ મુદ્દાને હંમેશાં ટોચ પર રાખવાના કારણે જ વર્ષ ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી એનડીએ તરફથી વડાપ્રધાનના પદ પર બિરાજમાન થઈ શક્યા હતા.

૧૯૯૨ – બાબરી ધ્વંસ
વર્ષ ૧૯૯૨ આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ યાદ કરવામાં આવશે. ૩૦-૩૧ ઑક્ટોબર, ૧૯૯૨ એ ધર્મસંસદમાં કારસેવાની જાહેરાત કરવામાં આવી. દેશભરમાંથી હજારો કારસેવકો રોજ અયોધ્યા પહોંચવા લાગ્યા. કોર્ટમાં તત્કાલીન મુખ્યપ્રધાન કલ્યાણસિંહે મસ્જિદનું રક્ષણ કરવાની એફિડેવિટ પણ આપી. આમ છતાં પણ ૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસ કરવામાં આવી. આ સાથે જ હંગામી મંદિરનું નિર્માણ પણ કરી દેવામાં આવ્યું. ત્યાર બાદ દેશભરમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં બે હજારથી વધુ લોકોએ તેમનો જીવ ગુમાવ્યો.
——————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »