નિર્દોષ (નવલિકા)
વીરૃભા જાડેજાને આપે ચૌદ વર્ષની સજા ફરમાવી હતી. તેની દીકરી સાથે હું લગ્ન કરવા માંગું છું.
- પ્રફુલ્લ કાનાબાર
શહેરના મુખ્ય ચોકના ટાવરમાં રાતના બે ડંકા પડ્યા. નિવૃત્ત જજ પંડ્યાસાહેબને ઊંઘ આવતી નહોતી. હજુ બે દિવસ પહેલાં જ યોજાયેલા ભવ્ય વિદાય સમારંભમાં જજ તરીકેની તેમની ઉત્કૃષ્ટ અને પારદર્શક કામગીરીને બિરદાવવામાં આવી હતી. પંડ્યાસાહેબ સત્ય અને સિદ્ધાંતોને વળગેલા કડક જજ હતા. પંડ્યાસાહેબના દરેક ચુકાદાનું પલ્લું હંમેશ માટે સત્યના પક્ષે જ નમ્યું હતું. કોઈ પણ કેસ પંડ્યાસાહેબની કોર્ટમાં આવે એટલે તેઓ તેમની સિક્સ્થ સેન્સના આધારે જાણે કે આખા કેસને સૂંઘી લેતા. ગુનેગાર માટે તો પંડ્યાસાહેબની કોર્ટમાંથી છટકવાનું લગભગ અશક્ય જ બની જતું. કોઈ પણ જાતનો પૂર્વગ્રહ રાખ્યા વગર પંડ્યાસાહેબ બંને પક્ષના વકીલોની દલીલોને સાંભળીને પુરાવાનો તલસ્પર્શી અભ્યાસ કરીને પછી જ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચતા. ભૂલથી પણ કોઈ નિર્દોષને સજા ના થઈ જાય તેનું પંડ્યાસાહેબ બરોબર ધ્યાન રાખતા. સમગ્ર જિલ્લામાં પંડ્યાસાહેબનું નામ ખૂબ જ સન્માનપૂર્વક લેવાતું.
આજે પંડ્યાસાહેબને ઊંઘ ન આવવાનું મુખ્ય કારણ સાંજે વીરૃભા સાથે થયેલી મુલાકાત હતી. સાંજે સાત વાગે પંડ્યાસાહેબ બંગલાના પ્રાંગણમાં હીંચકે ઝૂલી રહ્યા હતા ત્યારે અચાનક એક પડછંદ માણસ આવી ચડ્યો હતો. પંડ્યાસાહેબે તેનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું હતું… છ ફૂટ હાઈટ, વધેલી દાઢી, ઊંડી ઊતરી ગયેલી આંખો અને ચોયણી તથા ઝભ્ભો પહેરેલો તે માણસ ખેડૂત જેવો દેખાતો હતો.
‘જજસાહેબ, હું અમરગઢથી ખાસ આપને મળવા માટે આવ્યો છું.’
‘ભાઈ, માત્ર સાહેબ કહેશો તો ચાલશે.આ કોર્ટ નથી. વળી, આમ પણ હું નિવૃત્ત થઈ ગયો છું’.
‘સાહેબ, મારું નામ વીરૃભા જાડેજા છે. ચૌદ વર્ષ પહેલાં તમે મને ખૂનના ગુના હેઠળ જેલની સજા ફરમાવી હતી. ગયા વર્ષે સારી ચાલ ચલગતને કારણે મને છોડી મૂકવામાં આવ્યો હતો.’
પંડ્યાસાહેબ ચમક્યા. આજ દિન સુધી તેમને મળવા માટે કોઈ ગુનેગાર ક્યારેય આવ્યો નહોતો. વળી, આ વીરૃભા તો સજા પૂરી થયા બાદ મળવા આવી પહોંચ્યો હતો. પંડ્યાસાહેબ હજુ કઈ પણ પ્રતિભાવ આપવા જાય તે પહેલાં વીરૃભા બોલ્યો ‘સાહેબ હું નિર્દોષ હતો’.
પંડ્યાસાહેબ સતર્ક થઈ ગયા. આ માણસ બદલો લેવાની ભાવનાથી તો અહીં સુધી નહિ આવ્યો હોય ને? પંડ્યાસાહેબે ચહેરા પરનો ગભરાટ છુપાવીને કહ્યું, ‘ભાઈ વીરૃભા, આટલાં વર્ષો બાદ મને એ જૂનો ચુકાદો યાદ પણ ના હોય. એ સમયે તમારી વિરુદ્ધમાં જે કંઈ પુરાવા રજૂ થયા હોય તે તપાસીને તેના આધારે જ મેં ચુકાદો આપ્યો હોય…બીજું કે મારા ચુકાદા સામે તમે આગળ અપીલ પણ કરી શકયા હોત..’
‘સાહેબ, અપીલ પણ કરી હતી. ઉપલી કોર્ટે પણ તમારો ચુકાદો માન્ય રાખીને મને જેલમાં ધકેલી દીધો હતો’.
‘ભાઈ, તેનો મતલબ તો એ થયો કે પુરાવાના આધારે ઉપલી કોર્ટને પણ મારો ચુકાદો બરોબર લાગ્યો હશે અને તમને સજાપાત્ર ગણવામાં આવ્યા હશે. હવે આટલાં વર્ષો બાદ આ બાબતે ચર્ચા કરવાનું મને યોગ્ય લાગતું નથી’. પંડયાસાહેબ હીંચકા પરથી ઊભા થઈ ગયા.
અચાનક વીરૃભાએ પંડયાસાહેબનો રસ્તો રોકી લીધો. પંડ્યાસાહેબ ગભરાઈ ગયા. ‘અરે.. અરે, આ શું કરો છો?’
‘સાહેબ મને માત્ર પાંચ મિનિટ સાંભળી લો. હું તમને કોઈ જ નુકસાન પહોંચાડવા નથી આવ્યો. આમ પણ તમે મને મારા જીવનના એ વર્ષો તો પાછા આપી શકવાના નથી જે મેં જેલમાં ગુમાવ્યા છે.’ વીરૃભાએ ભીની આંખે બે હાથ જોડ્યા. પંડ્યાસાહેબ ફરીથી હીંચકા પર બેસી ગયા. વીરૃભા પંડ્યાસાહેબની સામે જમીન પર બેસી ગયો. ‘બોલો વીરૃભા..શું કહેવા માગો છો?’
‘સાહેબ, હું જેલમાં ગયો ત્યાર બાદ મારી પત્નીનું માંદગીને કારણે ત્રણ જ માસમાં અવસાન થયું હતું. મારી એક માત્ર દીકરી નંદિની મોસાળમાં મોટી થઈ. એક વર્ષથી નંદિનીનાં લગ્નની જ્યાં વાત ચાલે છે ત્યાં એક જ વાંધો પડે છે કે તેનો બાપ તો ખૂની છે’.
પંડ્યાસાહેબ એક દીકરીના બાપના ચહેરા પરની વ્યથાને નિહાળી રહ્યા.
‘સાહેબ, નંદિનીના માથા પર ખૂનીની દીકરી તરીકેનો લાગેલો ડાઘ તેને નડે છે. ચાર દિવસ પહેલાં નંદિનીની વાત આ શહેરના જ જયદેવસિંહ સાથે ચાલી હતી. બંનેની ઇચ્છા લગ્ન કરવાની છે. જયદેવસિંહને મારા જેલવાસની ખબર પડી એટલે તે બીજી વાર નંદિનીને મળ્યો પણ ખરો. નંદિનીએ ચોખવટ કરી હતી કે હું નિર્દોષ હતો છતાં મને સજા થઈ હતી. જયદેવસિંહ એ વાત માની પણ ગયો હતો, પરંતુ જેવી તેને ખબર પડી કે મને સજા કરનાર આપ નામદાર જજસાહેબ હતા એટલે તેણે નંદિનીને ફોન કરીને કહ્યું કે તે આ વાતની ખરાઈ કરશે.
‘વીરૃભા, એ કઈ રીતે ખરાઈ કરશે?’
‘સાહેબ, જયદેવસિંહ આપની જ કોર્ટમાં ક્લાર્ક છે. આખા પંથકના માણસોની જેમ તેના મનમાં પણ એવી જ ગ્રંથિ બંધાયેલી છે કે તમારો ચુકાદો ખોટો હોય જ નહિ. જો તે મારા કેસ બાબતે પૂછપરછ કરે તો તમે મારો પક્ષ લેજો…સાહેબ ના ન પાડશો.આ એક દીકરીના બાપની વિનંતી છે.’ વીરૃભાએ રૃંધાયેલા અવાજ સાથે ફરીથી બંને હાથ જોડ્યા.
પંડ્યાસાહેબ વિચારમાં પડી ગયા. એક હેન્ડસમ યુવાન છોકરો કોર્ટમાં પાંચેક વર્ષથી નોકરી કરતો હતો ખરો. કદાચ એ જ જયદેવસિંહ હોવો જોઈએ. વળી, કદાચ વીરૃભા કહે છે તેવું બને તો ખુદ ના ચુકાદાની વિરુદ્ધમાં તેઓ કઈ રીતે બોલી શકે? વળી એ ચુકાદો જે તેમની સ્મૃતિમાં પણ નહોતો.
વીરૃભાને રવાના કરવાના ઇરાદાથી પંડ્યાસાહેબે માત્ર એટલું જ કહ્યું, ‘ભલે હું વિચારી જોઈશ’.
વીરૃભા તો જતો રહ્યો પણ પંડ્યાસાહેબની ઊંઘ ઉડાડતો ગયો. વીરૃભાના અવાજમાં સચ્ચાઈનો એવો રણકાર હતો કે પંડ્યાસાહેબ આટલાં વર્ષો બાદ પણ તે અંગે વિચાર કરતા થઈ ગયા હતા.
પંડ્યાસાહેબે તેમની સ્મૃતિ પટ પર કેટલાય ટકોરા માર્યા ત્યારે માંડ માંડ એટલું યાદ આવ્યું કે વીરૃભાનો વકીલ સાવ નવો હતો અને ફરિયાદી પક્ષનો વકીલ અનુભવી અને પીઢ હતો.
બની શકે કે તેણે સાક્ષીઓને ફેરવીને સાચા ખૂનીને બચાવી લીધો હોય અને પરિણામે આ વીરૃભાને સજા થઈ ગઈ હોય.
સવારે ફ્રેશ થઈને પંડ્યાસાહેબે જેલર ગોહિલસાહેબને ફોન લગાવ્યો.ગોહિલ સાહેબ પણ એકદમ નોનકરપ્ટ અને સિદ્ધાંતવાદી જેલર હતા. કેદીઓને સુધારવા માટેના તેમના પ્રયત્નોની નોંધ સરકારે પણ લીધી હતી. ગોહિલસાહેબ અદ્ભુત યાદશક્તિના માલિક હતા. જેલના દરેક કેદીને તેઓ નામથી ઓળખતા.પહેલી જ રિંગમાં ગોહિલસાહેબે ફોન ઉપાડી લીધો. ‘ગુડ મોર્નિંગ પંડ્યાસાહેબ.’
‘ ગોહિલસાહેબ, વીરૃભા જાડેજા વિષે માહિતી આપશો?’ પંડ્યાસાહેબે કોઈ પણ જાતની પૂર્વભૂમિકા બાંધ્યા વગર પૂછી લીધું.
‘પંડ્યાસાહેબ, સાચું કહું તો એ માણસ તો એકદમ ભગવાનનો માણસ હતો.ઈશ્વરથી ડરીને ચાલનારા એ માણસે ખૂન કઈ રીતે કર્યું હશે.. તે વાત આજ સુધી મારા માટે પણ કોયડો જ છે. તેની સારી ચાલચલગતને કારણે જ તેને એક વર્ષ વહેલો છોડી મૂકવા માટે મેં જ સરકારને ભલામણ કરી હતી અને સરકારે તે માન્ય પણ રાખી હતી’.
રિસીવર ક્રેડલ પર મૂક્યા બાદ પંડ્યા સાહેબે વીરૃભાના વિચારોથી મુક્ત થવા માટે અખબાર હાથમાં લીધું. ત્યાં અચાનક એક યુવાન ડ્રોઇંગ હૉલમાં પ્રવેશ્યો.પંડ્યાસાહેબને તરત ખ્યાલ આવી ગયો કે આ જ જયદેવસિંહ છે. તેઓ મનોમન જયદેવસિંહની અહીં સુધી આવવાની હિંમતને દાદ આપી રહ્યા.
‘બોલો..શું કામ હતું?’ કોર્ટમાં પણ પંડ્યાસાહેબ ટૂ ધ પોઈન્ટ વાત કરવાને ટેવાયેલા હતા.
‘સર. હું આપને માત્ર એક જ સવાલ પૂછવા આવ્યો છું. મારા જીવનના મહત્ત્વના નિર્ણયનો આધાર આપના જવાબ પર છે. અમરગઢના વીરૃભા જાડેજાને આપે ચૌદ વર્ષની સજા ફરમાવી હતી. તેની દીકરી સાથે હું લગ્ન કરવા માંગું છું. તે એમ કહે છે કે તેના પપ્પા નિર્દોષ હતા આપની જે ઇમેજ મારા મનમાં છે તે પ્રમાણે તો તે ચોક્કસ ખોટું બોલી રહી છે અને ખોટું બોલનાર છોકરી સાથે તો હું ક્યારેય લગ્ન ના કરું.’
પંડ્યાસાહેબે જયદેવસિંહના ખભે આત્મીયતાપૂર્વક હાથ રાખીને કહ્યું, ‘જો દોસ્ત, હું પણ ભગવાન નથી. માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ એકાદ કેસમાં મારાથી પણ ભૂલ ન થઈ શકે?’ બોલતાં બોલતાં પંડ્યાસાહેબની બંને આંખો ઝીલમિલાઈ.
જયદેવસિંહ એક પણ શબ્દ બોલ્યા વગર પંડ્યાસાહેબને પગે લાગીને રવાના થઈ ગયો.
પંડ્યાસાહેબ જયદેવસિંહને જતો જોઈ રહ્યા.પંડ્યાસાહેબે દીવાલ પર લગાવેલ એક ફોટા સામે સજળનેત્રે જોયું. હા..એ ફોટો તેમની એકની એક દીકરી સપનાનો હતો. ઘણા વર્ષો પહેલાં જમાઈથી આવેશમાં એક ખૂન થઈ ગયું હતું. તેમણે ધાર્યું હોત તો તેમની વગનો ઉપયોગ કરીને જમાઈને બચાવી શક્યા હોત, કારણ કે જમાઈનો કેસ તેમના અંગત મિત્રની કોર્ટમાં જ ચાલ્યો હતો, પણ પંડ્યાસાહેબે તેમ કરવાનું મુનાસિબ નહોતું માન્યું. આખરે જમાઈને સજા થઈ હતી અને દીકરીએ આત્મહત્યા કરી લીધી હતી. ખુદની દીકરીને તો પંડ્યાસાહેબ બચાવી શક્યા નહોતા, પણ આજે એક કોડભરી દીકરીનો સંસાર વસાવવામાં જરૃર મદદરૃપ થઈ શક્યા હતા.
————————-