તમારા માટે, તમારી સાથે, સતત…

ફક્ત પ્રસિદ્ધિ માટે જાતીય શોષણના ખોટા આક્ષેપો કર્યા હતા

પૈસાની હાયવોયમાં એણે આપણા બધાની જિંદગી ખલાસ કરી નાખી છે.

0 363
  • સત્ – અસત્  – નવલકથા  – પ્રકરણઃ ૩૯

– સંગીતા-સુધીર

ઇન્ટરપોલ દ્વારા તૈમૂરની ધરપકડ

સત્યેને લંડન મોસ્કમાં કેદ અબ્રાહમને છોડાવવા માટે જેરૃસલેમ સ્થિત તેના ડ્રાઇવર કમ કમાન્ડોને ફોન કર્યો. સત્યેન થોડીવાર બેસી રહ્યો ત્યાં જ તેનો ફોન રણક્યો. સામે છેડે જેકબ હતો. તેણે સત્યેનને આશ્વાસન આપ્યું કે તે અબ્રાહમની ચિંતા છોડી દે અને થોડી જ વારમાં તે પોતે સત્યેનને મળવા આવી પહોંચશે. સત્યેને વિચાર્યું કે જો તૈમૂર પણ લંડન મોસ્કમાં હશે અને તેને યુસુફની આત્મહત્યાની જાણ થશેે તો મામલો વણસી જશે, એ વાતે સત્યેન વધુ ચિંતાતુર બન્યો હતો. થોડી જ વારમાં અબ્રાહમના પાંચ કમાન્ડો લંડન મોસ્કમાં દાખલ થયા. મૌલવી એના ચાર બૉડીગાર્ડ સાથે વાત કરી રહ્યો હતો. પાંચ કમાન્ડો પૈકીના બે કમાન્ડોએ મૌલવીને બાજુ પર બોલાવી અબ્રાહમ વિશે પૂછપરછ કરી. આ જોઈને મૌલવીએ તેના બૉડીગાર્ડને પાછા બોલાવ્યા. મૌલવીના બૉડીગાર્ડ અને અબ્રાહમના કમાન્ડો વચ્ચે ઝપાઝપી થાય છે. મૌલવી વિચારે છે કે જો તૈમૂરને અબ્રાહમના છૂટી જવાની જાણ થશે તો તે મૌલવીના હાલ-હવાલ ખરાબ કરી નાંખશે. જોકે, અબ્રાહમના કમાન્ડોની સામે મૌલવી અને તેના બૉર્ડીગાર્ડનું કાંઈ ઉપજતું નથી. કમાન્ડો અબ્રાહમને છોડાવે છે અને જે ઓરડીમાં અબ્રાહમને રાખવામાં આવ્યો હોય છે, એ જ ઓરડીમાં તેઓ મૌલવી અને તેના બૉર્ડીગાર્ડને બંધક બનાવીને પૂરી દે છે. તૈમૂરનું નામ ઇન્ટરપોલમાં રજિસ્ટર થયેલું હોય છે. લંડનની કોર્ટ જે દિવસે તૈમૂર વિરુદ્ધ વૉરન્ટ ઇશ્યુ કરે છે એ જ સમયે ઇન્ટરપોલ પણ તૈમૂર સામે વૉરન્ટ કાઢે છે. તૈમૂર લંડનથી પેરિસ ભાગી જવાની ફિરાકમાં હોય છે, પણ બોર્ડર પોલીસ તેને પકડી પાડે છે અને ઇન્ટરપોલના હવાલે કરે છે. જેકબ સત્યેનને મળે છે અને અબ્રાહમને છોડાવી લીધાની અને ઇન્ટરપોલે તૈમૂરની ધરપકડ કરી હોવાના સમાચાર સત્યેનને આપે છે.

હવે આગળ વાંચો…

‘લંડનથી ભાગીને તૈમૂર પેરિસ જતો હતો. બ્રિટિશ ટનલ પાસે બોર્ડર પોલીસે એની ધરપકડ કરી. ઇન્ટરપોલે એની સામે રેડ નોટિસ ઈશ્યુ કરી છે. બોર્ડર પોલીસે આથી તૈમૂરનો કબજો ઇન્ટરપોલને આપ્યો. થોડા સમય પહેલાં આ બધું ટીવી ઉપર લાઇવ દેખાડવામાં આવ્યું હતું.’

‘વ્હૉટ? રિયલી? આ તો બહુ સારા સમાચાર છે. ઇન્ટરપોલ હવે એની પાસેથી બધી બાતમી કઢાવશે. એ છે ક્યાં?’

‘લગભગ તો એને પેરિસ લઈ જવામાં આવ્યો હશે. ઇન્ટરપોલનું હેડ ક્વાર્ટર્સ ફ્રાન્સમાં જ છે. હવે ક્યાં જઈશું?’

‘સૌથી પહેલાં મારે અબ્રાહમને મળવું જોઈએ.’

‘તો આપણે મારા એપાર્ટમેન્ટ ઉપર જઈએ. એ લોકો મિસ્ટર અબ્રાહમને ત્યાં જ લઈ આવશે.’

* * *

આરજે સામે અત્યંત ગંભીર ગુનાઓ કરવાના આક્ષેપો હતા. એની અને રોહિણી, રોમેલ તેમ જ યુસુફની ચાઇલ્ડ પોર્નોગ્રાફી બાબતે ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનો એવો હતો, જેમાં જામીન મળવા અશક્ય નહીં, પણ લગભગ મુશ્કેલ હતા. આમ છતાં તૈમૂરે લંડનના બાહોશ બેરિસ્ટરની મદદથી એ ચારેને જામીન ઉપર છોડાવ્યા હતા. આથી આરજે, જેણે ગભરાટમાં પોતાના બધા ગુનાઓના લેખિત એકરાર કર્યા હતા અને એમાં કોણ કોણ સંડોવાયા હતા એનાં નામો અને કાર્યો સુદ્ધાં પોતાના હાથે લખીને સત્યેનને સુપરત કર્યા હતા એનો એ બાબતનો ગભરાટ ઓછો થઈ ગયો હતો. એના મનમાં એવી ધરપત થઈ ગઈ હતી કે એ બેરિસ્ટર એવું પુરવાર કરી શકશે કે એ બધી કબૂલાત એની પાસે એ જેલમાં હતો એ સમયે ધાકધમકી અને જોરજુલમથી કરાવવામાં આવી હતી. આથી છોડ્યા બાદ જેવા તેઓ પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા કે ફરીથી એમની ધરપકડ કરવામાં આવી તોયે આરજે ગભરાયો નહોતો. હવે આરજે ફરી પાછો ફોર્મમાં આવી ગયો હતો. એને એવું જ લાગવા માંડ્યું હતું કે થોડા કલાકોમાં જ તૈમૂર પેલા બાહોશ બેરિસ્ટરની મદદથી એમને બધાને છોડાવી દેશે.

યુસુફે સાઇનાઇડની ગોળીઓ ચાવીને આપઘાત કર્યો એની જાણ થતાં આરજેને વજ્રાઘાત લાગ્યો. બાપ રે! શા માટે યુસુફે આ પ્રમાણે આપઘાત કર્યો? અરે, તૈમૂર તો અમને બધાને થોડા સમયમાં છોડાવવાનો જ હતો ને? નક્કી યુસુફે મારા કરતાં વધારે કૌભાંડો કર્યા હશે. એની પાસે ઘણી અગત્યની માહિતીઓ હશે, જો એના ઉપર થર્ડ ડિગ્રી અજમાવવામાં આવે તો એ ઓકી નાખે એવી શક્યતાઓ હશે એટલે જ યુસુફે જાતે આપઘાત ન કર્યો હોય, પણ જબરજસ્તીથી એને સાઇનાઇડની ગોળી તૈમૂરના માણસોએ જ ખવડાવી હશે. એટલે તૈમૂરના માણસો આ પોલીસ સ્ટેશનની અંદર પણ હશે જ. બાપ રે! અમારા ઉપર એવો કોઈ આવો જુલમ ન કરે તો સારું. મારે મરવું નથી. મરવાની મને જરૃર શું છે? ભલેને મેં જે કંઈ લેખિત કબૂલાત કરી છે એ બધી સાચી ઠરે. બહુ બહુ તો એ લોકો મેં ઉચાપત કરેલા પૈસા પાછા લઈ લેશે, પણ મારી જાનને કોઈ હાનિ નહીં પહોંચે. જાન બચી તો લાખો પાયે અને અમારી સામે કરવામાં આવેલા ચાઇલ્ડ પોર્નોગ્રાફીના આક્ષેપો તો સદંતર ખોટા જ છે. આરજે આવા આવા વિચારે ચઢી ગયો. એટલામાં જ એક કોન્સ્ટેબલ આવ્યો. એણે આરજેની કોટડીનો દરવાજો ખોલ્યો અને કહ્યું, ‘અમારા ઇન્સ્પેક્ટર તમને બોલાવે છે.’ આરજેની સાથે સાથે રોહિણી અને રોમેલ પણ એ કોટડીની બહાર નીકળવા ગયાં. કોન્સ્ટેબલે એ બંનેને અટકાવ્યા,

‘તમને નહીં. આમને એકલાને જ.’

આરજે જેવો એ કોન્સ્ટેબલ સાથે ઇન્સ્પેક્ટરની કેબિનમાં દાખલ થયો કે ઇન્સ્પેક્ટરે મોઢા ઉપર આંગળી મૂકી એને ચૂપ રહેવા જણાવ્યું અને એ આંગળી સામે ચાલુ ટીવી ઉપર આવતા ન્યૂઝ જોવા માટે લાંબી કરી. તૈમૂરની એરેસ્ટ અને એની સામેની રેડ નોટિસમાં એનાં કારનામાંઓ અને પછી ઇન્ટરપોલને એની સોંપણી, આ બધું ટીવી ઉપર લાઇવ જોતાં આરજેના હાંજા ગગડી ગયા. યુસુફે આપઘાત કર્યો, તૈમૂર એરેસ્ટ થયો અને ઇન્ટરપોલને સોંપાયો આ જાણતાં જ આરજેમાં જે હિંમત આવી હતી એ એકદમ ઓસરી ગઈ. હવે વર્ષો સુધી લંડનની જેલમાં સબડવાનું જ અમારા નસીબમાં નિશ્ચિત થઈ ગયું એવું ધારીને આરજે એકદમ ફસડાઈ પડ્યો.

‘તમે જોયું ને? તમને જે વ્યક્તિએ જામીન અપાવ્યા અને અમે એમને એરેસ્ટ કરીએ એ પહેલાં અહીંથી ભાગી જનારા તમારા મિસ્ટર તૈમૂરની શું વલે થઈ છે? એ તૈમૂરના સાગરીત યુસુફે તો અહીં અમારી કસ્ટડીમાં જ સુસાઈડ કર્યું છે. હવે તમે ગોલમાલ કરેલા પૈસા પાછા આપી દેવાની ખાતરી આપી છે, એ નહીં કરો તો તમારા શું હાલ થશે? હું તો એની કલ્પના જ નથી કરી શકતો.’ સત્યેન શાહ તરફ કૂણી લાગણી ધરાવતા લંડનના ઇન્સ્પેક્ટરે આરજેને કહ્યું.

કસ્ટડીમાં આરજેને બે કોન્સ્ટેબલોએ પકડીને એમ કહોને કે ઊંચકીને લઈ જવો પડ્યો. એની આ હાલત જોઈને ગભરાયેલાં રોહિણી અને રોમેલ વધુ ગભરાઈ ગયાં.

‘પપ્પા, તમને શું થયું?’ રોમેલે પ્રશ્ન કર્યો.

‘બીજું શું થાય? પૈસાની હાયવોયમાં એણે આપણા બધાની જિંદગી ખલાસ કરી નાખી છે. પેલા યુસુફે આપઘાત કર્યો છે. તૈમૂર ભાગી ગયો છે. ઇન્સ્પેક્ટરે તારા પપ્પાને કોઈ ત્રીજા ખરાબ સમાચાર આપ્યા હશે. બે-ચાર ફટકા પણ માર્યા હશે.’ રોહિણીને આરજે પ્રત્યે ઘૃણા થવા લાગી હતી.

‘ઇન્ટરપોલે તૈમૂરને એરેસ્ટ કર્યો છે.’

‘ઓ માય ગૉડ. પપ્પા, હવે શું થશે?’

‘જુઓ, હું હજુ પણ તમને કહું છું, જે ગોટાળા કર્યા છે એ પૈસા પાર્ટીને પાછા આપી દો, સત્યેનભાઈની માફી માગો. એ જ આપણને આ બધામાંથી છોડાવશે. નહીં તો તમારું જે થવાનું હશે તે થશે, પણ હું તો યુસુફની જેમ જ આપઘાત કરીશ. મારાથી હવે આ બધું વધુ નહીં સહેવાય.’

‘મમ્મી, આવું કેમ બોલે છે?’

‘દીકરા, તને ખબર નથી. આ લોકો આપણા પર થર્ડ ડિગ્રી અજમાવશે તો આપણે પાંચ મિનિટથી વધારે સહન નહીં કરી શકીએ અને તારા પપ્પાએ જે કરોડો રૃપિયા ઉચાપત કર્યા છે એમાંનો એક રૃપિયો પણ આપણને કામ નહીં લાગે.’

‘પપ્પા, તમે શા માટે આવું કર્યું? કોના માટે કર્યું? તમારા આ બધાં કારસ્તાનોનું પરિણામ જોયું?’

‘અને દીકરા, આપણી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ એટલા ભયંકર છે કે આપણે આખી જિંદગી લંડનની જેલમાં જ સબડવું પડશે.’

‘પણ મમ્મી, એ બધા સાવ ખોટા છે.’

‘દીકરા, એ તો તું જાણે છે અને હું જાણુ છું, પણ તેં જોયું નહીં, આપણી સામે કેવા સાક્ષીઓ ઊભા કરવામાં આવ્યા છે? તારા પપ્પા જેમ ખોટાનું ખરું કરવામાં એક્સ્પર્ટ છે એમ આ લોકો પણ એ બાબતમાં એક્સ્પર્ટ હશે જ અને ગુનો પુરવાર ન થાય તોયે કેસ પૂરો ન થાય ત્યાં સુધી આપણે કસ્ટડીમાં જ સબડવું પડશે.’

* * *

આરજેએ એણે કરેલ લેખિત કબૂલાત પાળી.

પાર્ટીના ફંડમાંથી ઉચાપત કરેલા પૈસા પાર્ટીના ફંડમાં ફરી પાછા જમા કરાવી દીધા. સત્યેનના કહેવાથી મુંબઈથી ખાસ લંડન આવી પહોંચેલા પાર્ટીના પ્રેસિડન્ટ સિદ્ધાંતભાઈને ડૉલર, પાઉન્ડ, હીરા તેમ જ ગોલ્ડ બાર સુપરત કરી દીધા.

સત્યેને એણે આપેલ વચન મુજબ આરજેની વિરુદ્ધ ચાઇલ્ડ પોર્નોગ્રાફીના જે જુઠ્ઠા આક્ષેપો કરાવ્યા હતા એ પાછા ખેંચાવી લીધા.

મુંબઈ હાઈકોર્ટે આપેલ આદેશ મુજબ ત્રણ નિવૃત્ત જજોના તપાસપંચે રાત-દિવસ અથાગ કાર્ય કર્યું. મયૂરી મહેતા, મહેક મોેમિન, સુઝેન સેલ્વમ, રમણી અદનાની, જાનકી અને અન્ય યુવતીઓ, જેમણે મુંબઈ શહેરની જુદી જુદી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સમક્ષ ‘મી ટૂ’ ચળવળ હેઠળ જાતીય શોષણના આક્ષેપો કર્યા હતા એમની ઊલટતપાસ લીધી. જાગૃતિ જોશી અને રંજના સેન, આ બંનેએ એમણે કરેલા આક્ષેપો પાછા ખેંચી લીધા હતા તેમ છતાં એમણે આક્ષેપો શા કારણે કર્યા હતા ને શા કારણે તેઓ એ પાછા ખેંચી લેતા હતા એ વિશેની એમની કેફિયત સાંભળી. બધી જ સ્ત્રીઓએ દાખલ કરેલા પુરાવાઓ અને એમના ઍડ્વોકેટોની મૌખિક દલીલો સાંભળી અને લેખિત દલીલો તપાસી.

છેલ્લે છેલ્લે, ઇન્ક્વાયરી કમિશન સમક્ષ હાજર થઈને સૌને આશ્ચર્યમાં નાખી દેનાર સત્યેનની રજૂઆત પણ સાંભળી તેમ જ એમણે રજૂ કરેલા પુરાવાઓ જોયા. તપાસપંચે જાતે તો સત્યેન શાહની ઊલટતપાસ લીધી જ, પણ જે સ્ત્રીઓએ આક્ષેપો કર્યા હતા એ સર્વેના ઍડ્વોકેટોને પણ સત્યેન શાહની ઊલટતપાસ લેવા દીધી. સત્યેન શાહે હાજર કરેલ આરજેને પણ તપાસપંચે સાંભળ્યો. ઍડ્વોકેટ અરદેસર પટેલ, સૉલિસિટર જોશી અને ઍડ્વોકેટ ભૂપેન્દ્ર મહેતા આ ત્રણેયે પોતપોતાના ક્લાયન્ટો માટે એમની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ દલીલો કરી. અટલે પણ ચીફ જજ શ્રી સુરેન્દ્ર ત્રિવેદી તેમ જ તપાસપંચના ત્રણેય જજોની ખાસ પરવાનગી મેળવી ખૂબ જ સુંદર અને પદ્ધતિસરની દાખલા-દલીલો આપીને પોતાનાં મંતવ્યો રજૂ કર્યા. એણે વર્ણવેલ સ્વાનુભવ સૌને સ્પર્શી ગયો.

ત્રણ મહિનાની અંદર તપાસપંચે એમની ઇન્ક્વાયરી પૂરી કરી. ચીફ જજે આપેલ આદેશ મુજબ એ પછીના બે અઠવાડિયાંની અંદર એમણે એમની ઇન્ક્વાયરીનો પાંચસો પંચાવન પાનાંનો રિપોર્ટ પણ મુંબઈ હાઈકોર્ટને સુપરત કરી દીધો.

હવે સૌ એ રિપોર્ટનો અભ્યાસ કરવામાં પડી ગયા. પંદર દિવસની અંદર એમણે એ રિપોર્ટ વિશે એમનાં મંતવ્યો, તરફેણમાં કે વિરુદ્ધમાં લેખિત જણાવવાના હતા. મૌખિક દલીલો કરવાની છૂટ હતી, પણ એનો સમય ત્રીસ મિનિટ સુધીનો મર્યાદિત ઠરાવવામાં આવ્યો હતો, આથી સૌ લેખિત અને મૌખિક આમ બંને રીતે દલીલો કરવા નિર્ધારિત હતા.

લેખિત દલીલો માટે જે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો હતો એના ચૌદ દિવસ પૂરા થઈ ગયા છતાં હજુ સુધી

હાઈકોર્ટને એક પણ લેખિત દલીલ મળી નહોતી.

* * *

‘સલીમ, સાલા તેં મને છેતર્યો.’

સત્યેન શાહનું કાટલું સલીમના માણસે નહોતું કાઢી નાખ્યું. એ તો જીવતો હતો. ભારતની બહાર ભાગી ગયો હતો. હવે પાછો હેમખેમ આવ્યો હતો. આ જાણતાં જ મયૂરીના ભાઈ મયંકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ફોન ઉપાડીને એણે સલીમને ગાળો ભાંડવાની શરૃ કરી.

‘મયંક શેઠ, તમારી જેમ હું પણ અંધારામાં હતો. મેં તમને કહ્યું નહોતું કે સત્યેનને ઉડાડી દીધો છે. એ કામ તો આપણે બીજાને સોંપ્યું હતું. સત્યેન ગુમ થઈ ગયો એટલે તમે જેમ ધારી લીધું એમ મને પણ લાગ્યું કે આપણા માણસે આપણુ કામ કરી નાખ્યું છે.’

‘એ જે હોય તે, કામ કરવાના, સત્યેનને ઉડાડી દેવાના પૂરા એક કરોડ મેં આપ્યા છે. અને કામ થયું નથી.’

‘મયંક શેઠ, તમારી જેમ મને પણ એ માણસ ઉપર ગુસ્સો આવે છે. કામ એણે કર્યું નહોતું તો બાકીનું અડધું ખોખું લીધું જ શું કામ?’

‘જો સલીમ, આ જીભાજોડી કરવાનો કોઈ અર્થ નથી. જે કામના મેં પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા છે એ થવું જ જોઈએ.’

‘હા પણ…’

‘પણ-બણ કંઈ નહીં. તારે સુરતમાં રહેવું છે કે નહીં? અમારા રાજકારણીઓની મહેરબાની જોઈએ છે કે નહીં?’

‘અરે, મયંક શેઠ, તમે આ શું વાત કરો છો?’

‘બસ, હવે જીભાજોડી બંધ કર. તારા પેલા માણસને પકડ અને કહે કે અધૂરું કામ પૂરું કરે, નહીં તો…’

‘સમજી ગયો… સમજી ગયો મયંક શેઠ, તમારે આગળ બોલવાની જરૃર નથી. જલદીમાં જલદી એ અધૂરું કામ હું પૂરું કરાવીશ.’

* * *

‘તેજાનીસા’બ, બહોત દિનોં કે બાદ મુઝે યાદ કિયા. બોલો, ક્યા હુકમ હૈ?’ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાળા કરતૂતો કરનાર વ્યક્તિ તરીકે ખ્યાતિ પામેલ વ્યક્તિ, જેને મહેકની જોડે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતા તેજાનીએ સત્યેન શાહને ખોખરો કરવા સોપારી આપી હતી એણે અચાનક તેજાનીએ મોબાઇલ ઉપર સંપર્ક સાધતાં પ્રશ્ન કર્યો.

‘સાલા, તેં મને બેવકૂફ બનાવ્યો. પંદર લાખ લીધા અને કંઈક કર્યું નહીં.’

‘તેજાની શેઠ… મેરી બાત સૂનો…’

‘તારી વાત શું સાંભળું? પંદર લાખ લઈને તું મને ચૂનો લગાડી ગયો. કામ કર્યું નહીં અને પૈસા હજમ કરી ગયો.’

‘નહીં.. નહીં. તેજાની શેઠ, યાદ કરો આપહીને માન લિયા થા કિ મૈંને કામ કર દિયા હૈ ઔર મુઝે કુછ બતાને કા મૌકા નહીં દિયા ઔર કહ દિયા કિ હમ બાત નહીં કરેંગે. એક-દુસરે કો પહેચાનેંગે નહીં. મેં તો આપકો બતાનેવાલા થા કિ મૈં કુછ કરું ઉસકે પહલેહી સત્યેન શાહ ગુમ હો ગયા હૈ, કહીં ભાગ ગયા હૈ. દેખો તેજાની શેઠ, ઇન્ડસ્ટ્રીમેં અપના ભી ઇજ્જત હૈ. હમ ઝૂઠ બોલકે પૈસા નહીં લેતા હૈ. આપને મના કિયા થા ઈસલિએ મૈં ચૂપ બૈઠા થા. અબ આપને મેરા કૉન્ટેક્ટ કિયા હૈ તો વો પંદર લાખ વાપસ ભેજ દૂંગા.’

‘મને પૈસા નથી જોઈતા. તું મારું કામ તાબડતોબ કર. એ સત્યેન શાહના હાથ-પગ તોડી નાખ. સાલાની એવી હાલત કર કે છ મહિના સુધી એ ખાટલામાંથી ઊઠે જ નહીં.’

‘ઠીક હૈ.’

* * *

‘ડેવિડ… ડેવિડ, તું સાંભળતો ખરો. તેં જ ધારી લીધું હતું કે મેં સત્યેનને કિડનેપ કર્યો છે. હું તને જાણ કરું કે મેં સત્યેનને કિડનેપ નથી કર્યો એ પહેલાં તો તેં આપણે એકબીજાને નહીં મળીએ એવું કહીને ફોન કટ કરી નાખ્યો. હવે તું મારો વાંક કાઢે, મારા ઉપર ખોટા આક્ષેપો મૂકે, ફ્રેન્ડશિપમાં એ સારું નથી.’

‘તો હવે શું કરશું?’ થોડાક છોભીલા પડતા સ્વિમિંગ ચેમ્પિયન સુઝેન સેલ્વમના પ્રેમી સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ડેવિડ ગોન્સાલ્વિસે એના ફ્રેન્ડ રોડ્રિગ્સ ફર્નાન્ડીઝને સવાલ કર્યો.

‘જો ડેવિડ, આપણે હમણા કંઈ કરવું ન જોઈએ. એ સત્યેન શાહે સુઝેન સામે બદનક્ષીનો કેસ કર્યો છે. સત્યેન ખોટો છે અને સુઝેન સાચી છે એટલે કોર્ટ જ એનો કેસ ફગાવી દેશે. એ પછી આપણે જે કંઈ પણ કરવું હોય એ કરશું.

* * *

સત્યેન પાછો આવ્યો એ જાણતાં રંજના સેનના પ્રેમી અમર્ત્યને લાગ્યું કે એણે રંજના સેનને જે સલાહ આપી હતી એ યોગ્ય હતી. પોતે સત્યેન શાહનું ખૂન કરવાનો, જેમ્સ હેડલી ચેઝની નવલકથાનાં પાત્રોની જેમ જ પ્લાન ઘડ્યો હતો એ બદલ એને પોતાને જ પોતાની જાત પ્રત્યે ધિક્કાર ઉત્પન્ન થયો. હા, જો સત્યેન શાહે ખરેખર રંજના સેન ઉપર બળાત્કાર કર્યો હોત, એનું જાતીય શોષણ કર્યું હોત તો એણે સત્યેન શાહનું મર્ડર કરવાનો જે પ્લાન ઘડ્યો હતો એ કદાચ યોગ્ય કહી શકાત, પણ જ્યારે રંજના સેને જાતે જ કબૂલ્યું કે સત્યેન શાહે એના ઉપર બળાત્કાર કર્યો નહોતો, એનું જાતીય શોષણ કર્યું નહોતું. એણે ફક્ત પ્રસિદ્ધિ માટે આવા ખોટા આક્ષેપો કર્યા હતા તો પછી સત્યેન શાહને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડવી એ યોગ્ય નહોતું.

લચ્છુ અદનાનીને તો એની પત્નીએ કરેલી કબૂલાત શું હતી એ જ સમજમાં આવ્યું નહોતું. સત્યેન શાહના વતીથી એની પત્ની સમક્ષ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. જે ગુમ થઈ ગયો હતો એ સત્યેન શાહ પાછો આવ્યો છે એ ખબર મળતાં જ લચ્છુ ધૂંવાંપૂંવાં થઈ ગયો હતો. સમયસૂચકતા વાપરીને રમણીએ એની રિવોલ્વર સંતાડી દીધી હતી. નહીં તો ધૂંધવાયેલા લચ્છુએ એમાંની ગોળીઓ પોતાની જ છાતીમાં ધરબી દીધી હોત.

* * *

તપાસપંચે એમનો અહેવાલ હાઈકોર્ટમાં સમયસર સુપરત કર્યો. એ જ દિવસે એ અહેવાલની નકલો લાગતા-વળગતા સૌએ મેળવી લીધી. લગભગ બધાએ એ અહેવાલને લગતાં એમનાં સૂચનો, સમર્થનમાં તેમ જ વિરોધમાં, સમયસર તૈયાર પણ કરી નાખ્યાં. કોર્ટમાં એ એમણે છેક છેલ્લે, પંદરમા દિવસે કોર્ટની ઑફિસનો સમય પૂરો થાય એની થોડી જ મિનિટો પહેલાં, દાખલ કર્યાં.

મોટા ભાગના ઍડ્વોકેટો એફિડેવિટ, બચાવનામું કે લેખિત દલીલો દાખલ કરવાનો જે સમય આપવામાં આવ્યો હોય એના આખરી દિવસ અને આખરી પળ સુધી એ દાખલ કરવાનું ટાળે છે. છેક છેલ્લી ઘડીએ તેઓ એ દાખલ કરે છે, જેથી સામા પક્ષને એમની એફિડેવિટ, બચાવનામું કે લેખિત દલીલોમાં શું જણાવ્યું છે એ વાંચવાનો અને એની ઉપર વિચાર કરવાનો તેમ જ દલીલો કરવાનો સમય પ્રાપ્ત ન થાય. આવી સામાન્ય લુચ્ચાઈ તો બધા જ કરતા હોય છે.

‘માય લૉર્ડ, તપાસપંચનો અહેવાલ પાંચસો પંચાવન પાનાંનો છે. આ ઉપરાંત, તપાસપંચ સમક્ષ અઢળક દસ્તાવેજો અને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. એ બધું વાંચીને મારા ક્લાયન્ટ વતીથી લેખિત દલીલો તૈયાર કરવા માટે પંદર દિવસનો સમય ખૂબ જ અપૂરતો હતો. મને આથી વધુ ચાર અઠવાડિયાંનો સમય જોઈએ છે.’ મયૂરી મહેતા, સુઝેન સેલ્વમ, મહેક મોમિન અને રમણી અદનાનીની વકીલાત કરતા મિસ્ટર અરદેસર પટેલે ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદીને વિનંતી કરી.

‘વ્હૉટ?’ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદી એમની ખુરસીમાંથી અડધા ઊભા થઈને બરાડ્યા, ‘તમે તો એક એક્સપિરિયન્સ અને આ કોર્ટના ટોચના વકીલોમાંના છો. બીજા બધાએ એમની લેખિત દલીલો સુપરત કરી દીધી છે અને તમે જ એ કરવા માટે હજુ વધારાનાં ચાર અઠવાડિયાં માગો છો?’

‘માય લૉર્ડ, આપ આમ મારા એકલા ઉપર ગુસ્સો ન કરો. સૉલિસિટર જોશીએ પણ એમના ક્લાયન્ટ વતીથી લેખિત દલીલો દાખલ નથી કરી…’

‘નો… નો માય લૉર્ડ, મારી લેખિત દલીલો તૈયાર છે. ગઈ કાલે કોર્ટમાં આવતાં આવતાં ટ્રાફિકમાં મારો ક્લાર્ક અટવાઈ ગયો હતો અને કોર્ટનો સમય પૂરો થઈ જવાથી એ અમારી દલીલો દાખલ કરી શક્યો નહોતો. આ લો, મારી લેખિત દલીલો. એને રેકોર્ડ ઉપર લેવાની આપ પરવાનગી આપો.’ સૉલિસિટર જોશીએ સત્યેન શાહ, એમના ફેમિલી અને એમની કંપનીઓ વતીથી કોર્ટમાં ઊભા થઈને ઍડ્વોકેટ અરદેસર પટેલને અટકાવતાં કહ્યું.

‘મિસ્ટર જોશી, મેં આપેલ ઓર્ડર મુજબ તમે તમારી ક્લાયન્ટની લેખિત દલીલો સમયસર દાખલ નથી કરી. તમે જે કારણ આપ્યું છે એ માનવા હું તૈયાર નથી. મુંબઈ શહેરમાં ટ્રાફિકની સમસ્યા કંઈ આજકાલની નથી. એ જાણ્યા બાદ તમારા ક્લાર્કે ઑફિસમાંથી કોર્ટમાં આવવા વહેલા સમયસર નીકળવું જોઈતું હતું. આમ છતાં ન્યાય ખાતર હું તમારી દલીલો રેકોર્ડ ઉપર લેવાનો ઓર્ડર કરું છું. તમે મારા ઓર્ડરનું પાલન નથી કર્યું એટલે રૃપિયા દસ હજારનો દંડ કરું છું. તમે એ દંડની રકમ કોર્ટમાં જમા કરાવશો ત્યાર બાદ તમારા ક્લાયન્ટની લેખિત દલીલો રેકોર્ડ ઉપર લેવામાં આવશે.’

‘માય લૉર્ડ, હું આપનો આભારી છું.’ સૉલિસિટર જોશીએ ચીફ જજનો ગુસ્સો પારખી લેતાં એમને જે દંડ ફટકારવામાં આવ્યો હતો એનો વિરોધ ન કરતાં જજ સાહેબનો ઓર્ડર સ્વીકારી લીધો.’

‘આ એક સામાન્ય જનતાના લાભ માટેની કોર્ટે સ્વયં આરંભેલી તપાસ છે. મિસ્ટર અરદેસર પટેલની સમયની માગણી અયોગ્ય છે. મને ખાતરી છે કે બીજા કોઈ કારણસર નહીં, પણ અન્યોની લેખિત દલીલો વાંચીને પછી પોતાના ક્લાયન્ટની લેખિત દલીલો સુધારવા માટે જ એમણે જાણીજોઈને એમના ક્લાયન્ટોની લેખિત દલીલો દાખલ નથી કરી. આમ છતાં ન્યાય ખાતર હું અરદેસર પટેલને એમના ક્લાયન્ટ વતી એમની લેખિત દલીલો દાખલ કરવા માટે ચાર અઠવાડિયાં નહીં, પણ બે અઠવાડિયાંનો સમય આપું છું. કોર્ટનો અને અન્ય વકીલોનો આજનો સમય વેડફવા માટે અને આખી તપાસ લંબાવવા માટે રૃપિયા એક લાખનો દંડ પણ કરું છું. મિસ્ટર અરદેસર પટેલને અન્યોની લેખિત દલીલો વાંચવાનો સમય મળ્યો છે એ મુજબ અન્યોને પણ અરદેસર પટેલના ક્લાયન્ટોની લેખિત દલીલો વાંચવાનો સમય મળે એ માટે હું આખી ઇન્ક્વાયરી ચાર અઠવાડિયાં માટે લંબાવું છું. આજથી બરાબર ચાર અઠવાડિયાં પછી એની સુનાવણી થશે. કોઈ પણ કારણસર હવે આ તપાસપંચને લંબાવવામાં નહીં આવે.’

* * *

ચીફ જજે એમની કોર્ટ બરખાસ્ત કરી. તેઓ જેવા એમની ખુરસી ઉપરથી ઊભા થયા કે કોર્ટની માનવમેદનીએ બહાર જવા માટે હોડ ભરી. કોણ જાણે કેમ પણ કલાક-બે કલાક સુધી ઊભા રહેલા આ સર્વેને હવે ઉતાવળ આવી હતી અને તેઓ એક પણ ક્ષણ કોર્ટમાં રહેવા ઇચ્છતા ન હતા. અટલ આમાં અપવાદ હતો. ઍડ્વોકેટને બેસવાની પ્રથમ હરોળની ખુરસીઓની પાછળની બીજી હરોળની ખુરસીમાં બેઠેલા અટલે તુરંત ઊભા થવાનું ટાળ્યું. એ જ હરોળમાં એક છેવાડે જાગૃતિ બેઠી હતી અને બીજા છેવાડે અચલા. બંને કોર્ટમાંથી લોકો બહાર ગયા એટલે

પોતપોતાની ખુરસીમાંથી ઊભા થઈને અટલની પાસે આવવા માંડ્યાં. જાગૃતિને અટલની પાસે આવતાં જોઈ અચલા અટલ પાસે જતાં અટકી ગઈ અને ફરીને કોર્ટ રૃમની બહાર જવા લાગી.

‘અટલજી, શું લાગે છે?’

જાગૃતિએ અટલની નજીક પહોંચતાં એને પ્રશ્ન કર્યો.

‘શેનું શું?’

‘આ આખી તપાસનું. તમે તપાસપંચનો અહેવાલ તો વાંચ્યો છે.’

‘હા… એક વાર નહીં, અનેક વાર.’

‘તો પછી તમને શું લાગે છે?’

‘મને શું લાગે છે, શું નથી લાગતું એ નહીં, પણ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદીને આ અહેવાલ વાંચ્યા પછી શું લાગે છે અને શું નથી લાગતું એ મહત્ત્વનું છે.’

‘હા, પણ મારા વિશે?’

‘તારા વિશે શું લાગવાનું હોય? તેં તો પહેલે દિવસે કબૂલાત કરી કે તેં મંથન સામે કરેલ બધા આક્ષેપો ખોટા છે અને એ ખોટા આક્ષેપો તેં એટલા માટે કર્યા હતા કે એથી આવી જ કોઈ ઉચ્ચ હોદ્દેદાર વ્યક્તિનું આ આખા પ્રશ્ન તરફ ધ્યાન દોરાય અને એનું કાયદાકીય નિરાકરણ આવે. આપણે બધાએ આ જે પ્લાન ઘડ્યો હતો એ સફળ થયો છે. અને એ માટે હું તને અભિનંદન આપું છું.’

‘હા, પણ તમે જોયું નહીં, પહેલે દિવસે જજ સાહેબે મને કેવી ધમકાવી હતી.’

‘એમનું કહેવું વાજબી હતું, પણ આપણે એ રિસ્ક લેવા સિવાય છૂટકો નહોતો.’

‘પણ અટલજી, તમને ચીફ જજના શબ્દો યાદ છે ને? “મેડમ, તમે કોર્ટને રમકડું સમજો છો? આ પ્રકારના આક્ષેપો કરવા બદલ કોર્ટ તમને સજા કરશે.” અટલજી, મને ચીફ જજ શું સજા કરશે?’

Related Posts
1 of 34

‘મારા મત પ્રમાણે પહેલે દિવસે ચીફ જજે તને ગુસ્સામાં જે શબ્દો કહ્યા હતા એનો હવે આ તપાસપંચના અહેવાલ બાદ તેઓ અમલ નહીં કરે, પણ મને કહે કે મંથનનું શું મંતવ્ય છે?’

‘એ તો… એ તો…’ શરમાઈ જતાં

જાગૃતિએ કંઈ જવાબ ન આપ્યો.

‘આમ શરમાય છે શું?’

‘કંઈ નહીં. મંથન મારી જોડે લગ્ન કરવા ઇચ્છે છે.’

‘વાહ… આ તો ખૂબ જ સારા સમાચાર છે. કોન્ગ્રેચ્યુલેશન.’

‘અચ્છા અટલજી, હું જાઉં છું. કોર્ટ રૃમ બહાર મંથન મારી વાટ જોતો ઊભો છે.’

જાગૃતિના ગયા બાદ અટલ લાંબો સમય સુધી વિચાર કરતો કોર્ટ રૃમમાં જ બેસી રહ્યો. આખરે એ ઊભો થયો. એને સમજ નહોતી પડતી કે તપાસપંચના અહેવાલ ઉપર ચીફ જસ્ટિસ સુરેન્દ્ર ત્રિવેદી કેવો ઓર્ડર આપશે. કોને સજા કરશે, કોને નિર્દોષ ગણીને છોડી મૂકશે. બધું જ ચીફ જસ્ટિસ આખા રિપોર્ટનું અર્થઘટન કઈ રીતે કરે છે એના ઉપર નિર્ભર હતું. અટલના મતે તો રિપોર્ટ નરો વા કુંજરો વા જેવો હતો. ન તો કોઈને ગુનેગાર ઠરાવતો કે ન તો કોઈને નિર્દોષ.

અટલની હાર્લી ડેવિડસન મોટરબાઈક ઉપર બેઠેલી અચલા અટલ જેવો નજીક આવ્યો કે નીચે ઊતરી ગઈ.

‘કેમ? બાઈક ચલાવવાનો શોખ થયો છે? પણ આ બાઈક ચલાવવાનું તારું કામ નહીં. એ તો મારા જેવા મસલ્સમેન જ ચલાવી શકે.’

‘હા અને મારા જેવી સ્ત્રી એના ઉપર તારી પાછળ બેસે તો શોભે નહીં. એ તો જાગૃતિ જ તારી જોડે શોભે.’

‘અચલા, તું જાગૃતિની અદેખાઈ શું કામ કરે છે? તારી જાણ ખાતર, એ મારી શિષ્યા છે અને થોડા સમયમાં જ મંથનને

પરણવાની છે.’

‘વ્હૉટ? જાગૃતિએ જેની સામે આક્ષેપો કર્યા એ જ મંથન જોડે એ પરણવાની છે?’

‘યસ… જાગૃતિએ જેમ કોર્ટને

પહેલે દિવસે જણાવ્યું હતું તેમ એણે મંથન સામે કરેલા આક્ષેપો ખોટા હતા અને એ

આક્ષેપો ફક્ત ચીફ જસ્ટિસ જેવી વ્યક્તિનું ધ્યાન આ પ્રશ્ન પ્રત્યે દોરાય એ માટે કરવામાં આવ્યા હતા.’

‘પણ આટલા સંગીન અને ગંભીર આરોપો અને એક નહીં, અનેક. વારંવાર. છાપાંઓએ તો એને કેટલી પ્રસિદ્ધિ આપી હતી.’

‘એ જ તો અમારો ઉદ્દેશ હતો.’

‘ઓહ!’

‘પણ અચલા, તું વારંવાર મારા અને જાગૃતિના સંબંધોને કેમ અવળી દૃષ્ટિથી જુએ છે? અને જાગૃતિની અદેખાઈ શા કારણે કરે છે?’

‘હું? અને જાગૃતિની અદેખાઈ કરું? જા… જા.’

‘અચલા, તારું આ વર્તન જ દેખાડી આપે છે કે તું બહારથી ભલે મારા પ્રત્યે ગુસ્સો દેખાડતી હોય, પણ મનોમન અંદરથી મને ચાહે છે.’

‘જા… જા. હું અને તને ચાહું? મિસ્ટર અટલ, ખોટા ખ્યાલમાં ન રાચો.’

‘એમ?’

‘હા, એમ. પણ ચાલ, તારે હવે મને આવું કહેવા બદલ કૉફી પીવડાવવી પડશે. એ પણ બીજે કશે નહીં. તાજની સી લોન્જમાં અને ત્યાંં આ હાર્લી ડેવિડસન ઉપર તારી

પાછળ બેસાડીને લઈ જવી પડશે.’

અટલને કોણ જાણે કેમ આજે અચલાનો આ ગુસ્સો અને આ માગણી, બંને બહુ ગમ્યાં.

* * *

હંમેશાં સત્યના પક્ષે જ દલીલ કરવા પંકાયેલા મિસ્ટર અરદેસર પટેલ પાસે તપાસપંચની શરૃઆત થઈ એ પહેલાંથી જ મયૂરી, સુઝેન અને મહેકે શરૃ કરેલાં એમનાં જૂઠાણાં ચાલુ રાખ્યાં હતાં. રંજના સેને તો ચીફ જસ્ટિસ પાસે પહેલા દિવસે જ કબૂલાત કરી હતી કે, ‘હું તો ચાલતી ગાડીએ ચઢી ગઈ હતી. સત્યેન શાહ સામે મેં ખોટા આક્ષેપો કર્યા હતા. હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે.’ અરદેસર પટેલે રંજના સેનની સત્યની કબૂલાત વખાણી. એમણે રંજના સેન વતીથી એક ટૂંકું ને ટચ બચાવનામું દાખલ કર્યું,

‘ચાર ચાર પ્રતિષ્ઠિત સ્ત્રીઓએ સત્યેન શાહ સામે જાતીય શોષણના આક્ષેપો કર્યા હતા એટલે એ સાચ્ચા જ હશે એવું માનીને મેં પ્રસિદ્ધિ ખાતર મારું પણ સત્યેન શાહે જાતીય શોષણ કર્યું હતું એવા જુઠ્ઠા આક્ષેપો કર્યા હતા. હવે મને એનો પશ્ચાત્તાપ થાય છે. હું ખરા હૃદયથી, કાયદાની પકડમાંથી છૂટવા માટે નહીં, સત્યેન શાહની, સમાજની અને નામદાર કોર્ટની એ બદલ માફી માગું છું. જો આ પશ્ચાત્તાપ બદલ સત્યેન શાહ કે નામદાર કોર્ટ કે આપણો સમાજ મને કોઈ સજા ફરમાવશે તો હું એ પ્રાયશ્ચિત્ત રૃપે સ્વીકારી લઈશ.’

રમણી અદનાનીએ પણ એના પતિ લચ્છુ આગળ ક્યારની કબૂલાત કરી દીધી હતી કે, ‘હું ખોટી છું. મારાથી એક બહુ જ મોટી ભૂલ થઈ હતી. કમ્યુનિટીનું ઇલેક્શન જીતવા સંસ્થાના છેલબટાઉ કરોડપતિ સેક્રેટરી અર્જુનની મહેરબાની મેળવવામાં હું લપસી ગઈ હતી. મારી એ ભૂલનો લાભ લઈને મને ધમકી આપવામાં આવી હતી કે જો હું સત્યેન શાહ સામે એણે મારું જાતીય શોષણ કર્યું છે એવા આક્ષેપો નહીં કરું તો મારી એ અંગત ભૂલ જાહેર કરી દેવામાં આવશે. આવી ધમકીના કારણે જ મેં સત્યેન શાહ સામે ખોટા આક્ષેપો કર્યા હતા.’

અરદેસર પટેલે રમણી અદનાનીને પહેલાં તો ખૂબ જ ઝાડી. પછી કઈ પરિસ્થિતિમાં રમણી આ રીતે વર્તી હતી એ વિગતવાર જાણ્યા બાદ, માનવસ્વભાવ, એમાં પણ સ્ત્રીઓનો સ્વભાવ સારી રીતે પિછાણતા હોવાને લીધે એમને રમણી ઉપર દયા આવી. રમણીએ જોકે આ વાતની એના પતિ લચ્છુ આગળ કબૂલાત કરી હતી, પણ લચ્છુને રમણીએ શું કબૂલાત કરી હતી એનો પૂરેપૂરો ખ્યાલ નહોતો. જો એને એ વાતની જાણ થાય કે એની પત્નીએ કમ્યુનિટીનું ઇલેક્શન જીતવા એની જાત કમ્યુનિટીના સેક્રેટરીને સોંપી હતી તો કાં તો લચ્છુ પોતે આપઘાત કરે અથવા રમણીનું ગળું દબાવી દે અથવા અર્જુનનું ખૂન કરી નાખે. આથી સમજુ ઍડ્વોકેટ અરદેસર પટેલે આ બધી પશ્ચાદભૂમિકા ન વર્ણવતાં અને એણે કરેલા આક્ષેપો ખોટા છે એવું ન જણાવતાં, આખી વાત અધ્ધર રાખતાં, રમણીનું એક સાદું બચાવનામું દાખલ કર્યું.

‘નામદાર, ચીફ જજ શ્રી સુરેન્દ્ર ત્રિવેદી, મેં જાતીય શોષણના જે આક્ષેપો પ્રતિષ્ઠિત સત્યેન શાહ સામે કર્યા છે એ બદલ હું ખૂબ જ દિલગીર છું અને એમની માફી માગું છું. મારી ઉપર દબાણ થયું હોવાને કારણે મેં આ આક્ષેપો કર્યા હતા. મને ખાતરી છે કે ઉદાર દિલવાળા સત્યેન શાહ તેમ જ આપ નામદાર અને મારો સમાજ મને મારી આ ભૂલ માટે મને માફ કરશે.’

તપાસપંચ સમક્ષ હાજર થતાં પહેલાં જ અરદેસર પટેલને એમની બાકીની ત્રણ ક્લાયન્ટ સાચું બોલે છે એ વિશે શંકા ઉદ્ભવી હતી. આમ છતાં એ ત્રણેયના વારંવાર કહેવાથી કે સત્યેન શાહે ખરેખર એમનું જાતીય શોષણ કર્યું છે અને એનું એમણે રિપોર્ટરો આગળ જે વર્ણન કર્યું હતું એ વર્ણનો અરદેસર પટેલ પાસે પણ કર્યાં એટલે અરદેસર પટેલે એમને સાચી માનીને એમનો બચાવ કર્યો હતો. એ ત્રણે સ્ત્રીઓ વતીથી અરદેસર પટેલે સત્યેને એની સામે કરાયેલા આક્ષેપોના બદલામાં જે જે જણાવ્યું હતું, એના સાક્ષીઓએ જે જે જુબાની આપી હતી અને એ બધાએ જે જે પુરાવાઓ રજૂ કર્યા હતા એ સર્વેનું ખંડન કરતી દલીલો એમની આવડત અને કાનૂની સૂઝબૂઝ વતીથી તપાસપંચ સમક્ષ કરી હતી. એ સર્વે અરદેસર પટેલે એ ત્રણ સ્ત્રીઓના બચાવનામામાં જણાવીને એ પાંચેય સ્ત્રીઓના બચાવનામા ચીફ જજે એમને વધારી આપેલા સમયની અંદર કોર્ટમાં દાખલ કરી દીધા. અલબત્ત, કોર્ટે જે એક લાખ રૃપિયાનો એમની ઉપર દંડ ફટકાર્યો હતો એ દંડની રકમ ફક્ત મયૂરી, સુઝેન સેલ્વમ અને મહેક મોમિને ભેગા મળીને આપી હતી.

જાનકીએ હર્ષદ ગાંજાવાલા વિરુદ્ધ બળાત્કારનો જે એક વાર કરેલો આરોપ પાછો ખેંચીને ફરી પાછો કર્યો હતો એ કેસનો ચુકાદો ગિરગામ કોર્ટના નવા નિમાયેલા મૅજિસ્ટેટે આપી દીધો હતો. હર્ષદ ગાંજાવાલાને એમણે ત્રણ મહિનાની સખ્ત કેદ અને રૃપિયા પચાસ હજારનો દંડ કર્યો હતો. અચલાને એ સજા અને દંડ બંને હર્ષદ ગાંજાવાલાએ કરેલા ગુનાના પ્રમાણમાં ખૂબ ઓછા લાગ્યા હતા. એણે એ બાબતની ફરિયાદ પણ કરી હતી અને સજા તેમ જ દંડ વધારવા માટેની અપીલ પણ કરી હતી. એ કેસ અખબારમાં ખૂબ જ ચર્ચાયો હતો. ચીફ જસ્ટિસે આથી તપાસપંચને એ કેસની વિગતો પણ જે સજા કરવામાં આવી છે એ યોગ્ય છે કે નહીં એ તપાસવા પાઠવી હતી.

બીજી બાર સ્ત્રીઓ, જેમણે મુંબઈ શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, જેમાં બોલિવૂડના પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કાસ્ટિંગ કાઉચ તેમ જ ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઍડ્વોકેટ, પ્રોફેસર, ટીચર, એનજીઓના અધ્યક્ષો, નારી સંસ્થાના કુલપતિ, બિઝનેસમેન અને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટનો સમાવેશ હતો એમની વિરુદ્ધ ‘મી ટૂ’ હેઠળ જાતીય શોષણના જે આક્ષેપો કર્યા હતા એ સર્વે પણ તપાસપંચને સોંપ્યા હતા. આ સર્વેએ પણ પોતપોતાના ઍડ્વોકેટો વતીથી એમના ઉપર કઈ રીતે ક્યાં અને કોણે જાતીય શોષણ કર્યું છે એ વર્ણવતાં અને જેમની સામે ‘મી ટૂ’ ચળવળ હેઠળ આક્ષેપો થયા હતા તેઓએ પોતાના બચાવમાં લેખિત દલીલો દાખલ કરી હતી.

અટલે પણ સૉલિસિટર જોશી થકી સત્યેન શાહ વતી તેમ જ સત્યેન શાહ ઉપર કરવામાં આવેલા આક્ષેપોને કારણે એમના ફેમિલીને અને એમની કંપનીઓને કેટલું કેટલું અને શું શું નુકસાન થયું હતું એ સર્વે આંકડાઓ આપીને જણાવ્યું હતું.

તપાસપંચનો અહેવાલ અને એમણે જે જે વ્યક્તિઓની ઊલટતપાસ કરી હતી એ સર્વેને પૂછવામાં આવેલા સવાલ અને તેમના જવાબ, તેમ જ દરેક પક્ષકારોએ જે જે પુરાવાઓ રજૂ કર્યા હતા અને જે જે લેખિત દલીલો આપી હતી એની ઉપર ચર્ચા બરાબર ચાર અઠવાડિયાં બાદ મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુરેન્દ્ર ત્રિવેદીએ સાંભળવાની શરૃઆત કરી.

લાગલગાટ દસ દિવસ સુધી બધા જ  પક્ષકારોના ઍડ્વોકેટોએ એમના ક્લાયન્ટની તરફેણમાં અને અન્યોની વિરુદ્ધમાં જોેરદાર દલીલો કરી. મુંબઈ હાઈકોર્ટના જ નહીં, સમગ્ર દેશની હાઈકોર્ટના તેમ જ સુપ્રીમ કોર્ટના રિપોર્ટ થયેલા ૧૦૦થી વધુ જજમેન્ટો આ બધા ઍડ્વોકેટોએ પોતાની તરફેણમાં તેમ જ વિરુદ્ધમાં રજૂ કર્યા. બળાત્કારના, રેપના, જાતીય  શોષણના, સ્ત્રીની છેડતીના, સ્ત્રીની માનહાનિના, ઇંગ્લેન્ડના રિપોર્ટ થયેલા કેસો, અમેરિકાની કોર્ટે આપેલા ચુકાદાઓ, આ સર્વે પણ આ બધા કાયદાના પ્રખર પંડિતોએ ચીફ જજ સમક્ષ ટાંક્યા.

કોર્ટનો સમય પૂરો થાય પછી રોજ કેસ સાંભળવા આવેલ માનવમેદનીમાં ચર્ચા શરૃ થતી. દિવસ દરમિયાન જે દલીલો થઈ હોય એની તરફેણમાં અને વિરુદ્ધમાં લોકો પોતપોતાનાં મંતવ્યો પ્રમાણે દલીલો કરતા. જજ સાહેબ પર કયા ઍડ્વોકેટની દલીલોએ અસર કરી છે, કયા વકીલોની દલીલો વાહિયાત હતી આનું વિશ્લેષણ સામાન્ય નાગરિકો કરવા લાગ્યા. જેઓ સ્ત્રીઓના પક્ષમાં હતા તેઓ બધી જ સ્ત્રીઓએ કરેલ જાતીય શોષણના આક્ષેપો સાચા છે એવું દૃઢપણે માનતા હતા અને જાનકીનો દાખલો આપી બધા જ પુરુષોને હર્ષદ ગાંજાવાલા જેવા કહેવડાવતા હતા. જેઓ પુરુષોના પક્ષમાં હતા તેઓ રંજના સેન અને રમણી અદનાનીના દાખલા ટાંકીને સ્ત્રીઓ બધી જુઠ્ઠી હોય છે, એમના ફાયદા માટે તેઓ વર્ષો બાદ ખોટા ખોટા આક્ષેપો કરે છે, એવી દલીલો ભારપૂર્વક કરતા હતા. દસ દિવસના અંતે દલીલો પૂરી થઈ.

મુંબઈ હાઈકોર્ટની મધ્યવર્તી કોર્ટ, જેમાં ચીફ જસ્ટિસ બિરાજમાન હતા ત્યાં ચીફ જસ્ટિસની ખુરસીની બરાબર પાછળની દીવાલ ઉપર ટીંગાડેલ ઘડિયાળ ચારનો કાંટો દર્શાવતી હતી. ચીફ જજ હવે શું કરે છે? કોર્ટ માટે હજુ એક કલાકનો સમય બાકી હતો. શું એ સમય દરમિયાન તેઓ એમનું જજમેન્ટ આપવાનું શરૃ કરશે કે પછી જજમેન્ટ આપવા માટે કોઈ બીજો દિવસ નક્કી કરશે? સૌ આતુરતાપૂર્વક ચીફ જજ શું કરે છે એની પ્રતીક્ષા કરવા લાગ્યા.

‘આ કોર્ટ…’ ચીફ જજ સુરેન્દ્ર ત્રિવેદીએ બોલવાનું શરૃ કર્યું અને હાજર સૌના શ્વાસ થંભી ગયા. દલીલો પૂરી થયા બાદ કોર્ટમાં જે ઝીણો ઝીણો ગણગણાટ શરૃ થયો હતો એ એકદમ અટકી ગયો. સૌની નજર ચીફ જજ પ્રત્યે દોરાઈ. ‘આ કોર્ટ તપાસપંચના ત્રણેય નિવૃત્ત જજોનો ખૂબ ખૂબ આભાર માને છે. ‘મી ટૂ’ જેવા જટિલ વિષયને અને અનેક સ્ત્રીઓની એ બાબતની ફરિયાદને એમણે ખૂબ જ વ્યવસ્થિત રીતે સૌને પૂરતો સમય આપીને સાંભળી છે. ‘મી ટૂ’ ચળવળનો રાજકીય કારણસર લાભ લેનાર અને કરોડો રૃપિયાની ચાપત કરનાર રવીન્દ્ર જેસિંગલાલ ભગતની લેખિત કબૂલાત અને તપાસપંચ સામે એમણે રજૂ કરેલ ચોંકાવનાર હકીકતો ઉપર પણ એમણે એમનો કાયદાકીય અભિપ્રાય આપ્યો છે. બચાવ પક્ષને પણ એમણે પૂરતી તક તેમ જ પૂરતો સમય આપ્યો છે. જેમની જેમની ઊલટતપાસ લીધી છે એમાં કોઈ પણ જાતની ગેરસમજ ન થાય, બાહોશ વકીલો અર્થનો અનર્થ ન કાઢે, એ માટે એમણે જે જે સવાલો પૂછ્યા હતા એ નોંધ્યા છે અને જે જે જવાબો મળ્યા છે એ પણ નોંધ્યા છે. આવી જહેમત લેવા બદલ હું એમને ધન્યવાદ આપું છું. તપાસપંચે ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ તેમ જ ઇવિડન્સ એેક્ટ આ સર્વેને ધ્યાનમાં રાખીને, જ્યારે જરૃરિયાત જણાઈ ત્યારે, એમનામાં રહેલી સ્વયંભૂ સત્તા વાપરીને આખી તપાસ આદરી છે. પુરાવાઓ રેકોર્ડ ઉપર લેવા માટે એમણે ઇવિડન્સ એક્ટમાં થોડી બાંધછોડ કરી છે, પણ એ ન્યાયના હિત માટે કરી છે. કાર્યદક્ષતા માટે તેઓને ધન્યવાદ આપવા ઘટે. આખી તપાસ એમને આપવામાં આવેલ ટૂંકા ત્રણ મહિનાની અંદર કુનેહપૂર્વક અને કોઈ પણ પક્ષકારને ફરિયાદ કરવાનું કારણ ન મળે એ રીતે પૂરી કરી છે. ઝીણવટભર્યો પાંચસો બાવન પાનાંનો એમની તપાસનો અહેવાલ આપ્યો છે એ માટે એમની કાબેલિયતને પણ દાદ આપવી જ ઘટે.

આટલું બોલ્યા બાદ ચીફ જસ્ટિસે ઘડિયાળ તરફ નજર કરી, ‘ઘડિયાળ અત્યારના ચાર કલાક ‘ને બાર મિનિટનો સમય દર્શાવે છે. પાંચ વાગે કોર્ટનો સમય પૂરો થાય છે. ફક્ત ૪૮ મિનિટમાં હું મારું જજમેન્ટ પૂરું જણાવી નહીં શકું. આથી હું મારું જજમેન્ટ આપવાનું આવતી કાલ ઉપર મુલતવી રાખું છું.’

* * *

દસ દિવસ ચીફ જસ્ટિસની કોર્ટમાં જેટલી જોરદાર દલીલો નહોતી થઈ એથી વધુ જોરદાર દલીલો એ દિવસે સાંજના પ્રેસ ક્લબમાં જુદાં જુદાં અખબારો, સામયિકો તેમ જ ટીવીના રિપોર્ટરો વચ્ચે થઈ. ચર્ચા એટલી ઉગ્ર બની ગઈ કે ક્લબના વેઇટરોને બીક લાગી કે આ રિપોર્ટરો હાથોહાથની લડાઈ ઉપર તો આવી નહીં જાય ને?

અચાનક આપસમાં જેમણે વાક્યુદ્ધ છેડ્યું હતું એ સર્વ રિપોર્ટરોની નજર ખૂણાના ટેબલ ઉપર શાંતચિત્તે બેઠેલા અને એમને સાંભળીને મલકાતા અટલ અને અચલા ઉપર ગઈ. સૌને આશ્ચર્ય થયું કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા આ બંને આજે આમ એકબીજાની સાથે કેમ બેઠાં છે? સત્યેન ગુનેગાર છે. એણે ફરિયાદી પાંચેપાંચ સ્ત્રીઓનું જ નહીં, પણ અન્ય અનેક સ્ત્રીઓનું જાતીય શોષણ કર્યું છે આવુંં દૃઢપણે માનનારી તેમ જ હર્ષદ ગાંજાવાલાને જે સજા થઈ હતી એ ખૂબ જ ઓછી હતી એથી નારાજ અચલા સત્યેનનો પક્ષ લઈને લડનાર અટલની બાજુમાં, કોઈ પણ જાતનો વાદ-વિવાદ કર્યા વગર આમ શાંતિથી કેમ બેઠી હતી? એ બેમાંથી કોઈએ પણ એમને લગતા વિષયોની જે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી એમાં ભાગ શા માટે ન લીધો? તેઓ બંને શા માટે મલકી રહ્યાં હતાં?

વાદ-વિવાદ એકદમ અટકી ગયો અને બધા જ અચલા અને અટલની સામે પ્રશ્નાર્થ દૃષ્ટિથી જોેવા લાગ્યા. એમની વેધક દૃષ્ટિ અચલાથી ખમાઈ નહીં એટલે એણે એના જાતભાઈઓને પ્રશ્ન કર્યો, ‘આમ ટીકી ટીકીને અમારી સામે શું જુઓ છો?’

મયૂરીનો ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કરીને ઊહાપોહ મચાવી મૂકનાર ‘ગજગામિની’ના રિપોર્ટર ધર્મેશ પંડ્યાએ જવાબમાં કહ્યું, ‘તારો કટ્ટર વિરોધી, તું જે સ્ત્રીઓનો પક્ષ લઈને લડે છે એ સ્ત્રીઓનું જાતીય શોષણ કરનાર, સત્યેન શાહનો પક્ષકાર અટલ જોડે એક જ ટેબલ ઉપર બેસી તમે બંને શાંતિથી અમારા વાદ-વિવાદને સાંભળતાં સાંભળતાં મલકાવ છો. તો પછી અમે તમારી સામે ટીકી ટીકીને ન જોઈએ તો બીજું શું કરીએ?’

‘હા… હા ધર્મેશ, સાલુ માન્યમાં નથી આવતું કે વાઘ અને બકરી એક જ ઘાટ ઉપર સાથે સાથે પાણી કેમ પીએ છે?’ ‘ગરવોગજ્જુ’ના તંત્રી રાજેશ શાહે પણ એનું આશ્ચર્ય પ્રગટ કર્યું.

‘ધર્મેશ એન્ડ રાજેશ, યુ બોથ આર રાઈટ. આ મિયાં અને મહાદેવનો મેળ કેવી રીતે જામી ગયો?’ ‘ગૂડ આફટરનૂન’નો ડેનિયલ ફર્નાન્ડીસ આશ્ચર્ય પામ્યો હતો.

‘મેરા શર તો યે દોનો કો સાથે મેં દેખ કર ચકરા ગયા હૈ. હિન્દુસ્તાન ઔર પાકિસ્તાન એક કૈસે હો ગયે?’ ‘હિન્દુસ્તાની’ અખબારના તંત્રી પવન મિશ્રાએ રાષ્ટ્રીય ભાષામાં એનું પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

‘અરે ધર્મેશ, મને જરા ચૂંટલો ખણને. હું જાગું છું કે સૂતેલો છું, આ સાચું છે કે સ્વપ્નું?’ ફ્રીલાન્સર મદન સિંહે પણ એનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.

‘તમારા બધાની વાત સાચી છે…’ પ્રેસ ક્લબના બારમાં હમણા જ દાખલ થયેલી જાગૃતિએ આટલું કહીને સૌને ચોંકાવી દીધા.

‘એટલે? તું કહેવા શું માગે છે, જાગૃતિ?’ મદન સિંહે સૌનાં મનમાં ઊઠેલો પ્રશ્ન કર્યો.

‘એટલે એમ કે હવે અટલજી અને અચલા, બંને એક છે.’

‘વ્હૉટ?!’ બધા જ રિપોર્ટરોના મોંમાંથી આશ્ચર્યનો ઉદ્ગાર સરી પડ્યો.

‘હા, અટલજી અને અચલા થોડા સમયમાં જ એક થવાના છે.’ જાગૃતિએ બોમ્બ ફોડ્યો.

‘યુ મીન ટુ સે, કે તેઓ બંને હવે સાથે કામ કરશે?’ ડેનિયલ ફર્નાન્ડીસે એની રીતે જાગૃતિના કથનને સમજતાં પ્રશ્ન કર્યો.

‘અરે ડોબા, એક થવાના છે એટલે ધેર આર ગોઈંગ ટુ ગેટ મેરિડ. ખરું ને,

જાગૃતિ?’ મદન સિંહે ડેનિયલ ફર્નાન્ડીસ એની અકલનું પ્રદર્શન કરી રહ્યો હતો એનું એને ભાન કરાવ્યું.

હવે અટલ એની ખુરસીમાંથી ઊભો થયો. એના સૌ રિપોર્ટર મિત્રોને ઉદ્દેશીને એણે જાહેરાત કરી,

‘મિત્રો, હું અને અચલા લગ્નગ્રંથિથી જોડાવાના છીએ.’

બધા અટલની આ જાહેરાતથી અવાક્ બની ગયા. થોડીક ક્ષણો બાદ ધર્મેશે પ્રશ્ન કર્યો, ‘ક્યારે?’

આશ્ચર્યના આઘાતમાંથી બહાર નીકળતા રાજેશે મશ્કરી કરતાં કહ્યું, ‘શરણાઈવાળાઓ રજા ઉપર છે. રજા પૂરી થશે એટલે અટલ અચલા જોડે પરણશે.’

હાસ્યનું એક મોજું ફરી વળ્યું.

‘અટલ, ફીર તો સેલિબ્રેશન હોના ચાહિયે.’ ડેનિયલે કહ્યું.

‘વેઇટર, આ બધાને માટે તેઓ જે જે પીતા હોય એ ડ્રિન્ક્સ મારા તરફથી.’ અટલે ઓર્ડર કર્યો.

‘નહીં… નહીં. આજે તો આપણે આ બધાને શેેમ્પેઇન પીવડાશું.’ અચલા અટલને ટપી ગઈ.

હજુ તો ‘ચીયર્સ’ કહીને સૌએ શેમ્પેઇનનો એક ઘૂંટડો પીધો ત્યાં જ ડેનિયલે પ્રશ્ન કર્યો,

‘અચલા, વ્હૉટ ઇફ સત્યેન ઇઝ પ્રૂવ્ડ ઇનોસન્ટ?’

‘તું તારે શેમ્પેઇન પીને. સત્યેન ઇનોસન્ટ હોય કે ગિલ્ટી, આપણા આ બે જોડીદારો ખરેખર ઇનોસન્ટ લવમાં છે અને હવે ગિલ્ટી ફીલ કરીને લગ્ન કરવાના છે એની ખુશી મનાવ.’ રાજેશે ડેનિયલને વાળ્યો.

* * *

‘બહેન…’

‘બોલ, ભાઈલા.’ સત્યેનની મોટી બહેન જ્યોત્સ્નાએ એને લાડથી બોલાવ્યો.

‘જ્યોત્સ્ના, તારે મારું હજુ એક કામ કરવાનું છે.’

‘હવે શું છે?’

‘પહેલાં તેં મારા કહેવાથી લંડન પોલીસના વડાને કહીને આરજે એન્ડ ફેમિલીને એરેસ્ટ કરાવ્યા હતા. હવે મારા જ કહેવાથી તું લંડન પોલીસના વડા પાસે આરજે એન્ડ ફેમિલી વિરુદ્ધ કરાયેલા આક્ષેપો પાછા ખેંચાવી લે અને એમને છોડાવી દે.’

‘સત્યેન, આ તું શું કહે છે? ઘડીકમાં કહે છે કે ધરપકડ કરાવ અને ઘડીકમાં કહે છે કે છોડાવ. આ કંઈ મશ્કરી છે?’

‘ના, આ મશ્કરી નથી. બહુ સિરિયસ વાત છે. એ લોકોને પકડ્યા પછી મારે એમની આગળથી જે કામ કઢાવવાનું હતું એ કઢાવી લીધું છે. હવે એ લોકોને અહીં લંડનની પોલીસકસ્ટડીમાં ગોંધી રાખવાનો કંઈ અર્થ નથી. હવે એ લોકોને લંડન પોલીસે છોડી દેવા જોઈએ. જેથી હું એમને ઇન્ડિયા લઈ જાઉં અને ત્યાં આરજેએ જે ગુનાઓ કર્યા છે એની સજા અપાવી શકું.’

‘ભાઈ, તું શું કરવા બેઠો છે એની તને બરાબર જાણ હશે. હું તો કંઈ પણ જાણ્યા-સમજ્યા વગર તું જે કહે છે એ કરું છું.’

‘તને તારા ભાઈ ઉપર વિશ્વાસ છે ને?’

આરજે ઍન્ડ ફેમિલી લંડનની કોર્ટે છોડ્યા ત્યાર બાદ ઇન્ડિયા પાછા આવવા નહોતા માગતા.

‘જો તમે ઇન્ડિયા નહીં આવો તો હું તમને લંડનમાં ફરી પાછા એરેસ્ટ કરાવીશ. જો ઇન્ડિયા આવશો તો તમે અત્યાર સુધી કરેલા ગુનાઓ માટે પસ્તાવો છો અને પાર્ટીના ફંડમાં ઉચાપત કરેલી બધી રકમ ભરપાઈ કરી દીધી છે એ કારણસર હું પાર્ટીને વિનંતી કરીશ કે દયા દાખવી તમને માફી આપે.’

ધમકી અને ધરપત બંને આપી એટલે આરજે એન્ડ ફેમિલી મુંબઈ પાછી આવી. સત્યેને ફરીથી ધમકી અને ધરપત આપીને આરજેને મુંબઈ હાઈકોર્ટના ચીફ જજે નિમણૂક કરેલ ઇન્ક્વાયરી કમિશન સામે ઊભો કર્યો. એમની આગળ આરજેએ કબૂલી લીધું કે તૈમૂરે ચાર સ્ત્રીઓ પાસે સત્યેન શાહ સામે જાતીય શોષણના ખોટા આક્ષેપો કરાવ્યા હતા.

ગેરકાયદેસર રૃપિયા, ફોરેન એક્સચેન્જ તેમ જ સોનાની લગડીઓ લઈને લંડન જવાનો પ્રયાસ કરતાં ઝડપાઈ જતાં આરજે એન્ડ ફેમિલી વિરુદ્ધ મુંબઈની કોર્ટમાં જે કેસ દાખલ થયો હતો, એમાં એમને જામીન ઉપર છોડવામાં આવ્યા. પછી એમની સામે વૉરન્ટ કાઢવામાં આવ્યાં. એ વૉરન્ટના હિસાબે મુંબઈ આવતા પોલીસે આરજે એન્ડ ફેમિલીની ધરપકડ કરી. સત્યેનના કહેવાથી એમને ત્રણેને ફરીથી જામીન ઉપર છોડવામાં આવ્યા હતા.

ઉચાપત કરેલા પાર્ટીના પૈસા પાછા આપી તો દીધા, તપાસપંચ સમક્ષ કબૂલાત કરી તો દીધી, પણ હવે આરજેને એનું શું પરિણામ આવશે એ વિચારોએ વિહ્વળ કરી મૂક્યો. મનમાં ને મનમાં એ તૈમૂર ઇન્ટરપોલના કબજામાં છે એ વાતથી ખુશ હતો. જો તૈમૂર બહાર છુટ્ટો હોત તો નક્કી એ પાર્ટીના પૈસા પાછા આપવા બદલ અને એણે જે કબૂલાતો કરી હતી એ બધી કબૂલાતો કરવા બદલ એનું કાસળ કાઢી નાખત.

* * *

(ક્રમશઃ)

————————

Leave A Reply

Your email address will not be published.

Translate »