તમારા માટે, તમારી સાથે, સતત…

લેખન ભૂપતભાઈનો શ્વાસ હતો, તેઓ માણસને વાંચતા હતા

ભૂપતભાઈમાં દરેક માટે સમભાવ દૃષ્ટિ હતી. તેથી જ તેમણે જ્યારે છાપું શરૃ કર્યું ત્યારે તેને સમભાવ નામ આપ્યું

0 323
  • સંગોષ્ઠિ

ચોથી ઑક્ટોબરની સાંજ અને શ્રોતાઓથી ખીચોખીચ ભરેલો ગ્રાન્ડ ભગવતીનો મેમોરિયલ હૉલ. પ્રસંગ હતો – સમભાવ મીડિયાના સ્થાપક અને પથદર્શક સ્વ. ભૂપત વડોદરિયાની પુણ્યતિથિનો. ૪ ઑક્ટોબર એટલે પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રના અતુલ્ય અને અનુપમ વ્યક્તિત્વ એવા ભૂપત વડોદરિયાની પુણ્યતિથિ. સ્વ.ભૂપત વડોદરિયાની આઠમી પુણ્યતિથિ પ્રસંગે સમભાવ મીડિયા પરિવાર તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કમ્યુનિકેશનના ઉપક્રમે શ્રી ભૂપત વડોદરિયા સ્મૃતિ સંગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને જાણીતા કટાર લેખક પ્રવીણ કે. લહેરીના પ્રમુખ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર હસુ યાજ્ઞિક, જાણીતા પત્રકાર અને ‘અભિયાન’ સામયિકના કટાર લેખક દિલીપ ભટ્ટ, ‘અભિયાન’ સામયિકના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર તરુણ દત્તાણીએ સ્વ. ભૂપતભાઈ વડોદરિયા સાથેના તેમના અનુભવો અને સંસ્મરણો વાગોળ્યા હતા. જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તો ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેત્રી અને નાટ્ય દિગ્દર્શિકા અદિતિ દેસાઈએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભૂપતભાઈના પંચામૃત સંગ્રહના ચુનંદા લેખોનાં વાચિકમ અંતર્ગત ભાવવાહી પઠનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. કાર્યક્રમના પ્રથમ વક્તા ખ્યાતનામ લેખક અને દિવંગત ભૂપતભાઈના પરમ મિત્ર શ્રી હસુ યાજ્ઞિકે કહ્યું હતું કે, ભૂપતભાઈ પત્રકારત્વ અને સાહિત્ય સર્જનની સ્કૂલ સમા હતા એમ કહેવું યોગ્ય રહેશે. તેમણે ઘણા પત્રકારોને ઘડવાનું કામ કર્યું હતું. છાપામાં નગર નોંધ લખવાથી માંડીને તંત્રી લેખ લખવાની સફર ખેડનારા ભૂપતભાઈએ પંચામૃત જેવા લેખો દ્વારા પોતાના જીવનના અનુભવોનો નિચોડ વાચકો સમક્ષ મૂક્યો હતો. ઘણા લોકોએ પંચામૃતના ચિંતનાત્મક લેખો વાંચીને જીવન જીવવાની સાચી દિશા મેળવી હતી.

Related Posts
1 of 319

થોડા મહિનાઓ અગાઉ જ્યાં ભૂપત વડોદરિયાના જીવન વિશેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું એવા મેમોરી હૉલમાં યોજાયેલા સ્મૃતિ સંગોષ્ઠિ કાર્યક્રમમાં વક્તા હસુ યાજ્ઞિકે અભિભાવકોને ચિંતનાત્મક સાહિત્ય અને આ ક્ષેત્રમાં ભૂપત વડોદરિયાના પ્રદાનની સંગોષ્ઠિ આદરી હતી. તેમણે કહ્યું હતું કે લેખન જ ભૂપતભાઈનો શ્વાસ હતો. તેઓ માણસોને વાંચતા હતા. ભૂપતભાઈમાં દરેક માટે સમભાવ દૃષ્ટિ હતી. તેથી જ તેમણે જ્યારે છાપું શરૃ કર્યું ત્યારે તેને સમભાવ નામ આપ્યું હતું. સાહિત્યની બંને શાખામાં તેમના પગ છે. લિટરેચર ઓફ પાવર એટલે કે નવલકથા અને વાર્તા તેમજ લિટરચેર ઓફ નોલેજ એટલે કે જ્ઞાનની શાખા એમ બંને શાખાઓમાં તેમનું પ્રભુત્વ હતું. જ્ઞાનની શાખામાં પણ ઘણા પ્રકારો છે. જીવનચરિત્ર, આત્મકથા, પત્રો, ડાયરી સાહિત્ય અને એ જ રીતે તત્ત્વ જ્ઞાનના ઘણા પ્રકાર છે. સાહિત્ય એટલે માત્ર ક્રિએટિવ લિટરેચર નથી. નોલેજની સાથેનું ચિંતનાત્મક સાહિત્ય એટલે તત્ત્વ જ્ઞાન. બીજું તત્ત્વ જ્ઞાન એટલે આપણને હસતા રમતા જ્ઞાન આપે અને ત્રીજું તત્ત્વ જ્ઞાન એટલે જે તમને જીવનમાં બેઠા થવામાં મદદ કરે. પરિસ્થિતિની સામે માથું કાઢવું અને જીવનની વિષમતાઓને કેવી રીતે પાર પાડવી એ અંગે તેમણે ઘણુ લખ્યું છે. ભૂપતભાઈએ પુસ્તકો વાંચ્યા છે તેથી વધુ તેમણે માણસો વાંચ્યા છે અને આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે વ્યક્તિમાં પ્રેજ્યુડાઇસ ન હોય.

આ જ ગોષ્ઠિ અંતર્ગત સંનિષ્ઠ પત્રકાર દિલીપ ભટ્ટે આવતીકાલના પત્રકારત્વ અને પત્રકારો અંગેના વિચારો શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે અભિજ્ઞાન શાકુંતલનો સંદર્ભ આપીને પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાની સરખામણી કરી હતી. દિલીપભાઈએ પ્રિન્ટ મીડિયાને ઉદ્યાનલતા અને સોશિયલ મીડિયાને વનલતા સાથે સરખાવ્યા હતા. સોશિયલ મીડિયા પર અપાતી માહિતીની પસંદગી તેમજ પ્રચાર-પ્રસારમાં વિવેક અને સૌજન્ય જાળવવાની વાત કરી હતી. છવ્વીસ વર્ષની યુવાન વયે સૌરાષ્ટ્રના લોકપ્રિય સમાચાર પત્ર ફૂલછાબનું તંત્રી પદ સંભાળનારા સ્વ. ભૂપત વડોદરિયાએ એંંસીના દાયકામાં પ્રવીણ કે. લહેરી સાથે માહિતી ખાતાના સામયિક ‘ગુજરાત’નું તંત્રી પદ શોભાવ્યું હતું. ભૂપતભાઈને નજીકથી ઓળખનારા અને અંગત સ્વજનોમાં સ્થાન મેળવનારા લહેરીસાહેબે ભૂપતભાઈના પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રમાં પ્રદાનની સાથે આ ક્ષેત્રના ચાર માપદંડો – મૌલિકતા- લોકપ્રિયતા, સત્યનિષ્ઠા અને આદર્શ પત્રકારત્વની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે સમાજમાં સંવાદ અને સંવાદિતા વધે એ માટે પ્રેરણાત્મક સાહિત્યનું સર્જન કરવાનું કામ ભૂપતભાઈએ કર્યું છે. દરેક યુગે અને દરેક વર્ષે આ પ્રકારના સાહિત્યનું સર્જન થાય એ જરૃરી છે. અંગ્રેજી સાહિત્યનું બહોળું વાંચન ધરાવનારા ભૂપતભાઈએ સચોટ-સત્ય અને નિર્ભીક પત્રકારત્વના ત્રિવેણી સમાન ભૂપતભાઈએ માત્ર સર્જક ન બની રહેતા સંવેદનશીલ સર્જક તરીકે ગુજરાતી સાહિત્યને વિવિધ નવલકથાઓ, પંચામૃતના નેજા હેઠળ વિવિધ ચિંતનાત્મક લેખો, ઘરે બાહિરે નામ હેઠળ પ્રકાશિત થતી કોલમમાં રસપ્રદ વાંચન, તેમજ પત્રોની ભેટ આપી છે. માતા ચતુરા બહેનના વ્યક્તિત્વની અમીટ છાપ ધરાવનારા ભૂપતભાઈ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય જગતમાં એવા વિશાળ વડલા સમાન હતા, જેની છત્રછાયા હેઠળ ઘણા પત્રકારો અને સાહિત્યકારોએ સમય અને પરિસ્થિતિની થપાટો દરમિયાન આશરો મેળવ્યો હતો.

લેખન જેમના માટે શ્વાસ હતો એવા સ્વ. ભૂપત વડોદરિયાની પુણ્યતિથિને કવિ હરદ્વાર ગોસ્વામીએ પત્રકારત્વ તિથિ તરીકે ઓળખાવી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા સહિત સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ મહાનુભાવોએ હાજરી આપી હતી.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »