બિઝનેસ – હિંમત કાતરિયા
દેશના સૌથી વધુ અબજોપતિઓમાં ચોથા ક્રમના સાબરમતીના કાંઠે વસે છે. દેશનાં શહેરોમાં વસતા સૌથી વધુ અબજોપતિની ફોર્બ્સની યાદીમાં મુંબઈ, દિલ્હી અને બેંગ્લુરુ બાદ અમદાવાદનો ક્રમ આવે છે. અમદાવાદની માટીમાં એવું તે શું છે કે અહીં આટલોબધો અબજોપતિઓનો ફાલ પાકે છે?
પ્રતિષ્ઠિત ફોર્બ્સ મૅગેઝિનની તાજેતરની યાદીમાં, દેશના સૌથી વધુ અબજોપતિ ધરાવતા શહેરમાં અમદાવાદનો ક્રમ ચોથો છે. દેશમાં અમદાવાદ કરતાં વધુ અબજપતિઓ મુંબઈ, દિલ્હી અને બેંગ્લુરુ શહેર જ ધરાવે છે. આ અમદાવાદની સિદ્ધિ છે. આઠ અબજોપતિ ધરાવતા અમદાવાદ શહેરની એવી તે કંઈ લાક્ષણિકતાઓ છે કે દેશનાં અનેક શહેરોના વિશેષ પ્રયત્નો છતાં અબજોપતિની યાદીમાં અમદાવાદને પછાડી નથી શકતા. આવો જોઈએ.
ગુજરાત અને ઉદ્યોગો એકબીજાના પર્યાય છે. કેટલાક ઉદ્યોગપતિઓએ વર્ષો જતાં ગુજરાતમાં જ રહેવાનું પસંદ કર્યું અને મોટાં સાહસોમાં ઝંપલાવ્યું. ઉદાહરણ તરીકે, અદાણી ગ્રૂપ, ટોરન્ટ, કેડિલા… અમદાવાદના આઠ અબજોપતિ ઉદ્યોગ સાહસિકોની સફર અમદાવાદના વ્યાપારી પ્રાણતત્ત્વની અને શૂન્યમાંથી સર્જન કરવાના પેશનની સાહેદી પુરે છે. ૧૯૬૯માં ગુજરાત સરકારના ખાણ અને ખનિજ વિભાગના રસાયણશાસ્ત્રી કરસનભાઈ પટેલે ૧૦૦ ચોરસ ફૂટની રૃમમાં પીળો, ફોસ્ફેટ રહિત કૃત્રિમ ડિટર્જન્ટ પાવડર બનાવવાનું શરૃ કરવાનું નક્કી કર્યું. કિંમત ૩.૫૦ રૃપિયા રાખી, માર્કેટમાં ઉપલબ્ધ પ્રોડક્ટની કિંમત કરતાં લગભગ ચોથા ભાગની કિંમત અને નામ રાખ્યું પુત્રી નિરૃપમા ઉપરથી નિરમા. કરસનભાઈ તેમની સાઇકલમાં ડોર-ટુ-ડોર જઈને ૧૫-૨૦ પેકેટ વેચતા હતા. ૧૯૮૫ સુધીમાં વન-મેન બ્રાન્ડ ભારતની સૌથી લોકપ્રિય ઘરેલું બ્રાન્ડ બની ગઈ. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી ૪.૭ અબજની નેટવર્થ સાથે ૫,૫૨૪ કરોડની નિરમા ફોર્બ્સની અબજોપતિની યાદીમાં ગુજરાતના આઠ અબજોપતિ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. આ યાદીમાં સૌથી છેલ્લે નામ ઉમેરાયું છે ૧.૧ અબજ ડૉલરની નેટવર્થ સાથે એસ્ટ્રલ પાઇપ્સના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ એન્જિનિયરનું.
આમાંના કેટલાક અબજોપતિઓ તો ફાઉન્ડર્સની આગામી પેઢી છે અને તેમણે થોડા દાયકા પહેલાં શરૃઆત કરી હતી. દાખલા તરીકે ટોરન્ટ ગ્રૂપની સ્થાપના ૫૦ના દાયકામાં સુધીર અને સમીર મહેતાના પિતા યુ.એન. મહેતા દ્વારા કરવામાં આવી હતી. જીનલ મહેતા ૨૦૧૮માં ટોરન્ટ પાવરના એમ.ડી. બનવા સાથે આજે આ ઉદ્યોગ ત્રીજી પેઢીના હાથમાં પહોંચ્યો છે. એ જ રીતે ઝાયડસ કેડિલાનું મૂળ છેક ૧૯૫૨માં મળે છે, તેની સ્થાપના રમણભાઈ પટેલે કરી હતી. ઇન્ટાસ ફાર્માની સ્થાપના હસમુખ ચુડગરે ૧૯૭૬માં કરી હતી અને તેમણે ૧૯૮૦ના પાછલા વર્ષોમાં કંપનીનું સુકાન પુત્ર બિનીશને સોંપ્યંુ હતું. બિનીશ અત્યારે કંપનીના વાઇસ ચૅરમેન અને એમ.ડી. છે. એ ખરુ કે અમદાવાદ દેશનું એક પ્રિમિયર ફાર્માસ્યુટિકલ હબ છે અને તેથી એ વાતની નવાઈ પણ નથી લાગતી કે શહેરના આઠ અબજોપતિમાં ત્રણ અબજોપતિ ઇન્ટાસ, ટોરન્ટ અને કેડિલા ફાર્મા ક્ષેત્રના ઉદ્યોગપતિઓ છે. દેશના અબજોપતિની યાદી જુઓ તો સૌથી વધુ ફાર્મા ક્ષેત્રના છે એટલે હળવી શૈલીમાં એમ કહી શકાય કે તમારે અબજોપતિ બનવું હોય તો તમારે ફાર્માસ્યુટિકલમાં જવું જોઈએ.
૨૦૧૮ના ફોર્બ્સ ઇન્ડિયાના ધનિકોની યાદી જોઈએ તો ટોચના ૫૦ અબજોપતિઓમાં દર પાંચમાં અબજપતિની સંપત્તિ ફાર્મામાંથી આવી છે. ફાર્મા અને અમદાવાદને જૂનો નાતો છે. આજે ઝાયડસ ફાર્માસ્યુટિકલ પાસે ફાર્મેક્સ નામે ફાર્મા કંપનીઓ માટેનો સ્પેશિયલ ઇકોનોમી ઝોન ભલે રહ્યો. ૭૨ વર્ષ પહેલાં આ ક્ષેત્રની સૌ પ્રથમ કૉલેજ એલએમ કૉલેજ ઓફ ફાર્મસીની અમદાવાદમાં સ્થાપના થઈ હતી. કેડિલાના સ્થાપક રમણભાઈ અને ઇન્ટાસના સ્થાપક હસમુખભાઈ બંને આ કૉલેજમાંથી ભણ્યા હતા. કદાચ આ કૉલેજને કારણે ઘણા બીફાર્મ સ્નાતક થઈને ફાર્મા ક્ષેત્રમાં ઉદ્યોગપતિ થયા. અમદાવાદના અબજોપતિઓનું એક સામાન્ય લક્ષણ જોઈએ તો તે છે લો-પ્રોફાઇલપણાને દૃઢતાપૂર્વક વળગી રહેવું. આ આઠ અબજોપતિ પૈકી કોઈ તમને સામાજિક મેળાવડામાં મળી જાય તો તેમને અબજોપતિ તરીકે ઓળખવામાં મુશ્કેલી પડશે. અહીંના મોટા ભાગના અબજોપતિ પોતાના કામ અને પરિવાર પ્રત્યે કેન્દ્રિત રહેવાનું પસંદ કરે છે. સંદીપ એન્જિનિયરના જ્યેષ્ઠ પુત્ર કૈરવનું કહેવું છે કે અમે અમારી મધ્યમવર્ગીય પરિવારની માન્યતાના મૂળને વળગી રહ્યા છીએ અને અમે પરિવાર કેન્દ્રી છીએ. તમને મોટા શહેરોમાં જોવા મળે છે એવું અમદાવાદમાં પેજ-૩ કલ્ચર નથી. એટલે અમે લો-પ્રોફાઇલ રહી શકીએ છીએ.
અબજપતિ તરીકે બિઝનેસને વિસ્તારવામાં તમને શું મદદ મળે છે? પ્રશ્નના જવાબમાં ઍર કૂલર બનાવતી કંપની સિમ્ફનીના ચૅરમેન અને એમ.ડી. અચલ બકેરીના મતે અમદાવાદ અને ગુજરાતી ઉદ્યોગપતિઓની અન્ય એક ખાસિયત છે, અનિચ્છનીય સ્થળોમાં તકોને સૂંઘી લેવાની અસામાન્ય ક્ષમતા. પૈસાને સૂંધી લેવાની આપણી આવડતને કારણે આપણી જોખમો ખેડવાની ક્ષમતા પણ વધે છે. અલબત્ત, એ જોખમો હંમેશાં ગણતરીપૂર્વકના હોય છે. એનો દાખલો બકેરી પરિવારમાંથી જ મળી આવે છે. આર્કિટેક્ટમાંથી ઉદ્યોગપતિ બનેલા બકેરી પિતા સાથે કયો બિઝનેસ કરવો તેને લઈને ચર્ચા કરી રહ્યા હતા. દરમિયાન આ પરિવાર ૧૯૮૭માં નવા ઘરમાં રહેવા ગયો અને ત્યાં ભારે ગરમીને કારણે તેમણે મોટું ઍર કૂલર મૂક્યું. ઘણી મહેનત કરી પણ કૂલર બરાબર કામ નહોતું કરતું. આખરે અચલ બકેરીને તેના પિતાએ સલાહ આપી કે તું જ કૂલરની સારી ડિઝાઇન કેમ નથી બનાવતો? અને અચલ બકેરીની અંદર રહેલા ગુજરાતીને તેમાં પૈસાની ગંધ આવી ગઈ. ફેબ્રુઆરી ૧૯૮૮માં તેમણે કંપની બનાવી અને એક મહિના પછી તો અમદાવાદમાં માર્કેટિંગનો ટેસ્ટ પણ શરૃ કરી દીધો.
કરણ અદાણી પોતાને ખરા અમદાવાદી ગણાવે છે. કરણ અદાણી ગ્રૂપમાં ૨૦૦૯થી છે. કરણ માટે જવાબદારી માત્ર બિઝનેસને વિસ્તારવાની જ નહીં, પણ ધરોહરને આગળ લઈ જવાની પણ છે. ૮.૭ અબજ ડૉલરની નેટવર્થ સાથે દુનિયાના અબજોપતિની યાદીમાં સમાવિષ્ટ પિતા ગૌતમ અદાણી પાસેથી કરણ ઘણુ શીખ્યો છે. કરણને પિતાએ સૌથી પહેલું અને સૌથી અગત્યનું એ શીખવ્યું કે તમે લોકો, ગ્રાહકો અને સમાજની જે જવાબદારી લો છો તે કોઈ પણ ભોગે નફાને બાજુએ મુકીને પણ નિભાવવી રહી અને આગળનું જોવાની દૃષ્ટિ કેળવવી. કરણ કહે છે કે, અમદાવાદમાં મોટા ભાગના પારિવારિક બિઝનેસ છે જે એક તાકાત છે અને શહેરમાંથી ઉદ્યોગસાહસિકોને ઊભા કરે છે. દૂરંદેશીપણુ, સપનાઓને હકીકતમાં પરિવર્તિત કરવાનો ઉત્સાહ, શરૃઆતની નિષ્ફળતાઓ પછી પણ ધીરજ રાખવાની ક્ષમતા અને ઝીણવટભર્યું આયોજન, અમદાવાદની માટીના આ ગુણો આ શહેરમાં ઉદ્યોગપતિઓનો પિંડ બનાવે છે.
સિમેન્ટ, માઇનિંગ અને ઊર્જા ક્ષેત્રે વપરાતા ઊંચી ગુણવત્તાના પોલાદનું ઉત્પાદન કરતી એઆઈએ એન્જિનિયરિંગ પાછળનું ભેજું ભદ્રેશ શાહ બિઝનેસમાં સફળતાનો શ્રેય પોતાની વ્યક્તિગત આવડત કરતાં વધુ આ શહેરને આપે છે. એઆઈએના મેનેજિંગ ડિરેક્ટર ભદ્રેશ કહે છે કે, ઉદ્યોગસાહસિકની ભાવના જ કંપનીનું કલેવર ઘડે છે. એઆઈએ જેવી કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણો આધાર રાખે છે અને તેની સફળતામાં અમદાવાદ મોટી ભૂમિકા ભજવે છે. પહેલી વાત, તેમનો ઊર્જા આધારિત ઉદ્યોગ છે અને ગુજરાત એક પાવર-સરપ્લસ રાજ્ય રહ્યું છે. બીજું, સરકાર તરફથી કોઈ પજવણી નથી. ત્રીજું, ઔદ્યોગિક સંબંધો ખૂબ જ શાંતિપૂર્ણ છે અને ચોથું, અમદાવાદ ગુના-મુક્ત શહેર છે, દરેક અહીં મુક્તપણે બિઝનેસ કરી શકે છે.
ટેક્સટાઇલ્સથી ટેક કંપનીઓ અમદાવાદમાં ઓળખ બનાવી રહી છે. ૧૯મી સદીમાં કાપડ ઉદ્યોગ આ શહેરની ઓળખ હતો અને તે નવા જમાનાના ટૅક્નોલોજી આધારિત ઉદ્યોગોમાં ઢળી ગયા છે. અમદાવાદ ટેક અબજોપતિ બનાવવા માટેનું પણ સ્ટેજ સેટ કરી શકે છે. ઇન્ટરનેટ કંપની ઇન્ફિબીમ હવે પબ્લિક-લિસ્ટેડ છે, આઇટી સોલ્યુશન્સ ફર્મ સિગ્નેટ ઇન્ફોટેક અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) સ્ટાર્ટઅપ ઇરોનકન ત્રણ એવા સાહસ છે જે અમદાવાદને ટૅક્નોલોજી હબ તરીકે સ્થાન જમાવવામાં મદદ કરી શકે છે.
અમદાવાદ ઉત્તમ જીવનશૈલી ધરાવતું હોવાથી ઉદ્યોગસાહસિકોને આકર્ષે છે. ટેક-સંબંધિત તકોની અછતને લીધે ટેક-કંપનીઓએ આ શહેર છોડી દેવું પડે છે એમ ઇન્ફિબીમના એમ.ડી. અને અમદાવાદી વિશાલ મહેતાનું કહેવું છે.
૨૦૦૭માં ઇકોમર્સ વેબસાઇટ તરીકે શરૃ કરેલી ઇન્ફિબીમ કંપની ૨૦૧૧માં બી-ટુ-બી કંપની બની ગઈ હતી. હાલમાં, તે અદાણી ગેસ કે અમૂલ જેવા ઉદ્યોગો માટે એન્ડ-ટુ-એન્ડ વેબસાઇટ ઉકેલો પૂરા પાડે છે. મહેતાએ ભૂતકાળમાં સિએટલમાં એમેઝોન સાથે કામ કર્યું છે અને તેમનું કહેવું છે કે અમદાવાદમાં લોકો માટે તકોનો અભાવ અમારા માટે કામ કરી ગયો છે, કારણ કે ઓછા કર્મચારીઓ નોકરીઓ બદલે છે.
ચાર વર્ષ જૂના સ્ટાર્ટઅપ એરોનકાનના સ્થાપક કેતન પારેખ માને છે કે મોટા ભાગના અમદાવાદી બિઝનેસમેનોમાં નિષ્ફળ જવાનો ડર હોતો નથી. અમદાવાદની સોફ્ટવેર એન્જિનિયરિંગ ટેલન્ટ ઝડપથી બેંગ્લુરુ અને પૂણે જેવા મેટ્રોનો પીછો કરી રહી છે. અમદાવાદમાં ગુણવત્તાવાળંુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછા ખર્ચમાં મળે છે અને ઔદ્યોગિક ક્રાંતિ ૪.૦નો દેશમાં ધીમીગતિએ સ્વીકાર થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતની કંપનીઓ ઑટોમેશનમાં પહેલો કૂદકો લગાવી રહી છે. આ શહેરના ઉદ્યોગોને મોટા ઉદ્યોગોની ભૌગૌલિક સમીપ રહેવાનો ફાયદો પણ મળે છે. વળી, ગુજરાતમાં વિવિધ એસઇઝેડ સાથે કંપનીઓ અને મલ્ટિનેશનલ્સનો વિકાસ રોકેટ ગતિએ થઈ રહ્યો છે.
જોકે સિગ્નેટ ઇન્ફોટેકના નીરજ હઠીસિંહને નાનકડી ફરિયાદ છે કે અહીં સ્કિલ્ડ મેન-પાવર અને નવી ટૅક્નોલોજીની બિન-ઉપલબ્ધતા એ અહીંના મોટા ગેરફાયદા છે. અમારે વર્તમાન માર્કેટ ટ્રેન્ડ પ્રમાણે લોકોને તાલીમ આપવી પડે છે. ૧૦૦ કરોડ રૃપિયાની આ કંપની બિઝનેસને આઇટી સોલ્યુશન પૂરું પાડે છે. જોકે નીરજ પણ અમદાવાદીઓના ઉદ્યમીપણાને અને સમાજમાંથી જે મેળવ્યંુ તે સમાજમાં જ પાછંુ આપવાની વેલ્યૂ સિસ્ટમને નવાજે પણ છે. તેમના મતે અમદાવાદના ઉદ્યોગપતિઓ સંપત્તિ સર્જકો, સંપત્તિ સાચવનારા અને સંપત્તિનું દાન કરનારા છે. તેઓ વ્યવસાયનું સ્થાનિક રૃપે નહીં પણ હંમેશાં વૈશ્વિક સ્તરે આકલન કરવાનું વિચારે છે. ઇન્ફિબીમના મહેતા માને છે કે તે માત્ર ઉદ્યોગપતિ નથી, શ્રમિક પણ છે. તે અમદાવાદીઓના ઉદ્યમશીલ સ્વભાવને શ્રેષ્ઠ રીતે રજૂ કરતી એક ઘટના વર્ણવે છે. મહેતા કહે છે, મારી ઑફિસમાં એક ડિઝાઇનર ઇન્ટરવ્યૂ માટે આવ્યો. તેણે મને કહ્યંુ, સર હું તમને જોઇન કરું છું. એટલે મેં પૂછ્યું, ઓકે, તો તમે જ મને કહો કે મારે તમને કેટલો પગાર આપવો. ડિઝાઇનરે કહ્યંુ, તમે મારું કામ જુઓ, બે અઠવાડિયા પછી નક્કી કરીએ. કોઈ બીજા શહેરમાં કોઈ વ્યક્તિ આવું કહી શકે..?
———.
અબજોપતિ અમદાવાદીઓ
પોર્ટ ટાયકૂન ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રૂપની નેટવર્થ ૧૯.૯ અબજ ડૉલર છે. તેમની પાસે ભારતનું સૌથી મોટું બંદર મુન્દ્રા પોર્ટ છે. વિદેશમાં તેમની સંપત્તિમાં ઓસ્ટ્રેલિયાનું એબોટ્ટ પોઇન્ટ પોર્ટ અને દુનિયાની સૌથી મોટી કોલસાની ખાણનો સમાવેશ થાય છે. ઑગસ્ટ ૨૦૧૮માં અદાણીએ ૨.૬ અબજ ડૉલરમાં અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુંબઈના પાવર બિઝનેસને હસ્તગત કર્યો હતો. ઑગસ્ટ ૨૦૧૮માં ગ્રૂપે ૨૧ શહેરોમાં પાઇપ દ્વારા રાંધણ ગેસ અને સીએનજી ગેસના વિતરણના અધિકારો મેળવ્યા હતા. અદાણી કૉલેજ ડ્રોપઆઉટ છે અને ૧૯૮૮માં કોમોડિટી એક્સપોર્ટનું કામ કરવા માટે પિતાની કાપડની દુકાન વેચી નાખી હતી. અદાણીનો ૨૬/૧૧ના હોટલ તાજ એટેકમાં આબાદ બચાવ થયો હતો.
કેડિલા ફાર્માના પંકજ પટેલની નેટવર્થ ૩.૯ અબજ ડૉલર છે. કેડિલા ફાર્માસ્યુટિકલને તેમના પિતાએ વિટામિન બનાવવા માટે શરૃ કરી હતી. પંકજભાઈ ૧૯૭૬માં પેઢીમાં જોડાયા હતા અને ૧૯૯૫માં બે પરિવારો વચ્ચે વિભાજન બાદ સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. તેમના પુત્ર સર્વિલ જુલાઈ ૨૦૧૭માં કેડિલાના મૅનેજિંગ ડાયરેક્ટર બન્યા છે. કેડિલાની સૌથી લોકપ્રિય બ્રાન્ડ સુગર ફ્રી છે. પંકજભાઈ આઇઆઇએમ-ઉદેપુરના બોર્ડ ઓફ ગવર્નરના ચૅરમેન પણ છે.
ટોરન્ટ ફાર્માના સુધીર અને સમીર મહેતાની નેટવર્થ ૪.૩ અબજ ડૉલરની છે. ૬૦ વર્ષ જૂની આ કંપનીની સ્થાપના તેમના સ્વર્ગસ્થ પિતા ઉત્તમભાઈ નાથાલાલ મહેતાએ કરી હતી. ઉત્તમભાઈ સ્વિચ ફાર્મા જાયન્ટ સેન્ડોઝમાં સેલ્સમેન હતા. ટોરન્ટ પાવર ૩૦ લાખ ગ્રાહકોને વીજળી પુરી પાડે છે. ડિસેમ્બર ૨૦૧૭માં ટોરન્ટ ફાર્માએ સ્થાનિક હરીફ કંપની યુનિકેમને ૫૦.૫૫ કરોડ ડૉલરમાં હસ્તગત કરી હતી. સમીર ફાર્મા એકમ સંભાળે છે જ્યારે મોટાભાઈ સુધીરનો પુત્ર જિનલ ટોરન્ટ પાવર જુએ છે.
ઇન્ટાસ ફાર્માના હસમુખ ચુડગરની નેટવર્થ ૪ અબજ ડૉલર છે. લો-પ્રાફાઇલ હસમુખભાઈએ જેનરિક દવા બનાવતી કંપની ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સની સ્થાપના ૧૯૭૭માં કરી હતી. ઇન્ટાસે ઑક્ટોબર ૨૦૧૬માં ૭૫ કરોડ ડૉલરમાં ઇઝરાયેલી પેઢી ટેવા ફાર્માસ્યુટિકલ્સની આઇરિશ અને યુકેની સંપત્તિ ખરીદી છે.
નિરમાના કરસનભાઈ પટેલ ૪.૮ અબજ ડૉલરની નેટવર્થ ધરાવે છે. નિરમા ડિટર્જન્ટે યુનિલિવર અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલ જેવી મોટી હરીફ કંપનીઓને હંફાવી છે. અત્યારે નિરમા સોડા એશનું ઉત્પાદન કરતી દુનિયાની સૌથી મોટી કંપની છે. ૨૦૧૬માં નિરમાએ ફ્રેન્ચ સિમેન્ટ મહારથી લાફાર્જેના ભારતના એકમને ૧.૪ અબજ ડૉલરમાં હસ્તગત કરીને તેને નવું નામ નુવોકો વિસ્ટાસ આપ્યું હતું.
ભદ્રેશ શાહની એઆઈએ એન્જિનિયરિંગ કંપનીની નેટવર્થ ૧.૫ અબજ ડૉલર છે. ભદ્રેશભાઈએ ૧૯૭૮માં નાની ફાઉન્ડ્રીથી ઉદ્યોગની શરૃઆત કરી હતી. એઆઇએ સિમેન્ટ, ખાણકામ અને ઊર્જા ક્ષેત્રના ગ્રાઇન્ડિંગ પાટ્ર્સ બનાવતી દુનિયાની બીજા નંબરની સૌથી મોટી કંપની છે. ભદ્રેશ શાહે આઇઆઈટી કાનપુરમાંથી મેટાલર્જી એન્જિનિયર થયા છે. ભદ્રેશ શાહ ડૉક્ટરના પરિવારમાંથી આવે છે, પરંતુ ડૉક્ટરીને બદલે તેમણે ઇજનેરીનું ભણવાનું પસંદ કર્યું હતું.
૫૭ વર્ષના કેમિકલ એન્જિનિયર સંદીપ એન્જિનિયરે શરૃઆતમાં ફાર્મામાં કામ કર્યું અને ત્યાર બાદ ૧૯૮૭માં ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ બનાવવાનો ઉદ્યોગ શરૃ કર્યો હતો. એક દાયકા બાદ તેમણે પ્લાસ્ટિક પાઇપ બનાવવાનું શરૃ કર્યું, પરંતુ વેચાણ ઘણુ ધીમું હતું. તેમણે પ્લમ્બરોને લોખંડની સરખામણીએ પ્લાસ્ટિક પાઇપના ફાયદા સમજાવ્યા. આજે એસ્ટ્રલ ૨૯ કરોડ ડૉલરની આવક એધેસિવ અને સિલન્ટમાંથી પણ મેળવે છે. અમેરિકા, યુકે અને કેન્યાની ૩ ફેક્ટરીઓ સહિત એસ્ટ્રલની કુલ ૧૧ ફેક્ટરીઓ છે.
—————–