તમારા માટે, તમારી સાથે, સતત…

હિન્દુ ટેરર, સાધ્વી પ્રજ્ઞા આરવીએસ મણિ અને કમલનાથ

આર.વી.એસ. મણિએ સાધ્વી પ્રજ્ઞા અને હેમંત કરકરે વિષે કરેલા ખુલાસાઓ

0 192

વિવાદ –  જયેશ શાહ

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞાને મેદાનમાં ઉતારીને ભાજપે ચૂંટણીજંગને રોચક બનાવી દીધો છે. સાધ્વી પ્રજ્ઞાનાં તાજેતરનાં કેટલાંક નિવેદનોએ વિવાદ જગાવ્યો છે જે બદલ ચૂંટણીપંચે નોટિસ ફટકારીને તેમની પાસેથી ખુલાસો માગ્યો હતો. સાધ્વીએ તેનો જવાબ પણ આપ્યો છે. સાધ્વીની ઉમેદવારી વિશે પ્રવર્તી રહેલા અનેક મતમતાંતર વચ્ચે ભોપાલની જનતા ચૂંટણીમાં શું ચુકાદો આપે છે તેના પર હવે સૌની નજર છે.

હિન્દુ સંસ્કૃતિ अयं निजः परो वेति गणना लघुचेतसाम्, उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्માં માનનારી છે. એટલે કે ‘આ મારું છે, આ મારું નથી’ એવી માનસિકતા હિન્દુ સભ્યતાનો ભાગ નથી. હિન્દુ સભ્યતા કહે છે, ‘સમગ્ર વિશ્વ એક કુટુંબ છે.’ પ્રત્યેક સાચો હિન્દુ समानो मंत्रः समिति समानी समानं व्रतं सहचित्तमेषाम । समानं मन्त्रभि मंत्रये वः समानेन वो हविषा जुहोमि । માં માનનારો છે. समानी व आकृतिः समाना हृदयानि वः । समानमस्तु वो मनो यथा वः सुसहासति । નું આચરણ કરનારો છે.

પરંતુ હવે તમામ ધર્મોનું રાજકીયકરણ થઈ ગયું છે અને ધર્મગુરુઓ અને રાજકીય નેતાઓની જુગલબંધી ધર્મોને અને રાજકારણને ચલાવતી થઈ ગઈ છે તેનો મતલબ એવો તો નહીં જ કે ‘રાજકારણ’ કહે તે જ સાચો ધર્મ. એવું માની લેવું એ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડવા બરાબર છે.

આટલી પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી નમ્ર વિનંતી છે કે સાધ્વી પ્રજ્ઞા અને હેમંત કરકરે વિષે એક પણ શબ્દ બોલતા પહેલાં ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ અધિક સચિવ આર.વી.એસ. મણિના પુસ્તક ‘The Myth of HINDU TERROR: Insider Account of Ministry of Home Affairs – 2006-2010’ ને વિગતે વાંચીએ. શું સાચું અને શું ખોટું તેનો ભેદ આપણે સૌ પારખી શકીએ તેમ છીએ.

પરંતુ આજકાલ ભારતીય Think Tank માં એક અંગ્રેજી શબ્દ પ્રચલિત થયો છે અને એ શબ્દ છે NARRATTIVE. આ બહુ જબરદસ્ત શબ્દ છે. આમ તો આ શબ્દનો અર્થ કથા, વાર્તા, વર્ણન, વૃત્તાંત, કથાનાત્મક એવો થાય છે, પરંતુ Thinking Worldમાં વિહરતા લોકો માટે NARRATTIVE શબ્દનો અર્થ કોઈ ‘વિષય-વિશેષ’ને એક નિશ્ચિત દિશા આપવી એ અર્થમાં જ ઉપયોગમાં લેવાય છે. કોઈ પ્રસંગ કે ઘટનાને એક નિશ્ચિત દિશા તરફ અંગુલીનિર્દેશ કરીને કોઈ ભાવિ ઘટનાચક્રને ઇંગિત કરાય છે અને આ આખીએ પ્રક્રિયાને NARRATIVE SET કરવો એવું કહેવાય છે. દેખીતી રીતે સહજ વૈચારિક પ્રક્રિયા લાગતી હોવા છતાં જો એમાં બૌદ્ધિક બદમાશી ભળે તો ‘અસત્યના નાના ખાબોચિયા’ને ‘સત્યનો સમુદ્ર’ બનાવી શકાય છે. આવો જ એક વિષય HINDU TERROR કેટલાક બુદ્ધિજીવીઓ’ અને ‘લેફ્ટ-લિબરલ’ ટોળીએ ચલાવ્યો હતો. કાશ્મીરમાં અને દેશભરમાં પ્રસરી રહેલા જેહાદી આતંકવાદને COVER આપવા હિન્દુ આતંકવાદ (HINDU TERROR – SAFFRON TERROR) નામનો શબ્દ ‘કેટલાક બુદ્ધિજીવીઓ’ અને ‘લેફ્ટ-લિબરલ’ ટોળીએ ‘INVENT’ કર્યો અને પછી આ ‘અસત્ય થિયરી’ને આધાર આપવા હવાતિયા મારવાનું આ લોકોએ શરૃ કર્યું. ‘A HINDU CAN BE A TERRORIST’ એવો NARRATIVE SET કરવાનો એક નિષ્ફળ પણ ભયાનક પ્રયાસ પણ થયો.

Related Posts
1 of 269

ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ અધિક સચિવ આર.વી.એસ. મણિએ સાધ્વી પ્રજ્ઞા અને હેમંત કરકરે વિષે તમામ ખુલાસાઓ તેમના પુસ્તક ‘The Myth of HINDU TERROR: Insider Account of Ministry of Home Affairs – 2006-2010’માં કર્યા છે જેમાં તેઓએ દસ્તાવેજો અને જાણકારીઓ સાથે ખુલાસાઓ કર્યા છે કે કેવી રીતે કોંગ્રેસ સરકારે સમગ્ર વિશ્વમાં ‘HINDU TERROR’ ની નવી થિયરી ઊભી કરવા ષડ્યંત્રો રચ્યા હતા. ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ અધિક સચિવ આર.વી.એસ. મણિએ કહ્યું કે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે ‘હિન્દુ આતંકવાદ’ની ખોટી વાર્તા ઘડી હતી. ‘હિન્દુ આતંકવાદ’ના નામે સરકારી સાધનોનો દુરુપયોગ કરીને તેઓ અસલી ગુનેગાર એવા ઇસ્લામિક આતંકવાદીઓને બચાવવામાં સફળ થયા હતા. વિકિલિક્સમાં આ અંગેના તમામ પુરાવા ઉપલબ્ધ છે. અમેરિકાએ પણ આ અસલી ગુનેગાર એવા ઇસ્લામિક આતંકવાદીઓ ઉપર પગલાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ બનાવ્યું હતું, પરંતુ દિગ્વિજયસિંહે ‘હિન્દુ આતંકવાદ’ની વાતનો પાયો નાખીને આખી વાતને ‘ટ્વિસ્ટ’ કરીને એક અલગ રંગ આપી દીધો. આર.વી.એસ. મણિના કહેવા મુજબ ત્યારે તેમને દિગ્વિજયસિંહનો રાજનૈતિક એજન્ડા સમજાયો નહોતો, પણ એ તો સત્ય હકીકત હતી કે ‘HINDU TERROR’ જેવું કંઈ જ તે સમયે હતું જ નહીં.

યુપીએ સરકાર સમયે ‘HINDU TERROR’ નામે હિન્દુઓને બદનામ કરવાનું ષડ્યંત્ર કેવી રીતે રચવામાં આવ્યું હતું તેનું પ્રમાણ આપતા ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ અધિક સચિવ આર.વી.એસ. મણિએ ઘણા સ્ફોટક ખુલાસાઓ તેમના ‘The Myth of HINDU TERROR: Insider Account of Ministry of Home Affairs – 2006-2010’માં કર્યા છે.

મણિએ મહારાષ્ટ્રના જાંબાઝ ઉચ્ચ પોલીસ અધિકારી હેમંત કરકરેએ કેવી રીતે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મકોકામાં ફસાવીને જેલમાં નાખી હતી તે અંગે વિશ્વસનીય દસ્તાવેજી પુરાવા સાથે તેમના પુસ્તકમાં વાત કરી છે.   આર.વી.એસ. મણિએ ઇશરત જહાં કેસમાં કેવી રીતે કોંગ્રેસે તત્કાલીન મુખ્યમંત્રી મોદીને ફસાવવા માટે ષડ્યંત્ર રચ્યું હતું અને કેવી રીતે દુનિયામાં ‘HINDU TERROR’ થિયરી ઊભી કરવા કોંગ્રેસે આયોજનબદ્ધ રીતે ખેલ ખેલ્યા હતા તેને લઈને પુસ્તકમાં વિગતે વાત કરી છે. તે સમયે તત્કાલીન કેન્દ્રીય મંત્રી કમલનાથ તેમને શહેરી વિકાસ મંત્રાલય ખાતે મળ્યા હતા અને તેમની સાથે અન્ય બે અધિકારીઓ પણ હતા. કમલનાથે તેમને ગુજરાતના ઇશરત જહાં કેસમાં તથ્યો સાથે ચેડાં કરવા કહ્યું હતું. આર.વી.એસ. મણિ પર ઇશરત જહાંને નિર્દોષ સાબિત કરવા દબાણ કરવામાં આવ્યું જેથી કરીને ઇશરતના એન્કાઉન્ટરમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફસાવી શકાય. આર.વી.એસ. મણિએ તપાસમાં ચેડાં કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કોઈ ખોટું કામ તેઓ નહીં કરે તેવું સ્પષ્ટપણે કમલનાથને કહી દીધું. કમલનાથ પર પણ કોંગ્રેસ હાઈકમાન્ડનું દબાણ હતું. તેઓ આ કેસને ગમે તેમ કરીને પોતાના પક્ષમાં કરવા ગરબડી કરવા ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ અધિક સચિવ આર.વી.એસ. મણિ પર દબાણ કરી રહ્યા હતા અને આ કેસમાં રાજનીતિક ષડ્યંત્ર છે એવી ગંધ આવી જતા આર.વી.એસ. મણિ આ કેસમાં ખોટાં તથ્યો મૂકીને ખુદને ફસાવવા માગતા ન હતા. કમલનાથે આર.વી.એસ. મણિ પર ઘણુ દબાણ કર્યું. ઘણી દલીલો કરી, પરંતુ તેમ છતાં તેઓ ના માનતા કમલનાથે ગુસ્સે થઈને આર.વી.એસ. મણિને અહીં લખી ન શકાય તેવા શબ્દો કહ્યા હતા.

માલેગાંવ બ્લાસ્ટ ૮મી સપ્ટેમ્બર, ૨૦૦૬માં થયો. ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ સમજૌતા એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો અને ૧૮મી મે, ૨૦૦૭ના રોજ  મક્કા મસ્જિદમાં બ્લાસ્ટ  થયો. આ ત્રણેય આતંકવાદી ઘટનાઓમાં હિન્દુઓને આરોપી તરીકે પકડવામાં આવ્યા અને આજની સ્થિતિમાં એ આરોપીઓમાંથી લગભગ તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યા છે. વર્તમાન એનડીએ સરકાર પર દોષારોપણ કરવાવાળા તમામ બુદ્ધિજીવીઓ અને કહેવાતા માનવતાવાદીઓએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ૨૦૦૪થી ૨૦૧૪ સુધી કોંગ્રેસના નેતૃત્વ સાથેની યુપીએ સરકાર કેન્દ્રમાં અને આ ત્રણ બનાવો બન્યા એ રાજ્યોમાં પણ કોંગ્રેસ જ શાસનમાં હતી. એનઆઈએ અને અન્ય તપાસ એજન્સીઓ લગભગ સાત વર્ષ સુધી આ ત્રણેય મામલે પકડાયેલ આરોપીઓ પર મુકાયેલા આરોપ કોર્ટમાં પુરવાર નથી કરી શકી. જો આ મામલે થોડું પણ સત્ય હોત તો ૦૭ વર્ષ એ ગુનો પુરવાર કરવા માટે ઓછો સમય ન કહી શકાય. આખી યુપીએ સરકાર અને ગૃહ મંત્રાલય પોતાની પૂરી તાકાત લગાવીને પણ આમાંથી એક પણ મામલે  ‘હિન્દુ આતંકવાદ’ના નામે પકડેલા લોકોને આરોપી સાબિત નથી કરી શકી.

આ ત્રણ આતંકવાદી ઘટના પછી એટલે કે જૂન ૨૦૦૭ પછી હિન્દુ આતંકવાદ’ની એક પણ ઘટના ૨૦૧૪ સુધીના યુપીએ શાસનમાં પણ નથી થઈ. જો ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ અધિક સચિવ આર.વી.એસ. મણિએ કરેલા તમામ ખુલાસાઓ સાચા હોય તો ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે શું કર્યું એ પણ એક યક્ષ પ્રશ્ન છે. ૨૦૧૮માં પ્રસિદ્ધ થયેલ આ પુસ્તકમાં થયેલા ખુલાસાઓ ઉપર એનડીએ સરકારે તપાસ કેમ ન કરાવી એ પણ એક રહસ્ય બની રહ્યું છે.

 ( લેખકે ગીતા પર પીએચ.ડી. કર્યું છે. તેઓ પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ્સ રિલિજિયન્સમાં ભારતના પ્રતિનિધિ છે.)
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »