તમારા માટે, તમારી સાથે, સતત…

ફર્સ્ટ-ડે કલેક્શન ફિલ્મને સફળ કે નિષ્ફળ સાબિત કરે છે

કોઈ પણ ફિલ્મ સફળ છે કે નિષ્ફળ તે માત્ર એક દિવસમાં નક્કી ના કરી શકાય

0 362
  • મુવીટીવી – ગરિમા રાવ

એક સમય એવો હતો જ્યારે ફિલ્મો સિનેમાઘરમાં આવે પછી લાંબા સમયે તેની સફળતા અને નિષ્ફળતાના માપદંડ નક્કી થતા હતા. ફિલ્મનું કલેક્શન પણ મહિનાઓ પછી જોવામાં આવતું હતું, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે તો ફિલ્મ રિલીઝ થાય એટલે તેના ફર્સ્ટ ડેના કલેક્શન પરથી જ તેની સફળતા અને નિષ્ફળતા નક્કી થઈ જાય છે.

કોઈ પણ ફિલ્મ સફળ છે કે નિષ્ફળ તે માત્ર એક દિવસમાં નક્કી ના કરી શકાય. દેશના દરેક દૈનિક ન્યૂઝ પેપરો અને વેબસાઇટ એક અથવા બે દિવસમાં ફિલ્મની નિષ્ફળતા અને સફળતા નક્કી કરી લે છે, પરંતુ ઘણી ફિલ્મો એવી પણ હોય છે જે શરૃઆતના સમયમાં દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં સફળતા નથી મેળવી શકતી, પરંતુ માઉથ માર્કેટિંગના કારણે ધીમે-ધીમે ફિલ્મ સફળતાની સીડી ચડવા લાગે છે. આજે અહીં એવી જ ફિલ્મો વિશે વાત કરવાની છે જે શરૃઆતના સમયમાં ફિલ્મી પરદે પોતાનો જાદુ ચલાવવામાં ફેલ થઈ, પરંતુ સમયની સાથે ફિલ્મની પબ્લિસિટી વધતી ગઈ અને પ્રથમ દિવસની નિષ્ફળ ફિલ્મ પછીના દિવસોમાંં હિટ કે સુપરહિટ બની ગઈ.

શરૃઆતના સમયમાં નિષ્ફળ રહેલી ફિલ્મોના લિસ્ટમાં શોલે ફિલ્મને કોઈ કેવી રીતે ભૂલી શકે. ૪૦ની ઉંમરે પહોંચેલા ફિલ્મી રસિકોને બરોબર યાદ હશે કે જ્યારે શોલે ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ થઈ ત્યારે દર્શકોને આકર્ષવામાં તેને ઝાઝી સફળતા નહોતી મળી. એટલું જ નહીં, શરૃઆતના દિવસમાં તો સિનેમાઘરમાં ખાલી ખુરશી જોઈ ફિલ્મમેકર્સ પણ ચિંતામાં આવી ગયા હતા, પરંતુ જે દર્શકો ફિલ્મ જોતા તેમની પર શોલેનો જાદુ ચાલી જતો અને શોલેના ચાહકો જ બીજા દર્શકોને ફિલ્મ વિશે જણાવતા. ધીમે-ધીમે શોલે ફિલ્મના શૉ પેક થવા લાગ્યા. ફિલ્મ એટલી બધી ચાલી કે બોલિવૂડના ઇતિહાસમાં સૌથી વધુ ચાલનારી ફિલ્મના રેકોર્ડમાં કોઈ નામ હોય તો તે શોલે છે.

આવી ફિલ્મોમાં બીજા નામ પણ છે જેણે મંદગતિએ રફતાર પકડી હતી. રાજ કપૂરની સંગમ, મેરા નામ જોકર, મીના કુમારીની કટી પતંગ, જય સંતોષી મા, નદીયા કે પાર જેવી ફિલ્મો પહેલાં ફ્લોપ લિસ્ટમાં જ હતી. એટલું જ નહીં, પરંતુ સિનેમા જગતની સૌથી મોટી ફિલ્મ મોગલે આઝમ અને એશિયાની ઓલ ટાઇમ બેસ્ટ ૫૦ તથા દુનિયાની ઓલ ટાઇમ બેસ્ટ ૧૦૦ ફિલ્મોમાં જેની ગણના થાય છે તે ગુરુદત્તની ફિલ્મ પ્યાસા વિશે પણ આ જ પ્રકારની સ્ટોરી સાંભળવા મળી હતી. કહેવાય છે કે શરૃઆતના સમયમાં આ ફિલ્મો ચાલી નહોતી, પરંતુ ફિલ્મ જોઈને આવનારા દર્શકો મન ખોલીને ફિલ્મના વખાણ કરતા. જેના કારણે આ ફિલ્મોએ માત્ર આવકની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ દર્શકોનો પ્રેમ જીતવામાં પણ અપાર સફળતા પ્રાપ્ત કરી.

Related Posts
1 of 258

પરંતુ હાલના સમયમાં સૌથી મોટો સવાલ એ છે કે, ઇતિહાસમાં જે રીતે આ ફિલ્મોને ધીમે ધીમે સફળતા મળી અને દર્શકોનો પ્રેમ મળ્યો તે વાત હવે શક્ય છે! કારણ કે હવે તો માત્ર ફિલ્મ રજૂ થયાના ૨૪ કલાકમાં જ ફિલ્મની સફળતા અને નિષ્ફળતા નક્કી થઈ જાય છે. ફિલ્મોની સફળતાનો નવો માપદંડ છે ફર્સ્ટ ડે કલેક્શન. જી હા, હવે ફિલ્મની સફળતા તેના પ્રથમ દિવસના કલેક્શન પરથી નક્કી થાય છે. પહેલા દિવસે જેટલી વધુ આવક ફિલ્મ એટલી વધુ હિટ. આ જ કારણ છે કે ઠગ ઓફ હિન્દુસ્તાન ફિલ્મે રિલીઝના ચાર દિવસમાં જ દર્શકોને નિરાશ કર્યા છતાં પણ પ્રથમ દિવસના કલેક્શનને લઈને ફિલ્મે નવા રેકોર્ડ કર્યા હતા. જેના કારણે આ ફિલ્મ ફ્લોપ લિસ્ટમાંથી બાકાત છે. એ વાત જુદી છે કે દેશ જ નહીં, પરંતુ દુનિયાભરના દર્શકોએ આ ફિલ્મને નકારી કાઢી હતી, પરંતુ પહેલા દિવસની આવકે સફળતા અને નિષ્ફળતાનો એવો માપદંડ નક્કી કર્યો છે કે કોઈ પણ ફિલ્મ સારી કે ખરાબ હોતી જ નથી. બસ, આવકની દ્રષ્ટિએ જ સફળ કે નિષ્ફળ બની રહે છે.

સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝીંદા હૈ પણ આ લિસ્ટમાં જ આવે છે. પ્રથમ દિવસની આવકે ફિલ્મને હિટ લિસ્ટમાં સહેલાઈથી ફિટ કરી દીધી. આમિર ખાને ઠગ ઓફ હિન્દુસ્તાન ફિલ્મથી તેના દર્શકોને એવા ઠગ્યા છે કે હવે તે આ ફિલ્મનું નામ પણ લેતા ખચકાય છે. તેવી જ રીતે ભાઈજાન સલ્લુમિયાંએ પણ ટ્યૂબલાઇટ ફિલ્મમાં પોતાના ચાહકોની બત્તી ગુલ કરી દીધી હતી. છતાં નવાઈની વાત એ છે કે આ ફિલ્મોને પ્રથમ દિવસે કરેલા કલેક્શનના કારણે સફળ ગણવામાં આવે છે. ખાનબંધુઓમાં બોલિવૂડના બાદશાહનું નામ પણ કેમ ભુલાય. રઈશ ફિલ્મમાં જે રીતે એક વિલનને હીરો બનાવવાની ભૂલ કિંગ ખાને કરી અને પ્રથમ દિવસે સારી એવી આવક કરી જેના કારણે તે ફિલ્મ પર હિટનું લેબલ લાગી ગયું.

જ્યારે એવી ફિલ્મો પણ છે જે ખરેખર દર્શકોને ખૂબ જ પસંદ આવી, પરંતુ બોક્સ-ઓફિસની દ્રષ્ટિએ તેને સારો રિસ્પોન્સ ન મળ્યો. બરેલી કી બરફી, ન્યૂટન, શુભમંગલ સાવધાન, તુમ્હારી સુલુ, બાબુ મોશાય બંદૂકબાજ અને ફૂકરે રિટન્સ જેવી ફિલ્મોએ દર્શકોના દિલમાં એક જુદી જ જગ્યા બનાવી છે, પરંતુ આ ફિલ્મોને સફળ ક્યારેય કહેવામાં નથી આવી. જેનું કારણ એ છે કે આ તમામ ફિલ્મોનું પ્રથમ ડે કલેક્શન ૩ કરોડ રૃપિયા કરતાં ઓછું હતું. જેના કારણે બોક્સ-ઓફિસની દ્રષ્ટિએ પણ આ ફિલ્મોને હિટ લિસ્ટમાંથી બહાર રાખવામાં આવી. ઝાંસીની રાણીના જીવન પર આધારિત મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી ફિલ્મ બોક્સ-ઓફિસ પર જાદુ ચલાવશે તેવી આશા ઠગારી નિવડી. આ ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન ૮ કરોડ ૭૫ લાખ રૃપિયા હતું. જ્યારે અનુમાન એવું લગાવવામાં આવ્યું હતું કે ઝાંસી ફિલ્મ પ્રથમ દિવસે ૧૩થી ૧૪ કરોડની આવક કરશે. ઓછી આવકના કારણે આ ફિલ્મ પર એક દિવસમાં જ નિષ્ફળતાનો ટેગ લાગી ગયો.
———.

સલ્લુમિયાં બનશે સુપર-હીરો
બોલિવૂડમાં રિતિક રોશને સુપર-હીરોના રોલમાં ઘણી ફિલ્મો કરી છે. હવે બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન પણ સુપર-હીરોના રોલમાં જોવા મળશે. રિતિક રોશને છોડેલી રોહિત ધવનની સુપર-હીરો ફિલ્મમાં સલ્લુમિયાંએ એન્ટ્રી કરી લીધી છે. બિગ બજેટની આ ફિલ્મમાં પહેલાં રિતિક કામ કરવાનો હતો, પરંતુ કોઈ કારણસર તેણે આ ફિલ્મને છોડી દીધી છે. નવાઈની વાત તો એ છે કે જ્યારે રિતિક આ ફિલ્મમાં કામ કરવાનો હતો તેવા સમાચાર ભાઈજાનને મળ્યા ત્યારે તેણે આ ફિલ્મને બકવાસ કહી હતી, પણ રિતિકે ફિલ્મ છોડી અને રોહિતે સલમાનનો સંપર્ક કર્યો ત્યારે તે આ ફિલ્મ કરવા રાજી થઈ ગયો. પ્રશ્ન તો એ થાય છે કે બકવાસ ફિલ્મને રિતિકે છોડી છે કે સલમાન ખાને સાઇન કરી છે! જે હોય પરંતુ ભાઈજનને સુપર-હીરોના રોલમાં જોવા તેમના ચાહકો જરૃર આતુર હશે.

—–.

જાહ્નવી પણ કરશે બાયોપિક
બોલિવૂડમાં બાયોપિક ફિવર ચાલી રહ્યો છે ત્યારે જાહ્નવી કપૂર પણ તેનો હિસ્સો બનવા જઈ રહી છે. ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને બચાવનાર ગુંજન સક્સેના પર ફિલ્મ બની રહી છે. જેમાં ગુંજનનો રોલ જાહ્નવી કરશે. આ ફિલ્મને લઈને જાહ્નવી ઘણી ઉત્સાહિત છે. જોકે હજુ ફિલ્મનું શૂટિંગ શરૃ થયંુ નથી, પરંતુ જાહ્નવી આ ફિલ્મ માટે પોતાનો બેસ્ટમાંથી પણ બેસ્ટ અભિનય આપવાની તૈયારી કરી રહી છે. ધડક ફિલ્મના અભિનયે એટલું તો સાબિત કરી જ દીધું છે કે જાહ્નવી પણ પોતાની માતાના જેમ સારી અદાકારા છે. હવે આવી બાયોપિક દ્વારા તે પોતાની ટક્કરની અભિનેત્રીઓને માત આપશે. જોવું એ રહ્યંુ કે જાહ્નવી ગુંજનને પરદે દર્શાવવામાં કેટલી સફળ નિવડે છે.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »