તમારા માટે, તમારી સાથે, સતત…

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ: ઉચ્ચ હોદ્દા સાથે આવક આપતી બેસ્ટ કારકિર્દી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કારકિર્દી માટે બેસ્ટ વે છે

0 1,311
  • નવી ક્ષિતિજ  – હેતલ રાવ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કારકિર્દી માટે બેસ્ટ વે છે.  ખાસ કરીને એચએચસીમાં કોમર્સ વિષય પસંદ કરનારા વિદ્યાર્થીઓનાં સપનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ બનવાનાં હોય છે. એક્સપર્ટના વ્યૂહ પ્રમાણે આ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કોર્સ છે. જેમાં ફાયદો વધારે છે. જોકે આ સપનાને સાકાર કરવા માટે ઉચ્ચ કૌશલ્ય, પ્રવેશ પરીક્ષાની તૈયારી જેવી અનેક કુનેહની જરૃર હોય છે. આ ક્ષેત્ર યુવાનો પાસે મહેનત માગી લે છે. સાથે જ તેમના કરિયરને ચાર ચાંદ પણ લગાવે છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(સીએ)ના મુખ્ય કાર્ય નાણાકીય હિસાબ તૈયાર કરવા, નાણાકીય સલાહ આપવી, ઓડિટ એકાઉન્ટનું વિશ્લેષણ કરવું અને ટેક્સ સંબંધિત કામ કરવાનું છે. ટેક્સની ચુકવણીનો હિસાબ રાખવાનું કામ પણ સીએનું જ હોય છે.

યોગ્યતા અને અભ્યાસક્રમ
 આર્ટ્સ, કોમર્સ કે પછી સાયન્સ સ્ટ્રીમ સાથે ધોરણ ૧૨ પાસ કરનારા વિદ્યાર્થી સીએની પરીક્ષામાં બેસી શકે છે. આ પરીક્ષાને ફાઉન્ડેશન પરીક્ષા કહેવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીને સૌ પ્રથમ એન્ટ્રી લેવલ કોર્સ સીપીટીમાં પ્રવેશ લેવો પડે છે. સીપીટી પછી આઇપીસીસી અને છેલ્લા એફસી કોર્સ કરવાનો હોય છે. આ તમામ કોર્સ પછી આઇસીએઆઈમાં મેમ્બરશિપ માટે અરજી કરી શકાય છે.

ફાઉન્ડેશન પરીક્ષા
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રવેશ પરીક્ષા જ ફાઉન્ડેશન પરીક્ષા હોય છે જે એક પ્રકારની એન્ટ્રી લેવલની પરીક્ષા છે. જેનું આયોજન વર્ષમાં બે વખત મે અને નવેમ્બર માસમાં કરવામાં આવે છે. આ ટેસ્ટ આપવા માટે ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન  કરાવવું ફરજિયાત છે.

પરીક્ષા પદ્ધતિ
*        ફાઉન્ડેશન પરીક્ષામાં કુલ ચાર પેપર હોય છે. જેમાં બે પેપર સબ્જેક્ટિવ અને બે પેપર ઓબ્જેક્ટિવ હોય છે.

*        પરીક્ષા કુલ ૪૦૦ ગુણની હોય છે.

*        ફાઉન્ડેશન પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ પચાસ ટકા લાવવા જરૃરી છે. જ્યારે દરેક વિષયમાં ઓછામાં ઓછા ૪૦ માર્ક્સ હોવા અનિવાર્ય છે. ચાર વિષયની પરીક્ષામાંથી કોઈ એક વિષયમાં પણ ૪૦ માર્ક્સ કરતાં ઓછા માર્ક્સ આવે તો તે વિદ્યાર્થીને નાપાસ ગણવામાં આવે છે.

*        આ પરીક્ષામાં પાસ થયા પછી કોઈ પણ વિદ્યાર્થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના કોર્સમાં ઍડ્મિશન મેળવી શકે છે.

ઇન્ટરમીડિએટ પરીક્ષા
*        ઇન્ટરમીડિએટ કોર્સમાં ઍડ્મિશન માટે વિદ્યાર્થીએ સીએની ઇન્ટરમીડિએટ પરીક્ષા પાસ કરવાની હોય છે.

*        ઇન્ટરમીડિએટમાં બે ગ્રૂપ અને આઠ વિષય હોય છે. સીએમાં ઍડ્મિશન મેળવ્યા બાદ નવ મહિનાના સમયગાળા પછી વિદ્યાર્થી ઇન્ટરમીડિએટ પરીક્ષા આપવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. જેમાં વિદ્યાર્થી એક ગ્રૂપ કે બંને ગ્રૂપ મેળવી શકે છે.

*        આ પરીક્ષા પાસ કરવા માટે કુલ પચાસ ટકા અને દરેક વિષયમાં ઓછામાં ઓછા ૪૦ માર્ક્સ લાવવા જરૃરી છે.

Related Posts
1 of 289

*        આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી વિદ્યાર્થીએ ત્રણ વર્ષ માટે આર્ટિકલશિપની ટ્રેનિંગ લેવાની હોય છે.

*        કોઈ પણ ગ્રૂપ પાસ કર્યા પછી વિદ્યાર્થીને આર્ટિકલશિપ ટ્રેનિંગ માટે યોગ્ય ગણવામાં આવે છે. વિદ્યાર્થીએ આ ટ્રેનિંગ પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે લેવાની હોય છે.

*        ટ્રેનિંગના છેલ્લા છ માસ દરમિયાન વિદ્યાર્થી સીએની ફાઇનલ પરીક્ષા આપવા માટે યોગ્યતા પ્રાપ્ત કરે છે.

ફાઇનલ પરીક્ષા
ફાઇનલ પરીક્ષામાં પણ બે ગ્રૂપ અને આઠ વિષય હોય છે. જેમાં વિદ્યાર્થી દરેક વિષયના પેપરની પરીક્ષા એકસાથે આપી શકે છે. વિદ્યાર્થીએ પરીક્ષા એકસાથે ના આપવી હોય તો જુદી-જુદી પણ આપી શકે છે. સીએની પરીક્ષા પાસ કરવા માટે પચાસ ટકા અને દરેક વિષયમાં ૪૦ માર્ક્સ હોવા જરૃરી છે.

સીએ બનવામાં કેટલો સમય લાગે ?
સીએ બનવામાં વિદ્યાર્થીને ધોરણ ૧૨ પાસ કર્યા પછી ઓછામાં ઓછો ચાર વર્ષનો સમય લાગે છે. સ્નાતક વિદ્યાર્થીને સીએ માટે સીધંુ ઍડ્મિશન મળી જાય છે. ગ્રેજ્યુએશન પછી સીએ બનવાની ઇચ્છા રાખતા વિદ્યાર્થીને પ્રવેશ પરીક્ષા પાસ કરવાની જરૃર નથી. આવા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ સીએમાં ઍડ્મિશન મેળવી શકે છે. જોકે આ માટે વિદ્યાર્થીએ કોમર્સ વિષયમાં ૫૫ ટકા સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. કોર્સની સાથે વિદ્યાર્થી આર્ટિકલશિપ પણ કરી શકે છે. જ્યારે અન્ય વિષયના વિદ્યાર્થીઓએ સીએમાં ઍડ્મિશન લેવા માટે ૬૦ ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. આવા વિદ્યાર્થીઓ આર્ટિકલશિપ ટ્રેનિંગની સાથે ઇન્ટરમીડિએટ પરીક્ષા પણ આપી શકે છે.

રજિસ્ટ્રેશન કરાવવું જરૃરી
સીએ બનવું હોય તો ધો.૧૨ના આધારે સીપીટી એટલે કે કોમન પ્રોફેશિએન્સી ટેસ્ટ અને આઇપીસીસી(ઇન્ટિગ્રેટેડ પ્રોફેશનલ કોમ્પિટેન્સ કોર્સ)માં રજિસ્ટ્રેશન કરાવી શકાય. વર્ષ દરમિયાન સીપીટી ને આઇપીસીસી માટે ગમે ત્યારે રજિસ્ટ્રેશન કરાવી શકાય, પરંતુ આ રજિસ્ટ્રેશન પરીક્ષાના દસ મહિના પહેલાં કરાવવું જરૃરી છે.

કયા વિકલ્પો મળે છે ?
સીએનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તમને સહેલાઈથી કોઈ પણ મલ્ટિનેશનલ કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જોબ મળી રહે છે. આ ઉપરાંત દેશ-વિદેશની કંપનીઓમાં ફાઇનાન્સ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ વિભાગમાં ફાઇનાન્સ મેનેજર, એકાઉન્ટ મેનેજર, ફાઇનાન્સિયલ બિઝનેસ એનાલિસ્ટ, ઓડિટિંગ, ઇન્ટરનલ ઓડિટિંગ, સ્પેશિયલ ઓડિટ્સ, ચૅરમેન, મેનેજિંગ ડાયરેક્ટર, સીઈઓ, ફાઇનાન્સ ડાયરેક્ટર, ફાઇનાન્સિયલ કન્ટ્રોલર, ચીફ એકાઉન્ટન્ટ, ચીફ ઇન્ટરનલ ઓડિટર જેવા મહત્ત્વના હોદ્દા પર સહેલાઈથી તક મળી રહે છે. એટલું જ નહીં, સીએ માટે પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરી શકાય છે.

જ્યાં સુધી નોકરીનો સવાલ છે તો દેશમાં જેટલા ફાઇનાન્સિયલ સેક્ટર છે ત્યાં સીએ માટે ભરપૂર પ્રમાણમાં નોકરીની સંભાવનાઓ રહેલી છે. ટૂંકમાં કહીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કામ મેળવવા માટે ક્યારેય મુશ્કેલી ઊભી થતી નથી.

વેતન
સીએનું કાર્ય મહેનત, જવાબદારી ભરેલું હોય છે. જેથી તેમણે ૯થી ૧૦ કલાક કામ કરવું પડે છે. સીએને જુનિયર લેવલ પર પ્રતિમાસ ૧૫થી ૩૦ હજાર રૃપિયા સેલેરી મળે છે, જ્યારે સિનિયર લેવલ પર સેલેરી વધી ૪૦થી ૫૦ હજાર રૃપિયા પ્રતિમાસ થઈ જાય છે. ૨થી ૩ વર્ષના અનુભવી સીએને ૭૦થી ૮૦ હજાર રૃપિયા પ્રતિમાસ પગાર મળે છે.

સંસ્થાઓ
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)વિશ્વમાં ઓડિટ અને એકાઉન્ટની બીજા નંબરની સૌથી મોટી સંસ્થા છે. સમગ્ર ભારતમાં એકમાત્ર આ સંસ્થા પાસે જ નાણાકીય અને એકાઉન્ટન્સી માટેની પરીક્ષાનું લાઇસન્સ છે. જેની ચાર રિજનલ ઑફિસ મુંબઈ, કોલકતા, ચેન્નઈ અને કાનપુરમાં છે. પુરા દેશમાં ૧૬૩ શાખા અને વિદેશમાં ૩૧ ચેપ્ટર છે.

હકારાત્મક રહેવું જરૃરી
સીએ બનવા માટે સૌથી પ્રથમ નકારાત્મક વિચારોને દૂર કરવા પડે છે. અભ્યાસ દરમિયાન કોઈ રોલ મોડલ નક્કી કરવામાં આવે તો અભ્યાસમાં સહેલાઈ રહે છે. સીએનો અભ્યાસ લાંબો સમય લે છે માટે સમય મળે ત્યારે પોતાના શોખને પણ પૂર્ણ કરો. હાસ્ય મનોરંજન તમને ફ્રેશ રાખશે. શરૃઆતથી લઈને જ્યાં સુધી તમને ઇચ્છા પ્રમાણે પરિણામ ના મળે ત્યાં સુધી અભ્યાસ પર ફોકસ રહે તે જરૃરી છે. આ સમય દરમિયાન કોઈ ભૂલ થાય તો નાસીપાસ થવાની જગ્યાએ તે ભૂલોમાંથી શીખવાનો પ્રયત્ન કરો.

મહેનત જ સફળતા અપાવે છે
સીએની આઇપીસી પરીક્ષા પાસ કરવી થોડી અઘરી હોય છે. આવા સમયે વિદ્યાર્થીઓને કોચિંગ અને માર્ગદર્શનની જરૃર પડે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે મહેનતની જરૃર વધુ હોય છે માટે જ વિદ્યાર્થી સીએની કારકિર્દીને અઘરી સમજે છે, પરંતુ યોગ્ય સમય અને મહેનત આ ક્ષેત્રે ચોક્કસથી સફળતા અપાવે છે. નોકરીની તકની વાત કરીએ તો સૌથી વધુ પગાર પ્રાઇવેટ સેક્ટર અને મલ્ટિનેશનલ કંપનીઓમાં મળે છે.
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »