વિનિપાત – નરેશ મકવાણા
કેરળને કુદરતનું ઘર કહેવામાં આવે છે, પણ હાલ ત્યાં આવેલા સદીના સૌથી ભયાનક પૂરને કારણે સ્થાનિકો સહિત દેશભરમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ લોકો મોતને ભેટ્યાં છે, લાખો લોકો બેઘર થયાં છે અને કરોડોની માલમતા પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. જોકે ભયાનક આ પરિસ્થિતિ માટે માત્ર અતિવૃષ્ટિ જ જવાબદાર નથી…
કેરળને ઈશ્વરનું ઘર કહેવામાં આવે છે, પણ હાલ ત્યાં પૂર અને તેના દ્વારા ફેલાયેલી તબાહીને કારણે ચોતરફ હાહાકાર મચેલો છે. ૮ ઑગસ્ટથી અત્યાર સુધીમાં અહીં ૪૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને આંકડો દિનપ્રતિદિન વધી રહ્યો છે. વડાપ્રધાને પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરીને ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તો દેશભરમાંથી પણ અહીં જરૃરી મદદ યુદ્ધન્ન ધોરણે પહોંચાડવામાં આવી રહી છે. પૂરના સમાચારોને લઈને સમગ્ર દેશની નજર તેના પર સ્થિર થયેલી છે તેનું કારણ એ પણ છે કે કેરળ પ્રવાસીઓનું ગમતું સ્થળ છે. પ્રવાસના શોખીનોનું સ્વપ્ન હોય છે કે તેઓ એકવાર તો કેરળ જોઈ આવે જ. અહીંના હરિયાળા પહાડો, સરોવરો વગેરે પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ પૂરના કારણે હાલ અહીં પ્રવાસીઓને જતાં રોકી દેવાયા છે. અગાઉ કોચ્ચિ ઍરપોર્ટ પણ જળમગ્ન થઈ ગયું હતું જેમાં કેટલાક પ્રવાસીઓ પણ ફસાઈ ગયા હતા. રાજ્યનો ૯૦ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ૧૬ હજાર કિ.મી. રસ્તાઓ તૂટવાની સાથે ૧૩૪ પુલ પણ ધરાશાયી થઈ ગયા છે. ૪૦ હજાર એકર જમીન પર તૈયાર થયેલા પાકનો સોથ વળી ગયેલો છે. પૂરને કારણે સ્થાનિક કંપનીઓને રૃ. ૨૦ હજાર કરોડનું નુકસાન થયું છે, તો લાખો લોકો ઘરબાર વિનાનાં થઈ ગયાં છે. જોકે આ બધાંની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આટલા ભયંકર પૂર પાછળનું કારણ શું ? શું આખી સમસ્યા કેવળ કુદરતી આપદા જ છે કે પછી અન્ય પરિબળો પણ જવાબદાર છે ? પરિસ્થિતિ ધીરેધીરે થાળે પડી રહી છે ત્યારે અહીં તેની વાત કરીએ.
ઘટતું જતું વન અને ખેતી વિસ્તાર
કેરળની હરિયાળી કોઈને પણ આકર્ષે તેવી છે, પણ જો તમને એમ કહેવામાં આવે કે અહીં વનવિસ્તાર ઘટી રહ્યો છે તો ! વાત સાચી છે. કેરળમાંથી ૪૧ નદીઓ વહે છે. અનેક જગ્યાએ તો આખેઆખા ગામો પાણી વચ્ચે વસેલા છે. જેના કારણે ખેતીની જમીન ઓછી છે. આથી ખેતીના વિકાસ માટે જંગલોનું નિકંદન કાઢવાનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી શરૃ થયો હતો. આંકડાઓ મુજબ કેરળના કુલ ૩,૮૮,૫૦૦ હેક્ટર ભૌગોલિક વિસ્તાર પૈકી ૧,૦૮,૨૦૦ હેક્ટર વિસ્તાર જંગલક્ષેત્ર છે. બીજી તરફ ખેતી માટે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારની ૫૪ ટકા જમીનનો ઉપયોગ થાય છે, પરંતુ તાજા સમાચારો એ બાબતને પુષ્ટિ કરે છે કે રાજ્યમાં ખેતી સેક્ટર સતત સાંકડું થઈ રહ્યું છે અને બિનખેતી સેક્ટરમાં વધારો થઈ રહ્યો છે. સ્થાનિક પર્યાવરણવાદીઓના મતે ખેતીની જમીન વધારવા માટે જંગલોનો સોથ વાળી દેવામાં આવ્યો. જ્યાં જંગલ હતું ત્યાં લોકોએ ઘૂસણખોરી કરીને ખેતી કરવા માંડી. ખેતીલાયક જમીન માટે વૃક્ષો કાપવા લાગ્યાં. એ જમીનો પર ગેરકાયદે બાંધકામો પણ થયાં. પૂરના કારણે સૌથી વધુ નુકસાન એ જગ્યાએ થયું છે જે ઈકો સેન્સિટિવ ઝોન હતા. આ વિસ્તારોમાં લોકોએ નિયમોની ઐસીતૈસી કરીને બાંધકામો કરેલા છે અને એ જ જગ્યાઓ પર સૌથી વધુ ભૂસ્ખલનના બનાવો બન્યા છે.
ગેરકાયદે બાંધકામોએ વિનાશ નોતર્યો
કેરળના એક સ્થાનિક પર્યાવરણવાદી વિમલેન્દુ ઝા પૂરનું બીજું કારણ અહીં બનાવવામાં આવેલા ચેકડેમોને માને છે. તેમના મતે, કેરળ સરકાર પાસે આજની તારીખે પણ એ બાબતની જાણકારી નથી કે રાજ્યમાં ખરેખર કેટલા ચેકડેમ અસ્તિત્વ ધરાવે છે. જળવાયુ પરિવર્તનના કારણે આ વખતે અહીં અંદાજે ૩૦૦ ટકા વધુ વરસાદ પડ્યો છે. જો આ વિસ્તારોમાં ચેકડેમોનું અતિક્રમણ ન થયું હોત તો આ નોબત ન આવત. કોચ્ચિ ઍરપોર્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, કારણ કે તે પેરિયાર નદીની શાખા પર બનેલું છે. ગેરકાયદે બાંધકામને કારણે પાણીના નીકળવાના માર્ગમાં સતત અવરોધો ઊભા થતા ગયા, જેના કારણે પૂર આવ્યું અને ચોતરફ પાણી ફરી વળ્યાં. રાજ્યમાં ભૂસ્ખલનને કારણે ઘણું નુકસાન થયું છે, પણ એ વિસ્તારો પર નજર નાખશો તો ખ્યાલ આવશે કે એ એવી જગ્યાઓ છે જ્યાં બાંધકામની મંજૂરી ન હોવા છતાં ચેકડેમ બનાવાયા કે બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવી છે. નિયમોનું પાલન ખુદ સરકાર દ્વારા જ કરવામાં નથી આવતું. વોટબેંકની રાજનીતિને કારણે જે જગ્યાએ બાંધકામની મંજૂરી નથી ત્યાં પણ કામ થઈ રહ્યાં છે અને સરકાર પણ તેને રોકતી નથી.
ગાડગિલ કમિટીના રિપોર્ટની અવગણના
પશ્ચિમ ઘાટ પર ગેરકાયદે બાંધકામ ન થાય તે માટે વર્ષ ૨૦૧૦માં કેન્દ્ર સરકાર દ્વારા ગાડગીલ કમિટી રચવામાં આવી હતી. તેણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, માનવીય હસ્તક્ષેપના કારણે પશ્ચિમ ઘાટ સાંકડો થઈ રહ્યો છે. તે ભારતીય ઉપ મહાદ્વીપ ઉપર વાદળોને તોડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે માટે એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થવું જોઈએ. છતાં સરકાર તેનાથી વિપરીત કામ કરી રહી છે. વધુમાં રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું હતું કે કેરળ સહિત ૬ રાજ્યોમાં ફેલાયેલા પશ્ચિમ ઘાટને પરિસ્થિતિને આધારે સંવેદનશીલ જાહેર કરવામાં આવે. ઘાટના વિસ્તારોને કમિટીએ ત્રણ વિભાગોમાં વહેંચી દીધા હતા. સાથે જ આ વિસ્તારમાં નવા ઉદ્યોગો અને ખનન પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. આ સિવાય સ્થાનિક સમાજ અને ગ્રામ પંચાયતો સાથે ચર્ચાવિચારણા કરીને કેટલાક અન્ય વિકાસ કાર્યો માટે કડક કાયદો બનાવવાની હિમાયત કરી હતી.
તમામ ૬ રાજ્યોને આ રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પર્યાવરણ મંત્રાલયે વરિષ્ઠ અવકાશ વૈજ્ઞાનિક કે. કસ્તૂરીરંગનની અધ્યક્ષતામાં વધુ એક પેનલની રચના કરી હતી. જેને ગાડગિલ કમિટીના રિપોર્ટની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. પેનલે ૨૦૧૩માં પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો હતો જેના આધારે પછીથી પર્યાવરણ મંત્રાલયે અહીં ગયા વર્ષે જ ૫૭ હજાર વર્ગ કિલોમીટર વિસ્તારને પરિસ્થિતિના આધારે સંવેદનશીલ જાહેર કર્યો હતો. એટલું જ નહીં આ વિસ્તારમાં થતી ખનનપ્રવૃત્તિ, મોટાં બાંધકામો, થર્મલ પાવર પ્લાન્ટ અને ભારે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર પ્રતિબંધ લાદી દીધો હતો. બાદમાં કેરળ સરકારે કમિટીના રિપોર્ટને આધારે બનાવીને ૧૩૧૦૮ વર્ગ કિ.મી. ક્ષેત્રફળ પૈકી ૯૯૯૩ વર્ગ કિ.મી. વિસ્તારને જ સંવેદનશીલ જાહેર કર્યો. જ્યારે બાકીની જમીન માટે પોતાનો રસ્તો ખુલ્લો રાખ્યો હતો.
સમગ્ર મામલે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં ખુદ ગાડગિલે જણાવ્યું હતું કે, રિપોર્ટ સામે કોઈ સવાલ નથી, પણ તેનો સ્વીકાર નથી કરવામાં આવતો. જો કેરળ સરકારે રિપોર્ટનો સ્વીકાર કરીને અમલ કર્યો હોત તો પૂરની પરિસ્થિતિમાં થયેલું નુકસાન ઘણું ઓછું હોત. આપણું દુર્ભાગ્ય છે કે રાજ્ય સરકારો કોઈ પણ પર્યાવરણના કાયદાને લાગુ થવા દેવા નથી માગતી. અહીં ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટમાં સ્પષ્ટ સંકેત અપાયો હતો કે પશ્ચિમ ઘાટનાં રાજ્યોમાં અનેક જળાશયોમાં મોટાપાયે પર્યાવરણના કાયદાનું ઉલ્લંઘન થયું છે. ઈડુક્કી બંધ આવો જ એક મામલો છે જેમાં બંધ નિર્માણમાં નિયમોને તડકે મૂકી દેવાયા હતા. વધુ વીજળી પેદા કરવા માટે જળાશયોનું સંચાલન પણ જરૃરિયાતો જોઈને નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે નદીના પ્રવાહને પણ અવગણવામાં આવ્યો હતો. પરિણામે પૂર દરમિયાન તે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયું અને વ્યાપક નુકસાન થયું.
સ્થાનિક તંત્ર વરસાદનો અંદાજ લગાવવામાં નિષ્ફળ
અહીં એક ઘટના મોરબીમાં મચ્છુ નદીમાં આવેલા હોનારતને મળતી આવે છે. સ્થાનિક પર્યાવરણવાદી જયકુમારના મતે કેરળ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીના અધિકારીઓની બેદરકારી આમાં મુખ્ય કારણ છે. તિરુવનંતપુરમના વતની એવા જયકુમારે જનસત્તા સાથેની વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, રાજ્યનો આપત્તિ વ્યવસ્થાપન વિભાગ હકીકતમાં પૂરની સમસ્યાનો વાસ્તવિક અંદાજ લગાવવામાં નિષ્ફળ નીવડ્યો હતો. તેઓ નક્કી નહોતા કરી શક્યા કે ખરેખર કેટલું પાણી બંધમાં રોકી શકાય તેમ છે. તેમણે જળસ્તરને ઓછું આંક્યું જેનું પરિણામ હવે ભોગવવાનો વારો આવ્યો છે.
છેલ્લા ૧૬-૧૭ વર્ષથી કેરળમાં વરસાદની સ્થિતિ સામાન્ય રહી છે. પરિણામે પૂરની પરિસ્થિતિ સામે લડવા માટે સંસાધનો પણ મર્યાદિત હતાં. છેલ્લા બે દાયકામાં આ પ્રકારનો વરસાદ પણ ન પડ્યો હોવાથી સ્થાનિક અધિકારીઓ પણ પરિસ્થિતિ સામે લડવાથી બિલકુલ અજાણ હતા.
દોઢ દાયકામાં જ્યાં ૬૦-૭૦ ટકા વરસાદ પડતો હતો તેની સરખામણીએ આ વખતે ૧૦૦ ટકાથી વધુ વરસાદ ખાબક્યો. પરિણામે ૨૬ વર્ષ બાદ ઈડુક્કી બંધ છલકાવાની સ્થિતિ ઉપર પહોંચ્યો ત્યારે પાંચેય દરવાજા એકસાથે ખોલવાની નોબત આવી, પણ અધિકારીઓને અંદાજ નહોતો કે તમામ દરવાજા ખોલી નાખવાથી પાણી કઈ દિશામાં અને કેટલી ઝડપથી વહેવા માંડશે. ૨૬ વર્ષ જેટલા લાંબા સમયગાળા સુધી બંધની જળસપાટી ન વધતાં સ્થાનિકો નદીકિનારા પર કબજો જમાવી ગેરકાયદે બાંધકામો કરીને રહેવા લાગ્યા હતા. સાથે જ કોર્પોરેશને પણ ત્યાં કચરો ઠાલવવા માંડ્યો હતો. આમ અધિકારીઓ અને સ્થાનિકોને કારણે નદીના વહેણમાં અડચણ ઊભી થઈ જેના કારણે આટલું વ્યાપક નુકસાન થયું. પૂર પ્રભાવિત ઈડુક્કી, કોટ્ટાયમ, એર્નાકુલમ અને પથનામથિત્તામાં પાણી વધુ ભરાયું છે, કારણ કે તેઓ નદીઓના વહેણ વચ્ચે બનેલા છે. શહેરી વિકાસના નામે અહીં બાંધકામો થયાં, લોકો રહેવા લાગ્યાં અને એ રીતે રહેણાક વિસ્તારોમાં ફેરવાઈ ગયા. સરકાર રૃ. ૨૦ હજાર કરોડનું નુકસાન કહે છે, પણ આંકડો તેનાથી ડબલ છે. પૂરના કારણે કેરળને ૨૦થી ૪૦ ટકાની જીડીપીનું નુકસાન થયું છે. જેની ભરપાઈ આગામી કેટલાંક વર્ષોમાં થાય તેવી શક્યતાઓ ઓછી છે.
છેલ્લે કેરળનો પ્રવાસ ખેડીને આવેલી ગુજરાતી યુવતી ભાવના વસાવાના અનુભવો સાથે આપણી વાત પુરી કરીએ. તે કહે છે, ‘કેરળમાં ક્યાંય તમને ભિખારી જોવા નહીં મળે. અન્ય રાજ્યોની સરખામણીએ અહીં મહિલાઓને લગતા કાયદાઓનું કડકાઈથી પાલન થાય છે. પોલીસ કાયમ તમને મદદરૃપ થવા તત્પર હોય છે. એકેય સ્થાનિક ભોજન વિના સૂવે નહીં તે માટે સસ્તા દરે કેરળ થાળી પીરસવામાં આવે છે. આવા માયાળુ કેરળવાસીઓ વહેલીતકે આ પરિસ્થિતિમાંથી બેઠાં થાય તે આપણા માટે પણ જરૃરી છે.’
——————-