તમારા માટે, તમારી સાથે, સતત…

રૉબોટ-કૉબોટ-એપલ કાર-ટેસલા અને કેડિલેકનો દાયકો શરૃ થયો

છતાં એક બાબતની ખાસ નોંધ લેવા જેવી છે. ૨૦૨૦નો દશક એક નવા ટ્રેન્ડ સાથે શરૃ થયો છે

0 659

ઇલોન મસ્કની ટેસલા ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાં આવી ગઈ. બેંગલોરમાં ભારત માટેનું કાર્યાલય ખોલ્યું છે. હમણા તો અમેરિકામાં નિર્મિત ઇલેક્ટ્રિક કારોનું ભારતમાં વેચાણ કરશે. કદાચ કોઈક આનુષંગિક ચીજવસ્તુનું ઉત્પાદન કરવું પડશે તો કરશે. સર્વિસ હબ ખોલશે. ભવિષ્યમાં કંપનીનો કેવો વિસ્તાર થશે તે તો ભારતમાં તેને કેવો આવકાર મળે છે તેના પર, ભારતમાં ટૅક્નોલોજીને અનુરૃપ માળખાકીય વિકાસ પર અને કંપનીના માલિકોની મનસૂફી પર નિર્ભર હશે, પરંતુ સ્વયંચાલિત ટેસલા કાર માટે ભારતમાં દિવસો હજી દૂર છે. એ પ્રકારના રસ્તા અને ટ્રાફિકના નિયમોનું પાલન નથી. આગળનો જણ બ્રેક મારે તો પાછળનો જઈને તેની સાથે અથડાય એ વ્યવસ્થા હજી કાયમી છે. જે દિવસે ટ્રાફિક ઇન્સ્પેક્ટરો અને વિભાગની રૃશ્વતખોરીનું પ્રમાણ શૂન્ય બનશે ત્યારે ભારતમાં સ્વયંચાલિત વાહનો સફળ થશે. હાલમાં ઇલેક્ટ્રિક ગાડીઓ જ દોડશે. જોકે તેને માટે પણ પૂરતી માળખાકીય સવલતો હમણા નથી.

છતાં એક બાબતની ખાસ નોંધ લેવા જેવી છે. ૨૦૨૦નો દશક એક નવા ટ્રેન્ડ સાથે શરૃ થયો છે. આ દશકમાં બધું સરખું ચાલશે તો ટૅક્નોલોજી અને વિજ્ઞાનનો અપાર વિકાસ થશે. આજે એ જ આશા અને અરમાનો સાથે શેરબજાર ઉછળી રહ્યું છે. જોકે ૨૦૨૦ના કોવિડ ગ્રસ્ત વરસમાં કંપનીઓએ ખાસ ધંધા કર્યા નથી. આ વાતાવરણમાં એક બે ઉદ્યોગગૃહોએ અપવાદરૃપ સારી એવી કમાણી કરી, પણ તે આપણો અહીંનો વિષય નથી. કોરોનાએ ૨૦૨૦માં મહામંદી આણી તો કોરોનાને કારણે જ વીસનો દાયકો ટૅક્નોલોજી અને નવા ઉદ્યોગોમાં અસાધારણ પ્રગતિ જોશે. કેટલીક ટૅક્નોલોજી કોરોનાની પ્રત્યક્ષ અસરરૃપે આવી છે અને આવશે. જ્યારે કેટલીક પરોક્ષ કારણોસર આવશે.

કોરોના સંકટને પ્રતાપે રૉબોટ ટૅક્નોલોજી સૌથી ઝડપભેર આગળ વધી છે. ઑટોમેશન અર્થાત્ યાંત્રીકરણના ફાયદા ઉદ્યોગોને અને ગેરફાયદા કામદારોને સમજાઈ રહ્યા છે. વિશ્વમાં વસતિ અને બેરોજગારી બંને વધી રહ્યાં છે છતાં ઑટોમેશન પણ ઝડપથી આગળ વધશે, કારણ કે કારખાનાંઓ અને ઉત્પાદકોએ સ્થાનિક કક્ષાએ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવું પડશે. લાંબા ગાળે ટૅક્નોલોજીને પ્રતાપે રોજગારના નવા અવસરો પેદા થશે, પણ તે પ્રવાહમાં જોડાવા માટે બાળકોને શિક્ષણ અપાવવું ખૂબ જરૃરી બનશે. અન્યથા, યંત્રોમાં એવી પ્રગતિ થશે કે સામાન્ય મજૂરની પણ જરૃર નહીં રહે. ‘બેઇન’ નામક એક કન્સલ્ટન્સી પેઢીના અભ્યાસ અને આકલન મુજબ આ વરસથી માંડીને ૨૦૩૦ના વરસ દરમિયાન, દસ વરસમાં અમેરિકાની કંપનીઓ સ્વચાલિત યંત્રો અથવા ઑટોમેશન પાછળ દસ ટ્રિલિયન ડૉલર (લગભગ સાત લાખ ત્રીસ હજાર અબજ રૃપિયા)નું મૂડી રોકાણ કરશે. નિષ્ણાતો કહે છે કે કોરોનાને કારણે ઉદ્યોગોએ જે નકારાત્મક સ્થિતિનો સામનો કરવો પડ્યો તે ઘટનાએ ઉદ્યોગોના વહીવટકારોને ઑટોમેશન માટે પૂરતાં કારણો આપ્યાં છે. અન્યથા કંપનીના શેરધારકો, વહીવટકારો (એક્ઝિક્યુટિવ્સ)નું ધાર્યું થવા દેતા નથી, પણ હવે તેઓ વધુ દખલ નહીં આપે. કોરોના સંકટનું આ પરોક્ષ પરિણામ છે. અગાઉ શેર-હોલ્ડરો તત્કાલ ફાયદાને ધ્યાનમાં રાખતા હતા અને મોટાં મૂડી રોકાણ થવાં દેતાં ન હતાં. કંપનીઓ હવે એવી યોજનાઓ ઘડી રહી છે કે ૨૦ના દશકમાં કેવી રીતે આગળ વધવું? રસીના આગમનથી એક નવો ઉત્સાહ આવ્યો છે, પણ હજી પરિણામો પાકાં જણાયા પછી જ ખાતરીપૂર્વક કંઈક કહી શકાય. ‘મેકિન્સી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ’નાં મિસ સુઝન કહે છે કે, કંપનીઓ હવે આમૂલ પરિવર્તનો આણે તેવા પ્લાન ઘડી રહી છે. સંસ્થાની બીજી એક સહકંપની દ્વારા થયેલા એક સર્વેમાં જણાયું છે કે દુનિયાની ૬૫ ટકા કંપનીઓ સ્વચાલિત યંત્રો પર બેવડો ખર્ચ કરવાની તૈયારીમાં છે.

આગળ કહ્યું તેમ ઑટોમેશનમાં અગ્ર સ્થાન રૉબોટિક્સ અર્થાત્ રૉબોટને મળી રહ્યંુ છે. ફેક્ટરી રૉબોટ એક અલગ ચીજ છે. આપણે રૉબોટ્સને લગતા રિપોર્ટમાં જે રૉબોટ ઢીંગલા, ડોગ્સ કે માનવીઓ જોઈએ છીએ તે સામાન્ય પ્રકારના રૉબોટ ગણી શકાય. ફેક્ટરીના રૉબો યંત્રો આખેને આખી મોટરકાર, ટ્રેક્ટર, લોરીઓ અને અન્ય ઉપકરણો જેવા કે ફ્રીઝ, ટીવી વગેરે તૈયાર કરી આપે. આપમેળે માલસામાન ઉપાડી (ટ્રોલી) યોગ્ય ઠેકાણે ક્રમવાર મુકી આવે. હજારો કિલોનું વજન ઉપાડે. ‘રૉબો ગ્લોબલ’ નામની એક રિસર્ચ કંપનીનું કથન છે કે આ ચાલુ વરસના અંત સુધીમાં, દુનિયાભરનાં કારખાનાંઓમાં રૉબોટ યંત્રોની સંખ્યા બત્રીસ લાખનો આંક વટાવી જશે. ઔદ્યોગિક રૉબોટનું વિશ્વ માર્કેટ આજે વરસના ૪૫ અબજ ડૉલરનું છે તે ૨૦૨૫ સુધીમાં વધીને ૭૩ અબજ ડૉલરનું થશે. જાપાનની રૉબોટ નિર્માણ કરતી કંપની ‘ફાનુક’ના જણાવવા પ્રમાણે મટીરિયલ્સનું હેન્ડલિંગ કરી શકે એવા રૉબોટ્સ માટે કંપનીઓને ઘણી મોટી સંખ્યામાં વરદીઓ મલી છે. બીજા યંત્રો સાથે મળીને તેમ જ માનવી સાથે મળીને કામ કરી શકે તેવા રૉબોટ્સની પણ મોટી ડિમાન્ડ નીકળી છે. માણસ સાથે તાલમેલમાં કામ કરી શકે તેવો રૉબોટ સહકાર્યકારી અથવા ‘કોલાબોરેટિવ રૉબોટ’ તરીકે ઓળખાય છે અને ટૂંકમાં, ‘કોબોટ્સ’ તરીકે પણ ઓળખાય છે. આજકાલ ઈ-કોમર્સનો જમાનો છે. અમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મસમોટી ઇરિટેઇલ કંપનીઓનાં ગોડાઉનોની ફેસિલિટી ખૂબ વિશાળ હોય છે. કોઈકના ગોડાઉન તો કિલોમીટરમાં પથરાયેલાં હોય અને તેમાં તમામ નાનાં-મોટાં સામાનનું યાંત્રિકપણે વર્ગીકરણ અથવા સોર્ટિંગ થતું હોય. અમેરિકામાં ફેડેક્સ અને યુપીએ જેવી અન્ય ડિલિવરી કંપનીઓની પણ આવી વિશાળ ફેસેલિટીઓ હોય છે અને તેમનું પોતાનું ઍરપોર્ટ પણ હોય છે. જેમ કે ફેડેક્સનું મેમ્ફિસ, અમેરિકામાં હબ છે. અન્યત્ર ઘણી વિશાળ સગવડો છે. આ બધાના કામકાજો માટે ‘કૉબોટ્સ’ ખૂબ મદદગાર પુરવાર થાય છે. જમવામાં માત્ર વીજળી માગે. કોવિડ સંકટને કારણે કન્ઝ્યુમર – ગુડ્સનું નિર્માણ કરતી કંપનીઓએ પોતાનો બફર સ્ટોક પાંચ ટકા જેટલો વધુ રાખવો પડ્યો હતો. એમેઝોન જેવી કંપનીઓને રૉબોટ્સ અને કૉબોટ્સ એટલા ઉપયોગી નીવડ્યા છે કે ૨૦૧૨માં એમેઝોન ‘કિવા’ નામની એક રૉબોટ નિર્માણ કંપની સુવાંગ ખરીદી લીધી હતી અને તેના ઇ-કોમર્સ બિઝનેસમાં મદદરૃપ નીવડે તેવા રૉબોટ જાતે જ તૈયાર કરવા માંડ્યા હતા. આ ઉપરાંત ‘ગ્રેઓરેન્જ’ અને અન્ય કંપનીઓ ઇન્ડસ્ટ્રિયલ રૉબોટનું નિર્માણ કરે છે. ઇ-કોમર્સ કંપનીઓનાં ગોદામોમાં મદદરૃપ થાય તેવા રૉબોટ્સ પૂરા જગતને પૂરા પાડે છે. હાલમાં તો સોશિયલ ડિસ્ટન્સિંગ માટે રૉબોટ ખૂબ અસરકારક પુરવાર થયા છે, પરંતુ નિષ્ણાતો માને છે કે કોરોના સંકટ સમાપ્ત થશે ત્યાર બાદ પણ રૉબોટ મદદગાર પુરવાર થશે.

Related Posts
1 of 142

‘બ્રિટેઇન્સ’ નામની એક ઓનલાઇન ગ્રોસરી કંપની યુકેમાં છે. ગ્રોસરીના ધંધામાં ખાસ માર્જિન હોતું નથી. જો મજૂરીની કોસ્ટ વધી જાય તો કંપનીઓ નુકસાન કરવા માંડે, પરંતુ આ કંપનીની ફૂલી ઑટોમેટેડ ત્રણ સાઇટ છે. કોરોના-સંકટમાં ઓનલાઇન ઘરાકી ખૂબ વધી ગઈ ત્યારે આ ત્રણ સાઇટોના ‘ઓકાડો’ રૉબોટ પૂરા બ્રિટનના ગ્રાહકોની માગને કુશળતાપૂર્વક પહોંચી વળ્યા હતા. આ ઉદાહરણ નજર સમક્ષ રાખીને અમેરિકાની ‘ક્રોગર’ નામની એક મોટી ગ્રોસરી કંપની પોતાનાં ગોદામો અને રિટેઇલ સ્ટોર્સમાં આ પ્રકારના રૉબોટ્સ બેસાડી રહી છે. ભારતના અને ખાસ કરીને દક્ષિણ ભારતના લોકો આજની નવી ટૅક્નોલોજીના ક્ષેત્રે ખાસ ગોઠવાઈ રહ્યા છે. જગતનાં અનેક સાહસોમાં તેઓની સીધી ભાગીદારી હોય છે. ભારતીય સોફ્ટવેર એન્જિનિયરો દ્વારા અમેરિકામાં ઑટોમેશનના ક્ષેત્રે ઘણી સ્ટાર્ટ-અપ કંપનીઓ ખોલવામાં આવી છે. તેમાંની એક ‘બ્લ્યુ યોન્ડર’ અને બીજી ‘દૃષ્ટિ’ છે. બ્લ્યુ યોન્ડરના સુદર્શન સેષાદ્રિ કહે છે કે, જો કોવિડનો રોગચાળો વધુ લાંબો ચાલ્યો તો ઑટોમેશનનું પ્રમાણ પણ વધશે. જો આ કાળ અસાધારણપણે લાંબો ચાલ્યો તો ઉત્પાદનની અને વિતરણની પ્રક્રિયાઓ સંપૂર્ણ સ્વયંસંચાલિત બનાવવી પડશે, પણ હવે રસી સફળ થશે તેમ લાગે છે. એમના કહેવા પ્રમાણે આ કંપનીઓ પોતાની ઉત્પાદન પ્રક્રિયાના અને અન્ય પ્રવૃત્તિઓના ડેટા જેમ-જેમ પેદા કરતી થશે અને પોતાના અલગોરિધમ તૈયાર કરશે તેમ-તેમ ઑટોમેશનની પ્રક્રિયા વધુ સરળ બનતી જશે. ત્યાં સુધી કે સમયના કોઈ ચોક્કસ બિંદુએ કેવો નિર્ણય લેવો જરૃરી છે તે અગાઉથી તેમ જ રીઅલ ટાઇમમાં પણ જાણી શકાશે. અમેરિકાની એક મોટી ઑટોમેશન માટેની કંપની ઇમરસનના નિષ્ણાતો કહે છે કે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિ) અને અતિકુશળ સેન્સરો મળીને એક વ્યાપક સંજ્ઞાન લેતી ટૅક્નોલોજી બને છે. આ ટૅક્નોલોજી એક સાથે અનેકાનેક બાબતો ધ્યાનમાં લઈને પોતાની બુદ્ધિમાં યાદ રાખે છે અને એ જ્ઞાનનો ઉપયોગ જરૃર પડે ત્યારે કરે છે. હવે ઇમરસન કંપનીએ, કે જે રૉબોટિક્સમાં નિષ્ણાત છે તેણે દુરસુદૂરથી ઉત્પાદન અને અન્ય પ્રક્રિયાઓ પર ધ્યાન રાખી શકાય તેવી વ્યવસ્થા તૈયાર કરી છે. બીજી કંપનીઓમાં ઇમરસન આવી સિસ્ટમ ગોઠવી આપે છે અને તે કામમાં જ કંપનીની આવકમાં ગયા વરસે ૨૫ ટકાનો વધારો થયો હતો. દુનિયાભરની કેમિકલ કંપનીઓથી માંડીને આફ્રિકા અને લેટિન અમેરિકાની ખાણો વગેરે ઇમરસનના ક્લાયન્ટ્સમાં છે. આસિયા બ્રાઉન બોવરી (એબીબી)નું નામ ભારતમાં જાણીતું છે. હેવી એન્જિનિયરિંગના ક્ષેત્રે આ સ્વિત્ઝર્લેન્ડ-સ્વિડનની કંપની દુનિયાભરમાં કાર્યરત છે. ભારતમાં એક સમયે તેના શેરસ્ટોકની બોલબાલા હતી. આ કંપની પેપર મિલોથી માંડીને દરિયાઈ જહાજોના ઉદ્યોગમાં છે અને રિમોટ-ઑપરેશન સિસ્ટમના કારણે તેના કામકાજમાં ઘણી તેજી આવી છે. આજે ભારતમાં તેની કંપનીના (એબીબી ઇન્ડિયા) શેરની કિંમતો ઊંચા બ્રેકેટમાં છે. તેની મૂળ કંપનીના પ્રોડક્શનના વાર્ષિક વેચાણમાં ૪૦ કરોડ ડૉલરનો વધારો નોંધાયો છે, તે આ નવી સિસ્ટમને આભારી છે. દૃષ્ટિ નામક અમેરિકન સ્ટાર્ટઅપ કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઉત્પાદન માટેની એસેમ્બલી લાઇન પર ગોઠવેલા કોમ્પ્યુટર વિઝનના સંવાદ વડે, કામના સ્થળ પરના વીડિયો પ્રવાહનું એનાલિસિસ થતું રહે તેવી સિસ્ટમ તૈયાર કરી છે. તેમાં કામદારોની પ્રવૃત્તિઓનું પણ એનાલિસિસ થાય છે અને કામ કેવી રીતે થાય છે અને કેવી રીતે થવું જોઈએ તેનું ચિત્ર ઉત્પાદકને મળી રહે છે. હાઈ-વોલ્યુમ અર્થાત્ ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતી એસેમ્બલી લાઇનમાં કોઈક સમસ્યા હોય તો તેને એનેલાઇઝ કરી ટૂંક સમયમાં તેનું નિવારણ થાય છે. જર્મનીની મોટરકારના પાર્ટ્સ બનાવતી કંપનીઓ દૃષ્ટિની આ સિસ્ટમ વાપરી રહી છે. ‘પબ્લિસિસ સેપીઅન્ટ’ નામક કંપનીએ એવું સોફ્ટવેર તૈયાર કર્યું છે જે કયા સમયે કેટલા માલસામાનની ડિમાન્ડ આવશે તેની અગાઉથી જ આગાહી આપે છે. આ સોફ્ટવેર જે કંપનીઓ વાપરતી થઈ તેઓની ટોચની એકસો જેટલી આઇટમો, જ્યારે ડિમાન્ડ નીકળી ત્યારે હાજર સ્ટોકમાં હતી. ૯૮ ટકા કેસમાં તંગી વરતાઈ નથી. કંપનીઓ માટે આ એક આશીર્વાદરૃપ સિસ્ટમ ગણી શકાય.

ઑટોમેશન માત્ર કારખાનાઓના ઉત્પાદન અને એસેમ્બલી લાઇન પૂરતું મર્યાદિત રહ્યું નથી. ઑફિસોનાં કામકાજોમાં પણ તેનો પ્રવેશ થયો છે અને તેની શરૃઆત કોમ્પ્યુટરોથી થઈ હતી અને તે અગાઉ કેલ્ક્યુલેટરો હતાં અને મુશ્કેલીથી ટાઇપ થાય તેવી પર્સનલ ડિજિટલ ડાયરીઓ હતી. હવે તો જમાનો ખૂબ આગળ વધી ગયો છે. એક અંદાજ પ્રમાણે અમેરિકાની હેલ્થકૅર સિસ્ટમમાં ઑટોમેશન દાખલ કરવામાં આવે તો વરસના ૧૫૦ અબજ ડૉલરની બચત થાય. ભારતીય રૃપિયા અગિયાર હજાર અબજ થાય. એલાઇડ માર્કેટ રિસર્ચ સંસ્થાના નિષ્ણાતોના કહેવા મુજબ ઑફિસના કામકાજમાં ઑટોમેશન સિસ્ટમો બેસાડવાનું માર્કેટ ૨૦૧૯માં એક અબજ સાઠ કરોડ ડૉલરનું રહ્યું હતું તે ૨૦૨૭ સુધીમાં વધીને વીસ અબજ ડૉલરનું બનશે. મતલબ કે ઑફિસોમાં કર્મચારીઓની ખૂબ ઓછી જરૃર પડશે. આજે પણ તમે બેન્કોમાં જાઓ તો ખાસ ગિરદી જોવા મળતી નથી, કારણ કે અનેક ઑપરેશનો મશીન-આધારિત બની ગયાં છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનો વધી ગયા છે. જો હજુ વધુ અદ્યતન ટૅક્નોલોજીઓ આવશે તો આટલી બધી બેન્કોની આટલી બધી શાખાઓ અને કર્મચારીઓની જરૃર નહીં રહે. છોકરાઓ બેન્કોમાં,સરકારી ઑફિસોમાં નોકરીઓ નહીં કરે તો વેવિશાળો કેવી રીતે થશે? આ તો જોક છે, પણ ઑટોમેશનને ફેલાવવા અને અપડેટ રાખવા માટે માણસોની જરૃર પડશે. બીજા વૈકલ્પિક, નહીં ધારેલા વ્યવસાયો નીકળશે જેમાં થ્રીડી પ્રિન્ટિંગનો ધંધો પણ એક હશે. માટે ચિંતા કરવી નહીં. કોઈ કુંવારા રહેવાના નથી. ઑટોમેશનના સર્જન માટે અનેક કંપનીઓ ઊભી થશે. ઘણા શંકાશીલો માને છે કે કોવિડ સંકટ ઓસરી જશે પછી કંપનીઓનો ઑટોમેશન માટેનો ઉત્સાહ પણ ઓસરી જશે. શક્ય છે કે ઉત્સાહમાં ઘટાડો થાય, કારણ કે અગાઉ ઇતિહાસમાં આવી ઘટનાઓ ઘટી છે, પરંતુ ત્યારની અને આજની સ્થિતિઓ જુદી છે. સમગ્ર દુનિયા એક બજાર છે તેથી સમગ્ર દુનિયા સ્પર્ધામાં છે. જે સસ્તો અને સારો માલ બનાવશે તે સ્પર્ધામાં ટકી રહેશે. સસ્તા ઉત્પાદન માટે ટૅક્નોલોજી મદદરૃપ નીવડતી હોય તો તેનો સ્વીકાર ઝડપભેર થશે જે આજે પણ બની રહ્યું છે. ધારણા છે કે આ દસ વરસ ખૂબ મહત્ત્વનાં પુરવાર થશે જેમાં પેટ્રોલિયમ આધારિત મોટરગાડીઓ ધીમે ધીમે ખતમ થઈ જશે અને ઇલેક્ટ્રિક અને શક્ય છે કે હાઇડ્રોજન સેલ આધારિત ગાડીઓ દોડતી થશે.

હમણાના સમયમાં ટૅક્નોલોજીઓ ઝડપથી બદલાય છે. નવી, અસરકારક અને સસ્તું પડે એવી ટૅક્નોલોજી બીજા બે ચાર વરસમાં આવી જાય. હમણાનાં વરસોમાં નવી ટૅક્નોલોજી નહીં અપનાવીને ઘણી

ધુરંધર કંપનીઓ અચાનક ગાયબ થઈ ગઈ. જેમ કે કોડાક, નોકિયા, બ્લેકબેરી વગેરે. કંપનીઓ જાણી ગઈ છે કે નવાં નવાં ક્ષેત્રોમાં પગ માંડતા રહેવા જોઈએ. પેટ્રોલિયમની મોટરકારો ૧૪૦ વરસ ચાલશે એટલી લાંબી (કમ્બસ્ટન એન્જિન)ની ટૅક્નોલોજી હવે નહીં ચાલે. એપલ ફોન અને કોમ્પ્યુટરોના ચાહકોને એ જાણીને ખુશી થશે કે એપલ કંપની હવે ઇલેક્ટ્રિકલ કારના નિર્માણમાં ઝુકાવી શકે છે. હજી પાકો નિર્ણય લેવાયો નથી, પરંતુ વાતો ચાલી રહી છે. હકીકતમાં ૨૦૧૪થી એપલ કંપની ઇલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં દાખલ થવાની છે તેવી વાત વહેતી થઈ હતી, પરંતુ બે વરસની લમણાઝીંક પછી કંપનીને લાગ્યું કે આ ક્ષેત્રમાં આગળ વધવા જેવું નથી તેથી પ્લાન પડતો મૂક્યો હતો. તેનું એક કારણ એ કે ઇલોન મસ્કનો ટેસલાનો પ્રોજેક્ટ અને પ્રોડક્શન પણ ધાર્યા મુજબ ચાલી રહ્યાં ન હતાં, પરંતુ હમણા એ જે ટેસલાને આધારે ઇલોન મસ્ક લગભગ ૧૯૫ અબજ ડૉલરના પૂંજીપતિ બનીને જગતમાં નંબર એક બન્યા, ત્યારથી એપલને વીજળિક કારમાં ફરીથી રસ જાગ્યો છે. ગઈ સાતમી જાન્યુઆરીએ એવા અહેવાલો પ્રગટ થયા કે ઇલેક્ટ્રિક એપલ કારના નિર્માણ બાબતે એપલ દ્વારા દક્ષિણ કોરિયાની કાર કંપની હ્યુંડાઈ સાથે વાટાઘાટો ચાલી રહી છે. આ અહેવાલોને પગલે હ્યુંડાઈના શેર્સની કિંમતોમાં રાતોરાત વીસ ટકાનો વધારો થઈ ગયો. હ્યુંડાઈ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે એપલ કંપની સાથે વાતચીત ચાલી રહી છે, પણ તે હજી પ્રાથમિક કક્ષામાં છે. એપલ દ્વારા કોઈ નિવેદન બહાર પડાયું નથી.

વરસ ૨૦૧૦માં મોટરકારમાં જે સોફ્ટવેર વપરાતાં હતાં તેના કરતાં ૨૦૨૦માં દસ ગણા વધુ વપરાય છે. દરેક કાર માટે કંપનીઓ પોતપોતાની રીતે ચિપ્સ અને સેમિકન્ડક્ટરોનું નિર્માણ કરે છે. એ સેમિકન્ડક્ટરોના આધારે એ ચિપ્સ કામ કરે છે. હમણા ફોર્ડ કંપનીએ તેનો કેન્ટકી ખાતેનો મોટર નિર્માણ પ્લાન્ટ ખાલી કરવો પડ્યો અને ત્યાં એક સપ્તાહ સુધી સેમિકન્ડક્ટરોનું નિર્માણ કરવું પડ્યું, કારણ કે કારની ચિપ્સ જે સેમિકન્ડક્ટરો પર કામ કરતી હતી તેની દુનિયામાં ખેંચ ઊભી થઈ હતી તેથી ગેરેજમાં અનેક ગાડીઓ બંધ પડી હતી. નવા સેમિકન્ડક્ટરોની રાહ જોઈ રહી હતી. આવી બધી તકલીફોની હવે અનુભવોના આધારે જાણ થતી રહેશે. ઇલેક્ટ્રિક મોટરકારોનો જમાનો આવી રહ્યો છે અને ગાડીઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે જગતના ઉદ્યોગો લાગી પડ્યા છે. મોટરકારના સોફ્ટવેરને પણ બહારની દુનિયા સાથે વધુમાં વધુ સંપર્કમાં રહે તે રીતે પ્રયોજવા પડે છે. આજકાલ એવું માનવામાં આવે છે કે માણસ સૌથી વધુ પોતાના ઘરમાં, ત્યાર બાદ ઑફિસમાં અને ત્યાર બાદ પોતાની મોટરકારમાં સમય વિતાવે છે તો કારમાંનો મુકામ પણ વધુ ને વધુ સુવિધાજનક હોવો જોઈએ. બહારની દુનિયા સાથે ઓતપ્રોત થઈ શકાય તેવું સોફ્ટવેર અને હાર્ડવેર કારમાં ગોઠવવામાં આવે છે જેમાં કારધારક ઇન્ટરએક્ટિવ કોન્સર્ટ (સંગીતનો જલસો) અને ગેઇમિંગમાં પણ કારમાં બેસીને ભાગ લઈ શકે છે. હાલની જે કારો છે તેનું નિર્માણ, ઇલેક્ટ્રિક મોટરગાડીઓની સરખામણીમાં મુશ્કેલ છે તેથી મોટી કંપનીઓ જ આ કારનું નિર્માણ કરી શકે છે. તેમાં વિશાળ મૂડી-રોકાણની જરૃર પડે છે, પરંતુ ઇલેક્ટ્રિક મોટરકારનું નિર્માણ એટલું મુશ્કેલ નથી. કોઈ ધારે તો નાની ફેક્ટરીમાં પણ નિર્માણ કરી શકે. છતાં ઇલેક્ટ્રિક કાર પણ જો એ કંપનીઓ બનાવે જે વરસોથી આ ધંધામાં છે, તો ઇલેક્ટ્રિક ગાડીઓ પણ સારી બને છે. આજકાલ ઘણી કંપનીઓ પોતાને જોઈતા સોફ્ટવેરમાં અમુકનું નિર્માણ જાતે કરી લે છે અને બાકીનું અન્ય ટૅક કંપનીઓ પાસેથી મેળવે છે. ઇલે. કારના મેળામાં  ડેઈમલર કાર કંપની દ્વારા એવી કાર પ્રદર્શનમાં મૂકવામાં આવી છે જેમાં કારનં આખું ડેશબોર્ડ ટચસ્ક્રીનનું બનેલું છે જેને ‘હાઈપર સ્ક્રીન’ નામ આપવામાં આવ્યું છે. આ કાર ઇલેક્ટ્રિક કારનું લક્ઝરી મૉડેલ છે. ડેટ્રોઇટની અગ્રણી મોટરકાર કંપની જીએમ દ્વારા મેળાવડામાં જાહેર કરવામાં આવ્યું કે, કંપની વરસ ૨૦૨૫ સુધીમાં ઇલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં ૨૭ (સત્તાવીસ) અબજ ડૉલરનું રોકાણ કરશે અને ત્રીસ નવા મૉડેલોનું નિર્માણ કરશે. મજાની વાત એ છે કે ઇલેક્ટ્રિક મોટરકારોને ખૂબ સુંદર ઘાટ આપી શકાય છે. હાલમાં બજારમાં, ખાસ કરીને અમેરિકન બજારમાં જે ઉપલબ્ધ છે તે પણ એટલી રૃપાળી અને આકર્ષક હોય છે કે તે જોયા પછી પેટ્રોલ કે ડીઝલની ગાડી પસંદ ન પડે. વળી, તે અવાજ કર્યા વગર ભાગે છે. તેમાં જગ્યા વધુ મળે છે. હજી તો શરૃઆત છે તો ભવિષ્ય ઘણુ સુંદર હશે. જનરલ મોટર્સ એટલે કે જીએમ કંપની દ્વારા પોતાની ઇલેક્ટ્રિક કાર માટેનો લોગો, જૂના લોગોમાં ફેરફાર કરીને નવેસરથી તૈયાર કરવામાં આવ્યો છે. કંપની દ્વારા બ્રાઇટડ્રોપ નામની એક ઇલેક્ટ્રિક ડિલિવરી કાર અને નવી કેડિલેક કાર પણ બાંધવામાં આવશે. ઘણાને યાદ હશે કે ચાલીસ પચાસ વરસ અગાઉ લક્ઝુરિયસ મોટરકારોમાં કેડિલેક ટોચનું સ્થાન ધરાવતી હતી. હોલિવૂડ અને બોલિવૂડના કલાકારો, બિઝનેસ અને રાજઘરાનાઓ તે ધરાવતાં હતાં. હવે ટેસલા તો આવી છે અને કેડિલેકની પણ ખાસ રાહ જોવી નહીં પડે. હા, એવું બને કે વલસાડ, અમરેલી, ભીવંડી, કલ્યાણ જામનગરમાં તમારે વીજળી આવે ત્યાં સુધી ચાર્જિંગ માટે રાહ જોવી પડે.

Leave A Reply

Your email address will not be published.

Translate »