તમારા માટે, તમારી સાથે, સતત…

અરે રે પગલે ફિકર નોટ..કહેનાર સુશાંતની સુસાઇડ

'ઓ..ચિંતા કરકે ક્યા પાયેગા, મરને સે પહેલે મર જાએગા,

0 224
  • મૂવીટીવી – હેતલ રાવ

‘ઓ..ચિંતા કરકે ક્યા પાયેગા, મરને સે પહેલે મર જાએગા, સૂન યે ગાના કામ આયેગા, બસ ખા લે પી લે જી લે..ક્યૂકી જિંદગી હૈ શોર્ટ..અરે રે પગલે ફિકર નોટ..જો ભી હોગા હો ને દે પગલે ફિકર નોટ..,’ છીછોરે ફિલ્મના આ ગીતમાં સુશાંત સિંહ રાજપૂત પોતાના પુત્રને ચિંતા છોડી મુક્ત થઈ મસ્તીથી જિંદગી જીવવાનું શીખવી રહ્યો છે. કાશ રીલ લાઇફમાં ગવાયેલા ગીતના આ શબ્દોે તેણે રીયલ લાઇફમાં પણ યાદ રાખ્યા હોત તો આજે સુશાંત આપણી વચ્ચે જીવંત હોત, પરંતુ અફસોસ કે જીવનથી નાસીપાસ થઈને સુશાંત જેવા બોલિવૂડના તેજસ્વી અભિનેતાએ જિંદગી ટૂંકાવવા આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો.

Related Posts
1 of 258

૫ એપ્રિલ, ૧૯૯૩ના દિવસે બોલિવૂડની ૧૯ વર્ષની અભિનેત્રી દિવ્યા ભારતીના આત્મહત્યાના સમાચાર સાંભળીને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેના ચાહકો ગમગીન થઈ ગયા હતા. લાગે છે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે, જ્યારે રવિવારે એમ જાણવા મળ્યું કે સુશાંતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે ત્યારે બોલિવૂડ સહિત તેના ચાહકોના પગ તળેથી જમીન ખસી ગઈ. માત્ર ૩૪ વર્ષની ઉંમરે ઊગતા સિતારાને એવું તો શું દુઃખ હશે કે તેણે જીવનને અલવિદા કહેવાનું આ અંતિમ પગલંુ ભર્યું હશે! કેટલી બધી હતાશા, એકલતા અને નિરાશા તેના મનમાં ઘર કરી ગઈ હશે! કેમ તે બધાની વચ્ચે રહીને પણ પોતાનું દુઃખ કોઈની સાથે વહેંચી ન શક્યો..? શું કામ તેણે પરિવાર મિત્રો કે પોતાના અંગત સંબંધો પર ભરોસો રાખીને સમસ્યાનું સમાધાન શોધવાની જગ્યાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું..? શું કામ..? શું કામ..? આવા તો કંઈક કેટલા સવાલો દરેકના દિલમાં ઊઠી રહ્યા છે. બોલિવૂડ અને સોશિયલ મીડિયા પર તો આ વાતને લઈને જંગ પણ છેડાઈ ગયો છે, પણ હવે કેમ..? શું આ બધું કરવાથી કે જૂની વાતો યાદ કરવાથી સુશાંત પરત ફરી શકશે? કેમ તેની વેદના સમજવા કોઈએ પહેલ ના કરી, તેનો સ્વભાવ, ડિપ્રેશનની બીમારી જેવાં કારણો હોય તો પણ મૃત્યુને આલિંગન એ કોઈ ઉપાય નથી, પરંતુ આ ચર્ચાનો હવે શું અર્થ. સુશાંત ચાલ્યો ગયો ‘ને નિરાંતની ચાદર ઓઢી આ ફાની દુનિયાને કાયમ માટે છોડી ગયો. પાછળ છોડી ગયો છે તો માત્ર તેની યાદો અને ફિલ્મો રૃપે તેનો અભિનય જે હંમેશાં યાદ અપાવશે કે એક ઉમદા કલાકારને બોલિવૂડ ખોઈ ચૂક્યું છે. કદાચ તેના માટે જવાબદાર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ હશે..!

ટીવી જગતથી કારકિર્દીની શરૃઆત કરનારા સુશાંતે ચાર ટીવી સિરિયલ અને બાર જેટલી ફિલ્મો કરી છે. પ્રથમ ફિલ્મ ‘કાઈપો છે’માં તેના અભિનયનાં વખાણ થયા અને એમ.એસ. ધોનીની બાયોપિકથી બોલિવૂડમાં તેની ગાડી પાટા પર ચઢી ગઈ. સોનચીડિયા, કેદારનાથ, છિછોરે, પીકે જેવી ફિલ્મોના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એટલી તો જાણ થઈ જ ગઈ હતી કે એક હટકે અભિનેતાની એન્ટ્રી થઈ ચૂકી છે. ફિલ્મોની સાથે રોમાન્સમાં પણ તેની ગાડી ફુલ ઝડપે ચાલી રહી હતી. સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ની સાથી કલાકાર અંકિતા લોખંડવાલા અભિનેત્રી ક્રીતિ સેનન, રિયા ચક્રવર્તી, સારા અલી ખાન અને અન્ય અભિનેત્રી સાથે તેના અફેરની ચર્ચા થતી રહેતી. સુશાંતના કઝિન ભાઈના કહ્યા પ્રમાણે તેનાં નવેમ્બરમાં લગ્ન હતાં અને આર્થિક રીતે પણ તે સક્ષમ હતો. જોકે છેલ્લા છ મહિનાથી તેની ડિપ્રેશનની દવા ચાલી રહી હતી. ત્રણ મહિનાથી તેણે સોશિયલ મીડિયા સાથે પણ છેડો ફાડી નાંખ્યો હતો. ઘણા બધા પ્રોડક્શન હાઉસે તેને બૉયકોટ પણ કર્યો હતો તેમ કહેવાય છે, પરંતુ તેના માટે તે જવાબદાર હતો કે પછી પ્રોડક્શન હાઉસની દાદાગીરી એ વાત ચોક્કસ પણે કહી શકાય નહીં. તેના મિત્રવર્તુળના કહ્યા પ્રમાણે સુશાંતની માતાનાં મૃત્યુ પછી તેનામાં વધારે હતાશા આવી ગઈ હતી. તેની આત્મહત્યા પાછળ જવાબદાર અનેક કારણ છે, પરંતુ હવે કારણો કરતાં હકીકતની વાત કરીએ તો સુશાંતસિંહ રાજપૂત જેવો ઊગતો સિતારો સંધ્યા પહેલાં જ અસ્ત થઈ ગયો. અલવિદા સુશાંત…..
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »