તમારા માટે, તમારી સાથે, સતત…

ભગવાન જગન્નાથ પણ ભક્તોથી દૂર રહ્યા હતા!

જગન્નાથ અને બલરામ ગણેશજીની જેમ મુખ પર ગજવેશ ધારણ કરે છે.

0 425
  • કોલકાતા કૉલિંગ- મુકેશ ઠક્કર

સામાન્ય સંજોગોમાં આ ભગવાન જગન્નાથનો રથ તૈયાર કરવાનો સમય છે. પશ્ચિમ બંગાળના નાનાં, મોટાં નગરોમાં રથયાત્રાના દિવસે સેંકડો રથ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામની મૂર્તિઓ સાથે ઘંટનાદ કરતાં, જય જગન્નાથનો જયઘોષ કરતાં નીકળી પડે. આ વરસ ગિરદી વગર પસાર કરવાનો ઇરાદો લઈને જ આરંભ થયો હોય તેવા ચોક્કસ અણસાર છે.

આપણા ઉત્સવો ફક્ત રજાના દિવસો નથી. હજારો વરસોથી ઊજવાય છે. દરેક સાથે યુગ માટે એક સંદેશો હોય છે. મોટા ભાગના ઉત્સવોને દિવસે મહત્ત્વના કામ થાય છે, એટલે કામના દિવસોમાં ગણતરી થાય છે. રથયાત્રા પાછળ પણ એક સંદેશો છે જે વર્તમાન કોપમાંથી ઊગરવાનો રસ્તો ચીંધે છે.

Related Posts
1 of 319

રથયાત્રા પહેલાં જ્યેષ્ઠ માસની પૂનમના દુનિયામાં જ્યાં જગન્નાથ મંદિરો છે ત્યાં સ્નાનયાત્રાનું આયોજન થાય છે. સ્કંદપુરાણમાં એવું વર્ણન છે કે અવંતિ પ્રદેશના શાસક અને જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના સ્થાપક મહારાજા ઇન્દ્રદ્યુમ્ને સ્નાનયાત્રાનું પ્રથમ આયોજન કરાવ્યું હતું. ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથની કાષ્ટ મૂર્તિઓ બિરાજમાન થઈ હતી એટલે તેમનો જન્મદિવસ પણ ઊજવાય છે. પરંપરા મુજબ ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓ સ્નાન ઘાટ પર લાવવામાં આવે છે. જગન્નાથ અને બલરામ ગણેશજીની જેમ મુખ પર ગજવેશ ધારણ કરે છે. દેવી સુભદ્રાનો કમળ ફૂલોથી શણગાર થાય છે. પહેલાં તુલસી દળ અર્પી ૧૦૮ ઘડા વિવિધ તીર્થધામોના પવિત્ર જળ અને કૂવાના પાણીથી તેમનું સ્નાન કરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે વધુ જલાભિષેક થવાથી તેમનું તન તપે છે. રાજવૈદ્ય તેમને આયુર્વેદિક ઔષધ ધરાવે છે. ૧૪ દિવસો સુધી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામ એક અલગ ખંડમાં બિરાજે છે. ભક્તો તેમનાં દર્શન કરી શકતાં નથી. મુખ્ય મંદિરોમાં તેમની આરતી થતી નથી. છપ્પનભોગ પણ ધરાવવામાં આવતાં નથી. બીજા શબ્દોમાં કહીએ તો જગતના નાથ પણ શરીરના તાપને ઉતારવા વૈદ્યનાં સૂચનો પાળે છે. ભક્તોની ભીડથી અલગ રહે છે. ઔષધ ગ્રહણ કરે છે. જેમણે આખા જગત માટે નિયમો ઘડ્યા છે તેમણે પણ તેનું પાલન કર્યું છે અને દર વર્ષે પાલન કરતા આવ્યા છે!

બંગાળમાં વૈષ્ણવ સંસ્કૃતિ ચૈતન્ય મહાપ્રભુએ દીપાવી છે. તેમણે રથયાત્રા અને સ્નાનયાત્રાની પરંપરા આગળ ચલાવી. કૃષ્ણનગર-નદિયામાં હજી તેમના દ્વારા સ્થાપિત વૈષ્ણવ મંદિરો અને ઉત્સવો તેના સાક્ષી છે. પશ્ચિમ બંગાળમાં રથયાત્રાના દિવસે મેળાઓ ભરાય છે. રસ્તા પર તેલમાં તરેલા પાપડ ખાસ વેચાય છે.

નાનાં ભૂલકાંઓના શણગારેલા રથની શોભા તો ઠેર-ઠેર જોવા મળે, પણ મોટા રથનો અલગ ઇતિહાસ છે. કોલકાતાથી ૨૫ કિલોમીટર દૂર શ્રીરામપુર-મહેશ રથ ૧૩૯૬થી ભક્તો ખેંચે છે. મહેશ રથનું અદ્ભુત વર્ણન મૂર્ધન્ય સાહિત્યકાર બંકિમ ચેટરજીએ તેમની નવલકથા ‘રાધારાણી’માં કર્યું છે. કોલકાતાથી ૯૦ કિલોમીટર અંતરે ગુપ્તિપાડા, ૧૦૦ કિલોમીટર દૂર આમદપુર અને મહિષાદલ વિશાળ રથ માટે જાણીતા છે. માયાપુરમાં ઇસ્કોનની સ્નાનયાત્રા અને રથયાત્રા માટે દેશવિદેશના કૃષ્ણ ભક્તોની મેદની ઊમટે છે. જે સુવર્ણા ચૌધરી પરિવારે ૧૬૯૮માં અંગ્રેજોને કોલકાતા વસાવવા ત્રણ ગામ લીઝ પર આપ્યાં હતાં. તેમનો બરીસા રથ ૧૭૧૯થી નીકળે છે. શ્રીરામકૃષ્ણ મિશનનો ભવ્ય રથ બલરામ મંદિરથી નીકળે છે.

રથયાત્રા પશ્ચિમ બંગાળમાં અનેક રીતે વિશેષ પર્વ તરીકે ઊજવાય છે. નવાં નાટકો અને શોપ ઓપેરા જેવાં જાત્રા-પાલાનું આખી સિઝનનું સમયપત્રક તૈયાર થાય છે. સ્નાનયાત્રા આ વર્ષે ૫ાંચ જૂનના છે. તે સીમિત સંખ્યામાં પુરોહિતો સંપન્ન કરાવી શકશે પછી પંદર દિવસે ભગવાન દર્શન આપશે. આખું જગત અત્યારે કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતાં અટકાવવા માટે મથામણ કરી રહ્યું છે. તે સિવાય કોઈ ઠોસ ઉપાય હજી મળ્યો નથી. ત્યાં સુધી જગતના નાથનો રથ ભક્તો જયનાદ સાથે ખેંચે તેવું લાગતું નથી બલ્કે સમયનો તકાજો એમ કહે છે કે જે નિયમો અને સંયમ સભર વૈદ્યની સલાહ ભગવાન પોતે માનતા આવ્યા છે જે પ્રથા સેંકડો વર્ષોથી અચૂક ચાલતી આવી છે, તે ધીરજ રાખી પાળવી રહી. આસ્થા એમ કહે છે જે દર્દ આપે છે તે જ તેની દવા પણ શોધી આપશે. ભયને જયમાં પલટવાની દવાનું નામ શ્રદ્ધા છે..!
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »