- હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી
એક સાધકે એક સંતને જઈને કહ્યું કે હું મોક્ષ મેળવવા માંગુ છું. આ સાંભળી સંત બોલ્યા કે જ્યાં ‘હું’ છે ત્યાં મોક્ષની પ્રાપ્તિ અશક્ય છે. એકવાર જીવનમાંથી ‘હું’ દૂર કરી જુઓ તો મોક્ષ આપોઆપ આવી મળશે.
એક અન્ય સાધકે એકવાર સંતને કહ્યું કે I Want Peace આ સાંભળી સંત બોલ્યા કે સૌપ્રથમ તારા વાક્યમાંથી અહમનો I દૂર કરી નાખ અને પછી ઇચ્છાનું Want દૂર કરી નાખ તો Peace તો હાજરાહજુર છે. આમ પણ જ્યાં અહંકાર અને કામના ન હોય ત્યાં શાંતિ સિવાય બીજું કશું જ હોઈ શકે નહીં.
‘કહું છું સાંભળો છો?’ શ્રીમતીજીએ પૂછ્યું.
‘હવે મારે એ જ કરવાનું છે.’ મેં કહ્યું.
‘એ જ કરવાનું છે એટલે?’
‘પરણેલા પુરુષને આમ પણ પત્ની જે કહે તે સાંભળવાનું જ હોય છે.’ મેં કહ્યું.
‘હા… તમે કેવું સાંભળો છો એ મને ખબર છે.’
‘શું ખબર છે?’
‘તમે સાંભળવા કરતાં બોલવાની પ્રેક્ટિસ વધુ રાખી છે એ સૌને ખબર છે.’ પત્નીએ કહ્યું.
‘અત્યારે આખો દિવસ ઘરમાં રહું છું અને હવે લૉકડાઉનના પ્રતાપે ઘરકામ પણ બધું આવડી ગયું છે.’
‘મારે તો કોરોનાને કાગળ લખીને થેન્ક યુ કહેવું છે.’ પત્ની બોલ્યાં.
‘કાગળ લખો એનો વાંધો નથી બાકી રૃબરૃ બોલાવશો નહીં.’
‘રૃબરૃ બોલાવે મારી બલા. હું શા માટે બોલાવું?’
‘તમારે કોરોનાને શા માટે થેન્ક યુ કહેવું છે?’ મેં પૂછ્યું.
‘જે લોકો ક્યારેય ભગવાનની સામે જોતા નહોતા એ દરરોજ સવારે દીવો-અગરબત્તી કરીને માળા ફેરવે છે.’
‘દાખલા તરીકે…’
‘ભોગીલાલભાઈ અને જે લોકો ક્યારેય જાતે ઊભા થઈને પાણીનો ગ્લાસ પણ ભરતા નહોતા એ અત્યારે ટુવાલ પહેરીને ઘરનો ટાંકો ભરે છે.’
‘દાખલા તરીકે હું’ મેં સ્વીકારી લીધું.
‘જે લોકો આખો દિવસ ચંદુભાની ચાની હોટલમાં જઈને એ વેઇટર ઇધર ફટકા લગાઓ, એ વેઇટર ઉધર ફટકા લગાઓ… આમ ફટકા લગાવવાના ઓર્ડર ફટકારતા હતા એ અત્યારે બરમૂડો પહેરીને ઘરમાં પોતાં કરે છે.’
‘દાખલા તરીકે…’ મેં પૂછ્યું.
‘અંબાલાલભાઈ…’
‘જે લોકો પોતાનો વિચાર કરે છે એ પોતા-નો પણ વિચાર કરે છે.’
‘અંબાલાલભાઈ મોંઘીભાભીને કહેતા હતા કે જ્યાં સુધી કામવાળી આપણા ઘરમાં પોતાં કરતી હતી ત્યાં સુધી મને એમ લાગતું હતું કે ઘરમાં એકાદ ઓરડો વધારે હોત તો સારું હતું, પણ…’ પત્ની શ્વાસ લેવા ઊભી રહી.
‘પણ શું?’
‘પણ જ્યારથી જાતે પોતાં કરતો થયો ત્યારથી એમ લાગે છે કે ઘર તો ઘણુ મોટું છે. એકાદ ઓરડો ઓછો હોત તો સારું હતું.’
‘આમ પણ સ્વાશ્રય અને સ્વાવલંબી સ્વભાવમાંથી સંતોષ જન્મે અને એટલે ગાંધીબાપુ જાતે મહેનત કરવામાં માનતા હતા.’ મેં કહ્યું.
‘બંને માણસ વચ્ચે શું ચર્ચા ચાલે છે?’ અંબાલાલ પોતાની આદત મુજબ જાણ કર્યા વગર જ ટપકી પડ્યો.
‘ગાંધીબાપુને યાદ કરતા હતા.’ મેં કહ્યું.
‘ગાંધીજીએ કહ્યું હતું કે મારી અંદર જો હાસ્યવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત.’ અંબાલાલે ગાંધીજી વિશે અગત્યની વાત કરી.
‘એકવાર એક પત્રકારે ગાંધીજીને પ્રશ્ન કર્યો કે આ વિશ્વની સૌથી સુંદર સ્ત્રી કોણ છે? બાપુએ વિનોદમાં કસ્તુરબાનું નામ આપી દીધું.’
‘પછી?’ પત્નીને રસ પડ્યો.
‘એ પત્રકાર કસ્તુરબા પાસે ગયો અને કહ્યું કે ગાંધીબાપુ એમ કહે છે કે આ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી કસ્તુરબા છે.’
‘કસ્તુરબાએ શું કહ્યું?’ અંબાલાલે પૂછ્યું.
‘કસ્તુરબાની સેન્સ ઓફ હ્યુમર ગાંધીજીથી ચડે એવી હતી. એ તરત જ બોલ્યાં કે બાપુ ક્યારેય ખોટું ન બોલે.’ મેં વાત પુરી કરી.
‘આ ખોટું બોલવાની વાત આવી એટલે મને એક વાત યાદ આવી.’
‘બોલ ને ભાઈ… આપણે આમ પણ ગપ્પાં મારવા સિવાય બીજું કામ પણ શું છે?’
‘હવે એવું ન બોલીશ કે કામ નથી, કારણ હવે દરેક પુરુષ ઘરકામ કરે છે.’
‘મને તો ડર છે કે બાલમંદિર શરૃ થશે અને નાનાં-નાનાં ભૂલકાંઓ જ્યારે બાલમંદિરમાં જશે. એમને એમના ટીચર પૂછશે કે તમારા પપ્પા શું કરે છે તો બાળકોમાં કોઈ કહેશે કે વાસણ ઊટકે છે તો કોઈ કહેશે કે પોતાં કરે છે.’
‘એક બાળકને શિક્ષકે પૂછ્યું કે તારા પપ્પા શું કરે છે? તો માસૂમ બાળકે ભોળપણમાં જવાબ આપ્યો કે મારા મમ્મી કહે એમ કરે છે.’
‘તું એક વાત કરવાનો હતો.’ મેં અંબાલાલને યાદ કરાવ્યું.
‘વિશ્વવિખ્યાત લેખક જ્યોર્જ બર્નાડ શૉ બહુ દેખાવડા નહોતા, પરંતુ પ્રખર બુદ્ધિશાળી હતા. એમણે એકવાર એક સ્ત્રીને કહ્યું કે, આપ બેહદ સુંદર છો.’ અંબાલાલ ઊભો રહ્યો.
‘પછી?’ પત્નીને ફરી રસ પડ્યો.
‘પેલી સ્ત્રી થોડી આખાબોલી હશે તો એણે બર્નાડ શૉને કહ્યું કે માફ કરજો, પણ આપે મને જે કહ્યું એવું હું આપને કહી શકું એવી સ્થિતિમાં નથી.’
‘હાય.. હાય.. એવું મોઢામોઢ કહી દીધું?’ પત્નીએ પૂછ્યંુ.
‘હા… પરંતુ શૉ પાછા પડે એવા નહોતા. એમણે પેલી સ્ત્રીને તરત જ કહ્યું કે, આપ મારી માફક જૂઠું બોલી શકો છો.’
‘વાહ… એ મને બહુ ગમ્યું.’ મેં કહ્યું.
‘એકવાર બર્નાડ શૉને એક ખૂબસૂરત સ્ત્રીએ કહ્યું કે જો આપણે બંને લગ્ન કરી લઈએ તો આપણા બાળકમાં મારું રૃપ અને આપની બુદ્ધિ આવશે. આ સાંભળી શૉ તરત જ બોલ્યા કે મારું રૃપ અને આપની બુદ્ધિ આવે તો ઘણુ ખરાબ થશે.’ અંબાલાલ આજે લાખ રૃપિયાની વાતો કરતો હતો.
‘જો ભાઈ, રૃપ અને બુદ્ધિની વાત નીકળી છે તો હું પણ એક વાત કહેવા માંગુ છું,’ મેં કહ્યું.
‘તને કોઈ સારો પ્રસંગ યાદ આવે એટલા માટે તો હું આ વાતો કરતો હતો.’ અંબાલાલે ચોખવટ કરી.
‘એકવાર એક રાજાના દરબારમાં એક સ્વરૃપવાન નૃત્યાંગના નૃત્ય કરતી હતી. એ
નૃત્યાંગના અચાનક હસી પડી એ રાજાને ગમ્યું નહીં.’
‘પછી?’
‘રાજાએ નૃત્ય રોકી સંગીત અટકાવીને કહ્યું કે હે નૃત્યાંગના, મારે તારા હસવાનું કારણ જાણવું છે. આ સાંભળીને નૃત્યાંગના બોલી કે એ કારણ હું આપને જણાવી શકું તેમ નથી.’
‘શું વાત છે?’
‘રાજાએ દરબારીઓની વચ્ચે કહ્યું કે હું તને અભય વચન આપું છું. તંુ સાવ સાચું કારણ જણાવે તો પણ તને કોઈ સજા કરવામાં આવશે નહીં.’
‘પછી શું થયું?’
‘ડાન્સરને વચન મળ્યું એટલે નિર્ભયતાથી બોલી કે હે રાજા, ભગવાન જ્યારે રૃપની વહેંચણી કરતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા? આપ અત્યંત કુરૃપ છો.’
‘નૃત્યાંગનાની હિંમતને દાદ આપવી પડે. અત્યારે કોઈ સરપંચને પણ આવું મોઢામોઢ કહી શકતું નથી.’
‘પરંતુ રાજાનો જવાબ સાંભળવા જેવો હતો. રાજાએ હસીને કહ્યું કે હે નૃત્યાંગના, તંુ રૃપ લેવાની લાલચમાં રૃપની લાઇનમાં ઊભી હતી ત્યારે તને એ ખબર નહોતી કે બાજુુમાં જ એક બીજી લાઇન પણ હતી. એ ભાગ્યની લાઇન હતી અને હું એ લાઇનમાં સૌથી આગળ ઊભો હતો.’
‘વાહ રાજા વાહ…’ અંબાલાલ રાજી થઈ ગયો.
‘અંતમાં રાજાએ સિક્સર મારી દીધી. એ બોલ્યા કે નૃત્યાંગના, તંુ એક વાત ધ્યાનથી સાંભળી લે. ભાગ્યની સામે રૃપ નાચે છે, પરંતુ ક્યારેય રૃપની સામે ભાગ્ય નાચતું નથી.’ મેં વાત પુરી કરી.
‘વાહ લેખક, મઝા પડી ગઈ. આ વાત ઉપર ગરમાગરમ ચા થઈ જાય.’ અંબાલાલે ચાની ફરમાઇશ કરી એટલે શ્રીમતીજી ઊભાં થઈને રસોડામાં ગયાં અને અમે બીજી વાતે વળગ્યા.
————————–