તમારા માટે, તમારી સાથે, સતત…

બેરોજગાર દિવ્યાંગો અને આત્મનિર્ભર લૉકડાઉન

કોઈ નક્કર આયોજન ન હોઈ તેની જેમ સેંકડો દિવ્યાંગો બેરોજગાર બની ગયા છે.

0 985
  • કોરોના ઇફેક્ટ – નરેશ મકવાણા

કોરોના વાઇરસને નાથવા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લૉકડાઉને સામાન્ય માણસની સાથે-સાથે દિવ્યાંગોને પણ કફોડી હાલતમાં લાવીને મૂકી દીધા છે. શારીરિક મર્યાદાઓ છતાં સ્વમાનથી જીવતો આ વર્ગ આમેય ઉપેક્ષિત અવસ્થામાં હતો, ત્યાં લૉકડાઉને તેમની નોકરીઓ અને આત્મનિર્ભરતા બંનેનો ભોગ લઈને ફરી હતા ત્યાંને ત્યાં લાવીને મૂકી દીધા છે. હવે જ્યારે આખો દેશ નવેસરથી બેઠો થઈ રહ્યો છે ત્યારે આ દિવ્યાંગોની જિંદગીમાં ઊભી થયેલી સમસ્યાઓ અને તેને કેવી રીતે નાથી શકાય તેની વાત કરીએ.

અમદાવાદના ઝુંડાલ સર્કલ પાસે રહેતો મનોજ ચોપડા પ્રજ્ઞાચક્ષુ છે. ગ્રેજ્યુએટ થયા પછી પણ કશું કામ ન મળતાં તેણે થલતેજ પાસેના એક કૉમ્પ્લેક્ષમાં રૃ. ૬ હજારના પગારે લિફ્ટમેન તરીકે નોકરી સ્વીકારી હતી. આટલા ટૂંકા પગારમાં તે માંડ કરીને બે છેડા ભેગા કરતો હતો ત્યાં કોરોના વાઇરસને કારણે લૉકડાઉન લાગુ થતાં તેના શેઠે છેલ્લા ત્રણ માસનો પગાર આપ્યો નથી. આટલું ઓછું હોય તેમ તેણે નોકરી પણ ગુમાવવી પડી. મનોજની પત્ની પણ તેના જેમ પ્રજ્ઞાચક્ષુ છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી છે. જોકે પતિની નોકરી જતી રહેતા તેની હાલત કફોડી બની છે. ત્રણ મહિનાનું મકાનભાડું માથે ચડી ગયું છે અને હવે નોકરી પણ નથી. અગાઉ લૉકડાઉન દરમિયાન એક-બે સંસ્થાઓ દ્વારા કરિયાણાની કિટ આપવામાં આવી હતી તેનાથી કામ ચાલી ગયું હતું, પણ હવે તો તે મળવાની પણ કોઈ શક્યતા નથી. મનોજનું કહેવું છે કે, કોરોના વાઇરસથી બચાવવા માટે સરકારે લૉકડાઉન જાહેર કર્યું એ સમયની માગ હતી, પણ પાછળ કોઈ નક્કર આયોજન ન હોઈ તેની જેમ સેંકડો દિવ્યાંગો બેરોજગાર બની ગયા છે.

મોહમ્મદ રાઠોડ મૂળ આણંદનો છે, પણ છેલ્લાં ઘણા વર્ષોથી અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. તે બોપલ સ્થિત એક પેટ્રોલપંપ પર કામ કરતો હતો, પણ લૉકડાઉન પછી તેને જરૃર હશે ત્યારે તમને બોલાવી લઈશુંએમ કહીને માલિકે નોકરીમાંથી રજા આપી દીધી છે. મોહમ્મદ સ્નાતક છે અને બીજા પણ ઘણા કામો જાણે છે, પરંતુ હાલ સામાન્ય માણસને પણ નોકરીનાં ફાંફાં છે ત્યાં તેના જેવા દિવ્યાંગને કોણ નોકરીએ રાખે? હાલ તે મહિને રૃ. ૩૫૦૦ મકાનભાડું ભરે છે. તેની પત્ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહી છે, પણ સરકારે ભરતીઓ રોકી રાખી હોઈ ઘેર બેસી રહેવું પડ્યું છે. મોહમ્મદ કહે છે, ‘આ મહિનાનું થઈને ત્રણ માસનું ઘરનું ભાડું માથે ચડી ગયું છે અને હવે નોકરી પણ જતી રહી છે. હવે આગળ શું થશે એ ખબર નથી. સરકારે લૉકડાઉન જાહેર કર્યું તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને બહુ માઠી અસર થઈ છે. ખાસ તો રોજનું કમાઈને ખાવાવાળાની સ્થિતિ બદ્દતર થઈ ગઈ છે. મારી પત્ની સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ છે અને મારા પર જ નિર્ભર છે. હવે જ્યારે મારી જ નોકરી જતી રહી છે ત્યારે તેને કેવી રીતે સાચવીશ એ પ્રશ્ન મને સતત મૂંઝવી રહ્યો છે? હું પૅકિંગ, લિફ્ટમેન, કૉલ સેન્ટર, મોબાઇલ શોપ વગેરેમાં કામ કરી શકવા સક્ષમ છું, પણ નોકરી મળે ત્યારે ને!

સરખેજ નજીક રહેતા મહેબૂબ મન્સુરીની સાથે પણ આવું જ થયું છે. તે સાણંદ ચાર રસ્તા નજીક આવેલી એક ઍરકૂલરની કંપનીમાં કામ કરતો હતો, પણ હવે તેને છૂટો કરી દેવામાં આવ્યો છે. કંપનીમાં કામ કરનાર તે પહેલો દિવ્યાંગ કર્મચારી હતો. તેની આવડત જોઈને તેને ગુજરાતભરમાંથી કૂલરના ઑર્ડર લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તે સ્નાતક હોઈ રિસેપ્શન કાઉન્ટર પર બેસીને કમ્પ્યુટર પર ઑર્ડર નોંધતો હતો. પોતાને સોંપવામાં આવેલા કામથી તે ખુશ હતો, પણ ત્યાં જ લૉકડાઉન જાહેર થયું અને એ દરમિયાન ધંધો નબળો પડતાં કંપનીએ કૉસ્ટ કટિંગમાં તેને છૂટો કરી દીધો. દુઃખની વાત એ છે કે તેની પત્ની સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ છે અને હાલ ગર્ભવતી છે! હાલ તેને નોકરીની ખાસ જરૃર છે અને ત્યારે જ તે બેરોજગાર બની ગયો છે. મોહમ્મદની જેમ તેના માથે પણ ત્રણ મહિનાનું મકાનભાડું ચડી ગયું છે. તેની પત્નીને મહિને રૃ. ૩ હજારની દવાઓ થાય છે, જે ખર્ચ હાલ તેની નબળી આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને એક સેવાભાવી વ્યક્તિએ ઉઠાવી લીધો છે, પણ આવું ક્યાં સુધી ચાલે?

કોરોના વાઇરસને નાથવા માટે સરકારે લૉકડાઉન જાહેર કર્યું તેના કારણે અર્થતંત્ર પડી ભાગ્યું અને હવે તેને બેઠાં થવામાં સારો એવો સમય લાગવાનો છે. હવે જ્યાં સામાન્ય માણસની નોકરીઓ જ ખતરામાં હોય ત્યાં દિવ્યાંગોનો પક્ષ કોણ લે? એક અંદાજ મુજબ ભારતમાં ૨.૬૮ કરોડ લોકો કોઈ ને કોઈ દિવ્યાંગતા ધરાવે છે. અમદાવાદ સ્થિત અંધજન મંડળના કહેવા પ્રમાણે ગુજરાતમાં અંદાજે ૧૭ હજાર નોંધાયેલા દિવ્યાંગો છે જે નોકરી શોધી રહ્યા છે. હાલ કોરોના વાઇરસને કારણે જે રીતે સેંકડો લોકોએ નોકરી ગુમાવી છે ત્યારે અહીં આપણે દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓ અને તેનો ઉકેલ શું હોઈ શકે તેની ચર્ચા કરવી છે, પણ એ પહેલાં દેશભરમાં રોજગારીની શું સ્થિતિ છે તે જાણી લઈએ.

લૉકડાઉનમાં ૧૦ કરોડ લોકોએ નોકરીઓ ગુમાવી
સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનોમી (સીએમઆઈઈ)એ પોતાના તાજા રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે એપ્રિલ માસમાં ૧૨.૨૦ કરોડ લોકોની નોકરીઓનો ભોગ લીધો હતો. રિપોર્ટ મુજબ એપ્રિલ માસમાં લૉકડાઉનને કારણે જે ૧૨.૨૦ કરોડ લોકો બેરોજગાર બન્યાં હતાં તેમાં સૌથી વધુ નુકસાન નાના વેપારીઓ અને દૈનિક મજૂરોને થયું હતું. હવે લૉકડાઉન ખૂલતાં બે કરોડ લોકોને નોકરીઓ પરત મળી છે, છતાં ૨૪ મે, સુધીમાં રોજગારીની તકો ૧૦.૨૦ કરોડ ઓછી છે. સીએમઆઈઈના આંકડાઓ મુજબ જાન્યુઆરી ૨૦૨૦માં બેરોજગારી દર ૭.૨૦ ટકા હતો જે ફેબ્રુઆરી ૨૦૨૦માં વધીને ૭.૭૮ ટકા થયો હતો. પછી લૉકડાઉનને કારણે મેના પ્રથમ સપ્તાહમાં વધીને સીધો ૨૭.૧ ટકા અને ૨૪ મેએ સામાન્ય સુધારો છતાં ૨૪.૩ ટકા નોંધાયો હતો.

Related Posts
1 of 319

નોકરી ડોટ કોમના માસિક ઇન્ડેક્સ પર થતી નોંધણીઓ મુજબ તેની વેબસાઈટ પર ગત વર્ષે મે-જૂન મહિનામાં ૨૩૪૬ નોકરીઓ ઉપલબ્ધ હતી, જે આ વર્ષે ઘટીને માત્ર ૯૧૦ જ રહી છે. એટલે કે અંદાજે ૬૧ ટકાનો ઘટાડો થયો છે. આ બધાંમાં સૌથી વધુ અસર હોટલ, રેસ્ટોરન્ટ અને ઍરલાઇન્સ સેક્ટરને થઈ છે, જેમાં ૯૧ ટકાનો ઘટાડો થયો છે. તો રિટેલમાં ૮૭ ટકા અને ઑટો સેક્ટરમાં ૬૧ ટકા સુધી ઘટાડો નોંધાયો છે. રિપોર્ટમાં શહેરોની નોકરીઓમાં ૫૦ ટકા સુધીના ઘટાડાની વાત કહેવામાં આવી છે. એમાં પણ કોલકાતામાં ૬૮ ટકા જ્યારે દિલ્હી અને મુંબઈમાં ૬૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આઈએએનએસ અને સીવૉટરના એક સરવે મુજબ લૉકડાઉન દરમિયાન લગભગ ૪૭ ટકા કર્મચારીઓ, જે ફ્રેશર છે અથવા તો ૪૫ વર્ષ આસપાસના છે તેમને કાં તો કાઢી મૂકવામાં આવ્યા છે અથવા તો તેમની પાસે કશું કામ નથી. ફ્રેશર્સથી લઈને ૨૫ વર્ષની ઉંમર સુધીના ગ્રૂપમાં લગભગ ૨૪.૩ ટકા લોકો બેરોજગાર છે અને ૨૫-૪૫ વર્ષની ઉંમરમાં ૨૨.૯ ટકા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ૧૩૯૭ લોકોની સેમ્પલ સાઈઝ ધરાવતા આ સરવેમાં ખ્યાલ આવ્યો હતો કે જૂનના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવેલા સરવે મુજબ લગભગ ૨૭.૬ ટકા લોકો બેરોજગાર માલૂમ પડ્યા હતા અને મધ્યમ આવક ધરાવતા વર્ગના લોકોમાં ૨૧.૨ ટકા લોકોએ નોકરી ગુમાવવી પડી હતી. ઊંચા પગારની નોકરીઓ ધરાવતાં વર્ગમાં ૭.૨ ટકા લોકોએ લૉકડાઉન દરમિયાન છટણીનો સામનો કરવો પડ્યો હતો. આ આંકડાઓ પરથી જ ખ્યાલ આવે છે કે, જ્યાં કામ કરવા સક્ષમ સામાન્ય માણસની નોકરીઓ જ ખતરામાં હોય ત્યાં દિવ્યાંગો વિશે કોણ વિચારે?

આત્મનિર્ભર યોજનાનો લાભ દિવ્યાંગોને ક્યારે?
લૉકડાઉન બાદની પરિસ્થિતિમાંથી દેશને ઉગારવા માટે કેન્દ્ર સરકારે આત્મનિર્ભર યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત રૃ. એક લાખ સુધીની લોન બે ટકાના વાર્ષિક વ્યાજ પર જામીનગીરી વિના કૉ-ઓપરેટિવ, ક્રેડિટ સોસાયટી કે જિલ્લા સ્તરની બેન્કમાં માત્ર અરજી કરીને લઈ શકાય છે. લોનધારકે માત્ર બે ટકા વ્યાજ ચૂકવવાનું રહે છે જ્યારે બાકીનું છ ટકા વ્યાજ રાજ્ય સરકાર બેંકને ચૂકવે તેવી વ્યવસ્થા છે. ત્રણ વર્ષની મુદ્દત સાથેની આ યોજનામાં પ્રથમ છ મહિના સુધી કોઈ હપ્તો કે વ્યાજ ચૂકવવાનું નથી. ત્યારે આ યોજના દિવ્યાંગોને લાભ અપાવી શકે તેમ છે. જોકે એમાં પણ તેમનો અનુભવ સારો નથી.

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ રાણા અપંગ છે. છેલ્લાં ઘણા વર્ષોથી તેઓ શાસ્ત્રીનગર સ્થિત ફૂટપાથ પાસે બેસીને સીવણકામ કરી ઘર ચલાવતા હતા. તેમનાં પત્ની પણ અપંગ હોઈ ઘરકામ સિવાય કશું કરી શકતા નથી. તેમનો દીકરો ધોરણ ૧૨માં ભણે છે, જ્યારે દીકરી ૧૦મા ધોરણમાં છે. સળંગ બે મહિના સુધી ચાલેલા લૉકડાઉનને કારણે તેમની આજીવિકા સાવ બંધ થઈ ગઈ છે. સામાજિક સંસ્થાઓએ આપેલી જીવનજરૃરી ચીજવસ્તુઓમાંથી જેમતેમ કરીને ઘર ચલાવ્યું હતું. છતાં રૃપિયા ખૂટી પડતા મિત્ર પાસેથી ૧૫ હજાર ઉછીના લેવા પડેલા. હવે લૉકડાઉનનો તો ખૂલી ગયું છે, પણ તેમનો ધંધો જામતો નથી. હવે માંડ રૃ. ૧૫૦નું કામ થાય છે. તેમાં ઘર કેવી રીતે ચલાવવું, પુત્ર-પુત્રીના ભણતરનો ખર્ચ કેવી રીતે કાઢવો તે પ્રશ્ન તેમને સતાવી રહ્યો છે. શૈલેષભાઈનું કહેવું છે કે, ‘સરકાર હવે આત્મનિર્ભર બનવાનું કહે છે, જે હું પહેલેથી જ હતો. આયોજન વિનાનું લૉકડાઉન લાગુ થયું અને મારી આત્મનિર્ભરતા ખતમ થઈ ગઈ. સરકાર આત્મનિર્ભર બનવા લોન આપે છે, પણ મારા જેવાને બેંક લોનનું ફૉર્મ આપવા પણ તૈયાર નથી. એવામાં કેવી રીતે આત્મનિર્ભર બનવું? જો સરકાર ખરેખર અમને મદદ કરવા માગતી હોય તો દર મહિને સીધા અમારા ખાતામાં ઓછામાં ઓછા ત્રણ હજાર રૃપિયા જમા કરવા જોઈએ. બાકી લોન જેવા ગતકડાં માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય બીજું કશું નથી.

અમદાવાદ સ્થિત અંધજન મંડળમાં રોજગાર અધિકારી રમેશભાઈ પટેલ દિવ્યાંગોની નોકરીઓની ઓવરઓલ સ્થિતિ જણાવતા કહે છે, ‘અગાઉ દિવ્યાંગો જે નાનાં-મોટાં સિલાઈકામ, મોતીકામ, રાખડી બનાવવી, ભરતગુંથણ વગેરે કામ કરતાં હતાં તે બધું બંધ થઈ ગયું છે. હજુ ૨૦૧૯ સુધી અમે દર વર્ષે ૨૦૦ દિવ્યાંગોને અલગ-અલગ સૅક્ટરમાં નોકરીઓ અપાવતા હતા, પણ આ વર્ષે મંદી ગણો, કે અન્ય કોઈ કારણસર અમે ૫૪થી વધુ દિવ્યાંગોને નોકરીઓ અપાવી શક્યા નથી. એમાંથી પણ લૉકડાઉન ખૂલ્યા બાદ કેટલાની નોકરીઓ ચાલુ હશે તે સવાલ છે. પેટ્રોલ પંપો પર ઘણા અંધજનોને નોકરીઓ મળી હતી તે લૉકડાઉન બાદ છીનવાઈ ગઈ છે. પરિસ્થિતિ ધાર્યા કરતાં વધુ ગંભીર છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ હવે માત્ર સરકાર જ લાવી શકે એમ મને લાગે છે. જેમ કે, નવી કંપનીઓમાં ફરજિયાત ત્રણ ટકા દિવ્યાંગોને નોકરીએ રાખવાથી આ થઈ શકે અથવા તો જે દિવ્યાંગો કામ કરવા સક્ષમ છે તેમને સાધનો પુરા પાડીને આત્મનિર્ભર બનાવી શકાય. સરકાર માનવતાના ધોરણે કંંપનીઓને અપીલ કરીને પણ ઘણુ બધું કરી શકે. આત્મનિર્ભર લોનનો લાભ પણ તેમને આપી શકાય.

અંધજન મંડળના ફંડ રેઝિંગ ઓફિસર ભરત જોષી બીજી કેટલીક અગત્યની બાબતો તરફ ધ્યાન દોરતાં કહે છે, ‘ગુજરાતમાં મોટા ભાગના દિવ્યાંગો સ્વરોજગારીમાં જોડાયેલા છે, ત્યારે સરકારની આત્મનિર્ભર યોજનાનો લાભ સહેલાઈથી તેમને મળી રહે તે માટેની વ્યવસ્થા થવી જોઈએ. હાલ સામાન્ય વ્યક્તિને પણ આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ મળતાં નથી ત્યારે દિવ્યાંગોને કેટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે? ભારત સરકારનું નેશનલ હૅન્ડિકૅપ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કૉર્પોરેશન જે વિકલાંગોને નાણાકીય સહાય આપવા માટે કામ કરે છે, તેની સંચાલન એજન્સી તરીકે ગુજરાતમાં માયનૉરિટી ફાયનાન્સ બૉર્ડ છે. જો રાજ્ય સરકાર તેના થકી આત્મનિર્ભર યોજનાનો લાભ દિવ્યાંગોને અપાવી શકે તો પણ ઘણો ફાયદો થાય. આ સિવાય જો આવડત છતાં માત્ર દિવ્યાંગ હોવાને કારણે કોઈ વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો તેવા કેસમાં રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ-૨૦૧૬ અંતર્ગત કાર્યવાહી કરીને વિકલાંગ વ્યક્તિ પોતાના અધિકારો મેળવી શકે છે.

અંધજન મંડળનાં કાર્યકારી નિયામક નંદિની રાવલ મનરેગા અને આત્મનિર્ભર યોજનામાં દિવ્યાંગોની તરફેણ કરતાં કહે છે, ‘હાલ સરકાર પર પણ ઘણુ બધું દબાણ છે. જ્યાં સામાન્ય માણસની નોકરીઓ ખતરામાં હોય ત્યાં દિવ્યાંગોને પ્રાથમિકતા મળે એવું કોઈ વિચારી પણ શકતું નથી. ત્યારે તેમના માટે ખાસ નીતિ તો હોવી જ જોઈએ. વિકલાંગ વ્યક્તિ જે આવડત ધરાવતી હોય તેના આધારે જ તે આત્મનિર્ભર બની શકે તે માટેની યોજના હોવી જોઈએ. મનરેગામાં પણ તેમનો સમાવેશ કરી લેવો જોઈએ. આ સિવાય કૉ.ઓ. સોસાયટી, અનાજ ભંડાર, પંચાયત, રેશનિંગની દુકાન વગેરેમાં પણ દિવ્યાંગોને કામ આપી શકાય. સરકારથી લઈને સામાન્ય માણસ સુધીના સૌ કોઈ આ પાંચ-છ મહિના મારા દેશ માટે બહુ કપરા છેએમ સમજીને એકબીજાને ટેકો કરીને ચાલશે તો તેમના સહારે દિવ્યાંગો પણ ટકી જશે.

ટૂંકમાં, સમય સૌએ સાથે મળીને ચાલવાનો છે. એ વાત જુદી છે કે દિવ્યાંગોને લઈને હજુ સુધી સરકાર તરફથી કોઈ નક્કર કામગીરી જોવા મળી નથી, પણ તેમ છતાં આશા ગુમાવવા જેવી નથી. એવામાં જોવાનું એ રહે છે કે પ્રચાર માધ્યમોમાં પોતાને સંવેદનશીલ તરીકે પ્રોજેક્ટ કરવા મથતી સરકાર શારીરિક રીતે લાચાર છતાં આત્મનિર્ભર બનવા માગતા દિવ્યાંગોને કેટલી અને કેવી મદદ કરે છે.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »