તમારા માટે, તમારી સાથે, સતત…

એકલતાનું આકાશ

'કુણાલ, જીવન ક્યારેય આપણી ધારણા પ્રમાણે ચાલતું નથી.

0 184
  • નવલિકા  – પ્રફુલ કાનાબાર

વિનાયકે પુરાં સાત વર્ષ લંડનમાં એકલતામાં ખેંચી નાખ્યા હતા. લંડનમાં વિના કારણે વરસતો વરસાદ પણ વિનાયકની કોરી આંખોને વરસાવી શક્યો નહોતો.વિનાયકના સંપર્કમાં આવનાર વ્યક્તિ પ્રયત્ન કરે તો પણ વિનાયકના દિલ સુધી પહોંચી ના શકે, કારણ કે વિનાયકે તેની આસપાસ વિષાદનું એક વર્તુળ બનાવી દીધું હતું. નેન્સીએ પણ વિનાયકના અંતરની લાગણીને ઢંઢોળવાની કોશિશ કરી જોઈ હતી, પણ તે નિષ્ફળ નિવડી હતી. અત્યારે પણ નેન્સી હિથ્રો ઍરપોર્ટ પર વિનાયકને મૂકવા માટે આવી હતી. ‘વિનાયક આઈ વિલ મિસ યુ’ નેન્સી સજળનેત્રે બોલી હતી. વિનાયકની આંખો કોરી હતી. તે મૌન હતો. બંને જાણતાં હતાં કે આ તેમની છેલ્લી મુલાકાત હતી. વિનાયકનો કંપની સાથેનો સાત વર્ષનો કરાર પુરો થયો હતો. નેન્સી ડિવોર્સી હતી. લંડનમાં એકલાં રહેતાં સ્ત્રી પુરુષો નજીક આવી જાય અને લક્ષ્મણરેખા ઓળંગે તે તદ્દન સામાન્ય બાબત કહેવાય. નેન્સીએ પણ એક વાર વિનાયકને પામવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે વિનાયક મક્કમ રહ્યો હતો. તે તેની પત્ની નેહા સાથે બેવફાઈ કરવા નહોતો માંગતો. નેહા અમદાવાદની સરકારી સ્કૂલમાં ટીચર હતી. નેન્સીને નજીક આવતી રોકવાનું બીજું કારણ વિનાયકના મનમાં રહેલો ડર પણ હતો. રખેને નેન્સી સાથે લાગણીના તાણાવાણા બંધાઈ જાય અને પછી જે વેરવિખેર થયેલો સંબંધ આજે નેહા સાથે છે તે જ નેન્સી સાથે થાય તો? નેહા સાથેના લગ્નજીવનની પીડા સાથે લઈને જ વિનાયક વ્યથિત મને લંડન આવ્યો હતો. સ્વભાવની વિષમતાઓને કારણે જ વિનાયકનું નેહા સાથે શરૃઆતથી જ જોઈએ તેવું ટ્યુનિંગ થઈ શક્યું નહોતું. નેહા સાથે લગ્નજીવન ટકી ગયું હતું તેનું મુખ્ય કારણ બંનેને જોડતી એક મહત્ત્વની કડી હતી. હા..તે કડી એટલે તેમનો સ્માર્ટ દીકરો કુણાલ. કુણાલ સમજણો થયો ત્યારથી મમ્મી-પપ્પાને એક છત નીચે રાખવાના મરણિયા પ્રયાસો કરતો રહ્યો હતો. આખરે પંદર વર્ષનો થયો એટલે કુણાલ હોસ્ટેલમાં રહેવા જતો રહ્યો હતો.

એકાદ માસમાં જ વિનાયકે પણ લંડનની વાટ પકડી લીધી હતી. અમદાવાદના ઍરપોર્ટ પર નેહા વિનાયકને વિદાય આપવા પણ નહોતી આવી.

છેલ્લી ઘડીએ કુણાલ આવી પહોંચ્યો હતો. ‘પપ્પા તમને નોકરીમાં સારો ચાન્સ મળે છે તેથી રોકાવાનું તો નથી કહેતો પણ..’ કુણાલ બોલતાં બોલતાં અટકી ગયો હતો. ‘પણ શું?’ વિનાયકે પૂછ્યું હતું. ‘મારે મમ્મી અને પપ્પા બંનેની જરૃર છે.’ કુણાલ રડમસ અવાજે બોલ્યો હતો.

‘જાણું છું.’ વિનાયક બોલ્યો હતો.

‘મમ્મી પણ તમારી રાહ જોશે.’ કુણાલ નીચું જોઈને બોલ્યો હતો.

વિનાયક ફિક્કું હસ્યો હતો. જે સ્ત્રી ઍરપોર્ટ સુધી પણ મને મૂકવા નથી આવી તે શું મારી રાહ જોવાની છે?..વિનાયક મનમાં જ બોલ્યો હતો. ચાલાક કુણાલે વિનાયકના મનમાં રમતી વાત પકડી પાડી હતી. ‘પપ્પા, ધીરજ રાખજો. બધું સારું થઈ જશે.’

વિનાયક કાંઈ બોલે તે પહેલાં જ લંડનની ફ્લાઈટનું એનાઉન્સમૅન્ટ થયું હતું. વિનાયક મક્કમ પગલે આગળ વધ્યો હતો. વિનાયકે પાછા વળીને જોવાનું ટાળ્યું હતું. કિશોર વયના કુણાલની આંખમાં લાચારી જોવાની તેની બિલકુલ હિમ્મત નહોતી. વળી, ખુદના આંસુ પણ સંતાડવાના હતાં.

લંડનની આબોહવામાં વિનાયક ધીમે ધીમે ગોઠવાઈ ગયો હતો. કંપનીના પચાસ માણસોના સ્ટાફમાં રૃપાળી નેન્સી પણ એક હતી. ડિવોર્સી નેેન્સી એકલી જ રહેતી હતી. તેની દીકરી વેમ્બલીની એક હોસ્ટેલમાં રહેતી હતી. નેન્સીએ ખુદના ડિવોર્સને સ્વાભાવિકતાથી સ્વીકારી લીધા હતા. કદાચ તેથી જ તે કાયમ હસી શકતી હતી. એક વાર ભારે સ્નો-ફૉલ વચ્ચે નેન્સી અને વિનાયક ઑફિસમાં જ ફસાઈ ગયાં હતાં. અન્ય સ્ટાફ વહેલો નીકળી ગયો હતો.બંને કૉફી પીતાં પીતાં અંગત વાતોએ ચડી ગયાં હતાં. નેન્સીએ તેના જીવનની કિતાબ વિનાયકની સામે નિખાલસતાથી ખોલી દીધી હતી. મિતભાષી વિનાયકે માત્ર બે કે ત્રણ વાક્યમાં જ નેહા અને કુણાલ વિષે જણાવ્યું હતું. નેન્સી સમજી ગઈ હતી કે કાયમ ગંભીર રહેતા વિનાયકના માત્ર ડિવોર્સ નથી થયા એટલું જ બાકી અંદરથી તો તે એકલો જ છે.

તેને વિનાયક પ્રત્યે સહાનુભૂતિ થઈ હતી. નેન્સી વિનાયકને પામવા માટે બહાવરી બની ગઈ હતી. તેની આંખોમાં તોફાન ઊતરી આવ્યું હતું. નેન્સીએ જ પહેલ કરી હતી, પરંતુ વિનાયક મક્કમ રહ્યો હતો.આખરે બંને માત્ર સારા મિત્રો બનીને જ રહી ગયાં હતાં. શારીરિક સંબંધોને તેમની મૈત્રીમાં કોઈ જ સ્થાન નહોતું.

હિથ્રો ઍરપોર્ટના ઇમિગ્રેશન અને સિક્યૉરિટીનાં કાઉન્ટરો વટાવીને વિનાયક આગળ વધ્યો હતો. તેણે પાછા વળીને કાચની પેલે પાર નજર કરી હતી. વિઝિટર્સ લોન્જમાં નેન્સી હજુ પણ હાથ હલાવતી ઊભી હતી. નેન્સીની સાથે-સાથે જાણે કે આખું લંડન પાછળ રહી ગયું હતું. વીતેલાં સાત વર્ષોમાં વિનાયકે કેટલીયે મોસમ બદલાતી જોઈ હતી. લંડનની અઢળક સ્મૃતિઓ વિનાયકના મનને ઘેરી વળી હતી.સ્નો-ફૉલ, સરકતી જતી ટ્યુબ ટ્રેનમાં સુખ અને દુઃખની જેમ અચાનક આવી જતું અજવાળું અને અંધારું, સેન્ટ પોલ્સના સ્ટેશન પર સતત ઉપર ચડતું એસ્કેલેટર, સ્ક્વેરમાં ચણતાં કબૂતરો, થેમ્સ નદીમાં નીચે વહેતું પાણી અને ઉપર ખૂલતો અને બંધ થતો ટાવર બ્રિજ..ખરેખર લગાવ થઈ ગયો હતો આ અદ્ભુત શહેર સાથે…આખરે વિનાયકે વિમાનમાં સીટ મેળવી લીધી. થોડીવાર બાદ ઍરક્રાફ્ટ રન વે પર દોડી રહ્યું હતું. હિથ્રો ઍરપોર્ટ દૂર જઈ રહ્યું હતું. રન વે પર દોડતું ઍરક્રાફ્ટ અચાનક ઊંચકાયું.વિનાયકે છાતીમાં એક થડકાર અનુભવ્યો.વિનાયકે બંને આખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. લંડનની સ્મૃતિઓની વણઝાર પણ જાણે કે હવે સમાપ્ત થઈ રહી હતી. અચાનક ઍરક્રાફ્ટે વળાંક લીધો. બિલકુલ વિનાયકના જીવનના વળાંકની જેમ જ…

વિનાયક પુરાં સાત વર્ષ બાદ વતનમાં જઈ રહ્યો હતો. પ્રયત્ન કરવા છતાં પણ તેના ચહેરા પર સ્મિત આવી શકતું નહોતું. લંડન આવ્યા બાદ કુણાલ સાથેનો ફોન પરનો સંપર્ક ક્રમશઃ ઓછો થઈ ગયો હતો. નેહા સાથે તો ભારત છોડ્યું ત્યારથી કોઈ જ સંપર્ક નહોતો. બંને વચ્ચે પહેલ કોણ કરે તે ઇગો નો ટકરાવ જ જાણે કે મુખ્ય ઇશ્યૂ બનીને રહી ગયો હતો. નેહાની યાદ આવતાં વિનાયકની આંખમાં વધારે ઉદાસી છવાઈ ગઈ.

આવતીકાલે અચાનક અમદાવાદ પહોંચીને મા દીકરાની ગતિવિધિ જોઈને જ  વિનાયકના જીવનનું ભાવિ નક્કી થવાનું હતું. વિનાયક વિચારી રહ્યો..જિંદગી પણ જિગ્સો પઝલ જેવી જ હોય છે ને? નસીબદાર હોય તેના જીવનના દરેક ટુકડા યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જતાં હોય છે..અને જો ના ગોઠવાય તો માણસ એકલતાનું આકાશ ઓઢીને જીવવા માટે મજબૂર થઈ જતો હોય છે.

વહેલી સવારે અમદાવાદ ઍરપોર્ટ પર ઊતરીને વિનાયકે શાહીબાગની એક હોટેલમાં જ ઊતરવાનું પસંદ કર્યું. ફ્રેશ થઈને તેણે સેલ ફોનમાં કુણાલનું ફેસબુકનું એકાઉન્ટ સર્ચ કર્યું. કુણાલના પ્રોફાઈલમાં તેનો લેટેસ્ટ ફોટો જોઈને વિનાયકની આંખો ઝીલમિલાઈ. કુણાલ યુવાન અને એકદમ સ્માર્ટ દેખાતો હતો. કુણાલ માસ્ટર ડિગ્રી કરી રહ્યો હતો.તેની હોસ્ટેલનું લેટેસ્ટ એડ્રેસ પણ તેમાં હતું.વિનાયકે રિક્ષા તે એડ્રેસ પર જ લેવડાવી.રિક્ષા છોડીને વિનાયક હોસ્ટેલના દરવાજામાં પ્રવેશ્યો. જોગાનુજોગ કુણાલ સામેથી જ આવી રહ્યો હતો. બંનેની આંખો એક થઈ. કુણાલની આંખમાં ચમક આવી ગઈ. ‘અરે, પપ્પા તમે? ક્યારે આવ્યા?’ ‘આજે સવારે જ.’ વિનાયકનો અવાજ રૃંધાઈ ગયો. કુણાલ વિનાયકને પગે લાગ્યો. વિનાયકને ઘણી ઇચ્છા થઈ કે તે કુણાલને ભેટી પડે, પણ તે તેમ કરી ના શક્યો.

‘ચાલો પપ્પા, સામે રેસ્ટોરન્ટમાં બેસીએ.’ બંને રસ્તો ક્રોસ કરીને જઈ રહ્યા હતા ત્યાં જ એક મોંઘી કાર બાજુમાં જ આવીને ઊભી રહી. તેમાંથી એક સુંદર બોબ્ડ હેરવાળી છોકરી ઊતરી. ‘હાય કુણાલ.’   જવાબમાં કુણાલ બોલ્યો, ‘હાય નિધિ.’ વિનાયક તે છોકરીને નિહાળી રહ્યો. ‘પપ્પા, શી ઈઝ માય ગર્લ ફ્રેન્ડ..’ ‘નિધિ, આ મારા પપ્પા..આજે જ લંડનથી આવ્યા છે.’ કુણાલે પરિચય કરાવ્યો. નિધિ તરત જ વિનાયકને પગે લાગી.

‘નિધિ સાંજે નિરાંતે મળીશું? આજે તો પહેલાં પપ્પા.’ કુણાલે ચહેરા પર રમતિયાળ સ્મિત વેરીને કહ્યું. ડ્રાઇવર હજુ કાર વાળી જ રહ્યો હતો. નિધિએ તેને ઇશારો કરીને કાર ઊભી રાખવા જણાવ્યું. નિધિ તરત જ

કારની પાછલી સીટમાં બેસીને રવાના થઈ ગઈ. રેસ્ટોરન્ટમાં ખુરશી પર બેસતા વિનાયક બોલ્યો, ‘બેટા, મેં તને ડિસ્ટર્બ તો નથી કર્યો ને?’ ‘બિલકુલ નહીં પપ્પા.’ કુણાલે તેના લાંબા ઝુલ્ફામાં બંને હાથ ફેરવતા કહ્યું.              વેઇટર બે ચા મૂકી ગયો. ‘પપ્પા તમે ત્યાં એકલા જ રહેતા હતા?’ કુણાલે મુદ્દાનો સવાલ પૂછ્યો. વિનાયકની આંખ સમક્ષ એકાદ ક્ષણ માટે નેન્સીનો રૃપાળો ચહેરો દેખાઈને ઓઝલ થઈ ગયો. વિનાયકને યાદ આવ્યું, નેન્સી તેની સાથે ક્યાં રહેતી હતી?

‘હા..કુણાલ હું ત્યાં એકલો જ રહેતો હતો. મેં મારા હિસ્સાની વફાદારી નિભાવી છે.’ વિનાયક ધીમેથી બોલ્યો.

‘પપ્પા, હું ભલે અહીં હોસ્ટેલમાં અલગ રહું છું, પણ તમને ખાતરી સાથે કહું છું કે મમ્મીના જીવનમાં પણ તમારા સિવાય બીજો કોઈ પુરુષ નથી આવ્યો. હું દર રવિવારે મમ્મીને મળવા ઘરે જાઉં છું.’

‘તું ત્યાં જ કેમ નથી રહેતો?’

‘મને તો હોસ્ટેલમાં જ રહેવાનું ગમે છે.’ કુણાલે નિખાલસતાથી કહ્યું.

વિનાયકે નિસાસો નાખ્યો. ઘરની દીવાલોમાં તિરાડો પડે તે સારું, પણ માતા પિતાના જીવનમાં પડતી તિરાડો તો બાળકને હોસ્ટેલમાં ગોઠતું કરી દે છે.

Related Posts
1 of 255

‘કુણાલ, આ નિધિ સાથે લગ્નનું વિચાર્યું કે નહીં?’ વિનાયકની અનુભવી આંખે કુણાલ અને નિધિની આંખમાં એકબીજા પ્રત્યેનો સ્નેહભાવ ભાળી લીધો હતો. કુણાલ શરમાઈને નીચું જોઈ ગયો. ‘પપ્પા, તેણે તો મને પ્રપોઝ કર્યું જ છે. મારી હિમ્મત નથી થતી.’ કુણાલે ધીમેથી જવાબ આપ્યો.

‘કેમ?’ વિનાયકને નવાઈ લાગી. ‘પપ્પા, તે લોકો ખૂબ જ પૈસાવાળા છે. તેમના બંગલામાં રસોઇયા, માળી અને ડ્રાઇવરોની ફોજ છે. મને ડર લાગે છે કે હું નિધિને સુખી નહીં કરી શકું. હું નથી ઇચ્છતો કે લગ્ન બાદ તેને અસંતોષની આગમાં શેકાવું પડે..મમ્મીની જેમ.’ કુણાલે વિનાયકની આંખમાં જોઈને કહ્યું.

વિનાયક ખળભળી ઊઠ્યો. કુણાલની વાત સાવ સાચી હતી. નેહાના પિયર પક્ષ  પાસે કાંઈ જ નહોતું છતાં તેને વિનાયકની આર્થિક સ્થિતિથી ભારે અસંતોષ હતો. તેના અસંતોષી સ્વભાવને કારણે જ નેહા હંમેશાં વિષાદમાં જ રહેતી હતી અને પતિપત્ની વચ્ચેનું અંતર વધી ગયું હતું. જ્યારે કુણાલના કિસ્સામાં તો નિધિનો પરિવાર અતિશય ધનવાન હતો.

‘શું વિચારમાં પડી ગયા પપ્પા?’

‘કુણાલ, જીવન ક્યારેય આપણી ધારણા પ્રમાણે ચાલતું નથી. બની શકે કે નિધિનો સ્વભાવ સંતોષી હોય તો તારે તેને સુખી કરવા માટે ખાસ પ્રયત્નો ના પણ કરવા પડે.’ વિનાયકે એકદમ હકારાત્મક અભિગમ દર્શાવતાં કહ્યું.

ચાનો ખાલી કપ ટેબલ પર મુકીને વિનાયક બોલ્યો, ‘હું તારી મમ્મીને સ્કૂલે મળવા જાઉં છું.’ ‘પપ્પા, આજે તો જાહેર રજા છે. અત્યારે તો મમ્મી આપણા ઘરની પાછળ શિવજીનું મંદિર છે ત્યાં બેઠી હશે.’

વિનાયક રિક્ષામાં સીધો મંદિરે જ પહોંચ્યો. નેહા મંદિરના ઓટલે એકલી જ બેઠી હતી. વિનાયકને જોઈને તે ઊભી થઈ ગઈ. તેની આંખોમાં આંસુ તગતગ્યા.

‘ઘરે તાળું જોઈને આવ્યા?’

‘ના, સીધો અહીં જ આવ્યો. કુણાલને મળવા ગયો હતો. તેણે કહ્યું કે અત્યારે તું અહીં જ મળીશ.’ બંનેએ ઘર તરફ ચાલવાનું શરૃ કર્યું. થોડી વાર માટે બંને વચ્ચે ભારે મૌન પથરાઈ ગયું. વીતેલાં સાત વર્ષના સમયનો પહાડ બંનેને અકળાવી રહ્યો હતો.

આખરે નેહા બોલી. ‘કુણાલ કાંઈ બોલ્યો?’

‘જોગાનુજોગ તેની ગર્લફ્રેન્ડ નિધિ સાથે પણ મુલાકાત થઈ.નિધિ કુણાલ સાથે લગ્ન કરવા માગે છે. આપણુ લગ્નજીવન જોઈને કુણાલની હિમ્મત નથી થતી.’ વિનાયકે નેહાના ઇગોને ઠેસ ના પહોંચે તે રીતે એક એક શબ્દ ગોઠવીને કહ્યું.

નેહા ચાલતાં ચાલતાં ઊભી રહી ગઈ. ‘શું, મારી એકલીનો જ વાંક હતો?’ નેહાએ વિનાયકની આંખમાં જોઈને પૂછ્યું.

‘નેહા, આપણા બે વચ્ચે કોઈ ત્રીજું પાત્ર ક્યારેય આવ્યું જ નથી. ઇવન છેલ્લાં સાત વર્ષમાં પણ નહીં..તો પછી આટલું બધું દર્દ આપણે શા માટે ઝીલવું પડે છે?’

નેહા મૌન થઈ ગઈ. બંને ઘર તરફ ચાલવા લાગ્યાં.

ચાલતાં-ચાલતાં ઘર આવી ગયું. નેહાએ દરવાજો ખોલ્યો. એ જ ચિતપરિચિત ઘરની હવા વિનાયકને સ્પર્શ કરીને જતી રહી.

વિનાયક ગળગળો થઈ ગયો. ‘નેહા, હજુ પણ મોડું નથી થયું. કુણાલ માટે થઈને પણ આપણે ફરીથી એક ન થઈ શકીએ?’

‘વિનાયક, આપણે અલગ હતાં જ ક્યારે? લડતાં ઝઘડતાં પણ આપણે એક છત નીચે રહેતાં જ હતાં ને? સાત વર્ષ બાદ પણ તમે ઘરે પરત આવ્યા જ ને? શા માટે? લાગણીનો કોઈક એવો તંતુ તો જરૃર છે જ જે આપણને એક તાંતણે બાંધી રાખે છે.’ નેહા રડી પડી.

વિનાયકની આંખમાં પણ સાત વર્ષનું ચોમાસું એકસાથે બેસી ગયું. બંને ભેટી પડ્યાં. બંનેને ખ્યાલ નહોતો કે ઘરનો દરવાજો ખુલ્લો છે અને કુણાલ હર્ષનાં આંસુ સાથે ત્યાં જ ઊભો છે. અચાનક નેહાનું ધ્યાન બારણામાં ઊભેલા કુણાલ પર પડ્યું. તે વિનાયકથી અલગ થવા ગઈ, પણ તે પહેલાં જ કુણાલ દોડીને મમ્મી-પપ્પાને વળગી પડ્યો. કેટલીયે વિટંબણાઓ બાદ આજે ત્રણેયના જીવનમાં સુખનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સાંજે નેહા તૈયાર થવા લાગી. ‘બહાર જવાનો પ્રોગ્રામ છે?’ બાપ દીકરો એકસાથે બોલી ઊઠ્યા.

‘તમે બંને પણ તૈયાર થઈ જાવ. આપણે સાથે જ જવાનું છે.’

‘ક્યાં?’ ફરીથી બાપ દીકરો સાથે જ બોલી ઊઠ્યા.

‘નિધિની ઘરે માંગું નાખવા. ગમે તેમ તો પણ આપણે

છોકરાવાળા છીએ.’

વિનાયક, નેહા અને કુણાલ તૈયાર થઈને બહાર નીકળ્યાં ત્યારે આકાશમાંથી વાદળાં છૂટાં પડી રહ્યાં હતાં. સપ્તરંગી મેઘધનુષ  દેખાઈ રહ્યું હતું. હા…આકાશ પણ હવે એકલું નહોતું.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »