તમારા માટે, તમારી સાથે, સતત…

મોના ઉપર કોઈ રીતે શંકા આવી હોય તો….

મોના નહાવા ગઈ એટલે એણે મોનાનો મોબાઇલ ચેક કર્યો.

0 210
  • નીલમ દોશી   હરીશ થાનકી

‘એક અધૂરી વાર્તા’ – નવલકથા – પ્રકરણ-૨૫

વહી ગયેલી વાર્તા

દેશના અગ્રગણ્ય વિજ્ઞાની ડૉ. કુલદીપ આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપ ઇવાના પ્રેમને નકારી દે છે તેથી ઇવા તેને છોડીને ચાલી જાય છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. મોના રાજેન વકીલ નામની વ્યક્તિને પ્રેમ કરે છે. રાજેન ગુપ્ત રીતે આતંકવાદીઓની માહિતી એકઠી કરી સરકારને આપવાનું કામ કરતો હોય છે. મોના રાજેનને તેના આ કામમાં સાથ આપે છે. ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. આ તરફ કુલદીપ તેની સેક્રેટરી  આયનાને ઇવાના સર્જન અને વિસર્જનની વાત કરે છે. આ વાતની જાણ થતાં આયના કુલદીપને આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે અને મોનાની મદદ લે છે. મોના કુલદીપ અને આયનાની ઓળખાણ રાજેન સાથે કરાવે છે. રાજેન જે ગ્રૂપ સાથે સંકળાયેલો હોય છે તેના વડા કામ્બલી રાજેનને અમદાવાદમાં આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની વાત કરે છે. ઝાયેદ મોનાને અમદાવાદના જુદા જુદા ઠેકાણા બતાવે છે. જોકે, તે મોનાને તેનો પ્લાન નથી જણાવતો. મોના આ બધી વાત રાજેનને કરે છે. રાજેનને મોનાની ચિંતા સતાવવા લાગે છે. રાજેન મોનાની સુરક્ષા માટે વિક્રમસિંહ નામના વ્યક્તિને નિયુક્ત કરે છે. બીજી તરફ આયનાને ખ્યાલ આવે છે કે ડો. કુલદીપને આતંકવાદી હુમલા કે અન્ય કોઇ ઘટનાઓમાં રસ નથી તેથી તે તેના મિત્ર રણવીરસિંહની મદદ લેવાનું નક્કી કરે છે. રણવીર અને આયના કોલેજમાં સાથે હોય છે. રણવીર આયનાને પ્રેમ કરતો હોય છે પણ આયના સમક્ષ તેનો એકરાર નથી કરી શકતો. મોના રાજન સાથે વાત કરવા અડધી રાત્રે હોટેલના કાઉન્ટર પરથી ફોન કરે છે. ઝાયેદ મોનાની જાસૂસી કરવા તેની પાછળ જાય છે પણ મોનાને એ વાતની ખબર પડી જતાંં તે સતર્ક થઇ જાય છે. રાજેન અને મેજર કામ્બલી અમદાવાદ આવવા નીકળે છે. ઝાયેદે બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્ર માટે જુદાં જુદાં પ્લાન ઘડી રાખ્યા છે અને જો તેમાં ચૂક થાય તો મોનાને મોતને ઘાટ ઉતારવાની પણ તૈયારી કરે છે. બીજી બાજુ રણવીર અને આયના પણ અમદાવાદ પહોંચે છે. રરાજેન અને મેજર કામ્બલી આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવવા અને તેમને રંગેહાથ પકડવા અમદાવાદ પહોંચે છે. રાજેનને મોનાની ચિંતા થઇ આવે છે. બીજી બાજુ આયના અને રણવીર પણ અમદાવાદ પહોંચે છે અને આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ કરવાના કામમાં લાગે છે. રણવીર, આયના, મેજર કામ્બલી અને રાજેન હોટેલના રુમમાં એકબીજાને મળે છે. રાજેન અને રણવીર વચ્ચે મોનાની સુરક્ષાને લઇને વાત થાય છે. રણવીર રાજેનને ખાતરી આપે છે કે સરકાર અને સમગ્ર ઓપરેશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ મોનાની સુરક્ષાને લઇને કટિબદ્ધ છે. રણવીરની વાત સાંભળીને રાજેનના જીવમાં જીવ આવે છે. ઝાયેદને અફઝલ ખાનનો ફોન આવે છે. જેમાં ષડયંત્રની જાણ સરકારને થઇ ગઇ હોવાની વાત તે ઝાયેદને કરે છે. પ્લાન લીક કરવા માટે મોના પર શંકા કરવામાં આવે છે. તેથી બોમ્બ બ્લાસ્ટ થતાંની સાથે જ મોનાને પણ ખતમ કરવાની સૂચન અફઝલ ખાન ઝાયેદને આપે છે. અફ્ઝલ ખાને મોનાને લઇને વ્યક્ત કરેલી શંકાની ખાતરી કરવા ઝાયેદ મોનાની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. તે મોનાને પ્લાનમાં ફેરફાર થયો હોવાનું કહે છે. બીજા દિવસે પ્લાનને અમલમાં મૂકવાની વાત મોનાને કરે છે. મોના આ વાત રાજેન સુધી પહોંચાડે છે. ઝાયેદ ખાતરી કરવા મોનાથી થોડો દૂર જાય છે પણ મોનાની રાજેન સાથેની કોઇપણ પ્રકારની વાતચીત સંભળાતી નથી કારણકે મોનાએ રાજેનને મેસેજ કર્યો હોય છે. કામ્બલી, રણવીર, માથુર, રાજેન મોનાનો મેસેજ વાંચીને ચિંતિંત થઇ જાય છે કે પ્લાનમાં ફેરફાર કેવી રીતે શક્ય બને. રાજેનને મોનાની ચિંતા થઇ આવે છે.

હવે આગળ વાંચો…

મોના નહાવા ગઈ એટલે એણે મોનાનો મોબાઇલ ચેક કર્યો. કૉલ રજિસ્ટર..મેસેજ લિસ્ટ જોઈ લીધું..એમાં કશું શંકાસ્પદ નહોતું. હવે એને હવે ખાતરી થઈ ગઈ કે મોના સો ટકા તેના પ્લાનને વફાદાર જ છે. તેના પર શંકા રાખવાનો કશો અર્થ નથી. છતાં પણ એ એક આતંકવાદી સંગઠનનો વડો હતો..એ એક પણ ભૂલ કરવા માગતો નહોતો. હવે મોના પાસે મોબાઇલ રાખવાની ભૂલ એ ન જ કરી શકે, પણ…તેના આયોજન મુજબ મોબાઇલ હજુ થોડો સમય મોના પાસે રહેવા દેવો જરૃરી હતો.

એ હસ્યો અને પછી થોડો ગંભીર બની ગયો. મોના પાસે રહેલો મોબાઇલ જ મોનાની ઓળખ છતી કરવાનો હતો.

આવતીકાલે જે રમત એ રમવાનો હતો તે એકદમ સરળ રમત હતી. છતાં પણ બહુ જ મહત્ત્વપૂર્ણ હતી. મોના પાસે શુક્રવારે બોમ્બ મુકાવતા પહેલાં એ મોના વિષે એકદમ આશ્વસ્ત થઈ જવા માગતો હતો. ઇવા વખતે થયેલી ભૂલને કારણે પ્લાન બદલવો પડ્યો હતો. આ વખતે એ એક પણ ચાન્સ લેવા માગતો નહોતો. બધા જ પ્યાદા ગોઠવાઈ ગયા હતા.

એણે પોતાનું લેપટોપ ખોલ્યું. જેમાં એક મેઈલ ટાઇપ કર્યો અને પછી તેને ક્યાંય મોકલવાને બદલે ડ્રાફ્ટ તરીકે સેવ કરી લીધો.

એમાં લખ્યું હતું…કાલે ગાડીની ટેસ્ટ ડ્રાઇવ લેવાની છે. જો રેડી હશે તો જ તેને લોન્ગ ડ્રાઇવ પર લઈ જવામાં આવશે.

આ તેના સંગઠનના લોકોની એક સ્ટ્રેટેજી હતી. એમણે એક ઇ-મેઈલ એકાઉન્ટ બનાવ્યું હતું જેનો પાસવર્ડ સંગઠનના મુખ્ય ચાર લોકો જાણતા હતા. એ ચારેય ક્યારેય એકબીજાને ઇ-મેઈલ નહોતા કરતા. ફક્ત મેઈલ લખી સેવ કરી લેતા. ચારેય પાસે પાસવર્ડ હોવાથી ગમે તે એ મેઈલ એકાઉન્ટ ખોલી ડ્રાફ્ટ જોઈ શકતા. આ પદ્ધતિમાં ઇ-મેઈલ ટ્રેસ થવાની શક્યતા ન રહેતી. આ આઇડિયા ઝાયેદના ફળદ્રુપ ભેજાની કમાલ હતી. એ ટૅક્નોલોજીનો ઉપયોગ કેમ કરવો તે સારી રીતે જાણતો હતો.

બરાબર ત્યારે માથુર સાહેબનો ફોન રણક્યો હતો.

એમાં જે માહિતી મળી એનાથી માથુર વધારે ગૂંચવાયા હતા. બેમાંથી સાચી માહિતી કઈ?

પ્લાનના અમલમાં જો મોડું થવાનું હોય તો મોનાનો ખાતમો કરી દેવાની સૂચના અપાઈ હતી. અર્થાત પ્લાનના અમલ માટેનો જરૃરી સામાન હજુ કોઈ કારણસર પહોંચ્યો તો નહોતો જ.

તો પછી મોનાના મેસેજનું શું? રહી રહીને માથુરને એ સવાલ મૂંઝવી રહ્યો હતો.

મોનાના મેસેજ મુજબ આવતી કાલે જ હુમલો થવાનો હતો અને મોના અંદર હતી. આતંકવાદીઓ સાથે હતી. એનો મેસેજ પણ ખોટો ન હોઈ શકે. જ્યારે પોતાના ખબરીએ ચોખ્ખું કહ્યું હતું કે આવતીકાલે હુમલો થવાના કોઈ ચાન્સ નથી. હજુ એમની તૈયારી પૂરી થઈ જ નથી.  

મૂંઝાયેલા માથુર માથું ખંજવાળી રહ્યા.

કઈ માહિતી ઉપર વિશ્વાસ મૂકવો? કોણ સાચું અને કોણ ખોટું? મોના કે પોતાનો ઇન્ફોર્મર? કેવી રીતે નક્કી કરવું? કોઈ ચાન્સ લઈ શકાય એમ નહોતું. કોઈ પણ સંજોગોમાં નિષ્ફળ જવાનું નહોતું.

હવે.. ? હવે શું કરવું જોઈએ? એ વિચાર માથુરના મગજમાં ઘણની જેમ વાગતો રહ્યો. આખી રાત એક પછી એક સિગારના ધુમાડા નીકળતા રહ્યા. જાણે એ ધુમાડામાંથી કોઈ એલિયન આવીને એને સાચી વાત કહી ન જવાનો હોય?

આવશે એવો કોઈ એલિયન? કે વીજળીનો કોઈ ચમકાર થશે?

મોનાનો મેસેજ અને પોતાના એજન્ટે આપેલ મેસેજ..બંને અલગ-અલગ માહિતી આપતા હતા, એથી  આખી રાત અસમંજસમાં અટવાયેલા માથુરે થોડી વાર આંખો બંધ કરી. મનમાં જ આખી વાત ફરી એકવાર ગોઠવીને  વિચારવા લાગ્યા.

આ તેમની હમેશની આદત હતી. જ્યારે કોઈ પણ ગૂંચવાડો ઊભો થાય ત્યારે આંખો બંધ કરી, થોડા ઊંડા શ્વાસ લઈ મગજને શાંત પાડી ફરી એકવાર આખી વાત નવેસરથી વિચારવી. આમ કરવાથી એમને મોટે ભાગે કોઈ ને કોઈ ઉપાય સૂઝી આવતો. ખાસ્સી અકળામણ પછી માથુરે દિમાગને માંડ-માંડ શાંત કર્યું. શાંત ચિત્તે બધાં પાસાંઓના અંકોડા મેળવી જોવા જરૃરી હતા.

થોડા પ્રયાસો પછી અંદરથી મન થોડું શાંત થયું. માથુરે આંખો બંધ કરી. બંધ આંખે કદાચ એમનું દિમાગ ઝડપથી કામે લાગ્યું. થોડી જ વારમાં તેના કમ્પ્યુટર જેવા  દિમાગમાં એક પછી એક અંકોડા ગોઠવાવા લાગ્યા.

ઝાયેદ એક ખૂંખાર પરંતુ ટેલેન્ટેડ માણસ હતો. મોના ઉપર કોઈ રીતે શંકા આવી હોય અને તેણે મોનાને ચકાસવા ખોટી માહિતી આપી હોય કે પ્લાન આવતીકાલે જ અમલમાં મૂકવાનો છે. એટલું જ નહીં, બની શકે એ એક ડમી પ્લાન પણ ગોઠવે. ખરેખર તો બોમ્બનું પ્લેસમેન્ટ શુક્રવારે જ કરવાનું હોય. હવે જો મોના સરકારી એજન્ટ હોય અને ઝાયેદને ડબલ ક્રોસ કરતી હોય તો એ મેસેજ પોતાના બોસને પહોંચાડે જ કે આવતીકાલે આતંકી હુમલો થવાનો છે. એટલે ભારત સરકાર તરફથી કોઈ હિલચાલ શરૃ થાય જ. આવું કશું બને તો એમને ખાત્રી થઈ શકે કે મોના ગદ્દાર છે. મોનાની સચ્ચાઈ જાણવા માટે ઝાયેદે આવો પ્લાન ગોઠવવો જ પડે.

તો પોતે શું કરવું જોઈએ?

હવે કદાચ એમની પાસે બે ઓપ્શન  બચ્યા હતા. એક તો મોનાના મેસેજને સાચો માની આવતીકાલે રણવીર અને તેના સાથીઓ મોનાને હોટેલથી જ ફોલો કરે અને મોના જેવી ક્યાંય પણ સૂટકેસ મુકે અને ત્યાંથી રવાના થાય એટલે રણવીર અને તેના સાથીઓ તુરત જ એ સૂટકેસ ઉપાડી લે અને ખોલીને તેમાં જો બોમ્બ હોય તો ડિફ્યુઝ કરી નાખે, પરંતુ આમ કરવામાં એક મોટું જોખમ એ હતું કે ધારો કે એ એક ડમી સૂટકેસ હોય કે જેમાં બોમ્બ હોય જ નહીં. રણવીર અને તેના સાથી જેવા એ સૂટકેસને સ્પર્શે એટલે ઝાયેદનો કોઈ માણસ કે જે મોનાની પાછળ જ હોય એ ઝાયેદને ફોન કરી જ દે અને બીજી જ પળે ઝાયેદને મોના સરકારી એજન્ટ છે તેની ખાતરી થઈ જાય. એટલે પછી એ  લોકો મોનાને ખતમ કરવામાં એક મિનિટ પણ ન બગાડે.

બીજો ઓપ્શન એ હતો કે પોતાના એજન્ટની વાત પર શ્રદ્ધા રાખી આવતીકાલે મોનાને ફોલો ન કરવી, પણ એમ કરવામાં જોખમ ઓછું નહોતું. હતું. ધારો કે મોના જે સૂટકેસ લઈને જાય તેમાં ખરેખર જ બોમ્બ હોય અને અનેક લોકોથી ભરચક જગ્યાએ બ્લાસ્ટ થાય તો કેટલા નિર્દોષ લોકો જીવ ગુમાવી બેસે? નહીં નહીં, માત્ર ધારણાના આધારે આવડું મોટું જોખમ તો લઈ જ ન શકાય. વળી, જો આવું કશું બને તો એ પીએમને એ વાતનો શું જવાબ આપે કે પોતાની પાસે આતંકી હુમલાની માહિતી હોવા છતાં તેણે શા માટે કોઈ એક્શન ન લીધા?

એક તરફ પોતાને નિસ્વાર્થભાવે મદદ કરી રહેલી મોના હતી..બીજી તરફ અનેક લોકોની જિંદગીનો સવાલ હતો. માથુરે બેમાંથી ગમે તે એકની પસંદગી કરવાની હતી. એનું દિમાગ ભયંકર કશ્મકશ અનુભવી રહ્યું હતું.

બરાબર અડધો કલાક પછી રણવીરનો મોબાઇલ રણક્યો. રણવીરે અધીરતાથી ફોન ઉપાડ્યો.

રણવીર, ધ્યાનથી સાંભળ…કહી માથુર દસ મિનિટ સુધી બોલતા રહ્યા..રણવીર એકચિત્તે સાંભળતો રહ્યો..વાતનું સમાપન કરતી વેળા માથુરે ફરીથી કહ્યું,

રણવીર, બી કૅરફુલ..તારી પાસે બહુ થોડો સમય રહેશે. તારે જાદુગરની ઝડપ કરવી પડશે.

નો પ્રોબ્લેમ સર, આવતીકાલે અમદાવાદમાં એશિયાના મહાન જાદુગર રણવીર તેની માયાજાળ પાથરશે..કહી હસી પડ્યો. 

એટલી ગંભીર પરિસ્થિતિમાં પણ તેને હસતો સાંભળી સામે છેડે માથુરના ચહેરા પર પણ અનાયાસે હળવું સ્મિત ફરી વળ્યું. 

પ્યાદા ગોઠવાવા લાગ્યા હતા. બધા પોતપોતાની બાજી રમવા તૈયાર હતા.

બીજા દિવસે સવારે ઝાયેદ હાથમાં નાની સૂટકેસ લઈ હોટેલના ગેટ પર આવીને ઊભા રહ્યો. એટલે થોડીવારમાં જ અફ્ઝલ ખાન ગાડી લઈને આવી પહોંચ્યો. ઝાયેદ કારમાં અફઝલ ખાનની બાજુની સીટ પર ગોઠવાયો. પાછળની સીટ પર મોના સૂટકેસ સાચવીને બેઠી. સવારનો સમય હતો છતાં પણ ટ્રાફિક ઘણો હતો. અફઝલ ખાન કંઈક ઊંડા વિચારમાં ડૂબેલો હતો. કદાચ તેના વિચારોનું કેન્દ્ર અત્યારે મોના હતી. મોનાને ચકાસ્યા પહેલાં તે કશું કરી શકે એમ નહોતો.

ઝાયેદ વિચારતો હતો કે ગફૂરને કાલુપુર સ્ટેશન પર વહેલા પહોંચી જવાનું કહ્યું હતું એ પહોંચી ગયો હોય તો સારું. એક વખત તેને ગફૂરને ફોન કરવાની ઇચ્છા થઈ આવી, પરંતુ કૈક વિચારીને એ ઇચ્છા દબાવી દીધી.

અફઝલ ખાન ગાડી ચલાવતી વખતે વારંવાર બૅક-વ્યૂ મિરરમાંથી મોનાનો ચહેરો જોઈ રહ્યો હતો. મોના એકદમ શાંત નજરે અમદાવાદના ટ્રાફિકને નિહાળી રહી હતી.

કમબખ્ત કાં તો મૂર્ખ છે કાં તો એકદમ ધૂર્ત..ચહેરા પર કોઈ પણ જાતનો ભાવ આવવા દેતી નથી.

અફઝલ ખાન મનમાં જ બબડ્યો.

અચાનક તેણે ગાડી અને વિચાર બંનેને બ્રેક મારવી પડી. એક ભિખારી જેવો લાગતો માણસ રસ્તો ઓળંગતી વેળા તેની કાર સાથે અથડાતો અથડાતો રહી ગયો.

Related Posts
1 of 34

અબે અંધા હૈ ક્યા? ખુદ તો મરેગા હમકો ભી મરવાયેગા ક્યા?’ બબડતા અફ્ઝલ ખાને ઓચિંતી મારવી પડેલી બ્રેકને કારણે  ઊભી રહી ગયેલી કારને ફરીથી ચાલુ કરી ત્યારે કારની અંદર બેઠેલા ત્રણમાંથી કોઈને ખ્યાલ ન આવ્યો કે એ બે પાંચ પળ માટે ઊભી રહી ગયેલી કારના પાછળના ભાગે એક અજાણ્યા માણસે વીજળીની ત્વરાથી એક નાનકડા બટન જેવું કશુંક ચિપકાવી દીધું હતું..

કાલુપુર સ્ટેશનની બહાર આવેલા કાર પાર્કિંગમાં અફ્ઝ્લ ખાને ગાડી પાર્ક કરી એટલે મોનાએ એક નંબર લખેલી સૂટકેસ હાથમાં લીધી અને કારનો દરવાજો ખોલી બહાર આવી.

સાચવીને જજે અને તને બતાવેલી જગ્યાએ વજનકાંટા અને પિલર વચ્ચેના ખાંચામાં જ મૂકજે. ભૂલ ન કરતી..

ઝાયેદની સૂચના સાંભળી મોનાએ હકારમાં માથું ધૂણાવ્યું. તે જાણતી હતી કે તેના હાથમાં શું હતું અને તેનું મહત્ત્વ શું હતું, પણ સાથે-સાથે બીજી એક વાત પણ તે જાણતી હતી જેની ઝાયેદ કે અફ્ઝલ ખાનને કલ્પના સુધ્ધાં નહોતી.

મોના હાથમાં બેગ લઈ સ્ટેશન પર ચાલવા લાગી.

મોના થોડે દૂર ગઈ એટલે ઝાયેદે એક નામ ડાયલ કર્યું,

ગફૂર તું વહા પે આ ગયા હૈ ના..

હા સાબ, મેં કબકા આ ગયા હું. મગર અબ તક યહાં કોઈ આયા નહીં હૈ.

બસ, આસમાની રંગ કે ડ્રેસવાલી એક લડકી હાથમંે કાલે રંગકી સૂટકેસ લેકે વહા  પહૂંચને હી વાલી હૈ. વો તેરી નઝરકે સામને હી સૂટકેસ કો વહા રખ્ખેગી. વો ઠીક સે રખતી હૈ કિ નહીં વો ભી તુમ્હે દેખના હૈ ઔર ઉસકે ચલે જાને કે બાદ ભી આધે ઘંટે તક તુઝે ઉસ પર નઝર રખના હૈ..અગર કોઈ આકે ઉસે ઉઠાયે, યા લે જાયે યા કોઈ ભી છોટી સે છોટી હરકત ભી બેગ કે સાથ કરે તો તુરંત હી મુજે બતાના હૈ. ઔર અગર…એઈસા કુછ ના હો તો આધે ઘંટે કે બાદ તું ખુદ હી સૂટકેસ લેકે તેરે ઘર ચલે જાના..સમઝ ગયા ન?’

હા સાબ..

ઝાયેદે ફોન કાપ્યો..

આવું બધું કરવાની શી જરૃર હતી?’ આ આખાયે પ્લાનથી નારાજ એવા અફ્ઝલ ખાને ઝાયેદને પૂછ્યું..

જરૃર હતી. ખાન, ખૂબ જરૃર હતી. ઝાયેદ કોઈ કામ વગર વિચાર્યું કરે જ નહીં. આપણી, ખાસ કરીને તમારી શંકા નિર્મૂળ કરવા આ ખૂબ જરૃરી હતું.

અફઝલ ખાને ઝાયેદ સામે જોયું. તેનો પ્રશ્ન સમજી ગયેલા ઝાયેદે કહ્યું, ‘ધારો કે પોલીસ ત્યાં પહોંચીને સૂટકેસ ઉપાડી લે કે કોઈ પણ પગલું ભરે તો તો આપણે સમજી જવાનું કે મોના સરકારી એજન્ટ છે અને આપણી સાથે ડબલ ક્રોસ કરે છે અને આપણે એ મિનિટે જ મોનાનું કામ તમામ કરી શકીએ. મેં મોના પાસે એટલા માટે મોબાઇલ રહેવા જ દીધો હતો કે જો એ ગદ્દાર હશે તો તેના બોસને માહિતી પહોંચાડશે. મોના ક્યાં જાણે છે કે સૂટકેસમાં કશું જ નથી.

મોનાની પરીક્ષા લેવા નીકળેલા ઝાયેદ કે અફઝલ ખાનને કલ્પના પણ નહોતી કે સૂટકેસ ખાલી છે કે ભરેલી તે જાણવાની જરૃર જ મોનાને નથી. આખી સૂટકેસ જ બદલાઈ ગઈ છે તે જાણતી હોવાથી મોનાને સૂટકેસ મૂકવામાં કોઈ હિચકિચાહટ નથી થવાનો. 

 ‘ઓકે.. હવે?’

હવે શું? મોના આવે એટલે રાજકોટ હાઈ-વે પર ગાડી લઈ એક આંટો મારવાનો. કેમ કે ગફૂરનો ફોન ન આવે અને મોના વિશે ખાત્રી ન થાય ત્યાં સુધી મોનાને એક મિનિટ પણ રેઢી ન મૂકાય કે એને શંકા આવે એવું કશું ન કરાય. જો ગફૂરનો ફોન આવશે કે પોલીસે સૂટકેસનો કબજો લીધો છે કે પછી એવી બીજી કોઈ હિલચાલ કરી છે તો પછી કોઈ અવાવરું જગ્યાએ જઈ મોનાને આ સાયલેન્સર ચઢાવેલી પિસ્તોલ વડે અવ્વલ મંજિલ પહોંચાડી અને પછી લાશને ક્યાંક ઠેકાણે પણ પાડવી પડશે ને..?’

ઝાયેદના અવાજમાં ઠંડી ક્રૂરતા ભળી. અફઝલ ખાને ડોકું હલાવ્યું.

અને એવું કશું ન બને તો?’

તો મોના પર શંકા રાખવાનું કોઈ કારણ નથી અને આપણે નિશ્ચિંત રીતે આપણો પ્લાન પાર પાડી શકીશું અને શુક્રવારનું  આખું પ્લાનિંગ ફરી એકવાર જોઈ લેશું.

ત્યાં સામેથી મોનાને આવતા જોઈ ઝાયેદે વાત ટૂંકાવી..

કામ બરાબર થઈ ગયું? મોનાએ હકારમાં ડોકી હલાવી.

અફઝલ ખાને ગાડી સ્ટાર્ટ કરી. જ્યાં સુધી ગફૂરનો ફોન આવી ન જાય ત્યાં સુધી ખાતરી થાય એમ નહોતી અને ત્યાં સુધી કશું કરવાનું નહોતું.

ગાડી અમદાવાદ, રાજકોટ હાઈ-વે પર અડધો કલાક દોડતી રહી ત્યાં સુધીમાં ગફૂરનો ફોન ન આવ્યો એટલે ઝાયેદે સામેથી ફોન કર્યો.

કોઈ સૂટકેસ લેવા આવ્યું નથી સાહેબ..હવે હું લઈ લઉં..?’

હા‘  એકાક્ષરી જવાબ આપી ઝાયેદે ફોન કાપી અફઝલ ખાનને કહ્યું,

ખાન, મને તો સખત ભૂખ લાગી છે. હવે કોઈ ધાબે ગાડી ઊભી રાખો. મોનાને પણ ભૂખ લાગી હશે. બરાબર મોના?’

અફઝલ ખાન સમજી ગયો કે મોનાના સરકારી એજન્ટ ન હોવાની ઝાયેદને ખાતરી થઈ ગઈ છે. એણે ઝાયેદ સામે જોયું. ઝાયેદ કશું બોલ્યા સિવાય મોના સાથે શું ખાવું છે એની વાત કરવા લાગ્યો.

થોડી વારમાં ગાડી એક નાનકડા ધાબા પાસે ઊભી રહી. અહીં ખાસ કોઈ અવરજવર નહોતી રહેતી. બહુ અવરજવર હોય ત્યાં વધારે લોકોની નજરે ચડવાનું કોઈ જોખમ ઝાયેદ લેવા નહોતો માગતો. વધુ લોકો મોનાને જુએ એ તેને હિતાવહ નહોતું લાગતું.

ત્રણેય ટેબલ પર ગોઠવાયા.

ભોજન દરમિયાન અફઝલ ખાન ચૂપ રહ્યો. એને અંદરથી લાગતું હતું કે ક્યાંક કશુંક ખોટું હતું, પણ એ શું હતું, તે નહોતું સમજાતું. સૂટકેસમાં બોમ્બ નથી એ વાત પોતે અને ઝાયેદ એમ બે સિવાય કોઈ જાણતું નહોતું…અને સરકાર તરફથી ત્યાં કોઈ હિલચાલ નહોતી થઈ. તો શું ખરેખર મોના સરકારી એજન્ટ નહીં હોય? પોતાને ખોટી માહિતી મળી હશે?

જમી લીધા બાદ અફઝલ ખાન કાઉન્ટર પર પેમેન્ટ કરવા ગયો એટલે મોનાએ ઝાયેદને એકદમ નિર્દોષ ભાવે પૂછ્યું,

બાકીની સૂટકેસ મૂકવા ક્યારે જવાનું છે..?

આજે નહીં…આ તો એક રિહર્સલ હતું ડીયર..

ઓહ નો..તો આ બધું ફરીથી કરવું પડશે?’

યસ ડાર્લિંગ, જે લોકો મને આટલા બધા રૃપિયા આપવા તૈયાર થયા હોય એ લોકો આપણી તૈયારી જોવા એકાદ રિહર્સલ તો કરાવે જ ને?’

તો હવે મુખ્ય કામ ક્યારે કરવાનું છે..મોનાએ એકદમ સહજ રીતે પૂછ્યું. ઝાયેદે કશો જવાબ ન આપ્યો.

મોનાએ બેફિકરાઈથી કહ્યું,

(ક્રમશ ઃ)

——————

Leave A Reply

Your email address will not be published.

Translate »