તમારા માટે, તમારી સાથે, સતત…

શું વોડાફોનનો વાવટો સંકેલાઈ જવામાં છે?

વોડાફોન આઇડિયા ધંધો સમેટી લે તો તેના ત્રીસ કરોડથી વધુ ગ્રાહકો કાં રિલાયન્સ જીઓ અને કાં ઍરટેલને મળે.

0 152
  • ટેલિકોમ – વિનોદ પંડ્યા

કોરોના સંકટ લાગુ પડ્યું તે પહેલાં જ શંકાઓ થઈ રહી હતી કે ભારતના મોબાઇલ ફોનના ઇતિહાસમાં મજબૂતપણે જોડાયેલી વોડાફોન અને આઇડિયા કંપની પણ ઇતિહાસ બની જશે. વોડાફોન તો પ્રાઇવેટ કંપની હતી. આઇડિયા શેર બજારમાં લિસ્ટેડ હતી. એક સમયે તેના શેરની કિંમત રૃપિયા ૨૫૦ની આસપાસ રહેતી હતી. અસ્તિત્વ ટકાવી રાખવા માટે બંને કંપનીઓએ ૨૦૧૭માં જોડાણ (મર્જર) કર્યું. આઇડિયા કરતાં વોડાફોન દેશની વધુ લોકપ્રિય હતી. દેશની અનેક ટેલિકોમ કંપનીઓ પોતાની અને સરકારની મળીને સંયુક્ત ખોટી નીતિઓ અને નિર્ણયોનો ભોગ બની છે.

રતન ટાટાએ કહ્યું તેમ આ વરસ ધંધાર્થીઓએ નફો-નુકસાન જોવાના નથી. માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાનું છે. ઘણી કંપનીઓ માટે અસ્તિસ્વ ટકાવી રાખે તો પણ ભયો ભયો! દુનિયામાં મહિનાઓથી વિમાનસેવા ઉદ્યોગ બંધ પડ્યો છે. ડઝનો વિમાનસેવા કંપનીઓએ પોતાનાં વિમાનો હેન્ગરોમાં લાંગરી દીધાં છે. વિમાન-નિર્માણ કંપનીઓનાં વિમાનો વેચાતાં નથી. ઉબેર, ઓલા જેવી ટેક્સી ભાડે કરી આપતી કંપનીઓ માણસોને છૂટા કરી રહી છે. ભારતમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ઠપ પડ્યા છે, કારણ કે કામદારો વતન જતાં રહ્યાં છે. લોકો વિદેશ જવાનું કે પ્રવાસ કરવાનું ટાળે છે. ક્યાંક વિઝાના નિયમો કડક બનાવાયા છે. એક ધારણા મુજબ સપ્ટેમ્બર સુધીમાં આઠ હજાર જેટલાં વિમાનો જમીન પર સ્થિર થઈ જશે. દુનિયાભરમાં ૯૦ હજાર જેટલાં પાઇલટો અને બીજો હજારો લોકોનો સ્ટાફ બેકાર બનશે. મોટરકાર નિર્માણ અને આનુષાંગિક ઉદ્યોગોમાં પણ મહામંદી છવાઈ ગઈ છે. લોકો પાસે નાણા નહીં આવે તો વાપરશે શું? ઉપરથી આવી રહેલા આ વજનની ડોમીનો ઇફેક્ટ સમગ્ર અર્થતંત્ર પર પડશે. ભારત તો આમેય આર્થિક બાબતમાં બીમાર પડી ગયું હતું અને તેમાં આ કોરોનાની મહામારી આવી. એક સાથે અનેક શારીરિક તકલીફ કે બીમારી હોય તેને કોમોર્બિડિટી કહે છે. તે શરીરમાં હોય તો શરીર માટે અને આર્થિક બાબતોમાં હોય તો દેશ માટે વધુ નુકસાનકારક બને છે. આમેય જેટ ઍરવેઝ બંધ પડી ગઈ.

ઍર-ઇન્ડિયાનો હાથ ઝાલવા કોઈ તૈયાર નથી. આર.કોમ, ટાટા ટેલિ સર્વિસીઝ અને બીજી અનેક ટેલિકોમ કંપનીઓનાં ઊઠમણા થયાં. કોરોના સંકટ લાગુ પડ્યું તે પહેલાં જ શંકાઓ થઈ રહી હતી કે ભારતના મોબાઇલ ફોનના ઇતિહાસમાં મજબૂતપણે જોડાયેલી વોડાફોન અને આઇડિયા કંપની પણ ઇતિહાસ બની જશે. વોડાફોન તો પ્રાઇવેટ કંપની હતી. આઇડિયા શેર બજારમાં લિસ્ટેડ હતી. એક સમયે તેના શેરની કિંમત રૃપિયા ૨૫૦ની આસપાસ રહેતી હતી. અસ્તિત્વ ટકાવી રાખવા માટે બંને કંપનીઓએ ૨૦૧૭માં જોડાણ (મર્જર) કર્યું. આઇડિયા કરતાં વોડાફોન દેશની વધુ લોકપ્રિય કંપની હતી. જોડાણ પછી તો શેરની કિંમતો વધુ ઊંચે જવી જોઈએ, પરંતુ વોડાફોન આઇડિયાના એક શેરની કિંમત આજે રૃપિયા પાંચથી છની વચ્ચે ચાલે છે. એક વખત તેની કિંમત ચાર રૃપિયા થઈ હતી. દેશની અનેક ટેલિકોમ કંપનીઓ પોતાની અને સરકારની મળીને સંયુક્ત ખોટી નીતિઓ અને નિર્ણયોનો ભોગ બની છે. કેટલીક તો સરકારની તરફદારી ભરેલી નીતિનો ભોગ બની ગઈ છે. આજે એમટીએનએલ અને બીએસએનએલ દૂધમાં અને દહીંમાં રમે છે. વોડાફોન આઇડિયા બંધ પડી જાય તો ભારતના ગ્રાહકો પાસે મોબાઇલ પોર્ટેબિલિટી માટે માત્ર બે કંપનીઓ બચશે; રિલાયન્સ જીઓ અને ભારતી ઍરટેલ.

જો વોડાફોન આઇડિયા ફસડાઈ પડે તો તેની સાથે સંકળાયેલા અનેક લોકો પર આફત આવી પડે. આમેય અમુક ટેલિકોમ કંપનીઓ બંધ પડવાથી અને અમુક સંયુક્ત બનવાને કારણે લાખો કર્મચારીઓ બેરોજગાર બન્યા હતા. વોડાફોન આઇડિયાની ચિત્રમાંથી વિદાય થાય તો બીજા પંદર હજાર કર્મચારીઓ બેકાર બનશે. વોડાફોનની હરીફ કંપનીઓ સહિત બેન્કો મુશ્કેલીમાં મૂકાશે. આપણે ગયા અને આ વરસે જોયું કે નોન-બેન્કિંગ ફિનાન્સ કંપનીઓ તૂટી પડી તો પરિણામે અમુક બેન્કો પણ તૂટી પડી. આજે પણ દેશના લગભગ ત્રીજા ભાગના (૩૩ ટકા) મોબાઇલ ધારકો વોડાફોન આઇડિયાનું સિમ (નેટવર્ક) વાપરે છે. કંપનીનું કદ હજી ઘણુ મોટું છે, પણ તેના પર ત્રીસ હજાર કરોડ રૃપિયા (૩૦૦ અબજ)નું બેન્કોનું કરજ છે. કંપનીના નાના-મોટા મળીને હજારો વેન્ડરો છે. જો કંપની તૂટી પડે તો, તેઓની રકમ ના ચૂકવાય તો તેઓમાંના કેટલાક નાદાર બની જાય, કેટલાક આર્થિક મહામુસીબતમાં ફસાય. હાલમાં નવી ટૅક્નોલોજી માટે નવા નાણા રોકવા હોય તો ખૂબ મોટા વોલ્યુમમાં રોકવા પડે. કંપનીની અસેટ્સ ૧૯ હજાર કરોડની છે જ્યારે બેન્કોનું લેણુ જ ત્રીસ હજાર કરોડ રૃપિયાનું છે. બીજાઓને ચૂકવવાના છે તે અલગ. આ સ્થિતિમાં તેના ચૅરમેન કુમાર મંગલમ્ બિરલા વધુ નવું મૂડીરોકાણ કરવા માગતા નથી. નવું મૂડીરોકાણ કરવું હોય અને જીઓ તેમ જ ઍરટેલનો સામનો કરવો હોય તો ફોર-જી અને ફાઈવ-જી ટૅક્નોલોજીમાં નાણા રોકવા પડે.

ફોર-જીમાં જીઓ અને ઍરટેલ બંને છે તેથી વોડાફોનને તેનો ખાસ લાભ ન મળે. ફાઈવ-જી મોંઘી ટૅક્નોલોજી છે. તે માટે (અને ફોર-જી માટે પણ) અલગ ખાસ હેન્ડસેટ વસાવવા પડે જે દરેક ગ્રાહકને પોસાય નહીં. આજે પણ ભારતમાં ટુ-જી અને થ્રી-જી નેટવર્ક માટેના હેન્ડસેટ ધરાવતા ગ્રાહકોની સંખ્યા વધુ છે. ફાઈવ-જીનું લવાજમ અને હેન્ડસેટ મોંઘા પડે, તેથી ખાસ મોટો ગ્રાહકવર્ગ ન મળે. તેમાં જે મૂડીરોકાણ કરવું પડે તેને અનુરૃપ વળતર મળે નહીં. કુમાર મંગલમ્ કહે છે કે સારી રીતે આવતાં નાણાના સ્ત્રોતમાં ખલેલ પાડીને હું એ નાણા નુકસાનકારી ધંધામાં રોકી શકું નહીં. વિજય માલ્યાએ આ રીતની ગણતરી માંડી નહીં જે તેને મોટો ફટકો આપી ગઈ. તેના લિકર બિઝનેસમાં પંદર ટકા જેટલું વળતર મળતું હતું તે નાણા એણે (પોતાની શેર મૂડીના) માંડ એકથી દોઢ ટકાનું વળતર આપતા ઍરલાઈનના ધંધામાં રોક્યા. થોડી બેકાળજી હોય તો બેલેન્સશિટ આસાનીથી પોઝિટિવમાંથી નેગેટિવ બની જાય. માલ્યા સાથે એ જ થયું. રતન ટાટાને ઍરલાઈન શરૃ કરવાનો ઉમંગ વરસોથી હતો. ઍર-ઇન્ડિયા મૂળ તો ટાટાની માલિકીની હતી અને ગુણવત્તા અને વિસ્તારમાં દુનિયાની બીજા ક્રમની ઍરલાઈન હતી, જેને સરકારનો સ્પર્શ થાય તેનું નખ્ખોદ જાય. સરકારે તે હાથમાં લઈ લીધી પછી તેનું સ્વાભાવિકપણે જે ડિજનરેશન થવું જોઈએ તે જ થયું છે, પણ આજે ટાટાના હાથમાં હોત તો તેણે લાંબો સુવર્ણકાળ જોયો હોત અને છેલ્લાં દસ વરસમાં નિષ્ફળતાઓ પણ જોઈ હોત. દુનિયામાં દરેક ઍરલાઈને જોવી પડી છે. રતન ટાટાને વરસોથી ઍરલાઈન શરૃ કરવાનો અભરખો હતો. ઘણા નિષ્ફળ પ્રયત્નો કર્યા. છેલ્લે સિંગાપુર ઍરલાઈન્સ સાથે નાનકડો પ્રોજેક્ટ ‘વિસ્તારા’ શરૃ કર્યો હતો, પરંતુ આવા ગ્લેમરસ બિઝનેસમાં ઝૂકાવવા સામે સાયરસ મિસ્ત્રીને વાંધો હતો. બંને વચ્ચે ઝઘડાનાં કારણોમાં આ પણ એક હતું.

કુમાર મંગલમ્ બિરલા આવી ઘટનાઓમાંથી ધડો લઈ રહ્યા છે. બિરલાએ નાનપણથી, પિતાની ગેરહાજરીમાં ધંધાની કમાન સંભાળવી પડી છે. લો-પ્રોફાઈલ રાખે છે. આઇડિયા એમના ગ્રૂપની વરસો જૂની કંપની હતી. જીઓના તેજોવધ સામે વોડાફોનની માફક નબળી પડી અને બંને નબળી કંપનીઓએ રિસોર્સિઝનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે મજબૂરીથી ગઠબંધન કરવું પડ્યું, જેથી ધંધામાં ટકી રહે. એવું પણ નથી કે મર્જર પછી નવી કંપનીમાં એમણે નવા નાણા રોક્યા નથી. તે પણ નાખી જોયા. ફાયદો થયો નથી. વોડાફોને નવા અગિયાર હજાર કરોડ (૧૧૦ અબજ) અને આદિત્ય બિરલા જૂથે નવા ૭૨૦૦ કરોડ (૭૨ અબજ)ની નવી મૂડી નાંખી. ગયા વરસના મે મહિનામાં તે માટે રાઇટસ ઈસ્યુનું ભરણ થયું હતું. હાલમાં વોડાફોન પાસે ૪૫ ટકા અને એવી બિરલા ગ્રૂપ પાસે ૨૬ ટકા હિસ્સો છે.

વોડાફોન આઇડિયા ધંધો સમેટી લે તો તેના ત્રીસ કરોડથી વધુ ગ્રાહકો કાં રિલાયન્સ જીઓ અને કાં ઍરટેલને મળે. આજે પણ વોડાફોન આઇડિયાના અનેક ગ્રાહકો જીઓ અથવા ઍરટેલનાં સિમકાર્ડ ધરાવતાં હશે. તે સુવાંગપણે જીઓને અને કાં ઍરટેલને મળે, પણ જે ઓ માત્ર વોડાફોન-આઇડિયા કનેક્શન ધરાવતાં હશે તેઓને જીઓ કે ઍરટેલમાં લાવવાનું થોડું મુશ્કેલ હશે. આગળ લખ્યું તેમ વોડાફોન આઇડિયાના ૬૫ ટકા ગ્રાહકો હજી ટુ-જી કે થ્રી-જી નેટવર્ક વાપરે છે. જીઓ કે ઍરટેલમાં લાવવા માટે તેઓને ફોર જી-ટૅક્નોલોજીમાં અપગ્રેડ કરવા પડે. તેમાં પણ જીઓનું એલટીઈ નેટવર્ક છે તેથી ખાસ હેન્ડસેટની જરૃર પડે છે. ઍરટેલમાં તો અમુક જૂની ટૅક્નોલોજીના હેન્ડસેટ પણ કામ કરે છે. ઍરટેલ તરફથી ગ્રાહકોને હેન્ડસેટ માટે ક્યારેય સબસિડી અપાતી નથી. જીઓ લગભગ વીસ કરોડ નવા ગ્રાહકો પડાવવા ધારે છે.

Related Posts
1 of 262

જો પંદર કરોડ મેળવવામાં સફળ થાય તો પણ જીઓના ગ્રાહકોની સંખ્યા ૫૦ કરોડને પાર કરી જાય. આ માટે જીઓ તરફથી ખૂબ નજીવી કિંમતે ગ્રાહકોને નવી ટૅક્નોલોજીને અનુરૃપ હેન્ડસેટ પૂરા પડાય છે. તેમ કરવામાં કંપનીને માત્ર જીઓનો જ વપરાશ કરે તેવા કાયમી ગ્રાહકો મળી રહે છે. જીઓ દ્વારા હેન્ડસેટ પર રૃપિયા ૭૫૦ જેટલી સબસિડી અપાય છે. તે સબસિડી પાછળ જીઓએ રૃપિયા ૫૦૦થી ૬૦૦ કરોડ રૃપિયા રોકવા પડશે. વોડાફોન આઇડિયાના ગ્રાહકોને સાચવી લેવા માટે ઍરટેલ અને જીઓને વધારાના સ્પેક્ટ્રમની જરૃર પડશે. જોકે વોડાફોન આઇડિયા પાસે લગભગ એક લાખ પાંચ હજાર કરોડ રૃપિયાના મૂલ્યનું લગભગ દસ વરસ સુધીમાં વાપરી શકાય એટલું સ્પેક્ટ્રમ છે. શક્ય છે કે આ બંને કંપનીઓ તે સ્પેક્ટ્રમ અમુક-અમુક હિસ્સામાં ખરીદી લે અથવા કોઈ એક કંપની સુવાંગ ખરીદી લે, પરંતુ જીઓ કંપનીની માલી હાલત એટલી સધ્ધર નથી કે હાલના તબક્કે કંપનીને આટલું મોટું મૂડીરોકાણ કરવાનું પોસાય. જીઓ સામે પણ કેટલાક આર્થિક પડકારો છે. હાલમાં રિલાયન્સ પેટ્રોકેમિકલ્સના ધંધામાં અગાઉ જેવી સ્થિતિ નથી. નાણાકીય વરસ ૨૦૧૯માં રિલાયન્સ પર ત્રણ હજાર અબજ રૃપિયાથી વધુ રકમનું દેવું હતું. ભારતી ઍરટેલ પણ વોડાફોનના ગ્રાહકોને મોટી સંખ્યામાં સમાવી શકે તેવી સ્થિતિમાં નથી. હમણાનાં પાંચ વરસમાં ઘટતી આવકો અને વધેલા ખર્ચાઓને કારણે ભારતી ઍરટેલની સ્થિતિ સારી રહી નથી. જોકે બંને કંપનીઓ અમુક પ્રમાણમાં સ્પેક્ટ્રમની ખરીદી કરે તે શક્ય છે.

વોડાફોન આઇડિયાની અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ, ટેક્સ, ડેપ્રિસિયેશન, એન્ડ અમોરટાઈઝેશન અર્થાત ઈબીઆઈટીડીએ (ઈબિટ્ડા) કમાણી, (વ્યાજ, વેરા, યંત્રો, સાધનોનો ઘસારો અને કરજની ચુકવણી પૂર્વેની કમાણીની રકમ) રૃપિયા બાર હજાર કરોડથી ૧૪ હજાર કરોડ અંદાજવામાં આવી છે, પણ આટલી રકમ કંપનીનાં સાધનો અને પ્રોપર્ટી માટેના લાંબા ગાળાના કેપિટલ ખર્ચ માટે જોઈએ. ગયા ડિસેમ્બરના આંકડાઓ મુજબ વોડાફોન આઇડિયાની સરેરાશ ગ્રાહક દીઠ આવક ૧૦૯ રૃપિયાની છે. કંપનીના ડિસેમ્બરમાં ત્રીસ કરોડ ચાલીસ લાખ ગ્રાહકો હતા. એવરેજ રેવન્યુ પર યુઝર (એઆરપીયુ)માં રૃપિયા દસનો વધારો થાય તો કંપનીની કુલ આવક (રેવન્યુ)માં રૃપિયા ત્રણ હજાર સાતસો કરોડનો વધારો થાય અને આમાંની એંસી ટકા રકમ ઈબિટ્ડા કમાણી તરીકે હોય છે. મતલબ કે કાચો નફો (કાચી કમાણી વધારે યોગ્ય લાગે) ત્રણ હજાર કરોડ રૃપિયાનો થાય. હવે જો વોડાફોન આઇડિયાની ગ્રાહક દીઠ સરેરાશ આવક વધીને ૨૦૦ રૃપિયા થાય તો કંપનીની ઈબિટ્ડા આવકમાં કુલ ૨૧ હજાર કરોડ રૃપિયાનો લગભગ વધારો થાય. આ રકમમાંથી વ્યાજ વગેરે ચૂકવવાનું હોય. વોડાફોન-આઇડિયાએ સ્પેક્ટ્રમ ખરીદવા માટે લાંબા ગાળાનું કરજ લીધું છે તે હાલમાં ૯૦ હજાર કરોડ રૃપિયાનું છે. આ સિવાય બેન્કોનું ત્રીસ હજાર કરોડનું કરજ છે. કંપનીઓને જે વ્યવસ્થાએ તોડી નાખી તે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની જોગવાઈ છે. વરસ ૧૯૯૪ની નેશનલ ટેલિકોમ પૉલિસી અંતર્ગત કંપનીઓ પાસેથી એક ચોક્કસ ફી વસૂલ કરીને તેઓને ટેલિકોમ લાઇસન્સ અપાતાં હતાં, પરંતુ કંપનીઓને આ ફી ઊંચી લાગતી હતી તેથી સરકારે ૧૯૯૯માં નવી જોગવાઈ કરી. ટેલિકોમ કંપનીઓ એમની ગ્રોસ રેવન્યુમાંથી અમુક આવક સરકારને આપે જે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) તરીકે ઓળખાય છે. હવે તેની ગણતરીની રીત બાબતે સરકાર અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે વિવાદ થયો અને વિવાદ અદાલતોમાં પહોંચ્યો.

કંપનીઓના દાવા પ્રમાણે સરકારને મળવાના હિસ્સાની રકમ ખૂબ ઓછી થતી હતી જ્યારે સરકારનો દાવો હતો કે લગભગ દોઢ લાખ કરોડ રૃપિયા થાય. છેલ્લે સુપ્રીમ કોર્ટે સરકારના દાવાને લગભગ મંજૂર રાખ્યો અને કંપનીઓને તે રકમ તત્કાળ અસરથી સરકારને ચૂકવવા જણાવ્યું. જે જૂની કંપનીઓ હતી તેની પાસેથી સ્વાભાવિકપણે વરસોની એજીઆર બાકી હતી. તેથી મસમોટા ચુકવણા કરવાના આવ્યા. આ બોજ તળે કંપનીઓ દબાઈ ન જાય તે માટે કેન્દ્ર સરકારને રાહત આપવાની ફરજ પડી. છતાં આર.કોમ, ટાટા ટેલિસર્વિસિઝ વગેરેને મસમોટી રકમો ચૂકવવાની નીકળી. આમેય બીમાર હતી અને આ વજનને કારણે દબાઈને મરણ પામી. રિલાયન્સ જીઓ પ્રમાણમાં નવી કંપની હતી તેથી તેની પાસેથી કોઈ ખાસ મોટી રકમ સરકારે લેવાની ન હતી. એકલા આર.કોમે ૨૧ હજાર કરોડથી વધુ રકમ ચૂકવવાની થઈ. આર. કોમ પાસેથી રિલાયન્સ જીઓએ અમુક સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું તેથી અમુક કાનૂની નિષ્ણાતોના કહેવા પ્રમાણે રિલાયન્સ જીઓએ તે પ્રમાણમાં એજીઆરની ચુકવણી કરવી પડશે. ટેલિકોમ મંત્રાલયના પ્રારંભના આંકડાઓ પ્રમાણે જીઓએ માત્ર ૬૦ કરોડ બાવન લાખ રૃપિયા ચૂકવવાના થતા હતા. તેની સામે વોડાફોન આઇડિયાએ ૫૩ હજાર કરોડ રૃપિયા, ભારતી ઍરટેલે ૩૫ હજાર ૫૦૦ કરોડ રૃપિયા અને આર.કોમે ૨૧ હજાર ૧૪૦ કરોડ રૃપિયા સરકારને ચૂકવવાના નીકળતા હતા. જોકે આમાં અન્ય પ્રકારની રકમો જેમ કે વ્યાજ, દંડ વગેરે ઉમેરવામાં આવ્યા છે, પણ નવા મારથી ટેલિકોમ કંપનીઓ અધમૂઈ થઈ ગઈ.

વોડાફોન આઇડિયાએ આમાંની કેટલીક મહત્ત્વની મોટી રકમો ભરવી પડશે. કંપનીઓને થયેલી આવડી મોટી સજામાં તમામ કંપનીઓ સદંતર બંધ ના પડી જાય તે માટે સરકારે કંપનીઓ પાસેથી સ્પેક્ટ્રમ ફીના પેમેન્ટ તરીકે જે રકમ લેવાની નીકળે છે તેની ચુકવણી હાલમાં બે વરસ સુધી મુલતવી રાખવામાં આવી છે, પરંતુ બે વરસ પછી વોડાફોન આઇડિયાએ વરસે ૧૪ હજાર કરોડ રૃપિયા સ્પેક્ટ્રમ ફી તરીકે ચૂકવવાના થશે. એજીઆર તરીકે પાંચ હજારથી છ હજાર કરોડ વરસે ચૂકવવાના થશે. આ બધું મળીને કંપનીએ ૨૩ હજાર કરોડ રૃપિયાનું ચૂકવણુ કરવાનું થશે. આ જાવક સામે હાલ ૧૨ હજારથી ૧૪ હજાર કરોડની આવક થાય છે. સરેરાશ ગ્રાહક દીઠ આવક વધીને ૨૦૦ રૃપિયા થાય તો પણ કુલ આવક (ઈબિટ્ડા) ૨૧ હજાર કરોડ રૃપિયા થાય. તેની સાથે ૨૩ હજાર કરોડ રૃપિયા ચૂકવવાના થાય તો ભવિષ્યમાં નફાની કોઈ ગુંજાઈશ રહેતી નથી. તે પણ સરેરાશ આવક ૨૦૦ રૃપિયા થાય ત્યારે. તે થવાનું મુશ્કેલ છે એટલે વધુ મોટું નુકસાન સમજવું.

હવે સરકાર અમુક ફી જતી કરે, રાહતો આપે તો કંપની ટકે. મૂળ હચ, ત્યાર બાદ ઓરેન્જ અને હવે વોડાફોન અને બરાબર તેની સાથે જ શરૃ થયેલી આઇડિયા ભારતની ટૅક્નોલોજિકલ પ્રગતિના બે સ્તંભ જેવી રહી છે. તેની સંપૂર્ણ અધોગતિ અટકાવાય તો દેશનું બિસ્માર અર્થતંત્ર પણ વધુ બિસ્માર ના પડે, પણ તે માટેની સુરેખ નીતિ હોવી જરૃરી છે. મીડિયાના અમુક રિપોર્ટ કહે છે કે એજીઆરની વસૂલાત લગભગ પંદર વરસ સુધી દૂર ઠેલીને સરકાર આ કંપનીઓને બચાવી લેવા માગે છે. આમ થાય તો પણ વોડાફોન આઇડિયાની મુસીબતો ખાસ હળવી થશે તેમ લાગતું નથી. એ તો આજનું દેવું ભવિષ્ય પર ઠેલવાની વાત છે. વળી, દર વરસે નવા એજીઆર ડ્યુ ભરવાના રહેશે જ. એજીઆરને સાવ રદ કરાય અને લોનની રકમને લગતી જોગવાઈઓ હળવી કરાય તો જ વોડાફોન આઇડિયા બચી શકે. તેમ થાય એવું હાલમાં શક્ય જણાતું નથી. આટલી ગંજાવર જવાબદારીઓ ધરાવતી અને નિરાશાના સ્પેક્ટ્રમથી ભરેલી કંપનીને કોઈ ખરીદવા તૈયાર થાય તેની પણ ખૂબ ઓછી શક્યતા છે. વળી, સરકારની નીતિઓ ટેલિકોમ બાબતમાં ક્યારે કેવા પ્રકારની હશે તે કોઈ જાણતું નથી. સરકારને જ્યારે જે અનુકૂળ જણાય તેવા નિર્ણયો લે છે. રવિશંકર પ્રસાદ વાતો ઘણી કરે છે, પણ તે બધા ફાંકા જ છે. વર્તમાન બિઝનેસમેનો સરકારની નીતિઓથી ડરી ગયા છે અને નવા પણ ડરીને આ ધંધામાં પ્રવેશવા માગતા નથી. જો પાયાના કે ગ્રાઉન્ડ રૃલ્સની કોઈને ખબર ના હોય, તે કેવી રીતે આકાર લેશે તેની ખબર ના હોય તો કોઈ બિઝનેસ કેવી રીતે કરી શકે? સ્પર્ધામાં કેવી રીતે ઊભો રહી શકે?

વાત આટલેથી પૂરી થતી નથી. ટેલિકોમ સેક્ટરની કુલ આવક (રેવન્યુ)માં પણ મોટી ઘટ પડી રહી છે. છેલ્લાં ત્રણ વરસ અગાઉ ટેલિકોમ સેક્ટરની કુલ રેવન્યુ ત્રણ લાખ કરોડ રૃપિયા હતી તે હવે ઘટીને સવા લાખ કરોડ રૃપિયા રહી ગઈ છે. રિલાયન્સ જીઓની સેક્ટરમાં એન્ટ્રી બાદ ટેલિફોન વપરાશના દરોમાં સ્પર્ધા જામી તેના પરિણામે આ ઘટાડો નોંધાયો છે. હાલના સંદર્ભમાં જોઈએ તો અર્થતંત્રમાં ખર્ચ ઘટ્યો જે મંદીનાં અનેક કારણોમાંથી એક કારણ બની ગયો. આજે દુનિયામાં ડેટાના સૌથી સસ્તા દરો ભારતમાં છે. આ વિકાસનું એક બીજું નકારાત્મક પરિણામ એ આવ્યું કે સસ્તા ભાવના ડેટા વાપરી યુવાનો, કર્મચારીઓ સેલ ફોન કે કોમ્પ્યુટરો સામે વધુ બેસી રહ્યા અને ફુલ ઉત્પાદકર્તા ઘટી. આખરે ગયા ડિસેમ્બરમાં ટેલિકોમ કંપનીઓને સસ્તું વિસ્મરણ નુકસાનકારક જણાવા લાગ્યું અને તેઓએ સાથે મળીને ડેટાની કિંમતો વધારી દીધી. હજી ખાસ વધી નથી, પણ જ્યારે કોઈ ખાસ સ્પર્ધાઓ નહીં રહે ત્યારે કંપનીઓએ આજે જે ખોટ કરી છે તે વસૂલ કરશે. રિલાયન્સ જીઓએ ગ્રાહકોની સંખ્યા બાબતે દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો ત્યાર બાદ સ્પર્ધાનો અંત આવ્યો. બીજી કંપનીઓ તો અંત આણવા માગતી હતી, પણ હાથી સામે લડવાનું હતું. રિલાયન્સ જીઓનો લક્ષ્યાંક તો પચાસ કરોડ ગ્રાહકો મેળવવાનો છે.

તે હાંસલ થાય ત્યાં સુધી ધમાલ ચાલુ રાખી હોત, પરંતુ રિલાયન્સ જીઓએ ધાર્યું હતું તેના કરતાં વધુ મૂડીરોકાણ આ ક્ષેત્રમાં ઓલરેડી થઈ ચૂક્યું છે. લગભગ પોણા ચાર લાખ કરોડ રૃપિયા (૫૦ અબજ અમેરિકી ડૉલર)નું રોકાણ થઈ ચૂક્યુ છે. ધાર્યું હતું તેના કરતાં વધુ રકમનું ઇન્વેસ્ટમેન્ટ થયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધોરણ પ્રમાણે પણ આ ખૂબ મોટું મૂડીરોકાણ ગણાય. વોડાફોન આઇડિયા તેમ જ ભારતીએ મળીને ૨૦૧૦ બાદ ત્રીસ અબજથી માંડીને ૩૫ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. રિલાયન્સે મોટી રકમ રોકી છે તો તેનું વ્યાજ પણ વધુ ભરવું પડે છે. તે રકમ કમાવા માટે ગ્રાહક પાસેથી સરેરાશ આવક ૨૦૦ રૃપિયાની હોય અને ૫૦ કરોડ ગ્રાહકો હોય તે જરૃરી બને છે. જીઓએ માત્ર વ્યાજના રૃપમાં વરસે બાવીસ હજાર પાંચસો કરોડ રૃપિયા ચૂકવવા પડશે. કંપનીને વરસે સાઠ હજાર કરોડ રૃપિયાની એબિટ્ડા કમાણી થાય તે જરૃરી છે. તે માટે ૫૦ કરોડ ગ્રાહકો જોઈએ, પણ જો વોડાફોન આઇડિયા મેદાનમાં ટકી રહે તો રિલાયન્સ જીઓ માટે તે સ્થિતિ પ્રાપ્ત કરવાનું એટલું સરળ નથી. કા પછી ગ્રાહક દીઠ આવક વધે તેવું કશુંક કરવું પડે. હાલમાં તે શક્ય જણાતું નથી. ભવિષ્યમાં બનશે. જીઓ પર કરજ મોટું છે, પણ કેશ ફ્લો તંદુરસ્ત છે તેથી હજી જણાય તો વધુ સ્પર્ધા કરી શકે તેમ છે. મતલબ કે રિલાયન્સ જીઓને પોતાના માટે જરૃરી જણાય એટલો હિસ્સો મળી રહેશે ત્યારે સ્થિતિ થાળે પડશે.

વોડાફોન અને આઇડિયા બંને કંપનીઓ સ્વતંત્ર હતી ત્યારે અને સંયુક્ત બની ત્યારે પણ નવી ટૅક્નોલોજી અપનાવવા પર કોઈ ખાસ ધ્યાન ન આપ્યું તેથી પણ આ કંપનીઓને માર સહન કરવો પડ્યો. તેઓ જૂની ટુ-જી અને ૩-જી ટૅક્નોલોજીઓ પર મદાર રાખીને બેસી રહી, જેનો ઓપરેટિંગ ખર્ચ એલટીઈ (ફોર-જી) ટૅક્નોલોજી કરતાં વધુ છે. વળી, જૂની ટૅક્નોલોજીઓ યુવાનો અને નવા જમાનાના ગ્રાહકોને યોગ્ય ડિજિટલ અને ડેટા સર્વિસો આપી શકતી નથી. વોડાફોન અને આઇડિયાનું મર્જર થયું ત્યારે નવી ટૅક્નોલોજીમાં આગળ વધવું જરૃરી હતું. જોકે ત્યારે પણ ઘણુ મોડું થઈ ગયું હતું. રિલાયન્સ જીઓને ફક્ત ભારતી ઍરટેલ અને તેની ફોર-જી ટૅક્નોલોજી દ્વારા પડકાર મળ્યો. ભારતી ઍરટેલે ધીરજ, મક્કમતા અને સૂઝબૂઝથી ઘણુ કામ લીધું. વોડાફોન આઇડિયાનું એપ્રિલ ૨૦૧૭માં મર્જર થયું તેના બે વરસ અગાઉ થવાની જરૃર હતી. બંને બ્રાન્ડ ભારતમાં નામી બ્રાન્ડ છે. તેમનો વ્યાપ વિશાળ હતો. બંને કંપનીઓ બિઝનેસ એથિક્સમાં પણ નામ કમાઈ હતી. ઘણા લોકોની ફરિયાદ છે કે વોડાફોન આઇડિયાને આપણા દેશમાં રમવાની સમાન તકો મળી નહીં. વોડાફોન તરફ કોંગ્રેસ સરકારમાં પ્રણવ મુખરજી નાણા પ્રધાન હતા ત્યારથી પૂર્વગ્રહ ભર્યો વર્તાવ રખાયો હતો. મહત્ત્વની બાબત એ છે કે વોડાફોન ભારતમાં આવી પછીનાં વરસોમાં આટઆટલી હાજરી અને

પ્રવૃત્તિઓ છતાં કશો પૈસો કમાઈ નથી, પણ નુકસાન કર્યું છે. એક તરફ દેશમાં હવે સો ટકા વિદેશી મૂડીરોકાણની છૂટ આપી છે અને બીજી તરફ દિશાવિહીન નીતિ નિર્ધારણો દ્વારા કંપનીઓને ગૂંગળાવી મારવામાં આવે ત્યારે ચીનની હરીફાઈ કરવાનું ભૂલી જવું પડે.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »