તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રવાહ પલટાશે – મુંબઈગરા કચ્છીઓ વતનમાં વેપાર જમાવવા ઉત્સુક

વર્ષો પહેલાં કચ્છીઓને વતન શા માટે છોડવું પડ્યું?

0 187
  • કવર સ્ટોરી – સુચિતા બોઘાણી કનર

અત્યાર સુધી કમાવા માટે કચ્છના લોકો મુંબઈની વાટ પકડતા હતા, પરંતુ કોરોનાના ભયથી ફફડી ઊઠેલા મુંબઈગરાઓને હવે વતન યાદ આવ્યું છે. મુંબઈમાં વર્ષોથી વેપાર ધંધામાં સેટ થયેલા લોકો હવે કચ્છમાં ઉદ્યોગો શરૃ કરવાની ઇચ્છા ધરાવે છે. મુંબઈના ગાર્મેન્ટ ઉદ્યોગમાં કચ્છીઓનો ૮૦ ટકા જેટલો સિંહફાળો છે. હવે આ ઉદ્યોગપતિઓ કચ્છમાં બિઝનેસ પાર્ક સ્થાપવાની વિચારણા કરી રહ્યા છે.

કચ્છીઓ મુંબઈને બૃહદ કચ્છ તરીકે ઓળખે છે. ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ કચ્છની વસતી ૨૦.૯ લાખની છે. જે અત્યારે ૨૨ લાખથી વધુની થવા જઈ રહી છે, જ્યારે મુંબઈ શહેરમાં કચ્છીઓની વસતી ૬થી ૭ લાખ હોવાનું મનાઈ રહ્યું છે. સાહસિક પ્રકૃતિવાળી કચ્છી પ્રજા મુંબઈ ઉપરાંત દેશભરનાં વિવિધ રાજ્યોમાં ફેલાયેલી છે. સરહદી પ્રદેશ કચ્છમાં વરસાદની અનિયમિતતા હોવાના કારણે વર્ષોથી રોજીરોટીનો પ્રશ્ન સ્થાનિક પ્રજાને સતાવતો હતો અને આજીવિકાની શોધમાં જ કચ્છના લોકો દેશવિદેશમાં જઈને વસ્યા છે.

દોરી-લોટો લઈને કચ્છમાંથી ગયેલા કચ્છી લોકોની આજની પેઢી મુંબઈને કર્મભૂમિ માનીને ત્યાં પોતાનું નાનકડું રજવાડું વિકસાવીને અન્યોને પણ રોજીરોટી આપી રહી છે. ૨૦૦૧ના ભૂકંપ પછી કચ્છની સિકલ ફરી રહી છે. દેશવિદેશના અનેક ઉદ્યોગોએ અહીં મૂળિયા રોપ્યાં છે. આજે જ્યારે મુંબઈ સહિત દેશભરના લોકોમાં કોરોના વાઇરસના પગલે ભારે ગભરાટ ફેલાયો છે ત્યારે મુંબઈગરા કચ્છીઓને પોતાનું વતન ફરી યાદ આવ્યું છે. તેઓ પોતાના વેપાર- ધંધા મુંબઈની સાથે સાથે કચ્છમાં પણ શરૃ કરવા ઇચ્છે છે. આ માટે એક ઝુંબેશ શરૃ થઈ છે- ‘ફ્યુચર મારું કચ્છ, વાગડ’.

અત્યાર સુધી રોજીરોટીની શોધમાં કે વધુ સારા ભવિષ્ય માટે કચ્છમાંથી બહાર સ્થળાંતર થતું હતું તે જાણે કે ઊલટું (રિવર્સ માઇગ્રેશન) શરૃ થઈ રહ્યું છે. ખાસ કરીને વાગડ વિસ્તારના કચ્છીઓએ આ દિશામાં સઘન પ્રયત્નો શરૃ કર્યા છે. અત્યારે કચ્છમાં પીવા માટે નર્મદાના પાણી તો મળે જ છે અને સિંચાઈ માટે પણ રાપર તાલુકામાં નર્મદાના પાણી મળવાના શરૃ થઈ ગયા છે. આથી જો મુંબઈગરા કચ્છીઓ માદરેવતનમાં પોતાનો વ્યવસાય ખસેડે તો વ્યવસાયની સાથે-સાથે આધુનિક ઢબે ખેતી કરી શકે કે કરાવી શકે, તેવી પણ એક ગણતરી મંડાઈ છે. પાણી ઉપરાંત વીજળી, રસ્તા, આવાગમનનાં સાધનો, સંચારવ્યવસ્થા, બે મહાબંદરો જેવી કોઈ ઉદ્યોગને જરૃર પડે તેવી પાયાની સુવિધા હવે કચ્છમાં સહેલાઈથી ઉપલબ્ધ છે. આથી પણ મુંબઈમાં વસનારા કચ્છીઓને વતન યાદ આવવા લાગ્યું છે.

મુંબઈમાં રહેતા વાગડવાસીઓ મોટા ભાગે કપડાં ઉદ્યોગ (ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ)માં છે. દેશવિદેશમાં જાણીતી મહિલાઓ, પુરુષો અને બાળકો માટેની જાણીતી બ્રાન્ડના માલિક મૂળ વાગડવાસીઓ છે. મુંબઈમાં કચ્છીઓનો ગાર્મેન્ટનો બિઝનેસ અંદાજે ૧૫થી ૨૦ હજાર કરોડનો હશે. આ લોકો હવે પોતાના વ્યવસાય વતનમાં લાવવા ઇચ્છી રહ્યા છે. જો આટલો મોટો બિઝનેસ કચ્છમાં આવે તો સ્વાભાવિક છે કે કચ્છમાં જ રહેતા લોકોને પણ ફાયદો થાય અને તે વિસ્તારનો વિકાસ પણ બહુ ઝડપથી થઈ શકે. મુંબઈગરા કચ્છીઓને વતનની યાદ તાજી કરાવવા માટે કોરોનાએ ભલે એક મોટો ધક્કો માર્યો તેમ ગણી શકાય, પરંતુ વતન તરફ પરત વળવાનાં કારણો તો અનેક છે. અત્યારે કોઈ પણ માલની પડતર કિંમત ખૂબ વધી ગઈ છે. મજૂરોના પ્રશ્નો પણ માલિકોને સતાવે છે. માર્કેટમાં ઓછા ભાવે વેચાણ કરવાનો ટ્રેન્ડ શરૃ થયો છે, તેથી ગમે તેમ કરીને પડતર કિંમતમાં ઘટાડો કરવાનું ખૂબ જરૃરી બની ગયું છે. મુંબઈ જેવા શહેરમાં કિંમતમાં ઘટાડો કરવો ખૂબ અઘરી વાત છે. જો પડતર કિંમતમાં ઘટાડો થાય તો આ કચ્છીમાડુઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન અને થાઈલેન્ડના ઉત્પાદનોનો સફળતાપૂર્વક સામનો કરી શકે. કચ્છમાં જો વ્યવસાયને ખસેડાય તો માલની પડતર કિંમતમાં સહેલાઈથી ઘટાડો થઈ શકે તેમ છે. આમ કોરોના વાઇરસે લાંબા સમયથી વ્યવસાયીઓના મનમાં ચાલી રહેલા વિચારને યોગ્ય દિશા આપી છે, તેમ કહી શકાય.

કચ્છમાં વસતી મોટા ભાગની જ્ઞાતિના અનેક લોકોએ બૃહદ કચ્છમાં વર્ષોથી, પેઢીઓથી પોતાનાં મૂળિયાં વિસ્તાર્યા છે. જૈન, ઓસવાળ, પટેલ વગેરે સમાજના લોકો વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા છે. રેડીમેડ ગાર્મેન્ટ ઉપરાંત ટેક્સ્ટાઇલ્સ, પ્લાયવૂડ, સ્ટેશનરી, પેપર, પ્રિન્ટિંગ, ઝેરોક્સ, કાચ, બાંધકામ, ઇલેક્ટ્રિકલ્સ જેવા અને તેના આનુષંગિક વ્યવસાયોમાં કચ્છી લોકો મોટી સંખ્યામાં જોડાયેલા છે.

લૉકડાઉન-૪ની જાહેરાત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપ પછી કચ્છમાં થયેલા ઔદ્યોગિક વિકાસનો કરેલો ઉલ્લેખ અને સરકારે લઘુ તથા મધ્યમ ઉદ્યોગો માટે કરેલી વિવિધ જાહેરાતોના કારણે કચ્છમાં ઉદ્યોગો સ્થાપવાનું સરળ બની શકવાની શક્યતા પણ મુંબઈ સ્થિત કચ્છી ઉદ્યોગપતિઓ જોઈ રહ્યા છે. ભારતીય જનતા પક્ષના કચ્છના નેતાઓ પણ મુંબઈગરા કચ્છી નાના-મોટા ઉદ્યોગપતિઓ કે વ્યવસાયકારોને કચ્છમાં આવવા ઇજન આપી રહ્યા છે. તેઓ પણ કેન્દ્ર સરકારે જાહેર કરેલી એમ.એસ.એમ.ઈ. અંગેની નીતિનો લાભ લઈને કચ્છમાં વધુ ઉદ્યોગો સ્થપાય તે માટે પ્રયત્નશીલ છે.

સાંતાક્રુઝ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ વેલફેર એસોસિયેશનના પ્રમુખ અનિલ ગામી જનતા લૉકડાઉનના સમયમાં જ વતનમાં થોડા દિવસ રહી શકાય તેવા વિચારથી ભચાઉ આવ્યા હતા. ત્યાર પછી લાગુ થયેલા લૉકડાઉનના પગલે તેઓને કચ્છમાં જ રહેવું પડ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે વાગડ વિસ્તારમાં ગાર્મેન્ટ બિઝનેસ પાર્ક સ્થાપવા માટેની શક્યતાઓનો અભ્યાસ કર્યો. અહીંની જમીનોની કિંમતો, પાણી, વીજળીની ઉપલબ્ધતા વગેરે અંગે વિચાર કરતા તેમને લાગ્યું કે મુંબઈ કરતાં કચ્છમાં વ્યવસાય કરાય તો વધુ ફાયદાકારક સાબિત થાય તેમ તો છે જ ઉપરાંત સ્થાનિક લોકો માટે પણ રોજગારીનો નવો સ્ત્રોત ઊભો થઈ શકે તેમ છે.

તેઓ કહે છે, ‘મુંબઈમાં ૫-૬ લાખ કરતાં વધુ કચ્છીઓ વસે છે. જેમાંના મોટા ભાગના કોઈ ને કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે. માત્ર ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ અને તેના આનુષંંગિક વ્યવસાય સાથે સંકળાયેલા ૧૦થી ૧૨ હજાર યુનિટ માત્ર કચ્છીઓના છે. કચ્છી સિવાયના લોકોના તો માત્ર ૩થી ૪ હજાર યુનિટ છે. આમ ગાર્મેન્ટ માર્કેટમાં કચ્છીઓ ૮૦ ટકા પ્રભુત્વ ધરાવે છે. તેમાં પણ ૪૦ ટકા જેટલા લોકો તો માત્ર વાગડના જ છે. રેડીમેડ કપડાંની દેશવિદેશમાં વિખ્યાત વિવિધ બ્રાન્ડ કચ્છીઓની છે, તે ગર્વની હકીકત છે.’

વાગડમાં ગાર્મેન્ટ બિઝનેસ પાર્ક સ્થાપવાનો વિચાર કેવી રીતે ઉદ્ભવ્યો તે અંગે સવિસ્તર વાત કરતા તેઓ કહે છે, ‘કોરોનાના ભયના કારણે આ વિચારને વેગ મળ્યો છે. મુંબઈની સ્થિતિ ખતરનાક છે. તેમાં પણ આ ભય જલદી પૂરો થાય તેવા આસાર લાગતા નથી. આમ પણ હવે જ્યારે કોરોના સાથે જીવવાની આદત પાડવી પડે તેવી સ્થિતિ છે ત્યારે મુંબઈમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જીવવું ખૂબ જ અઘરું છે. તેમાં પણ અમારો વ્યવસાય છેલ્લા થોડા સમયથી વિવિધ સમસ્યાનો સામનો કરે છે. અમારે ત્યાં ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળના મજૂરો કામ કરે છે. કોરોનાના ડરથી તેઓ ચાલ્યા ગયા છે. તેમનું પરત આવવું પણ મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત અમારા વ્યવસાયમાં પડતર કિંમતમાં ઘણો વધારો થયો છે. વૈશ્વિક હરીફાઈમાં ટકવું હોય તો પડતર કિંમતમાં ઘટાડો કરવો પડે તેમ છે. ઓછા ભાવમાં વેચાણ કરવાનું અત્યારે જરૃરી બની ગયું છે. તેથી મેં જ્યારે કચ્છની સ્થિતિનો અભ્યાસ કર્યો ત્યારે લાગ્યું કે અહીં જો વ્યવસાય ખસેડાય તો સહેલાઈથી પડતર મૂલ્ય ઘટી શકે તેમ છે. આ વિચારને કેટલા વ્યવસાયીઓ સપોર્ટ કરે છે તે જોવા મેં ઓનલાઇન ફીડબેક ફોર્મ ભરાવ્યા. જેમાં મને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. ૧૪૦૦થી વધુ લોકોએ શરૃઆતમાં જ રસ બતાવ્યો છે.’

આ બિઝનેસ પાર્કમાં ગાર્મેન્ટ સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયીઓનો પણ સમાવેશ કરાશે. ડાઇંગ, પ્રિન્ટિંગ, વૉશિંગ, સિવણ, ભરતગુંથણ, એસેસરિઝ, પેકેજિંગ, ટ્રાન્સપોર્ટેશન વગેરેના નાના મોટા વ્યવસાયીઓ આ બિઝનેસ પાર્કમાં જ હોવાના કારણે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સનું પણ કામ સહેલું બનશે. આ ઉપરાંત ઇમિટેશન જ્વેલરી, પ્લાસ્ટિક ઉદ્યોગ, સ્ટેશનરી કે એક્રેલિક અને વિદેશોથી કાચો માલ મગાવીને તેને રિસાઇકલ કરનારાઓના વ્યવસાયનો પણ આ પાર્કમાં સમાવેશ થઈ શકશે.

જોકે બિઝનેસ પાર્ક ઊભો કરવા માટે સરકારની મદદની અપેક્ષા પણ મુંબઈમાં વસતા કચ્છી ઉદ્યોગપતિઓ રાખી રહ્યા છે. પાર્કની સ્થાપના અને તેના વિકાસ માટે જમીન જલ્દી અને ઓછા દરે મળે, સબસિડી મળે, મશીનરીની ખરીદ કિંમત પર રાહત મળે, જી.એસ.ટી.માં ઘટાડો થાય તો બિઝનેસ પાર્ક ઊભો કરવામાં ગતિ આવી શકે.

કચ્છમાં ગાર્મેન્ટ બિઝનેસ પાર્ક સ્થાપવાની ઇચ્છા ધરાવનારા લોકોએ અત્યારે જમીનો જોવાનું પણ ચાલુ કરી દીધું છે. મુંબઈમાં પેઢીઓથી વસતા મોટી ઉંમરના અને મધ્યમ વયના કચ્છી લોકો વતન પરત ફરવાની ઇચ્છા ધરાવે છે. જ્યારે નાની વયના યુવાનો કે જેઓએ હજુ થોડા સમય પહેલા જ વ્યવસાયમાં ડગલાં માંડવાનું શરૃ કર્યું છે, તેઓ મુંબઈમાં રહેવાનું જ પસંદ કરે છે. અત્યારે જે ગાર્મેન્ટ યુનિટ અસ્તિત્વ ધરાવે છે તેને કચ્છમાં ખસેડીને એક ઑફિસ મુંબઈમાં રાખીને ત્યાં વ્યવસાય સાચવવા યુવા પેઢીને રાખવાનું વતન આવવા ઇચ્છતા મુંબઈગરાઓ વિચારે છે.

Related Posts
1 of 262

આ પાર્ક માટે ફંડ એકત્ર કરવા માટે એક કમિટી બનાવાશે, જે ઉદ્યોગપતિઓ રસ દાખવશે, તેમની પાસેથી ડિપોઝિટ લઈને પ્લોટનું ડેવલપમેન્ટ કરાશે. થોડા નાણાનું રોકાણ ઇન્વેસ્ટમેન્ટવાળા દ્વારા પણ કરાવાશે.

અન્ય એક મુંબઈ સ્થિત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર કીર્તિભાઈ શાહ કચ્છમાં વ્યવસાય ખસેડવાના ફાયદા ગણાવે છે. તેઓ કહે છે, ‘મુંબઈમાં કોરોનાના કારણે ખૂબ વધુ તકલીફ ઊભી થઈ છે. અમારા ઉદ્યોગને જો અમે કચ્છમાં ફેરવી શકીએ તો મુંબઈ કરતાં ૨૫થી ૩૦ ટકા જેટલો પડતર કિંમતમાં ઘટાડો થઈ શકે. કચ્છમાં મુંબઈની સાપેક્ષમાં જગ્યાના ભાવ ખૂબ ઓછા છે. રૃ. એક લાખમાં મુંબઈમાં ૩૦૦-૪૦૦ ચો. ફિટની જગ્યા મળે છે, તેટલી જગ્યા કચ્છમાં લેવા જઈએ તો તે ૧૫-૨૦ હજારમાં પડી શકે છે. આમ જગ્યાના ભાવમાં તફાવતના કારણે મોટો ફાયદો થઈ શકે છે. તેમ જ સ્ટાફને રહેવા, જમવાનો ખર્ચ પણ કચ્છમાં પ્રમાણમાં એકદમ ઓછો આવી શકે. મુન્દ્રા અને કંડલા મહાબંદરો નજીકમાં જ હોવાના કારણે આયાત-નિકાસ સહેલી અને સસ્તી થઈ શકે. રોડ અને ટ્રેનની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં હોવાના કારણે પણ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટી શકે. આ ઉપરાંત મુંબઈની જીવનશૈલીના કારણે સામાન્ય કારીગરથી માંડીને ઉદ્યોગપતિ સુધીના સૌના ખર્ચા અધધ હોય છે. જેમાં કચ્છમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. આ તમામ ઘટેલા ખર્ચના કારણે માલની પડતર કિંમત પણ ઘટી શકે અને સરવાળે વસ્તુની છૂટક કિંમતમાં પણ ૨૫થી ૩૦ ટકા જેટલો ઘટાડો થઈ શકે. જેનો સીધો લાભ સામાન્ય ગ્રાહકોને મળી શકે. આજે ગાર્મેન્ટના વ્યવસાયમાં મોટી બ્રાન્ડ ધરાવનારા અન્ય નાના ઉત્પાદકો પાસે પોતાને જોઈએ તેવો માલ બનાવડાવે છે. માલના આવા સપ્લાયર્સ સહેલાઈથી કચ્છમાં વસી શકે તેમ છે. મુંબઈમાં ટેક્સ્ટાઇલ, રેડિમેડ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ, હોલસેલર અને રિટેલર મળીને ૧૦થી ૧૨ હજાર કચ્છીઓના યુનિટો આ લાઇનમાં ચાલે છે. જો તેમાંથી મોટા ભાગના કચ્છમાં પોતાનો વ્યવસાય શરૃ કરે તો સ્થાનિક લોકો માટે નોકરીની નવી અગણિત તકો ઊભી થઈ શકે. ‘

વર્ષોથી મુંબઈમાં રહેતા અને વતન સાથે જેનાં મૂળિયાં હજુ જકડાયેલા છે તેવા મનજીભાઈ મણોદ્રા (પટેલ) નામના અન્ય એક ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર પણ આવી જ વાત કરતા જણાવે છે કે, ‘મુંબઈમાં રહેતા વાગડ અને કચ્છના લોકો પાસે વતનમાં ખેતીની મોટી-મોટી જમીનો અને પારિવારિક મકાનો છે. જો લોકો મુંબઈનો ગાર્મેન્ટ ઉત્પાદનનો વ્યવસાય કચ્છમાં લઈ આવે તો  શરૃઆતના દોઢ- બે વર્ષ સંઘર્ષ કરવો પડે, પરંતુ સરવાળે તો ફાયદો જ થાય તેમ છે. કચ્છમાં આજે જમીન સસ્તી છે. પાણી અને વીજળીનો કોઈ પ્રશ્ન નથી. મુંબઈની સરખામણીએ ખર્ચ ખૂબ ઘટી શકે તેમ છે તેથી વૈશ્વિક બજારની હરીફાઈને સરળતાથી ટક્કર આપી શકાય. આજે ચીન અને થાઇલેન્ડનો માલ ભારતના માલ કરતાં સસ્તો હોય છે. પ્રશ્ન સ્કિલ્ડ લેબરનો છે. કચ્છના લોકોને તાલીમ આપીને તૈયાર કરી શકાય તેમ છે. ત્યાં સુધી બહારના કારીગરો લાવવા પડે, તે હકીકત છે. કચ્છમાં ખર્ચા ઓછા હોવાના કારણે તે સસ્તા પડે તેમ છે. જમીન ખરીદીમાં, બાંધકામમાં રાહત મળે, જરૃરી સબસિડી મળે, સસ્તા દરની લોન મળે તો અમે સહેલાઈથી અહીં સેટ થઈ શકીએ તેમ છે. જો અહીં ગાર્મેન્ટ બિઝનેસ પાર્ક બને તો સરવાળે કચ્છના અર્થતંત્રને પણ વેગ મળે. આ ઉપરાંત આધુનિક ઢબે ખેતી કરીને તેનો ફાયદો પણ ઉઠાવી શકાય.’

કિશોર ગામી નામના એક ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર જણાવે છે કે, ‘મુંબઈની તુલનામાં કચ્છ સસ્તું છે. અહીં ખેતી અને વ્યવસાય બંને સાથે-સાથે કરી શકાય તેમ છે. આવો પ્રોજેક્ટ ઊભો કરવાનો વિચાર દસેક વર્ષ પહેલાં પણ આવ્યો હતો, પરંતુ ત્યારે લાઇટ, પાણી જેવી માળખાગત સુવિધાઓ ન હોવાથી આગળ વધી શક્યો ન હતો. ગાર્મેન્ટના વ્યવસાયમાં સીધી હરીફાઈ ચીન સાથે છે. ચીનના ગાર્મેન્ટ આપણી તુલનામાં ઘણા સસ્તા હોય છે. જો આપણી પડતર કિંમત ઓછી થાય તો જ આપણે રિટેલ કિંમતમાં ઘટાડો કરી શકીએ અને હરીફાઈમાં ટકી શકીએ. આપણે તેમની પાસેથી યાર્ન આયાત કરીએ છીએ. બહુ થોડું યાર્ન ભારતમાં બને છે. બે મહાબંદરો નજીક હોવાથી કચ્છમાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘટી શકશે. ઉપરાંત જગ્યા પણ મુંબઈ કરતાં ખૂબ સસ્તી હોવાથી ખર્ચમાં ઘટાડો થઈ શકશે. અત્યારે પાર્કની વાત શરૃ થઈ છે તે આખી વાત સરળતાથી પાર ઊતરે તો પણ આખો પ્રોજેક્ટ મૂર્તિમંત થતાં બેથી ૫ાંચ વર્ષ લાગી શકે છે.’

ગાંધીધામમાં રહેતા અને વાગડના અગ્રણી એવા ડૉ. રાજેશ માહેશ્વરી મુંબઈગરા કચ્છીઓની વતન વાપસીની વાતને આવકારતાં જણાવે છે કે, ‘મુંબઈમાં રહેતા વાગડના ઉદ્યોગપતિઓ જો વતનમાં પોતાનો વ્યવસાય ખસેડે તો કચ્છની ઇંચે ઇંચ જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે. બિઝનેસ પાર્ક વિકસિત થાય તો કચ્છ માટે સોનામાં સુગંધ ભળવા જેવી વાત થશે. કચ્છનાં બે બંદરો દ્વારા નિકાસની ઉત્તમ સગવડતા છે, રસ્તા, લાઇટ અને પાણીના પ્રશ્નો પણ હવે કચ્છમાં રહ્યા નથી. ઉપરાંત ખેતીની જમીનનો પણ વિકાસ થઈને સફરજન, રાસબેરી, સ્ટ્રોબેરી જેવા ફળોનું ઉત્પાદન શક્ય બની શકે તેમ છે. સ્થાનિક લોકોને પણ વધુ રોજગાર મળી શકશે. આથી જ મુંબઈમાં વસતા કચ્છી ઉદ્યોગપતિઓને વતન આવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.’

કચ્છમાં મુંબઈ કરતાં ઓછા ભાવની જમીન, રોડ, ટ્રેન અને હવાઈ સેવાની સુવિધાઓ, નર્મદાનું પાણી, ૨૪ કલાક વીજળી, બે મહાબંદરો, સારી સંચારવ્યવસ્થા જેવી માળખાગત સુવિધા ઉપલબ્ધ હોવાના કારણે મુંબઈગરા કચ્છીઓનું મન હવે વતનમાં આવવા લલચાઈ રહ્યું છે. જો ૧૫થી ૨૦ હજાર કરોડનો મુંબઈના કચ્છીઓનો ગાર્મેન્ટ બિઝનેસ કચ્છમાં ખસેડાય તો કચ્છને ચોક્કસ સારો ફાયદો થઈ શકે તેમ છે. અત્યારે આ વાત પ્રાથમિક તબક્કાની છે. તેને મૂર્ત સ્વરૃપ મળતાં તો સમય લાગશે, પરંતુ મુંબઈમાં વસતા કચ્છના લોકોના વિચારથી એક વાત સ્પષ્ટ થઈ છે કે હવે આર્થિક સદ્ધરતા મેળવવા મુંબઈ ભણી જવાનો પ્રવાહ ધીરે-ધીરે પલટાશે જરૃર. દુષ્કાળગ્રસ્ત કચ્છની છબી હવે બદલાઈ રહી છે. તેમાં મોટો ફાળો નર્મદાના નીરનો છે. ભૂકંપ પછી જેવી રીતે ટેક્સ હોલિડેનો લાભ લેવા દેશવિદેશથી અનેક કંપનીઓ કચ્છમાં આવી તેવી જ રીતે કોરોનાનો ભય કચ્છ બહાર, ખાસ તો મુંબઈ વસતા કચ્છીઓને પરત કચ્છ ખેંચી લાવે તેવી શક્યતા ઊભી થઈ છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વતનમાં ઉદ્યોગો સ્થાપવા ઇચ્છતા કચ્છીઓ માટે યોગ્ય સવલતો અને રાહતો આપે તે જરૃરી છે. ઉદ્યોગો માટે શરૃ થયેલી વન વિન્ડો સિસ્ટમ છતાં પડતી મુશ્કેલીઓ સત્વરે દૂર થાય તે આવશ્યક છે. જો આમ થાય તો જેવી રીતે ભૂકંપની આફત કચ્છીઓ માટે અવસરમાં પલટાઈ હતી તેવી જ રીતે કોરોનાની આફત પણ અવસર બની શકે.

———————-.

ગાર્મેન્ટ બિઝનેસ પાર્ક કેવો હશે?
ગાર્મેન્ટ બિઝનેસ પાર્ક કેવો હશે તે અંગે તે વાત કરતા અનિલ ગામી જણાવે છે કે, ‘૧૦૦થી ૧૫૦ એકર જમીનમાં પહેલા તબક્કે પાર્ક ઊભો કરીશું. આસપાસની જમીનો પણ બ્લોક કરી રાખશું. જેથી ભવિષ્યમાં ત્યાં વિકાસ કરી શકાય. પાર્કમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવશું. અહીં જ અથવા નજીકમાં જ કામદારો માટે કોલોની, નાની શાળા, હૉસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ ઊભા કરશું. અહીં આવનારા મેન્યુફેક્ચરર્સ માટે જરૃરી એવી તમામ સગવડો હશે. એક જ જગ્યાએથી તેમની તમામ જરૃરિયાતો સંતોષાશે. સોય- દોરાથી માંડીને જરૃરી તમામ વસ્તુઓ સ્થળ પર જ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવશું. પાણી માટે નર્મદાની લાઇન માટે સરકાર સાથે વાતચીત કરશું અને બોર પણ બનાવશું. વરસાદી પાણી સંગ્રહવા માટે પણ જરૃરી સુવિધા ઊભી કરશું. પાણીની જરૃર અમને બહુ વધુ નહીં હોય. માત્ર વૉશિંગ, પ્રિન્ટિંગ જેવા કામોમાં જ થોડું પાણી જરૃરી છે. બાકી તો પીવા માટે જ પાણી જોઈએ. વીજળી માટે સોલાર પ્લાન્ટ લગાવશું. સાથે સાથે રોડ, ગટર વગેરેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરશું. અમારા ગ્રાહકો દેશવિદેશથી આવશે તો તેમના માટે નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા પણ રાખશું. તેમને ઍરપોર્ટ કે રેલવે સ્ટેશનથી લઈ આવવાની અને મૂકવાની પણ વ્યવસ્થા કરશું. આ ઉપરાંત સ્થાનિક લોકોને અમારા કામની ખાસ ટ્રેનિંગ આપવાની પણ વ્યવસ્થા કરીશું. જેના કારણે તેઓ બહુ થોડા સમયમાં ગાર્મેન્ટ ઉદ્યોગને જરૃરી એવી સ્કિલ ધરાવતા થઈ જાય અને બહારના કારીગરના બદલે અમે સ્થાનિક લોકોને જ રોજીરોટી આપી શકીએ.’
———————-.

વર્ષો પહેલાં કચ્છીઓને વતન શા માટે છોડવું પડ્યું?
રણ, ડુંગર અને દરિયાનો વૈભવ ધરાવતો કચ્છ વિસ્તાર કુદરતનો અણમાનીતો રહ્યો છે. અહીં બે વર્ષ વરસાદ તો એક વર્ષ દુકાળનું, એવો વણલખ્યો નિયમ બની ગયો છે. દુષ્કાળના કારણે ખમીરવંતી કચ્છી પ્રજાને સરકારી સહાયની લાચારી ભોગવવી પડતી. ફળદ્રુપ જમીન હોવા છતાં માત્ર આકાશી મહેરના આધારે જ ખેડૂતોએ રહેવું પડતું. તેમ જ ૨૦મી સદીના અંત સુધી કચ્છ સરકારી અમલદારો માટે સજાનો જિલ્લો ગણાતો હતો. અહીં શિક્ષણની સારી સંસ્થાઓ કે આરોગ્યની સુવિધાઓ પણ ન હતી. આ વિસ્તારના મોટા ભાગના લોકો સીધી કે આડકતરી રીતે મુંબઈ અને વિદેશો સાથે જોડાયેલા હોવા છતાં વતન તેમના માટે પણ ગામડિયો પ્રદેશ હતું. મહાનગરોમાં ઉપલબ્ધ હોય તેવી સગવડોનો અહીં સદંતર અભાવ હતો. આથી જ પૈસા કમાવાની ઇચ્છાથી અનેક લોકોએ માત્ર દોરી-લોટો લઈને વતન છોડ્યું હતું. ઇંગ્લેન્ડ, ગલ્ફના દેશો, પૂર્વ આફ્રિકાના દેશોમાં તેમણે પોતાનો સિક્કો જમાવ્યો હતો. તેવી જ રીતે દેશના મુંબઈ, કોલકાતા, મદ્રાસ જેવાં મહાનગરો સહિતના વિસ્તારોમાં પણ પોતાની મહેનત, આવડત થકી આગવું સામ્રાજ્ય ખડું કર્યું હતું. આજની પેઢી વડવાઓની મહેનતના ફળ ચાખી રહી છે.

આજે કચ્છની સ્થિતિમાં જબરું પરિવર્તન આવ્યું છે. તેમાં પણ ભૂકંપ પછી આ સરહદી જિલ્લાની સિકલ ફરી ગઈ છે. પ્રવાસન એક ઉદ્યોગની જેમ વિકસ્યું છે. ભૂકંપ પછી કચ્છના વિકાસ માટે અપાયેલા ટેક્સ હોલિ-ડેનો લાભ લેવા અનેક નાના-મોટા ઉદ્યોગો કચ્છમાં આવતા વસતી પચરંગી થઈ છે. મુન્દ્રા અને કંડલા મહાબંદરો તથા સેઝના કારણે પણ કચ્છનો વિકાસ આગળ વધ્યો છે. પીવા માટે નર્મદાના પાણી જિલ્લાને મળતાં થયા છે. સિંચાઈ માટે પણ રાપર, ભચાઉ જિલ્લાને નર્મદાના નીર મળવાની શરૃઆત થઈ ચૂકી છે. તેના કારણે ખેડૂતોએ અનેક નવા બાગાયતી પાકો વાવીને વિક્રમજનક ઉત્પાદનો મેળવ્યાં છે. ઓર્ગેનિક ખેતી આધુનિક ઢબે થઈ રહી છે. વીજ ઉત્પાદન ક્ષેત્રે પણ આ જિલ્લો પાવર હબ બન્યો છે. સારા રસ્તા, સારી ટ્રાન્સપોર્ટ સુવિધા, રેલવેની વધતી કનેક્ટિવિટી, મુંબઈ સાથેની વિમાની સેવાના કારણે આ જિલ્લો પણ મુંબઈ જેવી સુવિધા આપવા સક્ષમ બન્યો છે.

જ્યારે મુંબઈ જેવી ભીડભાડના બદલે પ્રમાણમાં સ્વચ્છ હવામાન, ખુલ્લી જગ્યાઓ, પ્રકૃતિની નજીકની જીવનશૈલીના કારણે જ અત્યારે મુંબઈના જીવનના નકારાત્મક અનુભવ લઈને ત્રાસેલી પેઢી પરત વતન ફરવા ઇચ્છુક બને તેમાં આશ્ચર્ય નથી.
———————-.

ભાજપના મોવડીઓનું પણ કચ્છી ઉદ્યોગપતિઓને ઇજન
જેવી રીતે મુંબઈમાં વસતા કચ્છી ઉદ્યોગપતિઓ વતનમાં આવવા ઉત્સુક બન્યા છે, તેવી જ રીતે કચ્છ ભાજપના મોવડીઓ પણ તેમને માદરે વતન પરત આવવા ઇજન આપી રહ્યા છે.

માજી રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ આ ઇજન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ભૂકંપ પછી કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યા, પરંતુ તે વખતે કચ્છી ઉદ્યોગપતિઓ તો ગણ્યાગાંઠ્યા જ આવ્યા હતા. અત્યારે એમ.એસ.એમ.ઈ.ની વિવિધ ભલામણો નાના અને મધ્યમ ઉદ્યોગો માટે લાભકારક છે. જો કચ્છી ઉદ્યોગપતિઓ કચ્છમાં આવે તો સ્થાનિક રોજગારીની સંખ્યા વધી શકે. આ માટે અમે ‘યુ ટર્ન કચ્છ’ નામથી ઝુંબેશ ચલાવશું. મુંબઈ અને મહારાષ્ટ્રમાં જ ૧૦ લાખ જેટલા કચ્છીઓ વસે છે. નર્મદાના નીર આવવાથી પાણીની કોઈ તકલીફ રહેશે નહીં. વીજળી પણ કચ્છ પાસે સરપ્લસ છે. મુન્દ્રા સેઝમાં પાયાની સુવિધા તૈયાર છે. ત્યાં નવું આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પણ બની રહ્યું છે. કચ્છમાં મજૂર યુનિયનોની કોઈ પ્રવૃત્તિ નથી. ગુંડાગીરી કે દાદાગીરી નથી. તેથી ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેમ છે. અમે તો મોટા ઉદ્યોગો ઉપરાંત પર્સ બનાવનારા કે ખાખરા બનાવનારા જેવા નાના ઉદ્યોગોને પણ સ્થાન આપવા ઉત્સુક છીએ. આ માટે જમીનોનો સરવે પણ થઈ રહ્યો છે. ગાર્મેન્ટ ઉપરાંત ઇલેક્ટ્રિક, હેલ્થ અને બ્યુટી કૅર, કેમિકલ્સ જેવા ઉદ્યોગો કચ્છીઓ કચ્છ બહાર ચલાવે છે. તે જ ઉદ્યોગો જો કચ્છમાં આવે તો મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે તેમ છે.’

આવી જ વાત કરતા નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઈ ઝવેરી જણાવે છે કે, ‘ભૂકંપ પછી કચ્છનો સિનારિયો બદલાઈ ગયો છે. હવે બંને મહાબંદરો ધમધમવા લાગ્યાં છે. સારા રસ્તા બન્યા છે, પીવા માટે નર્મદાનું પાણી તમામ તાલુકામાં મળવા લાગ્યું છે. મજૂરો અને માલિકો વચ્ચે સંઘર્ષ નથી. અહીંની પ્રજા પણ વિકાસ ઇચ્છે છે. આથી જ કચ્છ બહારના વસતા કચ્છીઓ વતન આવવા ઇચ્છવા લાગ્યા છે. તેમાં હવે કોરોનાના કારણે બીજી તક આવી છે. નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં કચ્છનો કરેલો ઉલ્લેખ પણ બહારના કચ્છીઓને વતન ખેંચી લાવશે. મુન્દ્રા સેઝમાં થયેલો વિકાસ તેમને અહીં સ્થાપિત થવામાં મદદ કરશે. અહીં ચાઇના ક્લે, બેન્ટોનાઇટ, બોક્સાઇટ જેવા ખનીજ આધારિત ઉદ્યોગો પણ સ્થાપી શકાશે. કચ્છમાં દેશના અન્ય કોઈ વિસ્તાર કરતાં ઉદ્યોગો માટે વધુ જમીનની ઉપલબ્ધતા છે. તેથી અહીં મૂળ કચ્છના પણ બહાર રહેતા ઉદ્યોગપતિઓ આવશે તો તેમને તમામ સગવડતા મળી શકશે.’
———————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »