તમારા માટે, તમારી સાથે, સતત…

ટ્રમ્પની ભીંસ કલાકારો ઉપર નથી

'બાય અમેરિકન, હાયર અમેરિકન' સ્લોગન શરૃ

0 83
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળ્યું ત્યારથી એમણે ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ સ્લોગન શરૃ કર્યું. એક પછી એક એક્ઝિક્યુટિવ ઑર્ડરો બહાર પાડીને પરદેશીઓને અમેરિકામાં કાયમ રહેવા અને કામ કરવા આવતા રોકવાનો પ્રયાસ કર્યો. અમેરિકાને ‘કોવિડ-૧૯’ મહામારીએ એની ભીંસમાં પકડ્યું ત્યારે ટ્રમ્પે એમના ઇમિગ્રન્ટ વિરોધી વિચારોને અમલમાં મૂકતાં એક વધુ ઢંઢેરો ૨૩મી એપ્રિલ, ૨૦૨૦ના દિવસે બહાર પાડ્યો. આ ઢંઢેરાની અવધિ ૨૨મી જૂન, ૨૦૨૦ સુધીની છે, પણ એવું કહેવાય છે કે એનો સમય લંબાવાશે. એ ઢંઢેરામાં જે જે પરદેશીઓને અમેરિકામાં આવવા ઉપર પ્રતિબંધ મુકાયા છે એમાં અન્ય પરદેશીઓનો પણ ઉમેરો કરશે. ઇમિગ્રન્ટો પ્રત્યેની ભીંસ વધુ કડક બનાવશે. પરદેશી વિદ્યાર્થીઓ, જેમને અભ્યાસ પૂરો થતાં અમેરિકામાં કામ કરવા માટે એક યા અમુક સંજોગોમાં ત્રણ વર્ષ ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ લેવા માટે છૂટ આપવામાં આવે છે એ બંધ કરાશે. ‘એચ-૧બી’ વિઝા સદંતર બંધ કરી ન શકે એથી પરદેશથી જેમને અમેરિકન કંપનીઓ ‘એચ-૧બી’ વિઝા ઉપર પોતાને ત્યાં કામ કરવા બોલાવે છે એ ન બોલાવે એવી કંપનીઓને ખાસ સવલતો અપાશે. જો બોલાવે તો એ નોકરિયાતોને અમેરિકન કરતાં વધુ પગાર આપવો પડશે.

‘કુટુંબની કડી’ એટલે કે ‘ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી’ પ્રત્યે ટ્રમ્પને ખૂબ જ દ્વેષ છે. તેઓ ફૅમિલી પ્રેફરન્સ કેટેગરી બંધ ન કરી શકે તો પણ એના નિયમોમાં એવા ફેરફાર લાવશે, જેથી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ અમેરિકાના ગ્રીનકાર્ડ મેળવવામાં ખૂબ મુશ્કેલીઓ નડશે.

ટ્રમ્પના આ ઇરાદાઓ તેઓ અમલમાં લાવી શકશે કે કેમ? એ માટે ખૂબ શંકા સેવાય છે. એનું મુખ્ય કારણ છે કે અમેરિકાને પરદેશી ભણેલા ગણેલા તેમ જ નીચલું કામ કરનારાઓ બધાની જ જરૃરિયાત છે. ટ્રમ્પના ઇમિગ્રેશન વિરોધી વિચારોનો અમેરિકામાં ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે.

અમેરિકાના ઇમિગ્રેશન ખાતાએ સરકાર પાસે ૧.૨ બિલિયન ડૉલરની સહાય માગી છે. ‘કોવિડ-૧૯’ના કારણે તેમ જ ટ્રમ્પની સખ્તાઈના કારણે એમનું કામ ઘટી ગયું છે, એમની આવક બંધ થઈ ગઈ છે. આ પણ એક કારણ છે, જેના લીધે ટ્રમ્પ પરદેશીઓ  ઉપર જે ભીંસ લાદવા ઇચ્છે એ લાદી નહીં શકે.

૨૩મી એપ્રિલ, ૨૦૨૦ના દિવસે ટ્રમ્પે જે ઢંઢેરો બહાર પાડ્યો છે એમાં જેઓ અમેરિકામાં કાયમ રહેવા આવવા ઇચ્છે છે એમને અટકાવ્યા છે. નૉન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર, ટૂંક સમય માટે અમેરિકા જવા ઇચ્છે છે એમને આ ઢંઢેરો પોતાની ભીંસમાં નથી લેતો.

Related Posts
1 of 319

‘લૉકઆઉટ દરમિયાન આપણે સૌએ જોયું છે કે ચિંતામાંથી મુક્ત થવા, ભયને દૂર કરવા તેમ જ સમય પસાર કરવા આપણે બધા એમના મોબાઇલનો વપરાશ કરવા લાગ્યા છે. કલાકારો, સ્ટૅન્ડઅપ કૉમેેડિયનો, સંગીતકારો, વાજિંત્રવાદકો, કથાકારો, વાર્તાઓ કહેનારાઓ, એકોક્તિ ભજવનારાઓ, પોતપોતાની કળાનું વીડિયો રેકૉર્ડિંગ કરીને ‘યુ-ટ્યૂબ’, ‘ફેસબુક’, ‘ઇન્સ્ટાગ્રામ’, ‘વૉટ્સઍપ’ આમ લગભગ બધાં જ માધ્યમો, જે મોબાઇલમાં જોઈ શકાય છે એની ઉપર અપલોડ કરતા થયા છે. લોકો એ જોઈને એમનો ટાઇમ પસાર કરે છે. ચિંતામાંથી મુક્તિ મેળવે છે.

હવે જ્યારે લૉકઆઉટ દૂર થશે, લોકોને બહાર જવાની છૂટ મળશે એટલે લોકો મનોરંજન ગૃહો તરફ નજર દોડાવશે.

‘કોવિડ-૧૯’નો ભય દૂર થતાં એની રસી શોધાતાં લોકો નાટ્યગૃહો, મનોરંજનનાં સ્થળોએ જતાં થશે. આવા સમયે અમેરિકામાં રહેતાં હજારો ગુજરાતીઓ ગુજરાતી ભાષામાં ભજવાતાં નાટકો, ગુજરાતી ભાષામાં થતાં કાવ્યપઠનો યા મુશાયરાઓ, એકોક્તિઓ, વાર્તાપઠન, સ્ટૅન્ડઅપ કૉમેડી, આ સઘળું જોવા માગશે. એ માગને ભારતમાં રહેતા કલાકારો જ પૂરી પાડી શકશે.

અમેરિકામાં જો કોઈ પરદેશી કલાકારે એની કળા પ્રદર્શિત કરવી હોય, સાંસ્કૃતિ કાર્યક્રમ આપવા હોય, એમાં ભાગ લેવો હોય, તો ‘પી-૩’ વિઝા મેળવવાના રહે છે. ‘પી-૩’ વિઝા નૉન-ઇમિગ્રન્ટ કૅટેગરીના છે. આ વિઝા ઉપર પ્રેસિડન્ટ ટ્રમ્પે કોઈ પણ જાતની ભીંસ પકડી નથી, પ્રતિબંધ મૂક્યો નથી. આપણા નાટકના પ્રોડ્યુસરો, કલાકારો, સ્ટૅન્ડઅપ કૉમેડિયનો, કવિઓ, એકોક્તિ બોલનારાઓ જો હમણાથી જ અમેરિકા માટે ફોર્મ આઈ-૧૨૯ દાખલ કરાવી દે તો એ એપ્રૂવ્ડ થયા પછી લૉકઆઉટ ખૂલે, પરિસ્થિતિ નૉર્મલ બને કે તુરંત કાર્યક્રમ ભજવવા અમેરિકા જઈ શકશે. ‘પી-૩’ વિઝાના પિટિશન એક વર્ષ અગાઉથી દાખલ કરી શકાય છે. એ કોઈ  ગ્રૂપ માટે કે એકલી વ્યક્તિ માટે પણ કરી શકાય છે. એક કાર્યક્રમ અથવા અનેક કાર્યક્રમ ભજવવા માટે પણ આ પિટિશનમાં પરવાનગી મેળવી શકાય છે. કલાકારનું એક ગ્રૂપ હોય, જેમાં પાંચ-છ કલાકારો વતીથી પિટિશન દાખલ થઈ હોય એમાંથી કોઈ બે-ત્રણ કલાકાર અમેરિકા જઈ શકે એમ ન હોય તો એપ્રૂવ્ડ પિટિશનમાં જે નામો હોય એમાં ફેરબદલી કરી શકાય છે. આ કલાકારો એમની પત્ની યા પતિ અને એકવીસ વર્ષથી નીચેના અવિવાહિત સંતાનો માટે ‘પી-૪’ વિઝાની અરજી પણ કરી શકે છે.

ગુજરાતી નાટકના પ્રોડ્યુસરો ગુજરાતી કલાકારો, ગુજરાતી કવિઓ, સ્ટૅન્ડઅપ કૉમેડિયનો તમે લૉકઆઉટ પિરિયડનો સદ્ઉપયોગ કરો. તમારા લાભ માટે ‘પી-૩’ વિઝાનું પિટિશન દાખલ કરાવો, ચાર-છ મહિનામાં એ એપ્રૂવ્ડ થઈ શકશે. ત્યાં સુધીમાં લૉકઆઉટ પિરિયડ પૂરો થશે. પરિસ્થિતિ થાળે પડશે. તમે તમારી કળા પ્રદર્શિત કરવા અમેરિકા જઈ શકશો.

સમયનો સદુપયોગ કરો. ‘પી-૩’ વિઝા મેળવવાની આજથી તૈયારી શરૃ કરી દો. પ્રેસિડન્ટ ટ્રમ્પની ભીંસમાં તમે નથી સપડાયા.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »