ભારત બનશે આત્મનિર્ભર
દેશવાસીઓએ દેશમાં ઉત્પન્ન થયેલી જીવનજરૃરિયાતની વસ્તુઓથી માંડીને મોજશોખની વસ્તુઓ દેશના બ્રાન્ડની ખરીદવાની પહેલ કરી છે.
- અર્થતંત્ર – હેતલ રાવ
દેશમાં ચાલી રહેલા કોરોના મહામારીના કારણે લોકોમાં ભયનો માહોલ છે. બીજી બાજુ આવકના સ્ત્રોત પણ બંધ થઈ રહ્યા છે. જીવનજરૃરિયાતની વસ્તુ માટે વલખાં મારવા પડે છે. આવા એક બે નહીં, અનેક પ્રશ્નો લોકોનો સતાવી રહ્યા છે, ત્યારે શું કરવુંના સવાલો સાથે પ્રજા ચિંતિત છે, પરંતુ આ ચિંતાના સમાધાન રૃપે અને લોકોમાં નવી ઊર્જા ભરવા માટે આત્મનિર્ભર યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. લોકો પણ સ્વદેશ તરફ વર્યા છે અને આત્મનિર્ભરતાને પૂર્ણ રીતે વધાવી છે.
કોરોના મહામારીએ વિશ્વને ભરડામાં લીધું છે, જેના લીધે ઘણાબધા દેશો અસરકારક રીતે પ્રભાવિત થયા છે, એમાં આપણો દેશ પણ બાકાત નથી. કોરોના સંક્રમણમાં વધારો ના થાય અને કોરોનાથી વધુ મોત ના થાય તે માટે લૉકડાઉન અમલી બનાવી દેવામાં આવ્યું. લૉકડાઉનના લીધે દેશની આર્થિક હાલત પર સીધી અસર પડી છે. અર્થતંત્રનું ચક્ર અટકી જતાં દેશની જીડીપી સૌથી નીચલા સ્તર પર નોંધાઈ છે. આવનાર સમયમાં જીડીપી નેગેટિવમાં જવાની આશંકા સેવાઈ રહી છે. દેશની આર્થિક સ્થિતિ ફરીથી બેઠી કરવી તે એક પડકાર છે. આ લખાય છે ત્યાં થોડી છૂટછાટ સાથે લૉકડાઉન યથાવત છે. દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પંજાબ સહિત રાજ્યો કોરોનાના કહેર સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે સૌથી જરૃરી છે દેશના અર્થતંત્રને બેઠું કરવાની અને તે માટે મહત્ત્વનું છે આત્મનિર્ભર થવાની. હા, હવે દેશને આર્થિક રીતે ફરી ધમધમતું કરવા માટે દેશના સર્વે નાગરિકોએ પોતાનું યોગદાન આપવું અનિવાર્ય છે. સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો પડશે.
લૉકડાઉન સમયે દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું કે દેશ માટે આત્મનિર્ભર થવું પડશે. તેમના આત્મનિર્ભરના સંબોધનથી ફરી એકવાર દેશદાઝ બહાર આવી અને લોકો સ્વદેશી પ્રોડક્ટ ખરીદવા તરફ આગળ વધી રહ્યા છે. દેશવાસીઓએ દેશમાં ઉત્પન્ન થયેલી જીવનજરૃરિયાતની વસ્તુઓથી માંડીને મોજશોખની વસ્તુઓ દેશના બ્રાન્ડની ખરીદવાની પહેલ કરી છે. એટલું જ નહીં, એમ કરવું અતિ અનિવાર્ય છે, કારણ કે દેશના અર્થતંત્રને શિખર પર પહોંચાડવાની જવાબદારી દેશવાસીઓની પણ છે. એમ કહી શકાય કે વિદેશી વસ્તુઓને જાકારો આપવા માટે ભારતે જાપાનનું મૉડલ અપનાવવું પડશે. અર્થાત જ્યારે અમેરિકાએ જાપાન પર અણુબોમ્બ ફેંકીને જે માનવ નરસંહાર કરીને મોતનું તાંડવ રચ્યું હતું તે કોઈ ભૂલી શકે તેમ નથી. જાપાન બધી રીતે પાયમાલ થઈ ગયા બાદ નવેસરથી ડગ માંડીને દેશમાં જ વસ્તુઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા બનાવી અને જાપાનવાસીઓની દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓ વાપરવાની ઘેલછાએ આજે વિશ્વમાં જાપાની ટૅક્નોલોજીને નંબર વન બનાવી. આર્થિક રીતે સમૃદ્ધ દેશોમાં તેની ગણના થાય છે. ભલે આપણે વાત સ્વદેશની કરીએ, પણ જો એ માટે જાપાનનું મૉડલ સ્વીકૃત કરવું પડે તો તેમાં કોઈ વાંધો નથી, કારણ કે આપણા દેશની એક બે નહીં, પણ અગણિત વાતોના માધ્યમથી વિદેશની ધરતી પર ખુશીઓનો સંચાર થાય છે.
આપણા દેશની આયાત કરતાં નિકાસ ઓછી છે. આપણે વિદેશથી વધુ માલસામાનની ખરીદી કરીએ છીએ. એક સર્વે અનુસાર અંદાજિત દર વર્ષે ભારત ૨૯ લાખ કરોડની આયાત કરે છે અને ૨૦ લાખ કરોડની નિકાસ કરે છે એટલે કે ૯ લાખ કરોડ વેપાર માઇનસમાં ચાલે છે. દેશમાં સૌથી વધુ ચીનમાંથી વસ્તુઓ આયાત કરીએ છીએ તેમાં ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ હેવી મશીનરી, ઓર્ગેનિક કેમિકલ, પ્લાસ્ટિક ગુડ્સ વ્હિકલ પાર્ટ્સ એન્ડ એસેસરીઝ અને બાળકોના રમકડાં સહિત ઘણીબધી વસ્તુઓનો સમાવેશ થાય છે. આપણા દેશમાં ચીને મક્કમ રીતે બજાર પર કબજો મેળવી લીધો છે અને દરેક વસ્તુઓ ચાઇના માર્કેટની વેચાય છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે દેશના ઉદ્યોગોને વેગવંતું બનાવીને સ્વદેશી વસ્તુઓ ખરીદવાની જહેમત ઉઠાવીએ.
ચાઇના માર્કેટે દેશમાં પગ જમાવી દીધા છે તે દેશના અર્થતંત્ર માટે જોખમી સાબિત થશે. હવે ચાઇના પ્રોડક્ટને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુને પ્રાધાન્ય આપી પોતાના ઉદ્યોગો અને પોતાના વેપારીઓને ઉપર લાવી દેશને આર્થિક રીતે સમૃદ્ધ કરવાનો પણ હવે સમય આવી ગયો છે. ફક્ત ચીન નહીં, અન્ય દેશોના માલસામાન પણ આપણે વપરાશમાં લઈએ છીએ. કોઈ પણ દેશ ૧૦૦ ટકા સ્વદેશી નથી બની શકતો, પરંતુ સ્વાવલંબી બનીને ૭૦ ટકા સુધી સ્વદેશી બની શકાય છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘણી બધી સ્વદેશી પ્રોડક્ટ દેશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપીને સ્વદેશી મુહિમ ચલાવી રહી છે. દેશના નાગરિકો પણ આવી પ્રોડક્ટને પસંદ કરી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે. એમ કહી શકાય કે ધીમે-ધીમે પ્રજા જાગૃત બની રહી છે અને આવનાર સમયમાં પણ સ્વદેશી કંપનીઓને જ ફાળો આપશે. હવે સાચા અર્થમાં લોકો સ્વદેશી વસ્તુઓ ખરીદવા કટીબદ્ધ બનશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચીફ ઓપરેટિંગ ઓફિસર યોગેન્દ્રકુમાર ત્રિવેદીએ ‘અભિયાન’ સાથે વાત કરતા કહ્યું કે, ‘વડાપ્રધાનના સપના આત્મનિર્ભર માટે નાણા પ્રધાને સતત પાંચ દિવસ સુધી લગભગ એકથી દોઢ કલાક વીસ લાખ કરોડ રૃપિયાની વિવિધ યોજનાની ચર્ચા કરી હતી. જેમાં આર્થિક બાબતોમાં સંકળાયેલા બધાં જ પ્રકારનાં ક્ષેત્રોને આવરવાનો તેમનો પ્રયત્ન હતો. આ પેકેજ જાહેર કરવા પાછળનો તેમનો મુખ્ય હેતુ માત્ર આર્થિક વ્યવસ્થાને શરૃ કરવાનો નહીં પરંતુ ઝડપી આગળ વધારવાનો છે. એમ કહી શકીએ કે આ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલો આ એક સંનિષ્ઠ પ્રયત્ન છે. આંકડાની દૃષ્ટિએ લાભ કેટલો થશે તે હાલના તબક્કે કહેવું થોડું વહેલું છે. ભવિષ્ય માટે આ યોજના ચોક્કસથી લાભદાયક બની રહેશે. એક નક્કર હકીકત છે કે ઘણી મક્કમ રીતે આ શરૃઆત કરવામાં આવી છે. એક નાનું ઉદાહરણ આપું તો પાણીનો ગ્લાસ અડધો ભરેલો હોય તો કોઈ કહેશે અડધો ખાલી છે અને કોઈ તેને પોઝિટિવ થિંક સાથે જોશે તો તે અડધો ભરેલો લાગશે. દરેકની જોવાની દૃષ્ટિ છે, પણ જે કામ થયંુ છે એ ફાયદાકારક છે.’
મેક્સ લાઇફ ઇન્સ્યૉરન્સમાં આસિસ્ટન્ટ એજન્સીના એસોસિયેટેડ સત્યમ ભટ્ટ ‘અભિયાન’ને કહે છે, ‘કોરોના મહામારીના લીધે દેશના અર્થતંત્રની હાલત ખરાબ છે. હવે અર્થતંત્રમાં દરેક નાગરિકે પોતાની તમામ વસ્તુઓ સ્વદેશી બ્રાન્ડની ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. હું તો છેલ્લાં બે વર્ષથી સ્વદેશી પ્રોડક્ટ જ ખરીદું છું અને મારા મિત્રોને પણ દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓ વાપરવા અનુરોધ કરું છું. દેશ પર સંકટના વાદળ છે. હવે સાચા અર્થમાં સમય છે કે તમામ વ્યક્તિ પોતાના દેશ પ્રત્યે ફરજ નિભાવે અને સ્વદેશી વસ્તુઓ તરફ રૃખ કરે. હું આત્મનિર્ભર યોજના સાથે સો ટકા સહેમત છું અને ભારતમાં રહેતા દરેક લોકોએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધવું જોઈએ.’
દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવવાનો સાચો સમય આવી ગયો છે, એમ કહેતા આર્ટ એન્ડ એનિમેશન ડિઝાઇનર પુનિતા સોલંકી ‘અભિયાન’ને કહે છે, ‘કોરોના સંકટે એટલંુ તો સમજાવી દીધું છે કે હવે સમય આવી ગયો છે આત્મનિર્ભર બનવાનો, પોતાની વસ્તુનો ઉપયોગ કરવાનો અને વિદેશી વસ્તુઓને જાકારો આપવાનો. જોકે આ વાત સરળ નથી. જે વસ્તુનો ઉપયોગ કરીએ તેને છોડીને અન્ય વસ્તુને અપનાવવામાં સમય લાગે છે, પરંતુ પ્રયાસ કરવાથી સફળ પણ થવાય અને વાત જ્યારે દેશની હોય તો પછી વિચારવાનું જ શું. એક વાત આપણે સૌએ નક્કી કરવી પડશે કે આ સમય દેશ માટે ઘણો કઠિન છે અને સાથે મળીને લડીશું તો જરૃર ફતેહ થશે. દેશ ભક્તિની વાતો નહીં, પણ દેશ માટે સાચા અર્થમાં વિચારવું પડશે. સ્વદેશી વસ્તુને અપનાવવી આપણી મરજી જ નહીં નૈતિક ફરજ પણ છે.’
શું તમે ટીકટોકનો બહિષ્કાર કરો છો..? તો કોમેન્ટમાં યસ લખો. શું તમે આત્મનિર્ભર યોજનાના સમર્થક છો..? વિદેશી વસ્તુના વપરાશ પર પ્રતિબંધ લાવશો..? જેવી એક બે નહીં પરંતુ અઢળક પોસ્ટ રોજ તમે ફેસબુક, ઇન્સ્ટા, વૉટ્સઍપ અને સોશિયલ સાઇટ પર જુઓ છો. ઘણા ખરા તેમાં પોતાનો જવાબ લખતા કહે પણ છે કે હા, હવે હું વિદેશની કોઈ પણ વસ્તુનો વપરાશ નહીં કરું, એ વાત જુદી છે કે જે ફોનથી તેઓ લખી રહ્યા હોય છે તે ઓપ્પો કે વીવો હોય છે, પણ હવે આવી પોસ્ટ મૂકવાનો અને કોમેન્ટ કરવાનો સમય ગયો. હવે સમય છે તેની પર અનુકરણ કરવાનો, સમય છે સ્વદેશી વસ્તુને અપનાવવાનો અને સમય છે આત્મનિર્ભર યોજનાને સમર્થન આપવાનો. તમારા વિચારો ગમે તે હોય, પરંતુ દેશ એક છે. દેશના અર્થતંત્ર પર થતી વિપરીત અસરને દૂર કરવાની જવાબદારી ભારતવાસીઓની છે. હવે એક ડગ આત્મનિર્ભરતા તરફ
————-