તમારા માટે, તમારી સાથે, સતત…

હવે જંગલમાં પણ જીવ રક્ષા!

૨૦૨૦ જાણે જડમૂળથી પરિવર્તનનું વરસ બનતું જાય છે

0 151
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

આખા વિશ્વમાં અત્યારે ચેપી રોગના પ્રકોપમાં કેટલા આંકડા વધ્યા, કેટલા ઓછા થયા તેની ઘટમાળમાં માનવીઓ અટવાયા છે. ઋતુ અને નદીના વહેણમાં ફેરફાર નોંધાયા છે ત્યારે સદીઓથી પોતાની જ પરંપરા અને રીતરિવાજ પ્રમાણે જીવતાં આદિવાસી અને પહાડિયા જનજાતિમાં પણ પરિવર્તનનાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે!

પશ્ચિમ બંગાળમાં પુરુલિયા જિલ્લામાં એક અયોધ્યા નામની લઘુ પર્વતમાળા છે. ચારેય તરફ જંગલનો વિસ્તાર છે. ડેમ, ઝરણા અને પૌરાણિક અવશેષો છે. પ્રવાસ-પર્યટનનું ક્ષેત્ર છે. પર્વતીય ક્ષેત્રમાં આદિવાસી જનજાતિ, સંથાલી પ્રજા ગામડાઓમાં વસેલી છે. હજી તીર-કામઠા લઈ શિકાર કરવા માટે જાણીતી છે. અહીં એક સીતા કુંડ પણ છે, જેની સાથે ભગવાન રામ અને સીતા વનવાસ દરમિયાન આવ્યાં હતાં એવી માન્યતા છે. આદિવાસીઓ માટે વૈશાખ મહિનાની પૂનમનું બહુ મહત્ત્વ છે, પૂર્ણ ચંદ્ર ખીલ્યો હોય ત્યારે સેન્દ્રા અને સેતાન ટાંડી જેવા ઉત્સવો ઉજવાય છે. દેવી-દેવતાઓની પૂજા થાય છે. બલી ચઢાવવા સિવાય પૂજા-અર્ચનામાં વિશેષ ફરક હોતો નથી. તેમની નાચ-ગાનની શૈલી સામૂહિક હોય છે. પૂર્ણિમાની રાત્રે પૂજા કર્યા પછી તેઓ જંગલમાં જવાનું શરૃ કરે છે. પહાડ અને જંગલમાં અનેક પ્રકારની વનસ્પતિઓ ઊગે છે જેની સારી પરખ આદિવાસીઓને હોય છે. તેઓ ઔષધ માટે વપરાતી વનસ્પતિ શોધે છે, ખાવાલાયક ફળો શોધે છે, દેવતાને ધરાવવા લઈ આવે છે, બંગાળમાં જ્યોતિષો કુંડળી કે હસ્તરેખા જોઈ ખાસ વનસ્પતિના મૂળિયાં લાલ, પીળા કે લીલા રંગના દોરામાં બાંધી ગ્રહ દોષના ઉપચાર તરીકે પહેરવાની સલાહ આપતાં હોય છે, આ મૂળિયાઓ અયોધ્યા પહાડના જંગલમાંથી આદિવાસીઓ શોધી લાવે છે. આ ઉપરાંત શિકાર કરી વન્ય પ્રાણીઓને હણી નાખે છે.

૨૦૨૦ જાણે જડમૂળથી પરિવર્તનનું વરસ બનતું જાય છે. આ વરસે આ પર્વતમાળાના નજીકનું નગર બાગમુંડી અને ગ્રામ વિસ્તારના આદિવાસીઓએ પૂર્ણિમાની પૂજા-અર્ચના કરવી પણ શિકાર બંધનો નિર્ણય કર્યો છે. એક તો મહામારીથી બચવા લોકો ઘરમાં ભરાયા છે. લોકો બહુ શિક્ષિત નથી, જેમની પાસે મોબાઇલ ફોન છે, તેઓ સોશિયલ મીડિયાથી ખબર મેળવી રહ્યા છે, બિનસરકારી સંસ્થાઓની આકરી મહેનત પછી બાળકો માંડ ભણવા માટે તૈયાર થયા છે. જીવ હત્યા કે શિકાર ન કરવા માટે અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા તેમાં જબરો ફેરફાર નોંધાયો છે. આદિવાસી જાતે ગામોગામ સ્થાનિક પોલીસ સાથે ફરી ઢોલ પીટીને તેમનાં જૂથ આદિવાસી સંગઠન ‘ભારત જાકાત માઝી પારગના’નો આદેશ પહોંચાડી ચૂક્યા છે કે વર્તમાન પવન મહારોગથી બચવાનો છે, જીવ હત્યા કરવી નહીં.

Related Posts
1 of 319

અહીં ઉલ્લેખનીય દૃશ્યો પણ એવાં જોવાં મળ્યાં છે, જેની પરિભાષા આદિવાસીઓને બરોબર સમજાઈ હશે, જે પ્રાણીઓ વન બહાર કદી જોવાં મળતાં નહીં તે ભેંકાર ગામમાં ફરતાં દેખાયા છે. હરણ કદી માનવ વસ્તીમાં આવતાં નથી, બાગમુંડીની ગલીઓમાં પહેલીવાર હરણ મુક્ત ફરતાં જોવા મળે છે. મોર અને ઢેલ પણ ગામમાં ફરે છે, એટલું જ નહીં, પક્ષી નિષ્ણાતો વનમાં જે પક્ષીઓની શોધમાં જાય છે તે વનમાં જ કલશોર કરતાં પંખીઓ ગામમાં, નગરમાં ભયભીત થયાં વગર દાખલ થયાં છે.

પર્યટકો નથી, વાહનવ્યવહાર નહીંવત છે, પેટ્રોલ-ડીઝલની ગંધ નથી, શહેર તરફ વળતાં રસ્તાઓ ખાલીખમ પડ્યા છે. સ્વાભાવિક છે વન જેવી શાંતિને કારણે વનનાં પ્રાણીઓ અને પંખીઓએ પોતાનો વિસ્તાર વધાર્યો છે. કુદરતની ભાષા અબોલ જીવો પહેલાં જ સમજી લેતાં હોય છે, આદિકાળથી વન પ્રદેશમાં આવનજાવન કરતા આદિવાસીઓને પણ અંદેશો આવી ગયો. વન વિભાગે પણ વનાંચલની સુરક્ષા માટે વનનાં પ્રાણીઓની રક્ષા માટે અપીલ કરી.

દાયકાઓથી પશુપ્રેમી સંસ્થાઓ પ્રયત્ન કરતી હતી કે જીવ હત્યા બંધ થાય, પણ તેમાં સફળતા મળી નહીં. કોરોના વાઇરસ, તેના નેટવર્કને અટકાવવાના પ્રયત્નો, જનજીવન વગરના પ્રવાસ ક્ષેત્ર, અવરજવર વગરની માનવ વસ્તીઓ અને કુદરતના બદલાયેલા સ્વરૃપને કારણે આદિવાસી અને વન આસપાસ રહેતી જનજાતિઓએ જાતે નક્કી કર્યું કે દેવતાઓને ફળફૂલથી રીઝવવા, પૂજા કરવી પણ ભીડ ન કરવી, જીવ હત્યામાં માનનારાઓએ તીર ધનુષ મૂકી જંગલમાં અહિંસા, જીવ રક્ષાનો પંથ અપનાવ્યો છે.

પુરાણોમાં અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ ન થાય તેવી ભૂમિ, પુરુલિયાના અયોધ્યા પહાડ મુકામે સીતા અને રામ આવ્યાં હતાં? તે સંશોધનનો વિષય છે, પણ આદિવાસીઓના મનમાં ત્યારે રામ વસ્યા હતા અને આજે ફરી મનમાં વસેલા રામ જાગ્યા છે તે હકીકત છે એટલે જ જંગલમાં મંગલ થશે એવું લાગે છે, આદિવાસી દેવતા રીઝે અને જેઠમાં જ કોરોનાનો કોપ દૂર થાય એ પણ સંભવ છે!
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »