તમારા માટે, તમારી સાથે, સતત…

ચોર ચીટર ચંડ ચીન

નવેમ્બરમાં કોવિડ-૧૯ રોગનો પહેલો દર્દી ચીનમાં ત્યાંના ડૉક્ટર 'ને સત્તાવાળાની જાણમાં આવેલો.

0 202
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

ચૂરણ ચટાડતું ચૂનો ચોપડતું ચીન ચમરબંધી નથી
સમય ને સમાજનું શત્રુ છે, સત્વ કે સત્ય પંથી નથી

‘ગ્લોબલ ટાઇમ્સ’ ચીની સામ્યવાદી પક્ષનું પોતાના ઘરનું છાપું છે. નામ વાંચીને ડાબા હાથે ચામાચીડિયા જમતા હોય એમને વૈશ્વિક અનુભૂતિ થઈ શકે છે. સદીઓથી ગુલામ રહ્યા એવું બાળપણથી ભણી તથા વિશ્વ એક કુટુંબ છે એવું ધારી કે માની મોટા થયેલા સાધારણ ભારતીય માટે ગ્લોબલ એટલે એક થઈને બધાં ભેગાં રહે એમ હોય. જ્યારે વિસ્તારવાદી હિંસક વૃત્તિનું પોષણ પામી જે મગજ મોટું થયું હોય તેની મેમરીમાં આખી દુનિયા એક અર્થાત આખી દુનિયા અમારા જેવી ‘ને અમારા કહ્યામાં હોય. ભારતીય બાળક નાનપણમાં ભારતીય મૂળની જે બાલવાર્તા સાંભળીને મોટું થાય એમાં ભારતીયતા એટલે વિશ્વના બાકીના દેશોને હરાવી વિજેતા બનવા સર્જાયેલી કક્ષા નથી. આપણા પાઠ્યપુસ્તક ભારતના ભવ્ય ઇતિહાસનું થોડું કે વધારે દર્શન કરાવે છે. છતાં એમાં એવો કોઈ ભાવ કે અભિગમ નથી હોતો કે ભારતે અન્ય દેશો પર ચઢાઈ કરવી જોઈએ. આપણી વસ્તીમાંથી એક ટકો પણ એવા ના નીકળે જે આપણને ગુલામ રાખનાર બ્રિટન પર આક્રમણ કરવું જોઈએ એવું માનતા હોય.

ભારતે નેપાળ, ભૂતાન ‘ને શ્રીલંકા પર કબજો ના મેળવ્યો. અરે, ભારતને કાંઠે સમંદરમાં એકલો એવો માલદિવ્ઝ સ્વતંત્ર દેશ છે, મુસ્લિમ છે. બાંગ્લાદેશની કેટલી તાકાત? ના, ભારત દાદાભાઈ નવરોજીના સમયથી સ્વદેશીની વાત કરતું રહ્યું ‘ને આજે મોદીના રાજમાં આત્મનિર્ભર બનવાની વાત કરે છે, પરંતુ તેમાં આસપાસના દેશો ખાઈ જવાની કે વિશ્વ પર રાજ કરવાની વાત નથી. ભારતમાં લોક સેવા સંચાર પરિષદ દ્વારા રજૂ થયેલાં સુંદર ગીતોમાં આપણે એકબીજાનો સૂર મળે ‘ને આપણો સૂર બને નિરાળો એમ આનંદ તથા ગર્વથી ગાઈએ છીએ. આપણા દેશના લોકપ્રિય ‘ને સફળ નાગરિકો એક મશાલ લઈ બીજાને આપવા આગળ ધપે છે. આપણે બે હજાર વીસમાં અબ્દુલ કલામને યાદ કરીને ઇન્ડિયન સેલિબ્રિટીઝ એકબીજાને બંદૂક કે લાઠી આપે છે એવો વીડિયો ના બનાવી શકીએ કેમ કે એવી વૃત્તિ આપણા લોહીમાં નથી. બેશક યુદ્ધ જેવાં સંજોગો હોય ત્યારની વાત અલગ છે. આપણને ખબર છે કે રાષ્ટ્રપ્રેમી હોવું ‘ને અન્ય રાષ્ટ્રને દુશ્મન ગણી એમનું ખરાબ કરતા રહી રાષ્ટ્રવાદી બનવું એ અલગ છે.

આ ઓગણીસ મેના રોજ ‘ગ્લોબલ ટાઇમ્સ’ પર પ્રસિદ્ધ થયેલી એક નાની દેખાતી ગંભીર ‘ને મોટી વાત પર નજર નાખીએ. ‘કેન્દ્ર સરકારે ચીનના ઇતિહાસનું શિક્ષણ સુધારવા માટે તથા સ્થાનિક વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય તાદાત્મયતામાં વધારો થાય તે અર્થે હોન્ગકોન્ગ ઍડ્મિનિસ્ટ્રેટિવ રિજયનમાં વિશેષ પ્રતિનિધિની કચેરીનું ગઠન કરવું જોઈએ. આ સંસ્થા સરકારી હોઈ શકે કે કોઈ નફો ના કરતા હોય તેવા મંડળ, જેના થકી ચીનની મુખ્ય ધરતી પરથી શિક્ષકો ‘ને વિશેષજ્ઞ હોન્ગકોન્ગમાં મોકલી શકાય.’ આવું ચીનની નેશનલ પિપલ્સ કોન્ગ્રેસના અધિકૃત ડેપ્યુટીએ કહ્યું. આગળ છાપું લખે છે કે હોન્ગકોન્ગના જુવાન લોકો દેશના ઇતિહાસ, સંસ્કૃતિ ‘ને વર્તમાન પ્રવાહો અંગે ઓછી સમજ ધરાવે છે. સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ ઓછા શિક્ષકોને કારણે તકલીફ ભોગવી રહી છે. ડેમોક્રેટિક એલાયન્સ ફોર બેટરમેન્ટ એન્ડ પ્રોગ્રેસ ઓફ હોન્ગકોન્ગના અધિકારી ટાં યીચુંગએ કીધું કે ચીની કેન્દ્ર સરકાર આ સમસ્યા દૂર કરવા મદદ કરશે એવી અમને આશા છે. ચીનની મુખ્ય ધરતી પર ચીની ઇતિહાસ ‘ને સંસ્કૃતિ માટેના ઘણા વિશેષજ્ઞ છે.

ચીનની સંસ્કૃતિ અંગે હોન્ગકોન્ગના લોકો એમના હાથ નીચે ભણે એવું સામ્યવાદીઓ ઇચ્છે છે. જી, અહીંના સામ્યવાદીઓ ભારતની સંસ્કૃતિનો વિકૃત રીતે નાશ ઇચ્છે છે. કરન્ટ અફેર્સ અંગે હોન્ગકોન્ગમાં રહેલા લોકોને ઓછી સમજ હોય એવું તમે માનશો? યસ, ચીન પોતાનો સરમુખત્યારી એજન્ડા ઠોકવા માટે એજન્સીઓ એક્ટિવ કરી રહી છે. જે ‘ડેમોક્રેટિક એલાયન્સ ફોર બેટરમેન્ટ એન્ડ પ્રોગ્રેસ’ હોય એ ચીનની હિંસક સામ્યવાદી સરકાર પાસે મદદ માગે? વાસ્તવમાં થયેલું એવું કે હોન્ગકોન્ગમાં સેકન્ડરી એક્ઝામિનેશનના ડિપ્લોમા માટે ઇતિહાસની ટેસ્ટમાં એક પ્રશ્ન પૂછવામાં આવેલો. ૧૯૦૦થી ૧૯૪૫ના અંતરાલ દરમિયાન જાપાને ચીનનું ખરાબ વધારે કર્યું હતું કે સારું વધારે કર્યું હતું? આ પ્રશ્નનો જવાબ લખવા માટે વિદ્યાર્થીએ એક વાર તો જાપાને ચીનનું શું સારું કર્યું એ વિચારવું જ પડે. શોધવું પડે ‘ને યાદ કરવું પડે. ‘ગ્લોબલ ટાઇમ્સ’ એ પ્રશ્નને ઇનએપ્રોપ્રિએટ અર્થાત અયોગ્ય જાહેર કરીને એક ટૂંકી ‘ને સાદી લીટીમાં લખે છે કે જાપાને વર્લ્ડ વૉર બેમાં ચીન પર આક્રમણ કરેલું.

ચીનની લશ્કરી સરકાર કેવળ ‘સાચા’ ઇતિહાસ ‘ને વર્તમાન પ્રવાહોની વાત કરે છે? વાસ્તવમાં કમ સે કમ ૨૦૦૫થી ચીનની કલ્ચરલ મિનિસ્ટ્રી પૈસા ખર્ચીને ચીનનું ફિક્શન સાહિત્ય આફ્રિકા સહિત અચીની વિશ્વમાં પહોંચાડવા મહેનત કરે છે. એમનું કહેવું છે કે લોકોની ચીન વિષેની ગેરસમજ એ દૂર કરવા માગે છે. આપણે સમજીએ છીએ કે ચીની સરકાર જે-તે બિનચીની વાચકોના માનસમાં ચીન સારું કે ચીન મહાન એમ કાયમ માટે છવાઈ જાય એવું ઇચ્છે છે. ચીનમાં અમેરિકન, જાપાની, યુરોપિયન, અરબી એવાં કાર્ટૂન, ગીતો કે સિરિયલને વખોડવાની, માપમાં રાખવાની કે પ્રતિબંધિત કરવાની એક પણ તક ચીની સત્તાધીશ સામ્યવાદી પક્ષ છોડતો નથી. ચીની સરકારનું વિચારવું, બોલવું ‘ને કરવું ક્રિસ્ટલ ક્લિયર છે- ચીની સામ્યવાદી પક્ષના વફાદાર એવાં ચીની ‘ને સામ્યવાદી હોવું એ જ ફક્ત ચીનના લોકોનો એક માત્ર ધર્મ છે. ચીની માનસમાં ઘર કરી ગયું છે કે ચીન જ સર્વશ્રેષ્ઠ છે ‘ને ઈશ્વર છે. ચીન જ આદિ છે ‘ને અંતે ચીન જ સત્ય છે.

પોતાના ઇતિહાસ ‘ને સંસ્કૃતિ અંગે ચીન જે માને કે મનાવે એ વાત શાયદ બાજુમાં મૂકી શકાય, પણ કરન્ટ અફેર્સ અંગે પોતાના દેશના ‘ને દેશ બહારના તમામ લોકોને મૂર્ખ બનાવવા એ કોઈ રીતે યોગ્ય ઠેરવી ના શકાય. છેક નવેમ્બરમાં કોવિડ-૧૯ રોગનો પહેલો દર્દી ચીનમાં ત્યાંના ડૉક્ટર ‘ને સત્તાવાળાની જાણમાં આવેલો. ચીને એ વાત ત્યાંના સ્થાનિક લોકોને ખબર ના પડે તેની ખાસ તકેદારી લીધી. એ પછી ચીને એ વાત ચીન બહાર કોઈને ખબર ના પડે તેનું ધ્યાન રાખ્યું. સીઆઈએ એટલી નબળી સંસ્થા છે જેને કોરોનાને લઈને ચીનના ગુપ્ત કર્મની કશી જાણકારી ના હોય? વુહાનમાં કોરોનાનું તાંડવ ત્યાંના લોકોના પ્રકાશમાં આવ્યું તોય ચીનમાંથી મુસાફરો વિશ્વભરમાં કોઈ જાતની સૂચના કે ચેતવણી વગર જવા દેવામાં આવ્યા. આઉટગોઇંગ મુસાફરનું ટેસ્ટિંગ ચીને ના કર્યું. અરે, ચીનમાંથી મુસાફર જે દેશમાં જતો હતો એ દેશના સત્તાવાળાને જો ચીને પહેલેથી સલાહ આપી હોત કે આવા રોગના વાઇરસ આ મુસાફર ‘ને તેનો સામાન કેરી કરતો હોઈ શકે છે તો આજે કોરોનામય થયેલા વિશ્વનું ચિત્ર ઘણુ સારું હોત.

દુનિયા કોરોનામય થઈ તે માટે ચીન જવાબદાર છે. કોવિડ-૧૯ રોગનું જન્મસ્થળ ચીનનું વુહાન શહેર છે, વુહાનની એક સરકારી પ્રયોગશાળા છે. વાઇરસ અંગે ઊંડું સંશોધન કરવા માટે જ્યારે આ અત્યાધુનિક ફેસિલિટીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં ત્યારે વિશ્વના અમુક વિજ્ઞાનીઓએ જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી કે આ ફેસિલિટી પોતે જ રાક્ષસી સમસ્યા સર્જી શકે છે. ચીનની જગતમાં નંબર વન બનવાની રાજહઠને ધ્યાનમાં રાખીને ઘણાએ શંકા સેવેલી કે ચીન સંશોધનના ઓઠા હેઠળ કશું પણ કરી શકે છે. છતાં વુહાન ખાતેની ફેસિલિટી બેરોકટોક ‘ને રંગેચંગે કામ કરતી જ રહી. ડબ્લ્યુએચઓ કે કોઈ પણ વૈશ્વિક સંસ્થા એ લેબની મુલાકાત લઈ કશું વિશેષ જાણવામાં ક્યારેય સફળ ના થયા. દુનિયા સાક્ષી છે કે જ્યાં ગૂગલના સર્ચ રિઝલ્ટ પર કંટ્રોલ હોય તે ચીનમાં મીડિયા કેવળ સરકારના કે સામ્યવાદી પક્ષના ચોર ખીસામાં ગુપ્ત રહેતી આંગળીઓ નચાવે એમ નાચે છે. જગતને જકડી લેનાર નવીન રોગ કોવિડ-૧૯ તથા ચીન વચ્ચેના સંબંધ અંગે ચીન તરફથી આપણને પૂરું તેમ જ સાચું જાણવા મળે એ ખ્યાલ બિનવૈજ્ઞાનિક ‘ને બિનતાર્કિક છે એ સ્વીકારવું રહ્યું.

હજુ ચીન સીધી રીતે પૂરું સાચું સ્વીકારતું જ નથી. ઉપરથી આડી ‘ને ઊંધી વાત તેમ જ કર્મ કર્યા કરે છે. દુનિયાના બધા દેશોએ ચીનને કારણે ખૂબ નુકસાન વેઠ્યું. લગીર વિચારો કે દુનિયામાં જે મૃત્યુ પામ્યાં એમનો ‘ને એમના કુટુંબીજનોનો શું વાંક? દિવસો સુધી લોકો હૉસ્પિટલમાં કપરી હાલતમાં રહ્યા ‘ને લૉકડાઉનમાં ઘરમાં રહ્યા એ માટે જવાબદાર ચીનને કશું જ ના કહેવાય? આપણા ભારતમાં ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, જે મજૂરો હેરાન થયા એમની હેરાનગતિના મૂળમાં ચીન છે એ આપણે ભારતીય પ્રશાસનને ગાળો દઈને ભૂલી જવાનું? ચીને કેવળ કાયદા ‘ને માનવતા સાથે રમત નથી કરી, વિજ્ઞાન સાથે પણ છેતરપિંડી કરી છે. ગયા અઠવાડિયે ફરી એક વાર ચીનમાં કોરોના મહામારીએ ઊથલો માર્યો ‘ને ચીનના નોર્થઈસ્ટ ઇલાકામાં લોકોને બાનમાં લીધા. સરકારે ત્યાં લૉકડાઉન નાખ્યું, પણ એ પછી ચીની સરકાર ફરી એક વાર ‘ઓલ ઇઝ વૅલ’ની પિપૂડી વગાડી રહી છે.

વર્તમાન કપરા સંજોગોમાં અબજોનું નુકસાન ‘ને મોટો મૃત્યુ આંક ભોગવતું અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કશું કહે તો સીધો ‘ને સાચો જવાબ આપવાને બદલે ચીની વિદેશ મંત્રાલયના રાજદ્વારીઓ મોટા ‘ને કર્કશ અવાજ સાથે નકારાત્મક પ્રત્યાઘાત વાળે છે. કોરોનામાં સેફ રહેલા શાંઘાઇ ‘ને બેઇજિંગમાં એવા પ્રત્યાઘાત પર હર્ષભેર તાળીઓ પડે છે. પશ્ચિમમાં ચીનની નકારાત્મક કોમ્યુનિકેશનવાળી ડિપ્લોમસી વુલ્ફ-વોરિઅર ડિપ્લોમસી તરીકે ઓળખાય છે. ખરેખર તો ચીને આ વુલ્ફ-વોરિઅર ડિપ્લોમસી ક્યારની શરૃ કરી છે. પોતાનો પસંદ કરેલો રસ્તો, પોતાની રાજકીય વ્યવસ્થા, પોતાના માર્ગદર્શક નિયમો ‘ને પોતાની સંસ્કૃતિ એમ ચાર મુદ્દાના કટ્ટર રાષ્ટ્રવાદ પર ચાલીને ચીન જાપાનની જીડીપીથી આગળ નીકળ્યું પછી વધુ નફ્ફટ ‘ને દુષ્ટ થતું ગયું. લાંબા સમયથી જિન પિંગે પક્ષના, સરકારના કે લશ્કરના અધિકારીઓને ‘ફાઇટિંગ સ્પિરિટ’ વડે કામ કરવાની જુસ્સાભેર હાકલ કરી એમનામાં ચીન તરફી ‘ને વિશ્વ વિરોધી દારૃ રેડેલો છે.

ચીન ફક્ત મૌખિક કે લેખિત શબ્દોમાં તેની વુલ્ફ-વોરિઅર ડિપ્લોમસી બતાવે છે એવું નથી. ચીન લશ્કરી કર્મ વડે પણ પોતે વુલ્ફ-વોરિઅર છે એમ સાબિત કરતું રહ્યું છે. બીજી એપ્રિલ ગુરુવારે વિયેતનામનું માછલીઓ પકડવા નીકળેલું એક નાનકડું વહાણ સાઉથ ચાઇના સીમાં સામાન્ય સંજોગો સમજીને તેનું કામ કરતું હતું. પેરાસેલ ટાપુઓ પાસે ચીની દરિયાઈ વિભાગની મોટી શિપ પ્રગટ થઈ ‘ને તેણે પેલા વહાણને ટક્કર મારીને છ માછીમાર સાથે ડૂબાડી દીધું. ચીની ભાષામાં મૌખિક ગાળો આપી હોય તેનું આમાં કોઈ મહત્ત્વ નથી. વિયેતનામે વિરોધ કર્યો તો ચીન કહે કે એ વહાણ ગેરકાયદેસર રીતે ફરતું હતું. એમના કહેવા મુજબ એમને જે વાહન ગેરકાયદેસર લાગશે તેને એ ડૂબાડી દેશે. એપ્રિલ ૧૯મીએ ચીની સરકારે ૮૦ ટાપુઓના નામ જાહેર કર્યા કે આ અમારા ટાપુઓ છે. વળી દરિયામાં નાના મોટા ખડકો, છીછરી જગ્યા ‘ને ટેકરાનું પણ લિસ્ટ જાહેર કર્યું કે આ અમારું છે. સાઉથ ચાઇના સીનું આવું લિસ્ટિંગ ચીને આ અગાઉ છેક ૧૯૮૩માં કરેલું.

Related Posts
1 of 281

ચીન તાઇવાનની મશ્કરી કરીને કે પશ્ચિમી ગોરી તાકાત સામે લશ્કરી દળ ‘ને તાકાતનું પ્રદર્શન કરીને કહે છે અમે વુલ્ફ-વોરિઅર છીએ. ચીન પાકિસ્તાનને મદદ કરીને આપણને કહે છે અમે વુલ્ફ-વોરિઅર છીએ. અઢારમી મેના રોજ ચીને ભારતની અક્ષય ચીન ‘ને લદ્દાખ તરફની સરહદ પર યુદ્ધના ધોરણે લશ્કર ખડકવાનું શરૃ કર્યું. જુઠ્ઠાઓ કહે છે કે મે મહિનાની શરૃઆતથી ભારતે લશ્કર ખડકવાનું શરૃ કર્યું અને ચીની પ્રદેશમાં પ્રવેશવા હિલચાલ કરી એટલે અમારે આવું કરવું પડ્યું. ચીની પ્રદેશ? નથુલા પાસ ‘ને પેંગોંગ લૅક પાસે મે મહિનાની પાંચ ‘ને છ તારીખે ચીની લશ્કરે ગોળીબાર શરૃ કરેલો તેનું શું? ચીને ડોકલામ પછી તથા અત્યાર સુધીમાં સૌથી વધુ આક્રમક રીતે લશ્કર ખડક્યું છે. આપણા સૈનિકો ચીની ગોળીબારમાં ઘવાયા છે. પાકિસ્તાન ભારતના જે કાશ્મીર પર ચઢી બેઠું છે તે પીઓકેમાંથી ચીન આપણા કાશ્મીરમાં ઘોંચ મારી રહ્યું છે અને આવા ખોફનાખ સમયમાં ભારતીય મીડિયા પોતાના ભારતને પડખે રહી ખોંખારો પણ નથી મારતું.

‘વુલ્ફ વોરિઅર’ ચીનમાં ૨૦૧૫માં આવેલી વૉર ફિલ્મનું નામ છે. ૨૦૧૭માં તેનો બીજો ભાગ આવ્યો જે જબરદસ્ત સફળ થયો. વિશ્વભરમાં રહેતાં ચીનાઓમાં એ ફિલ્મે ભારે અહંકાર ભરી દીધો છે. ચીની રાષ્ટ્રવાદના નામે આ ફિલ્મોએ ચીન અન્ય દેશો પર વિજય મેળવી રાજ કરી શકે છે એવી ખાતરી ચીનાઓને આપી છે. ‘વુલ્ફ વોરિઅર’ ફિલ્મનો બીજો ભાગ ચીનમાં વીસ હજાર થિયેટરમાં રિલીઝ થયો હતો. પહેલો ભાગ બન્યો એ પહેલાં ફિલ્મની સ્ક્રિપ્ટ સાત વર્ષ દરમિયાન ચૌદ વાર બદલાયેલી. ચીની સરકારે આ ફિલ્મોમાં સક્રિય રસ લીધેલો. એક કરોડની એક એવી પાંચ સાચી મિસાઇલ ફિલ્મમાં વપરાયેલી છે. ત્રીસ હજારથી વધારે ગોળીઓ, ચીની લશ્કરના વિવિધ ઍરક્રાફ્ટ વપરાયાં છે. બત્રીસ સાચી ટેન્ક વપરાયેલી છે જેમાં ટાઈપ ૯૬ જેવી બીજી પેઢીની ટેન્ક પણ ખરી. ફિલ્મનો સ્ટાર વુ જિં અઢાર મહિના લશ્કરની તાલીમ મેળવવા ચીની મિલિટરી કેમ્પમાં રહેલો. ફિલ્મમાં એ જાતે ટેન્ક ચલાવે છે. બંને ફિલ્મને ચીનના ઘણા ઍવૉર્ડ મળેલા. પહેલો ભાગ થ્રીડી ‘ને બીજો ફોરડીએક્સ.

‘વુલ્ફ વોરિઅર’ ભાગ બેનો મુખ્ય ડાયલોગ ‘ને મેસેજ છે- જે કોઈ ચીનની લાગણી દુભાવશે તેને મારી નાખવામાં આવશે ભલે એ ગમે તેટલો દૂર કેમ ના હોય. ભારતના ડાબેરીઓ ખુશ થઈ કહેશે કે એમાં શું ખોટું છે? છેલ્લી કક્ષાનું ખોટું એ કે ચીન ગમે તે પ્રદેશ મારો છે કહી કોઈને પણ ખોટો જાહેર કરી દે છે. સાક્ષાત બુદ્ધની હાજરી પૂરાવતાં મૂળ તિબેટ પરનું જંગલી આક્રમણ ભૂલી ગયા હો તો ફરી ડેટા ચેક કરી લેજો. વધુમાં વિયેટનામ, તાઇવાન ‘ને ચીન આસપાસના અન્ય નાના દેશોને પૂછી લો. ચીનમાં વસતા વિઘર મુસલમાનોની પડી ના હોય તો ચીનમાં એકથી વધુ એવા રાજ્ય જે પહેલેથી દાવો કરે છે કે અમે ચીન દેશના નથી, અમારે સ્વતંત્ર થવું છે. ભારતના લદ્દાખ, સિક્કિમ ‘ને અરુણાચલ પ્રદેશ તેમ જ કાશ્મીરનો અમુક ભાગ ચીનનો? બર્મા ‘ને મોન્ગોલિયા જેવા દેશો ચીન રમકડાંની જેમ નચાવે છે. ચીને આફ્રિકાના અમુક દેશોમાં પૈસા, વેપાર ‘ને કપટથી ભરડો લીધો છે. આંધળા ‘ને બબૂચકને ખબર પડે કે વર્ષોથી ચીન વિશ્વનું સરમુખત્યાર થવા સખત મહેનત કરે છે.

‘ચીને લદ્દાખમાં ૧૯૫૧થી પેટ્રોલિંગ શરૃ કરેલું જ્યારે ચીન કોરિયા સાથે યુદ્ધમાં અટકેલું હતું ‘ને નબળું હતું, એ સમયે ચીને સરહદના મામલે આપણી સાથે સમાધાન કરી જ લીધું હોત. નહેરુએ કશું જ ના કર્યું. અરે, ભારતની સંસદને એ માહિતી પણ ના આપી. તેમણે પાછળથી સંસદમાં સ્વીકારેલું હતું કે મને ચીની સરકાર સાથે સરહદ અંગે વાતચીત કરવાનું કોઈ કારણ ના દેખાયું, કારણ કે તમને એવું લાગશે કે મેં મૂર્ખની જેમ વિચાર્યું કે આમાં કશું જ ચર્ચવા જેવું નથી. સરદાર પટેલ ૧૯૫૦માં મૃત્યુ પામ્યા. ચીન અંગેની ભારતે અપનાવેલી નીતિ અંગે કોઈ પ્રશ્ન કરનાર ના રહ્યું. એમણે મૃત્યુના એક મહિના પહેલાં સાત નવેમ્બર, ૧૯૫૦ના રોજ નહેરુને ભવિષ્યવેત્તા પત્ર લખેલો. પટેલની ભવિષ્યવાણી નોંધપાત્ર રીતે સાચી પડી. આપણા પર ચીને આક્રમણ કર્યું એટલું જ નહીં, ઉત્તર-પૂર્વી ભારતમાં ચંચળ વસ્તી ભરાઈ ગઈ.

ભારત-ચીન યુદ્ધમાં ભારતીય લશ્કરના મુખ્ય અધિકારી રહેલા બ્રિગેડિયર જે.પી. દળવીના ૧૯૬૨ના યુદ્ધ પરના પુસ્તક ‘હિમાલયન બ્લંડર’માંથી ઉપરની વાત રજૂ કરી છે. એ પછી નહેરુ અથવા ભારતીય સરકારના આગ્રહ ‘ને મદદ વડે ‘હકીકત’ ફિલ્મ બનેલી. ભારત-ચીન યુદ્ધ પરની એક માત્ર કહી શકાય એવી સરસ ફિલ્મ. એ ફિલ્મે ભારતીયોમાં ફરી ઉત્સાહ ભર્યો, પણ કહેતાં દુઃખ થાય છે કે ભારતે એ યુદ્ધમાં કાયમ માટે નુકસાન જાય એવું ભોગવ્યું છતાં ‘એ તો ભલે બધાં એવું કહે આપણે જ જીત્યા છે’ એવો બોગસ ભ્રમ એ ફિલ્મે પ્રજાને આપ્યો. નહેરુ ‘ને કોંગ્રેસને એ ફિલ્મનો ઘણો લાભ મળ્યો. ચીન પોતાના લોકોમાં દેખીતી ખોટી વાતો ચીનના સારા માટે ઘૂસાડે છે ‘ને આપણે ત્યાં સરકારે લોકોના બ્લડમાં દેશને નુકસાન જાય એવું અધૂરું કે ખોટું જ્ઞાન ભેળવ્યું. ખેર, એ પછી પણ દેશ ભક્તિની ફિલ્મ બનતી રહી, સફળ જતી રહી, પરંતુ અમુક વર્ષોથી આપણે ત્યાં ભારત પ્રત્યે પ્રેમ બતાવે એવા ચલચિત્ર પર સૂગ દર્શાવવાની હાઈ સોસાયટીમાં ફેશન આવી છે.

હવે અમુક લોકો દ્વારા ગંદી ગાળો, કામવાસના ‘ને હિંસા સાથે ભારત, ભારતીય સંસ્કૃતિ ‘ને હિન્દુ ધર્મની સતત ‘ને એકતરફી ટીકા કરવી એ મહાન આદર્શ સાથે અક્કલનો પુરાવો સાબિત કરવામાં આવી રહ્યો છે. દેશપ્રેમની વ્યાખ્યા બદલવાની કોશિશ ચાલી છે. આતંકવાદી દેશ પાકિસ્તાનની ખૂલે આમ તરફેણ ચાલે છે. ચીનને કારણે આટલો મોટો રોગચાળો ફેલાયો, છતાં એમની જીદ છે કે ચીનને કશું જ કહેવાનું નહીં. ચીનમાં ગાંધીજીને કોઈ પૂછતું નથી ‘ને અહીં આપણા ભારતમાં ગાંધીજીને વાપરી ખાનાર એ લોકોના સાથીદારો ચીનના માઓના વખાણ કરતાં ના થાકે. બંગાળની હાલત એક વાર રૃબરૃ જઈને જુઓ કે સામ્યવાદે કેટલી પેઢી ત્યાં બરબાદ કરી નાખી છે. આજે અન્ય રાજ્યોમાંથી મજૂરો ગુજરાતમાં કામ માટે કેમ આવે છે? એ બંગાળમાં કેમ નથી જતાં? જગતમાં પણ એવું જ છે. વિશ્વના કેટલા દેશના કેટલા લોકો ચીનમાં વસવાટ કરવા તડપે છે? કેમ?

ચીન સમજી ગયું છે કે તેના ધંધાથી હવે ભારત મૂર્ખ નહીં બને. ઓસ્ટ્રેલિયા ‘ને સાથી દેશો સાથે ભારત ચીન વિરુદ્ધમાં ઊભું રહેશે. ભારતમાં સામ્યવાદનું આંદોલન દબાવવા કોંગ્રેસના ગળે સામ્યવાદનો ઘંટ પહેરાવનાર નહેરુજીની ઉતાવળ ‘ને કચાશને કારણે ભારતે સુરક્ષા પરિષદમાં સભ્ય થવાનું છોડી ‘ને ચીનને યુનોનું સભ્ય બનાવ્યા બાદ સુરક્ષા પરિષદનું સભ્ય પણ બનાવ્યું. આજે ગરીબ દેશોને ચીને કરોડોથી અબજોનું ધિરાણ કરેલું છે જે એ દેશો પાછું આપી શકે એમ નથી. એવામાં એ દેશ પર પરોક્ષ ‘ને પ્રત્યક્ષ કબજો ચીનનો રહેશે. એ દેશોની યાદીમાં શ્રીલંકા પણ આવી ગયું. નેપાળમાં ફરી એક વાર ચીન તરફી સરકાર લાવી ચીન ભારતને હેરાન પરેશાન કરવાનું છે. રશિયા પોતાના સામ્યવાદી કઝિન તથા અમેરિકાના દુશ્મનની પડખે રહેશે. રશિયા આપણને પણ દબાવશે. એ સંજોગોમાં ભારત ત્વરિત ‘ને નક્કર પગલાં ભરીને ખૂબ જલ્દી ભારત તરફી પરિણામ લાવી શકે તો કામનું. હવે લાંબી યોજના બીજા નંબરે ધકેલવી રહી, ટૂંકી યોજના પહેલા અમલમાં મૂકવી પડે.

ઘણા ભારતીય ચીનને જાકારો આપવાના મુદ્દે હસે છે. સ્વાભાવિક છે તેમાં મોટો ભાગ વિપક્ષીઓનો છે. અમેરિકામાં ગયા અઠવાડિયે થયેલા એક સરવે મુજબ ૪૦% અમેરિકનોએ સ્પષ્ટ કીધું કે અમે ચીનની ચીજ નહીં ખરીદીએ. ૫૫% અમેરિકનોએ કીધું કે ચીનનો વિશ્વાસ ના મૂકી શકાય. ૭૮% અમેરિકનોએ કીધું કે જો ચીનની બહાર વસ્તુનું ઉત્પાદન થયું હશે તો અમે વધુ પૈસા આપવા તૈયાર છીએ. ૬૬% અમેરિકનોએ કીધું કે ચીનમાંથી અમેરિકામાં ઇમ્પોર્ટ થતી ચીજો પર વધુ કડક અંકુશ મૂકવા જોઈએ જેથી અમેરિકાનું અર્થતંત્ર મજબૂત થાય. વેલ, એક જમાનામાં આપણા ભારતીય સહિત વિશ્વમાં ઘણા લોકો એવું માનતા હતા કે પૃથ્વી પર યુએસએસઆર જેવું તાકાતવર કોઈ નથી ‘ને અમેરિકા વગેરે બિનસામ્યવાદી દેશો યુએસએસઆરને કશું જ નુકસાન ના કરી શકે. ‘ને એક સમય આવ્યો યુએસએસઆર વેરાઈ ગયું ‘ને ખાસું વેરાન થઈ ગયું. તેના સાથી દેશોમાંથી રુમાનિયા જેવા દેશો તો સાવ ખલાસ થઈ ગયા.

ચીનના લોકો કે ચીન દેશ પર હિંસક નફરત રાખવાનો મુદ્દો નથી. મામલો સીધો છે કે જે દેશ અન્ય દેશને દુઃખ આપે તેનાથી બચવું તથા તેને સીધું કરવું. કૃષ્ણએ અર્જુનને કીધું હતું એ યાદ કરવું પડે. જે દેશ વિશ્વના તમામ ધર્મની સાથે તમામ આસ્તિકોની મશ્કરી કરે ‘ને તેમનું ખરાબ ઇચ્છે એ કોઈ રીતે માનવતાવાદી હોઈ જ ના શકે. ચીનનો માનવ સેવા માટેનો કોઈ નોંધપાત્ર રેકોર્ડ નથી. છેલ્લા અમુક સમયથી સસ્તી ચીજો સિવાય ચીનનું વિશ્વમાં એવું કોઈ હકારાત્મક યોગદાન નથી રહ્યું. ભારત પાસે મોકો છે. આમ પણ ચીન વડે આપણે નુકસાન ભોગવીએ જ છીએ. ચીનમાં લોકશાહીની સ્થાપના થાય ‘ને ભારત ચીનને કાઢીને સુરક્ષા પરિષદનું સભ્ય થાય એ બંને કર્મ પૂરાં થાય એ અત્યંત આવશ્યક છે. આવતી પેઢીની રાહ જોવાની જગ્યા નથી. કોરોના મહામારી પતે કે આર્થિક મહાસંકટ આવી શકે છે. પછી આપણે ત્યાં ચૂંટણી આવશે. ‘ને એ પછી અમુક વર્ષમાં ફરી મહામારી આવશે. ત્યારે ભારતમાં નેતાઓની નવી પેઢી હશે. ભારતે કોરોના, આર્થિક સમસ્યા ‘ને ચીન અંગે જે કશું પણ કરવાનું હોય તે અત્યારે જ કરવું પડે. નહીં તો આપણે વિશ્વ ગુરુ કે ભવિષ્યના સુપર પાવર જેવી વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ.

બુઝારો –  ગમે તે હોય અમુક બાબતો છે જેના મૂળ સુધી આપણે જવું જ જોઈએ. દાખલા તરીકે વિશેષજ્ઞનાં ત્રણ જૂથ વુહાનની મુલાકાતે આવેલા તો એ લોકો કોણ હતાં? તેમનું નેતૃત્વ કોણ કરતું હતું? વુહાનમાં કોણ એ લોકોનું યજમાન બનેલું? કઈ હૉસ્પિટલની એમણે મુલાકાત લીધેલી? કયા વિભાગની મુલાકાત લીધેલી? કયા ડૉક્ટર્સ સાથે વાતચીત કરેલી? શું જવાબ મળેલા? કયા અહેવાલ એમણે તપસ્યા? એ સ્થિતિ પરથી શું શીખ્યા? એમણે અંતે સ્થિતિનું શું તારણ કાઢ્યું?

કોણ જુઠ્ઠું બોલ્યું? એમને જુઠ્ઠું બોલવાનું કોણે કીધું? એમને ખબર પડી કે એ લોકો જુઠ્ઠું બોલેલા? એમને ખબર પડી કે એમને જુઠ્ઠું બોલીને છેતરવામાં આવ્યા છે કે પછી એ લોકો જાણીને છેતરાતા રહ્યા? એમને છેતરાવાની જરૃરિયાત હતી

આવી મોટી હોનારતને કોઈ એકાદ સામાન્ય પદત્યાગ કરાવીને ભૂંગળું ના વાળી દેવાય. વુહાનના લોકો કાજે મુખ્ય ગુનેગાર તથા સાથી ગુનેગારોને માફ ના જ કરી શકાય.

કોરોનાકાંડની શરૃઆતમાં વુહાનમાં લૉકડાઉનમાં બંધ રહીને રોજ વુહાન ડાયરીલખીને ઇન્ટરનેટ પર પોસ્ટ કરનાર ચીની કવિ ને લેખક ફેન્ગ ફેન્ગની એ ડાયરીના જે પાન ચીની સરકારે ડિલીટ કરેલા ને ચીનની એક ઈન્ટરનેટ કોમ્યુનિટીએ આર્કાઇવ કરેલા તે પાનમાંથી.
———–

Leave A Reply

Your email address will not be published.

Translate »