- હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી
માણસ વિમાનમાં બેસે છે ત્યારે પાઇલટ કેટલો અનુભવી છે એ જાણતો નથી છતાં નિશ્ચિંત થઈને ઊંઘી જાય છે. એવી જ રીતે ટ્રેન, બસ કે પોતાની કારના ડ્રાઇવરની કુશળતા વિશે કશું જ જાણતો હોતો નથી છતાં બેફિકર થઈને બેસી જાય છે. આપણા આ તમામ પ્રવાસનું સુકાન એક સામાન્ય માણસના હાથમાં હોય છે છતાં આપણે ચિંતા કરતા નથી અને જીવનયાત્રા નામના પ્રવાસનો સુકાની પરબ્રહ્મ પરમાત્મા છે એ જાણવા છતાં સતત ચિંતા કરીએ છીએ.
એનો સીધો અર્થ એવો થઈ શકે કે આપણને ઈશ્વર ઉપર શ્રદ્ધા નથી. જો ઈશ્વર શ્રદ્ધા એટલે ભરોસો હોય તો અબ સોંપ દીયા ઈસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોમંે. અબ જીત તુમ્હારે હાથોમંે ઔર હાર તુમ્હારે હાથોમેં એટલું જ બોલવાનું રહે.
‘જે માતાજી પથુભા…’ મેં પંચાવન દિવસ પછી પથુભાના લવલી પાન સેન્ટર ઉપર આવીને કહ્યું.
‘જે માતાજી લેખક જે માતાજી…’ આજે જ પાનનો ગલ્લો ખોલ્યો હોવાથી પથુભામાં અત્યંત તરવરાટ જોવા મળ્યો.
‘કેવું લાગે છે?’
‘બધું નવું-નવું લાગે છે.’
‘બીજા કોઈ મિત્ર આવ્યા હતા?’
‘હા… ભોગીલાલ આવ્યો હતો… એને થોડી ઉપાધિ થઈ છે.’
‘ભોગીલાલનું કામ ઉપાધિ આપવાનું છે. એ સૂએ એટલે સમાધિ અને ઊઠે એટલે ઉપાધિ. એને વળી શું ઉપાધિ આવી છે?’
‘એનો દીકરો પરણને લાયક થયો છે અને એનો બાપ મરણને લાયક થયો છે. પુત્રનું મરણ અને પિતાનું મરણ બંને એક જ વરસમાં આવે એવું છે.’ પથુભાએ કહ્યું.
‘આમાં ઉપાધિ જેવું શું છે?’ મેં પૂછ્યું.
‘સરકારે નવો કાયદો કર્યો છે કે મરણમાં વીસથી વધુ માણસો નહીં અને પરણમાં પચાસથી વધુ માણસો નહીં.’
‘સરકારે જે કર્યું છે તે સમજી વિચારીને જ કર્યું છે. આમ પણ કોઈ પણ મરણમાં સાવ સાચો આઘાત લાગ્યો હોય એવા વીસ માણસો માંડ હોય છે બાકી બીજા તો વહેવાર સાચવવા માટે તકલાદી ઉદાસી ઓઢીને આવ્યા હોય છે.’
‘ઉદાસી મેઈડ ઇન ચાયના જેવી…’ પથુભાએ વ્યંગ કર્યો.
‘હા… એવું જ લગ્નમાં હોય છે. વર અને કન્યા એમ બંને પક્ષના થઈને માંડ પચાસ માણસો વર-કન્યાનું શુભમંગળ ઇચ્છતા હોય છે બાકી બીજા તો ગોરબાપા જેવા જ હોય છે.’
‘કેમ ગોરબાપા જેવા?’
‘એક રમૂજી કહેવત છે કે વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો. દરેક ગોરબાપા એવા હોતા નથી, પરંતુ આ તો માત્ર કહેવત છે. લગ્નમાં વર-કન્યાની જરા પણ ફિકર ન હોય અને માત્ર જમવા અને વહેવાર સાચવવા આવનારા વધુ હોય છે.’
‘એ તમારી વાત સાવ સાચી છે.’
‘ભોગીલાલને આ સંખ્યામાં શું વાંધો છે?’
‘લેખક તમે તો જાણો છો કે આપણે ત્યાં બધું થઈ શકે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકે તેમ નથી. ગઈ કાલે સોસાયટીમાં માણસોએ ભેગાં ન થવું એ માટે એક મિટિંગ બોલાવી હતી.’
‘પછી?’
‘માણસોએ ભેગા ન થવું એવું નક્કી કરવા માટે એંસી માણસો ભેગા થઈ ગયા બોલો…’
‘કાલના છાપામાં ફોટો હતો કે બસમાં ચડવા માટે એક ભાઈ બસની બારીમાંથી ઘૂસતો હતો અને ત્રણ જણ નીચે ઊભા ઊભા અને બળપૂર્વક બસમાં ઘૂસાડતાં હતા.’
‘કોરોનાને રોકાવું ગમે એવો આપણો દેશ છે.’
‘ભોગીલાલ કંડક્ટર હોવાથી એ કાયમ ગિરદીમાં રહેવા ટેવાયેલો હોવાથી એના દીકરાનાં લગ્નમાં પચાસ અને બાપાના બારમામાં વીસ માણસો ઓછા પડે તે બનવા જોગ છે.’
‘ભોગીલાલ કહેતો હતો કે દીકરાની સગાઈમાં અઢીસો માણસ બોલાવ્યા હતા અને હવે લગ્નમાં બંને પક્ષના થઈને પચાસ માણસોમાં કેવી રીતે લગ્ન કરવાં?’ ભોગીલાલને છ ભાઈ અને પાંચ બહેન છે એ બાર ભાઈ-બહેન પોતપોતાના જીવનસાથી સાથે આવે ત્યાં જ પચીસ પુરા થઈ જાય છે. ભોગીલાલનાં મા-બાપ અને સાળા-સાળી લગ્નમાં ન આવે એવું થઈ શકે?’
‘સાળા-સાળી પણ જથ્થાબંધ હશે ને?’
‘પાંચ સાળા અને છ સાળી મળીને એના સસરાનાં કુલ બાર સંતાન છે.’
‘જૂના જમાનામાં સંતાનોની બાબતમાં વડીલો ખૂબ ઉદાર હતા.’
‘વરરાજાનાં સગાં મામા-માસી પોતપોતાના જીવનસાથી લઈને આવે તો એ પણ પચીસ છે. આમાં પચાસનો કાયદો કેવી રીતે પાળવો?’
‘લગ્નમાં આવવા માટે લક્કી ડ્રો રાખવો પડે એવી સ્થિતિ છે.’
‘એવી જ સ્થિતિ બાપા ગુજરી જાય ત્યારે થાય કારણ એના બાપા-કાકા થઈને નવ ભાઈ-બહેન છે. ભોગીલાલના નાનાને પણ એક ડઝન સંતાન છે. જો ભોગીલાલના બાપા અત્યારે ગુજરી જાય તો મૃતકનાં આઠ સગાં ભાઈ-બહેન, અગિયાર સાળા-સાળી અને
મૃતકના પોતાનાં ડઝન સંતાનો- એ તમામના સાળા-સાળીઓ.. તમે વિચાર કરો આ એંસીમાંથી ગમે તે સાંઈઠને કાપવા પડે.’
‘બાપાને તો હમણા મરવાનું મુલતવી રાખવું જોઈએ.’
‘આ કારણે જ એમનું મરવા ઉપરથી મન ઊઠી ગયું છે, કારણ આટલો બહોળો પરિવાર ‘ને સ્મશાનમાં હાજરી બાબતે ઝઘડો થાય એ બરાબર નહીં.’
‘એ ઝઘડામાં બીજા એકાદ-બે ગુજરી જાય તો બધાનો સમાવેશ થઈ જાય, પણ આપણે એવું ઇચ્છવું પણ બરાબર નહીં.’
‘હા… ચાર નનામી સાથે ઉપાડે તો એંસી જણનો સમાવેશ થઈ જાય, પણ એના કરતાં હમણા ન મરવું વધારે સારું ગણાય.’
‘માણસ કેટલી હદે નીચો ઊતરી શકે છે એનો એક હૃદયદ્રાવક કિસ્સો છાપામાં આવ્યો છે.’ મેં કહ્યું.
‘શું કિસ્સો છે?’
‘કોવિડ-૧૯માં મૃત્યુ પામેલા બદનસીબ માણસોના મૃતદેહ ઉપરથી બે કર્મચારી ઘરેણા ચોરતાં હતા.’ મેં કહ્યું.
‘રામ… રામ… રામ… હવે આથી વધારે શું ખરાબ હોઈ શકે?’ પથુભાની આંખમાં પાણી આવી ગયું.
‘મોરબીની હોનારત અને કચ્છના ધરતીકંપ વખતે પણ આ પ્રકારની હેવાનિયત જોવા મળી હતી.’
‘કોઈ પણ મોટી આફત એટલે મહામારી વખતે સજ્જનની સજ્જનતા પરાકાષ્ઠાએ હોય અને દુર્જનની દુર્જનતા પણ પરાકાષ્ઠાએ જ હોય.’
‘ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન.’
‘ભોગીલાલે પુત્ર અને પિતા બંનેને નોટિસ આપી દીધી.’
‘શું?’
‘પુત્રને કહ્યું કે તારે હમણા પરણવાનું નથી અને પિતાને કહ્યું કે તમારે હમણા મરવાનું નથી.’
‘હા.. એ બરાબર કર્યું.’
‘જ્યાં સુધી કોવિડની પ્રાર્થના સભા ગોઠવાય નહીં, ત્યાં સુધી લગ્ન પણ પ્રાર્થનાસભા જેવા જ લાગશે.’
‘બાપુ… ઈશ્વર ઉપર ભરોસો રાખો. કુદરતનું કોપવું જરૃરી હતું ભાઈ, ઘમંડનું તૂટવું જરૃરી હતું ભાઈ, બધા ખુદને ભગવાન માની બેઠા ‘તા, ભ્રમણાનું ભાંગવું જરૃરી હતું ભાઈ.’ મેં શાયરી ઠપકારી દીધી.
‘કુદરતે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું એ એક રીતે સારું જ કર્યું છે.’
‘છેલ્લા ઘણા વર્ષોથી માણસ આઉટ લાઈનનો થઈ ગયો હતો એ કોરોનાના ડરથી લાઈનસર થઈ ગયો.’
‘ઓનલાઈન થઈ ગયો.’
‘હા… એટલે તો અત્યારે બધા ર્ંહઙ્મૈહી રહે છે.’
‘મને ભરોસો છે. ભવિષ્યમાં કોરોનાની પણ વેક્સિન શોધાઈ જશે. ભવિષ્યમાં શરણાઈઓના સૂર ગુંજશે – લોકો નાચશે – કૂદશે – ફટાકડા ફોડશે અને રંગેચંગે લગ્ન પણ થશે.’
‘આપણને જેટલી શ્રદ્ધા વિમાનના પાઇલટ ઉપર અને ટ્રેનના ડ્રાઇવર ઉપર છે એટલી શ્રદ્ધા જીવનરથના સારથિ ઉપર પણ હોવી જોઈએ.’
‘તો અને તો જ અર્જુનની માફક બોલી શકીએ કે કરીસ્યે વચનમ્ તવઃ, હું તમે કહો છો તેમ જ કરીશ.’ અમારી ચર્ચા પુરી થઈ અને મેં ઘર તરફ પ્રયાણ કર્યું.
————