તમારા માટે, તમારી સાથે, સતત…

લૉકડાઉનની સાઇડ ઇફેક્ટ આંખોની સમસ્યામાં વધારો

ટેલિવિઝન, મોબાઇલ, ટેબલેટ, વીડિયોગેમ, લેપટોપ જેવા યંત્રોનો ઉપયોગ કરી વ્યક્તિ સમય પસાર કરી રહી છે.

0 149
  • ફેમિલી ઝોન – હેતલ રાવ

વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ છે તેના કારણે દરેક વ્યક્તિ મોબાઇલ, ટેબલેટ, ટેલિવિઝન, લેપટોપ વગેરે જેવા ગેજેટના આદી બની ગયા છે. લૉકડાઉનના કારણે સતત ઘરમાં રહેવાના કારણે સમય પસાર કરવા માટે મોબાઇલ પર ચીપકી રહેલી વ્યક્તિઓમાં આંખોને લગતી બીમારી જોવા મળે છે. નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે.

સરકારે કોરોના જેવી મહામારીથી બચવાના ઉપાય તરીકે લૉકડાઉનને અમલી બનાવ્યું. જેના કારણે લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી, પરંતુ સતત ઘરમાં રહીને કંટાળી ગયેલા લોકો માટે મનોરંજન અને લોકો સુધી પહોંચવાનું એક માત્ર સાધન ઇલેક્ટ્રોનિક ગેજેટ છે. ટેલિવિઝન, મોબાઇલ, ટેબલેટ, વીડિયોગેમ, લેપટોપ જેવા યંત્રોનો ઉપયોગ કરી વ્યક્તિ સમય પસાર કરી રહી છે. સાથે જ વર્ક ટુ હોમના નેજા હેઠળ ઘરે બેસીને ઑફિસ વર્ક પણ કરવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે કોઈ પણ વસ્તુ અતિ નહીં સારી, પછી તે ટાઇમ પસાર કરતા સાધનો જ  કેમ ના હોય. મોબાઇલ, ટેલિવિઝન જેવા ગેજેટનો વધુ પડતા ઉપયોગના કારણે છેલ્લા બે મહિનામાં આંખોની તકલીફથી પીડાતા દર્દીઓની સંખ્યામાં  ૩૦થી ૩૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.

ઓપ્થેલ્મોલોજિસ્ટ ડૉક્ટર ચિંતન સવાણી કહે છે, ‘આંખોના દર્દીઓ સૌથી પ્રથમ સવાલ કરે છે કે અમે બહાર નથી નીકળતા તો અમારી આંખો રેડનેસ કેમ છે. હકીકતમાં એ જાણવંુ જરૃરી છે કે ભલે તમે ઘરમાં જ રહો, પરંતુ આંખોની યોગ્ય રીતે સંભાળ નહીં રાખો તો તેને લગતા રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. ઘરની બહાર નીકળવાથી કે ગરમીનો સામનો કરવાથી જ આંખો લાલ થાય, તેમાં દુખાવો થાય કે પછી ઝાંખપ આવે એવી ધારણા ખોટી છે. આ સમસ્યા તમે ઘરમાં રહેશો અને સતત ટીવી, મોબાઇલનો નજીકથી ઉપયોગ કરશો તો પણ થઈ શકે છે. ગરમીના કારણે આંખો સુકાય છે જેનું મુખ્ય કારણ છે આંખમાં પ્રવાહીની ઊણપ અને લુબ્રિકન્ટનો અભાવ માટે જરૃરી છે ડૉક્ટરની સલાહ લઈને ડ્રોપ્સનો ઉપયોગ કરો. આંખોને વારંવાર  પાણીથી સાફ રાખો. આંખની નાની-મોટી મુશ્કેલી હોય તો પણ ડૉક્ટરની સલાહ લેવી જરૃરી છે. બને એટલો સ્ક્રીનટાઇમ ઓછો કરો જેનાથી આંખોને રાહત મળે છે.’

Related Posts
1 of 289

આઈ સ્પેશિયાલિસ્ટ જિતેન્દ્ર જયવંત શાહ કહે છે, ‘આંખોમાં રેડનેસ, ખંજવાળ, એલર્જી અને ઇન્ફેક્શન જેવી ઘણી બધી સમસ્યાઓમાંથી દર્દીઓ પસાર થઈ રહ્યા છે.  એકસાથે સ્ક્રીન પર કામ કરવાના કારણે આંખમાં પાણી આવે છે જેના  કારણે એલર્જી થઈ શકે છે. જો તમારે ફરજિયાત સ્ક્રીનનો ઉપયોગ કરી કામ કરવાનું હોય તો આંખોની ખાસ સંભાળ રાખવી જરૃરી છે. આંખોને વારંવાર ઝબકાવવાથી તેમાં રાહત રહે છે. સામાન્ય રીતે આંખો ૧૭થી ૨૦ વખત ઝબકતી હોય છે, પરંતુ જ્યારે તમે સ્ક્રીન પર કામ કરી રહ્યા હશો ત્યારે તેમાં ઘટાડો થાય છે. સાવ સામાન્ય લાગતી આ વાત પર કોઈનું પણ ધ્યાન જતું નથી, પરંતુ આવા સમયે તમારે સમયઅંતરાલે કામમાંથી બ્રેક લઈને આંખો પર પાણીનો છંટકાવ કરવો જોઈએ અને આંખની એક્સરસાઇઝ કરવી જોઈએ, એટલે કે બની શકે એટલી ઝડપથી આંખોને ઝબકાવી, આ સરળ અને આંખોની સમસ્યાને દૂર કરતી કસરત છે.’

આંખનાં નિષ્ણાત પલ્લવી સુકેતુ કહે છે, ‘આંખને હંમેશાં સ્વસ્થ રાખવાનો જાણીતો એક નિયમ છે. વીસ મિનિટમાં ૨૦ સેકન્ડ માટે ૨૦ ફૂટના અંતરની કોઈ પણ ચીજવસ્તુને જોવાનો પ્રયત્ન કરતા રહેવું. આમ કરવાથી આંખોના સ્નાયુઓ રિલેક્શ ફીલ કરે છે અને દૂરની દૃષ્ટિ પણ મજબૂત બને છે. બીજી એક વાત પર ધ્યાન આપવાની જરૃર છે. બની શકે તો એસીમાં કામ કરવાની આદતને ટાળો. એસીની ઠંડકમાં કામ કરવાના કારણે ડ્રાયનેસની સમસ્યામાં વધારો થઈ શકે છે. ખાસ કરીને ટીવી, મોબાઇલ કે લેપટોપનો ઉપયોગ અંધારામાં કરવાનું ટાળો. રાત્રે કામ કરવાનું હોય તો લાઇટ ચાલુ જ રાખો. અરજન્ટ વર્ક હોય છતાં પણ બ્રેક લઈને કામ કરો, ખોરાકમાં પણ મલ્ટિ વિટામિનની સાથે ઍન્ટિઓક્સિડન્ટ ફૂડનો ઉપયોગ વધુ કરો. આંખો લક્ષી કોઈ પણ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે જ ઉપચાર કરવો જોઈએ.’

આંખની બીમારીનો સામનો કરી રહેલા દર્દીઓની સંખ્યા ઓછી નથી, છતાં પણ લૉકડાઉનના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લોકોને ઘરમાં બેસીને વીડિયો ગેમથી લઈને મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો જુદો જ ચસકો લાગ્યો છે. જે લોકો ભાગ્યે જ મોબાઇલ અને સોશિયલ સાઇટનો ઉપયોગ કરતા હતા તેવી વ્યક્તિઓ પણ હાલમાં જુદાં-જુદાં માધ્યમનો યુઝ કરી રહ્યા છે. એક વાર સમય પસાર કરવા માટે ઇલેક્ટ્રોનિક ગેજેટનો સહારો મળી રહે પછી અન્ય કોઈ વસ્તુની જરૃર ના રહેતા લોકોની સંખ્યા વધી રહી છે, જ્યારે નાની લાગતી પરંતુ આંખોની જટિલ સમસ્યા પણ વધી રહી છે. સૌથી અમૂલ્ય એવી આંખોને સાચવવી ખૂબ જ અનિવાર્ય છે અને એ માટે ડૉક્ટરની સલાહ-સૂચનથી આંખોની સમસ્યાને દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ.
—–.

બાળકોમાં ડિજિટલ આઈ સ્ટ્રેન વધુ જોવા મળે છે
ત્રણ વર્ષનાં બાળકોથી લઈને પંદર વર્ષનાં બાળકો ડિજિટલ આઈ સ્ટ્રેન બીમારીનો ભોગ બને છે. આમ તો દરેક ઉંમરની વ્યક્તિ આ સમસ્યામાંથી પસાર થઈ શકે છે, પરંતુ સૌથી વધારે રેશિયો બાળકોનો છે. પહેલાના સમયમાં તો ૮૦ વર્ષના વડીલને પણ ચશ્મા પહેરવાની જરૃર નહોતી. જ્યારે આજે ચાર વર્ષના બાળકને ચશ્મા આવી જાય છે. જે સમજાવે છે કે તેમની આંખો કેટલી કમજોર છે. લૉકડાઉનનો સમય છે તો બાળકો શું કરે જેવા પ્રશ્નો સાથે માતાપિતા તેમના હાથમાં મોબાઇલ, ટેબલેટ અને વીડિયો ગેમ આપે છે. પરિણામરૃપે બાળકોને આંખોની તકલીફ શરૃ થઈ જાય છે. ટીવી, મોબાઇલ કે અન્ય ગેજેટનો ઉપયોગ કરતી વખતે બાળક એક નજરે તેને જુએ છે, વચ્ચે વચ્ચે આંખો ઝપકાવી કે પછી પાણીથી આંખોને સાફ કરવા જેટલી તસ્દી પણ લેવામાં આવતી નથી.

બાળકોને થતી સમસ્યા ઃ જો બાળકો ટીવી, મોબાઇલ કે લેપટોપ જોતા સમયે બંને આંખો ભેગી કરે, આંખોને હાથથી સતત મસળે અથવા સમય કરતાં વધુ વખત ઝબકાવે તો આ ડિજિટલ આઈ સ્ટ્રેન હોય શકે છે. ઉપરાંત આંખમાં લાલાશ હોય, ઇમેજ બે દેખાય, આંખ દુખવાની ફરિયાદ કરે, બૅક નેક કે પીઠ પર દુખાવો થતો હોય તો બાળકની સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ. આ સમસ્યા માટે ડૉક્ટરની સલાહ લેવી જરૃરી છે, સૌ પ્રથમ તો બાળકને ટીવી, મોબાઇલ અને ગેજેટની દુનિયાથી બહાર લાવવાનો પ્રયત્ન કરો. લૉકડાઉનનો સમય છે માટે ઘરની બહાર તો નીકળવું શક્ય નથી માટે ઘરમાં જ એવો માહોલ ઊભો કરો જેનાથી બાળક ઇલેકટ્રોનિક ગેજેટથી દૂર રહે.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »