તમારા માટે, તમારી સાથે, સતત…

આણંદની અસ્મિતાઃ આનંદનો અહેસાસ

આ ખંભાત એટલે સ્તંભતીર્થ. વિશ્વના દેશોનું જાણીતું વ્યાપાર મથક.

0 277
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

આણંદ પાસે શું નથી? બધું જ બધું છે, લસલસતાં ખેતરો છે, ગોપાલન અને દૂધ ઉત્પાદન છે. વિદ્યાધામો છે અને સ્વાતંત્ર્ય સંઘર્ષનો દીર્ઘ ઇતિહાસ પણ છે!

સરદાર વલ્લભભાઈએ સૂચવ્યું અને અહીં સાંગોપાંગ યુુનિવર્સિટી થઈ. ભાઈકાકા (ભાઈલાલભાઈ પટેલ)એ સાથીઓ સહિત પુરુષાર્થ કર્યો. ખેતી એન્જિનિયરિંગ, આર્ટ્સ, કોમર્સ, મેડિકલ અને રમણીય પરિસર.

આણંદનો આનંદ દેશ સાથે જોડાયેલો છે. ૧૮૫૭માં વડોદરાથી અમદાવાદ સુધી ફિરંગી-મુક્ત ગુજરાતનો સંકલ્પ લઈને સૌ નિકળ્યા. કેટલાકને ફાંસી, કેટલાકને આંદામાનની જનમટીપ, કેટલાક હદપાર. તેમાં આણંદ-મુખી ગરબડદાસ પટેલ પણ ખરા અને અકિંચન બ્રાહ્મણ કૃષ્ણાલાલ પણ ખરા.

રણ અને રંગ ઃ  બેઉંનું સાયુજ્ય!

ક્ષત્રપ-ગુપ્ત-મૈત્રક-પરિહાર-રાષ્ટ્રકુટ ચાલુક્ય.. આવ્યા, શાસન કર્યું અને કંઈક પ્રજાપ્રિય કામ કરતા ગયા.

કેવો વૈભવ?

આ ખંભાત એટલે સ્તંભતીર્થ. વિશ્વના દેશોનું જાણીતું વ્યાપાર મથક. દરિયો તેનું માધ્યમ. હેમચંદ્રાચાર્યનું વિદ્યામથક. વસ્તુપાળ-તેજપાળનું વિદ્યામથક. ગ્રંથો, કવિત, રાસ, ઇતિહાસ, હ્યુ-એન-ત્સંગ આ નગર જોઈને દંગ થઈ ગયો હતો.

બોરસદ એટલે રવિ શંકર મહારાજ. હા,  બાબર દેવા પણ અહીંનો. ભલભલાનાં ગાત્ર થીજાવી દે તેવો બહારવટિયો. મોહનલાલ પંડ્યા-ઠક્કર બાપા- ઇન્દુલાલ યાજ્ઞિક- રવિશંકર મહારાજ બધાએ સરદારની સૂચના મુજબ લડત માંડી. બાબર દેવાનો ત્રાસ, પણ અંગ્રેજોએ વેરો લાદ્યો લોકો પર. સરદારની સાથે તેનો ભેટો થયો ત્યારે સરદારે કહ્યું ઃ ‘તારા કારણે આ ગરીબ પ્રજાએ હૈડિયા વેરો ભરવો પડે છે. બે લાખ, ચાળીસ હજાર અને ચુંમોતેર રૃપિયા!’

બાબરે કહ્યું ઃ પણ શું કરું સાહેબ, આ પોલીસે મારી માનું અપમાન કર્યું, તે ય થાણે લઈ જઈને.

‘તો?’

‘એટલે મેં વાઢી નાખ્યો!’

સરદારે તેને સમજાવ્યો. પાટણવાડિયા જાતિને ય દંડ ભરવો પડે છે તેનું નિમિત્ત તંુ-બાબર દેવા-છે. તું પકડાતો નથી. તારા પર પોલીસ ચોપડે ૨૨ ખૂનના ગુના નોંધાયા છે. ૨૦૦ પોલીસનો ભાર ગામડાં વેંઢારે છે. પોલીસની ખાણીપીણીની સગવડ ગામ લોકે કરવી પડે છે. તેમના ઘોડાને મફત ચારો આપવો એવો હુકમ છે.

બાબરનો બીજો સાથી અલી હતો એ તો પોલીસ સાથે ભળી ગયો હતો. સરદારે કહ્યું ઃ ડરશો નહીં. અલીને સરકાર પકડવા માગતી જ નથી, પણ તમે હૈડિયા વેરો ભરવાની સાફ ના પાડી દેજો.

ખુદ બાબર દેવાએ પણ સંમતિનો હાથ ઊંચો કર્યો અને સરદાર સમક્ષ શપથ લીધા કે હવે કોઈને કનડગત નહીં કરું. લો, આ બંદૂક મેં છોડી!

આ હતી વલ્લભભાઈની તાકાત. હૈડિયા વેરો પણ નાબૂદ થયો.

આણંદ વિસ્તારનો શક્તિ અને ભક્તિનો યે આગવો મિજાજ છે.

બોડાણાની વાર્તા અને ડાકોરનું દેવાલય, તેના સાક્ષી. બોડાણો વિજયસિંહ અને પત્ની ગંગાબાઈ બળદગાડામાં છેક દ્વારિકા પહોંચ્યાં; કારણ એ હતું કે દ્વાપર યુગના અંતે કુરુક્ષેત્રની પૂર્વે એકવાર કૃષ્ણ અને ભીમ હસ્તિનાપુરથી દ્વારિકા જવા નિકળ્યા ને વચ્ચે આવ્યું ડંક ક્ષેત્ર; આ ડાકોર! બંનેને તરસ લાગી હતી એટલે ડંક ઋષિના આશ્રમે ગયા, પણ તળાવ નાનું અને પાણી બહુ રહેતું નથી એમ ઋષિએ કહ્યું. ભીમે જમીન પર ગદા-પ્રહાર કર્યો, તળાવ મોટું અને છલોછલ થઈ ગયું. ડંક ઋષિએ આગ્રહ કર્યો શ્રીકૃષ્ણને, કે હવે આપ અહીં જ નિવાસી બનો. જગન્નાથને વળી કોઈ એક સ્થાને રહેવું કેમ પાલવે? પણ વચન આપ્યું કે હજુ કુરુક્ષેત્રે ‘ધર્મ સંસ્થાપનાથ’ બાકી છે, નિયતિએ સોંપ્યું છે, તે પછી દ્વારિકાથી હું જરૃર અહીં આવીશ.’

બોડાણ-દંપતી તુલસીદળ સાથે ભૂખ્યા તરસ્યા, કૃષ્ણને તેમના આ વચનની યાદ અપાવવા દ્વારિકા પહોંચ્યું, વિક્રમ સંવત ૨૦૧૨માં. બિચારો ત્યાં જઈને ય તંબુર તારે ભજન કરતો રહ્યો, મધરાતે બારણે ટકોરા. સ્વયં શ્રીકૃષ્ણ! બોડાણાની પત્નીએ તો કહી જ દીધું કે ડંકક્ષેત્રના લોકો એમની મશ્કરી કરતા હતા કે જા, તારા દ્વારકાધીશને અહીં લાવી આપ તો તું ભક્ત સાચો!

શ્રીકૃષ્ણે હસીને કહ્યું, સારું ત્યારે, કાલે તારું બળદગાડું તૈયાર રાખજે. હું આવીશ. બીજા દિવસે તેવી રીતે નિકળ્યા. અર્જુનનો રથ હાંકનારે બોડાણાનું ગાડું ચલાવ્યું. ઉમરેઠ પહાંેચ્યા. લીલોછમ લીમડો.

શિલાલેખ છે ત્યાં; સ્વસ્તિશ્રી શાલીવાહન શકે ૧૦૭૭ના વરખે, કારતિક કૃષ્ણ પક્ષે ગુરૌવારે ઉમરઠાને ખાખરીઆ મધમાં સામલજીની આથમણી દશાએ ગામતલની ભાગોળમાં શ્રી શ્રીકૃષ્ણ દ્વારકાનાથ શ્રી રણછોડરાયજીને રાજપૂત બોડાણો ભગત વિજયસિંહ વેલ લાવ્યો.

બીજી તરફ દ્વારિકાના ભક્તોએ મંદિરમાં કૃષ્ણપ્રતિમા ન જોઈ. બહાવરા બની ગયા સૌ. બોડાણા લઈ ગયાની ખબર પડી એટલે ધસમસતા આવ્યા. બોડાણાએ કૃષ્ણપ્રતિમાને ઘરમાં સંતાડી દીધી. પૂજારીઓએ

બાણ ચલાવ્યું તો ઠાકોરજીએ કહ્યું, ‘વજનમાપનો કાંટો લાવો. એક તરફ બોડાણો મૂર્તિ મૂકે, બીજી તરફ દ્વારિકાજનો ધન-સુવર્ણ મૂકે. જેનું પલ્લું નમે વજનથી, ત્યાં હું રહીશ.’

બોડાણાની પત્નીએ સવા વાલની નાનકડી વાળી અને તુલસીનાં પાન ત્રાજવામાં મૂક્યાં… દ્વારિકાવાસીઓ સુવર્ણ મુદ્રાઓ, આભૂષણોથી પલ્લુ ભરતા ગયા પણ- નમ્યું તુલસીદળ! કૃષ્ણે કહ્યું હું હવે અહીં રહીશ. દ્વારિકાવાસીઓ શ્રીવર્ધિની વાવમાં મારી મૂર્તિ છે તેને દેવાલયમાં પ્રસ્થાપિત કરે.

Related Posts
1 of 319

“તુલસીના પાંદડે તોળાણા…” આ ભજન આજે ય અનેકોના હોઠ અને હૈયામાં છે.

વળી, આણંદ ચરોતરના બીજા વૈભવ તરફ વળીએ. વલ્લભભાઈ – વિઠ્ઠલભાઈ બાંધવ બેલડી. બંને વકીલો. બોરસદ, ગોધરા, અમદાવાદ વલ્લભભાઈનું, વિઠ્ઠલભાઈનું મુંબઈ અને દિલ્હી કાર્યક્ષેત્ર.

દાંડી-બારડોલી-ખેડા-બોરસદ સત્યાગ્રહો થયા. (વલ્લભભાઈ વિશેનો અલગ લેખ બને.)

૧૯૩૦માં રાસની ભગોળે ભાષણ કરતા સરદાર પકડાયા એટલે ગાંધીજીને સરદાર વિના જ દાંડીકૂચ કાઢવી પડી. રાજ્યોનું વિલીનીકરણ અને હૈદરાબાદ-જૂનાગઢ મુક્તિ એ ‘અખંડ ભારત’ના ઐક્ય શિલ્પી સરદારની ઐતિહાસિક ઉપલબ્ધિ.

આણંદે અમૂલ-દૂધ ક્રાંતિનો દેશને ઉપહાર આપ્યો તેના મૂળમાં ત્રિભુવનદાસ પટેલ, વર્ગીઝ કુરિયનને તેમણે સૂચવ્યું કે, મોરારજીભાઈને મળીને આ મોટું કામ કરીએ. તે થયું. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગને શ્વેત ક્રાંતિનું પ્રતીક બનાવી દીધું. રશિયા સહિત ઘણાને માટે તે ‘રોલ મૉડેલ’ બન્યું.

૧૯૯૭માં આણંદ જિલ્લો બન્યો. ૨૦૧૧માં વસતિ હતી ૨,૦૦,૯૦૨૭૬ ૨૦૧૭ કિ.મી.નો વિસ્તાર. તાલુકા પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ, આણંદ, આંકલાવ, બોરસદ અને ખંભાત. આણંદે ખેત યુનિવર્સિટી અને વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી.

ખંભાત સ્તંભતીર્થ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનું મથક.

ખાનપુર, આણંદની લોટિયા

ભાગોળ, પ્રતાપપુરા, સારસા – ૧૮૫૭ની સંઘર્ષભૂમિ.

બોરસદમાં સત્યાગ્રહ. મણિબહેન- ડાહ્યાભાઈનો જન્મ અહીં થયો.

રાસ અને અડાસ. સ્વાતંત્ર્ય આંદોલનમાં ત્રણ યુવકો વીંધાયા; રતિલાલ ગોરધન પટેલ, રમણલાલ પુરુષોત્તમ પટેલ અને મોહનલાલ મગનલાલ પટેલ.

અને કેવી સ્વનામધન્ય વિભૂતિઓ-

દરબાર ગોપાળદાસ અને ભક્તિ બા.

મોહનલાલ પંડ્યા.

પંડિત ઓમકારનાથ (ખંભાતમાં જન્મ) ત્રિભુવનદાસ પટેલ.

ઝવેરભાઈ પટેલ.

બોચાસણના યજ્ઞપુરુષદાસ.

જેઠા ભગત.

મીઠુ-મહારાજ.

સંત ભાણ સાહેબ.

છોટાલાલ ત્રિવેદી (પ્રથમ ગુજરાતી વ્યાકરણકર્તા)

પુરાતત્ત્વવિદ્ ડૉ. અમૃત પંડ્યા, ભાઈકાકા.

એચ. એમ. પટેલ.

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (સારસ્વત, ઉમરેઠ) નામોની યાદી પણ અધૂરી છે, પણ આ છે આપણું આણંદ.
—————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »