તમારા માટે, તમારી સાથે, સતત…

આ વર્ષે ભાઈજાનને ઈદી નહીં મળે..!

પહેલાં તો ઈદ પર સલમાનની રાધે રિલીઝ થશે કે અક્ષયની લક્ષ્મીબોમ

0 121
  • મૂવીટીવી – હેતલ રાવ

કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશ લૉકડાઉન થવા મજબૂર બન્યો. જેની માઠી અસરો પણ સ્પષ્ટ જોવાઈ રહી છે, પરંતુ સામાન્ય પ્રજાને બાદ કરતાં વાત કરીએ તો કોરોનાનો કહેર બોલિવૂડને હંફાવી રહ્યો છે. કરોડો રૃપિયાના નુકસાનની સાથે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ આજે ફરજિયાત પણે પોતાના શૂટિંગ રદ કરી ઘરમાં કેદ થઈ છે. જેમાં બોલિવૂડના ભાઈજાનનો પણ સમાવેશ થાય છે. જી હા, મોટા ભાગે ઈદ પર પોતાની ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન કરતા સલ્લુમિયાં આ વર્ષે પોતાના ચાહકો પાસેથી ઈદી લેવામાં સંપૂર્ણપણે ફેલ થવાના છે. દર્શકો પણ સલમાન ખાનની ફિલ્મની રાહ આતુરતાથી જોતા હોય છે અને ખુશી ખુશી ઈદના તહેવાર પર ભાઈજાનને સામે ચાલી ઈદી આપતા હોય છે, પરંતુ સલમાનની આ ઈદ બિલકુલ ખાલીખમ જવાની છે.

Related Posts
1 of 258

પહેલાં તો ઈદ પર સલમાનની રાધે રિલીઝ થશે કે અક્ષયની લક્ષ્મીબોમ તેની ચર્ચાએ જોર પકડ્યું હતું. એ ચર્ચા શાંત થતાં દર્શકોને પણ હાશકારો થયો હતો અને ભાઈજાનને જોવા આતુર બન્યા હતા. કોરોનાના કારણે દેશ લૉકડાઉન થયો ત્યારે પણ લોકોને આશા હતી કે ઈદ સુધી તો બધંુ રાબેતા મુજબ થઈ જશે, પરંતુ સ્થિતિ જૈસે થે વૈસે જેવી છે. વચ્ચે એવા ન્યૂઝ પણ આવ્યા કે હવે બિગ બજેટની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આવા સમયે મલ્ટિપ્લેક્સના માલિકોનું બીપી હાઈ થઈ ગયું. એક સમય તો એવો પણ આવ્યો કે સલમાને પણ ઓટીટી પર રાધેને રિલીઝ કરવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ પરદા પાછળ ગુપચુપ બધું સેટ થયું અને અંતે નિર્ણય લેવાયો કે ભાઈજાન કોરોના ઠારે પડશે પછી સરકારની મંજૂરી પછી જ ફિલ્મ રિલીઝ કરશે. આવો નિર્ણય તો લેવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં ફિલ્મોમાં રોકાણ કરવામાં આવેલી મૂડીની ચિંતા પણ થઈ રહી છે, બીજી બાજુ મલ્ટિપ્લેક્સ પણ ચિંતામાં છે કે જો આ જ રીતે ફિલ્મો ડીલે થતી રહેશે તો એ સમય દૂર નથી જ્યારે સિનેમાઘરોને કાયમી તાળાં વાગી જશે. માલિકોના ડરમાં કેટલું તથ્ય છે એ રામ જાણે, પણ એટલંુ નક્કી છે કે આ પ્રથમ ઈદ એવી હશે જ્યારે ભાઈજાનની ફિલ્મ તૈયાર છે અને રિલીઝ નથી થઈ શકતી અથવા એમ પણ કહી શકાય કે રાધેને ગ્રહણ લાગી ગયું છે કે સલ્લુ મિયાં આ વર્ષે ઈદી વગરના રહી જશે. જે હોય એ પણ આશા રાખીએ કે બધું જલ્દી રાબેતા મુજબ થાય અને મોડા-મોડા પણ ભાઈજાનના ચાહકોની આતુરતાનો અંત આવે.
——.

હવે શરમન ગામડે જઈ ખેતી નહીં કરે
બોલિવૂડના બેસ્ટ ફિલ્મકારોના લિસ્ટમાં અબ્બાસ-મસ્તાનનું નામ ટોચ પર છે. હવે તેમની જોડી ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા આવી રહી છે. નેટફ્લિક્સ પર  પેન્ટહાઉસ નામની વેબ સિરીઝ રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે તેનું શૂટિંગ લૉકડાઉન પછી શરૃ થશે, પરંતુ બેઝિક વર્ક પૂર્ણ થઈ ગયું છે. તેમની ફિલ્મોની જેમ જ વેબ સિરીઝ પણ થ્રિલરથી ભરપૂર હશે. એક સાઇકોલોજિકલ કેરેક્ટરની સ્ટોરી આ સિરીઝમાં જોવા મળશે. મહત્ત્વની વાત એ છે કે અબ્બાસ-મસ્તાને પોતાની આ સિરીઝમાં મુખ્ય પાત્ર માટે સરમન જોષીની પસંદગી કરી છે. થ્રી ઇડિયટ્સ, ગોલમાલ-૩, સ્ટાઇલ, મિશન મંગલ જેવી અનેક ફિલ્મોમાં હિટ અભિનય કર્યા પછી પોતાની ફ્લોપ ફિલ્મોને લઈને આપેલા નિવેદનના કારણે પણ શરમન ચર્ચામાં હતો. તે જણાવે છે કે, હવે મારી ફિલ્મ ફ્લોપ જશે તો હું ગામડે જઈને ખેતી કરીશ, પરંતુ લોહીમાં અભિનય હોવાના કારણે તે ફિલ્મ લાઇન છોડી ન શક્યો અને અંતે વેબ સિરીઝ પર હાથ અજમાવ્યો. હાલમાં જ તેની બારિશ-૨ વેબ સિરીઝને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. શરમનની ગાડી પાટા પર ચઢી ગઈ છે ને અબ્બાસ-મસ્તાન જેટલા બેસ્ટ ફિલ્મકારની વેબ સિરીઝમાં કામ કરવાની તક મળી છે, માટે તેનો ખેતી કરવાનો વિચાર ચોક્કસથી મોકૂફ થઈ જશે.
——————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »