તમારા માટે, તમારી સાથે, સતત…

લૉકડાઉનની સાઇડ ઇફેક્ટ ‘ઘરેલુ હિંસા’

લૉકડાઉનની હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસર જોવા મળી

0 274
  • સાંપ્રત – હેતલ રાવ

લૉકડાઉનના કારણે એક બાજુ જ્યાં પરિવારમાં પ્રેમ વધી રહ્યો છે. બાળકો ફરી એકવાર માતાપિતા અને વડીલોની છત્રછાયામાં સમય વીતાવી રહ્યાં છે. ત્યાં બીજી બાજુ ઘરેલુ હિંસાની સમસ્યાઓ પણ વધી રહી છે. રોજબરોજ એકબીજાની સતત સાથે રહેવાના કારણે તણાવ ઊભો થાય છે અને એ નાની સમસ્યા ક્યારે ઝઘડાનું સ્વરૃપ ધારણ કરે છે તે ખબર પણ નથી રહેતી. વર્તમાન સમયમાં ઘરેલુ હિંસાના બનાવો વધી રહ્યા છે.

વડોદરાની નાની ઘટનાએ મોટું સ્વરૃપ ધારણ કરી લીધું અને જાનકી શર્મા આજે ત્રણ દિવસથી પાડોશીના ઘરે છે. અવિનાશ સારી કંપનીમાં જોબ કરે છે. લૉકડાઉનના બીજા દિવસથી જ કંપનીએ બધાને ઘરે બેસીને વર્ક કરવાનું ફરમાન કર્યું. સવારે આઠના ટકોરે તો અવીનાશ અવિનાશ ટિફિન લઈને નીકળી જતો અને રાત્રે ૭.૩૦ કલાકે પરત આવતો. રવિવારે દસ વાગે ઊઠવું અને પછી નિત્યક્રમ પતાવી દીકરા આયુષ અને દીકરી કલી સાથે થોડો સમય પસાર કરી, બહારનો પ્લાન તૈયાર થાય. મોટા ભાગે રવિવારે બપોર પછી પરિવારનો સમય કે પછી અવિનાશનો સમય ઘરની બહાર જ પસાર થતો અને સોમવારે નિત્યક્રમ શરૃ, પરંતુ લૉકડાઉનના કારણે બધંુ જ સ્ટોપ થઈ ગયું.

માતાપિતા ગામડે રહેતાં અને અવિનાશ વડોદરા જેવા શહેરમાં પરિવાર સાથે મસ્તીથી રહેતો, પરંતુ તેનો સ્વભાવ તો પહેલેથી જ થોડો ગુસ્સેલ હતો. જાનકી પણ એમએ બીએડ થયેલી ભણેલી ગણેલી સારા પરિવારની દીકરી હતી. લગ્નને પંદર વર્ષ થઈ ગયાં હતાં. બાળકો પણ મોટા થઈ ગયા, પણ અવિનાશનો સ્વભાવ ના સુધર્યો. વારંવાર પત્ની સાથે માથાકૂટ કરતો, પરંતુ ઑફિસ પહોંચતા જ પોતાની ભૂલ પર પસ્તાતો અને પત્નીને સોરી કહેતો. જાનકી પણ પરિવારને સાચવવામાં પતિની દરેક ભૂલ માફ કરતી, પરંતુ લૉકડાઉનના કારણે અવિનાશ બિલકુલ બદલાઈ ગયો. ઘરે બેસીને કામ કરતો અને તેની આજુબાજુ જાનકી સતત ચા-નાસ્તો, તેની ફરમાઇશનું ભોજન લઈને હાજર રહેતી છતાં ગમે તે બહાને તે જાનકીને બોલ્યા કરતો. હવે તો બાળકો પર પણ ગુસ્સો કરતો. જાનકીએ સાસુ-સસરાને વાત કરી, પરંતુ તે આવી ન શકે અને જાનકી પોતાના સાસરે કે પિયર જઈ ના શકે, હવે કરવું શું. સંતાનોને સમજાવતી, પરંતુ પોતાના મનને કેમ કરી સમજાવે. સમયની સાથે તે વધુ ગુસ્સો કરવા લાગ્યો અને થોડા દિવસ પહેલાં તો તેને જાનકીને માર માર્યો. તેના કરતાં પણ વધુ સક્ષમ, ભણેલી અને દરેક રીતે ચડિયાતી જાનકી પોતાના સંસ્કાર અને બાળકોના ભવિષ્ય માટે ગમે તેવા શબ્દો સહન કરીને રહેતી. નાની-મોટી ધોલ-ઝાપટ તો તે સહન કરતી, પણ અવિનાશે તેને માથામાં લાકડી મારી, એટલું ઓછું હોય તેમ પેટમાં લાતો મારી અને બે કલાક સુધી તેને રૃમમાં પુરી રાખી, બાળકો રડતાં રહ્યાં અને તે જાણે માનવમાંથી દાનવ બની ગયો. જાનકીને હદ વટાઈ ગઈ તેમ લાગ્યું, પરંતુ તેને બાજુમાં રહેતા પંડ્યા અંકલને ફોન કરીને કહ્યું કે મને અને બાળકોને તમારા ઘરે આવવા દો, પોલીસ કેસ કરવો નથી અને સોસાયટીમાં વધુ નાટક થાય તે મને પસંદ નથી. પંડ્યા અંકલ પોતાની પત્ની અને બે દીકરા સાથે રહેતા હતા. તેમને પહેલા જાનકીને અને બાળકોને બહારના બાથરૃમમાં સ્નાન કરવાનું કહ્યું અને સેનિટાઇઝ પછી તેને ઘરમાં લઈ આવ્યાં. ત્રણ દિવસથી જાનકી બાળકો સાથે પંડ્યા અંકલના ત્યાં છે, પરંતુ અવિનાશ તેની તો ઠીક પરંતુ બાળકોના ખબરઅંતર પૂછવા પણ નથી આવ્યો. જાનકીનાં સાસુ-સસરાએ તેને લૉકડાઉનનો સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘરે પરત જવાની ના કહી છે અને પંડ્યા ફેમિલીને હાથ જોડી વિનંતી કરી કે મારી દીકરી સમાન પુત્રવધૂ અને બાળકોને તેમના ઘરે રાખે. તમને શું લાગે છે, આ કોઈ ફિલ્મી કે પછી નાટકીય સ્ટોરી છે..? તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. કારણ કે આ હકીકત છે, ઉચ્ચ કંપની અને હાઈ એજ્યુકેટેડ ફેમિલીની આ એવી વરવી વાસ્તવિકતા છે જે સિક્કાની બીજી બાજુ દર્શાવે છે.

કોરોના મહામારીના લીધે છેલ્લા એક મહિનાથી લોકો લૉકડાઉનમાં પોતાનું જીવન વ્યથિત કરી રહ્યાં છે. લૉકડાઉનની હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસર જોવા મળી છે. ઘણાબધા લોકો પારિવારિક મૂલ્યને સમજીને જીવન જીવી રહ્યા છે. લૉકડાઉન પહેલા લાઇફ ફાસ્ટ હતી. ઘરનો મોભાદાર કમાવવા માટે સવારે જાય અને મોડી રાત્રે નોકરીથી પરત આવે. એક દિવસની રજામાં પણ પરિવારને પૂરતો સમય આપી નહોતા શકતા. આ સમયના કારણે ઘરના તમામ સભ્યો સાથે જમતા અને એકબીજા સાથે સમય વ્યતીત કરતાં થયાં, પરંતુ નકારાત્મક અસર પણ થઈ નાનાં-નાનાં કારણોસર પતિપત્નીમાં ઝઘડા થવા લાગ્યા અને સતત સાથે રહેવાના કારણે નિવારણની જગ્યાએ સ્વરૃપ મોટું થવા લાગ્યું. વાત વધવા લાગી અને પતિ પત્નીને મારઝૂડ કરવા લાગ્યો. ઘણા ખરા કિસ્સામાં પત્ની સમયને માન આપી મૌન રહે છે. જ્યારે ઘણા કિસ્સાઓમાં મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવે છે. પત્ની સાથે મારઝૂડના કેસો છેલ્લા એક માસમાં ખૂબ વધ્યા છે. લૉકડાઉનમાં ઘરેલુ હિંસા માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં જોવા મળી છે. ઘરેલુ હિંસામાં સતત વધારો નોંધાતા કેન્દ્ર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે  વીડિયો કોન્ફરન્સ દ્વારા જુદી જુદી સંસ્થાઓ સહિત અલગ અલગ વિભાગો સાથે વાતચીત કરીને મહિલા સુરક્ષા માટે જરૃરી પગલાં ઉઠાવવાની વાત કરી સાથે અનેક દિશા નિર્દેશ સૂચવ્યા હતા.

ઘણાબધા  પુરુષો એકદમ ગુસ્સે થઈ જાય છે જેના લીધે વાત વણસી જાય છે અને તેઓ હાથચાલાકી પર ઊતરી આવે છે. ઘરમાં ને ઘરમાં રહેવાનું હોવાથી તે માનસિકતા જડ કરીને નાની વાતો પર મારઝૂડ કરે છે. જમવાનું સારું નથી બનાયું, શાકમાં મીઠું વધારે છે, છોકરાઓના ઘોંઘાટ કરતા હોય તો પણ પત્ની સાથે મારપીટ કરતા હોય છે. એટલું જ નહીં, સંયુક્ત પરિવારમાં ઘણી વાર વડીલોને પીરસવામાં કે કઈ આપવામાં પત્નીથી વહેલુ મોડું થાય તો પણ પતિ તેને સખ્ત શબ્દોમાં બોલે છે અને હાથ પણ ઉપાડે છે. વાત કોઈ પણ હોય, પરંતુ ઘરની મહિલા એટલે કે પત્ની પર જ સમગ્ર ગુસ્સો ઊતરે છે. ઘરેલુ હિંસાના એક બે નહીં અનેક કારણો છે. લૉકડાઉનમાં ઝઘડા થયા બાદ ઘરમાં જ રહેવાનું હોવાથી ઝઘડાનું સમાધાન થતું નથી અને વાત વધુ વણસે છે અને મારઝૂડ પર આવીને અટકે છે .

છેલ્લા એક માસ દરમિયાન ઘરેલું હિંસાના કેસોમાં ગુજરાતની વાત કરીએ તો, એક માસમાં અંદાજિત ૮ હજાર જેટલી ફરિયાદ  આવી છે. ગુજરાતમાં ફેબ્રુઆરીમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ઘરેલુ હિંસાની ઘટના ૩૨ ટકા હતી જ્યારે લૉકડાઉન સમયગાળામાં એટલે કે ૨૩ માર્ચથી ૧૯ એપ્રિલ સુધી ૪૩.૬૪ ટકા ફરિયાદ નોંધાઈ હતી જે ખૂબ વધારે હતી માત્ર એક માસમાં જ ટકાવારીમાં  ઘણો વધારો નોંધાયો છે. ૧૮૧ અભયમ હેલ્પલાઇન મહિલા સુરક્ષા માટે કાર્યરત છે. આ હેલ્પલાઇન નંબર પર એટલે કે ૧૮૧ પર ૧૯ એપ્રિલ સુધી ૮૦૭૮ ફરિયાદ મળી હતી  આ ફરિયાદ પૈકી મહિલાઓ પર અત્યાચાર, મારપીટ અને શોષણની ૩૫૨૫ ફરિયાદ નોંધાઇ હતી. એક મહિનામાં ૧૦ ટકાનો વધારો થયો  છે. ઘણી મહિલાઓએ  ગુજરાત મહિલા આયોગને ઘરેલુ હિંસાની ફરિયાદ ઇમેલ દ્વારા કરી છે. રાજ્યમાંથી કુલ ૧૭ ફરિયાદ ઈ-મેઇલ દ્વારા કરવામાં આવી હતી.

Related Posts
1 of 289

કેસ-૧ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા નંદિનીરાજ  મણિયાર(નામ બદલ્યું છે) કહે છે, ‘લૉકડાઉનના શરૃઆતના દિવસોમાં તો અમારે ઝાઝી માથાકૂટ નહોતી થતી, પરંતુ જેમ-જેમ દિવસો જવા લાગ્યા તેમ-તેમ મારા પતિ પર જાણે કે ગુસ્સો હાવી થવા લાગ્યો. આમ તો અમે નાની-મોટી માથાકૂટોમાં એક બીજા સાથે ક્યારેય લપ નથી કરતાં. હું ઘરે ટીચિંગ આપું છું અને મારા પતિ પણ ટીચર છે. ઘરે બેસીને પણ તે પોતાનું વર્ક કરતા રહે છે. હા, શરૃઆતથી જ તેમને ઘરમાં દરેક વાતમાં માથું મારવાની ટેવ હતી. હવે સતત ઘરમાં રહેવાના કારણે તે મને થોડી-થોડી વારે બોલ્યા કરતા કે જો આ કામ તો હજુ પત્યું જ નથી. હા બાકી છે, જો આ સોશિયલ મીડિયા પર બધા કેવી સારી સારી વાનગીઓ બનાવે છે. અને તું તો આળસુ છે, રસોઈ બનાવવામાં તારું ચિત્ત જ ચોટતું નથી. દીકરો પણ ૧૮ વર્ષનો છે. તેની સામે પણ મારી મજાક કર્યા કરે, પણ હું હસવામાં લેતી. ધીમે-ધીમે તે મારા પરિવારને પણ ગમે તેમ બોલવા લાગ્યા. મજાકની સાથે હવે તે મને તાણા મારતા. એકવાર તો એમ પણ કહ્યું કે, જો હું પીએમ હોવ તો તારું નામ કોરોના જાહેર કરું, સારું બધા તારો ઇલાજ શોધવા લાગે અને મારે શાંતિ થાય. આ વાત મને ખૂબ જ લાગી ગઈ. દીકરો પણ કહેવા લાગ્યો કે પપ્પા આવી મજાક ના કરો તમે. મમ્મીને દુઃખ થશે, તો તેમણે નફ્ટાઈથી કહ્યું કે, તે માણસ જ ક્યાં છે કે દુઃખ થાય. મારો પારો પણ ગયો અને હું પણ તેમને બોલવા લાગી. તેમણે મને સીધી મારવાની જ શરૃ કરી દીધી. દીકરો બચાવવા આવ્યો તો દીકરાને પણ માર્યો. ઘરમાંથી નીકળીને જવું ક્યાં, આડોશી પાડોશીએ ફોન કર્યા અને વાત ઠારે પાડી, પણ હું અને દીકરો દસ દિવસથી ઉપરના રૃમમાં રહીએ છીએ અને તે નીચે એકલા. આ વખતે હદ કરી છે. હવે નિર્ણય તેમનાં માતાપિતા અને વડીલો જ કરશે. દીકરો મોટો થઈ ગયો છે તો હવે છૂટાછેડા થાય તો પણ દુઃખ નથી.’

કેસ-૨ રૃબીનાહુસેન (નામ બદલ્યું છે) પોતાની સમસ્યાની વાત કરતાં ‘અભિયાન’ને કહે છે, ‘લગ્નનાં બાર વર્ષ થયાં, પણ હુસેન માણસ ન બન્યા. શરૃઆતથી જ તેને મારઝૂડ કરવાની આદત હતી, પણ સમય જતા માફી માગતો અને હું પણ બાળકો અને પરિવારના કારણે બધું સહન કરી લેતી. અમે બંને પોસ્ટ ગ્રેજ્યુએટ છીએ અને હુસેન સારી કંપનીમાં જોબ કરે છે, પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ ખરાબ છે. મને લાગ્યું કે સમય સાથે તે બદલાશે, પણ સ્થિતિ ના બદલાઈ. હવે તો ચોવીસ કલાક તે ઘરમાં જ રહે છે અને ટીવીનું રિમોટ તેના હાથમાં, બાળકો પણ કંટાળી જાય છે કે અમારે કાર્ટૂન જોવું છે અને પપ્પા જોવા નથી દેતા. હું તેમને બીજી રમતોમાં વાળું છું. વગર કારણે બોલ્યા કરે અને વગર કારણે મારઝૂડ કરે છે. થોડા દિવસ પહેલાં દિકરો બોલ્યો કે પપ્પા, આવંુ કેમ કરે છે, તે મેડ છે, તો તેમને દીકરાને ઊંચકીને નાખ્યો, તેને બહુ વાગ્યું, દવાખાને પણ લઈ જવો પડ્યો. લૉકડાઉનમાં પણ હેરાન કરે છે. દીકરાની તકલીફ જોવાઈ નહીં અને મારાથી તેને ગમે તેમ બોલાઈ ગયું. તેણે મને ખૂબ જ મારી, હવે તો નક્કી કર્યું છે કે જો આવા દિવસોમાં પણ તે સમજી ના શકે તો તેની સાથે રહીને સંતાનોનું ભવિષ્ય બગાડવું નથી.’

કેસ-૩ પૂજા આચાર્ય (નામ બદલ્યું છે) કહે છે, ‘લૉકડાઉનનો સમય તો ઘણો કપરો છે, દીકરી આર્યાને અમે સાથે બેસીને સમજ આપતા કે આ કેટલી મોટી સમસ્યા છે, દેશ માટે, આપણા માટે અને તેમાંથી બહાર આવવા આપણે બધાએ પ્રયત્ન કરવા પડશે, પરંતુ થોડા સમય પછી મારા પતિના વર્તનમાં ચેન્જ આવવા લાગ્યો. તે હંમેશાં સલૂનમાં જ દાઢી કરાવવા જતા, હવે ઘરે મશીનનો ઉપયોગ કરીને જાતે કરવી પડે તો તે કંટાળી જાય છે. કોઈ પણ વસ્તુમાં થોડી વાર લાગે તો મોટેથી બૂમ પાડે અને ગુસ્સો કરે, ટીવીનંુ રિમોટ બગડી ગયું તો મને લાફો મારી દીધો. મેં ગભરાઈને જલ્દી જલ્દી તેમને રિમોટ બરોબર કરી દીધું તો મને કહેવા લાગ્યા કે તું જાણી જોઈને મને હેરાન કરે છે. તેમનું પોતાનંુ કારખાનું છે, તો કોઈ કર્મચારીનો ફોન આવે અને તેમને પસંદ ન પડે તો મારા પર ગુસ્સો કરે, મારા સસરા મને સમજાવે કે જો દીકરી અત્યારે તેને બહાર જવા નથી મળતું તો કદાચ તે વધારે ગુસ્સામાં રહે છે. હું પણ સમજી જતી પણ તે કોઈ પણ વાતમાં મને મારતા, અપશબ્દો બોલતા, ઘણી વાર તો લાગે કે આ બિલકુલ ખરાબ વ્યક્તિ છે. મમ્મીને ફોન કરું તો તે સમજાવે કે આવા સમયે આવી નાની મોટી ઘટનાઓ બને તેમાં રડવા ના બેસાય. મહિલા પોલીસની હેલ્પ લેવાનું મન થાય, પરંતુ પછી સમાજનો સંતાનો અને પરિવારનો વિચાર આવે. શું આ સમયમાં માત્ર પુરુષોને જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે!

અહીં તો માત્ર ત્રણેક કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં આવા અનેક કેસો છે જેનો ઉલ્લેખ કરવો શક્ય નથી, રોજબરોજ મહિલાઓ પર અનેક અત્યાચારો થતા રહે છે અને મહિલાઓ પણ આવી ઘરેલુ હિંસાને સહન કરતી રહે છે.

ફેમિલી કોર્ટના વકીલ ઉન્નતિ એ. ઠાકર ‘અભિયાન’ સાથે વાત કરતાં કહે છે, ‘લૉકડાઉનના કારણે ઘરેલુ હિંસાની ઘટના વધી છે, પરંતુ સાથે-સાથે એક સારી વાત એ પણ બની છે કે પરિવાર નજીક આવ્યા છે. મને એક કિસ્સો યાદ છે, જેમાં પતિને પત્નીના હાથની રસોઈ બિલકુલ નહોતી ભાવતી, પરંતુ લૉકડાઉનમાં તે બહાર જમી ના શકે માટે ફરજિયાત ઘરે જમવાનું બનવા લાગ્યું. પત્ની શોખથી પતિ માટે બનાવતી, ધીમે-ધીમે બંને વચ્ચે મધુરતા વધવા લાગી અને હવે પતિ પત્નીના હાથની રસોઈનાં વખાણ કરતાં થાકતો નથી. નરસી વાતો પણ છે, જેમાં સ્વતંત્ર રહેતી મહિલાઓને હવે ઘરમાં પરિવાર સાથે રહેવાનું થયું, પહેલાં પતિ સાથે ઝઘડો થાય તો પિયર કે સહેલીના ઘરે જઈ મન હળવું કરે હવે તે રસ્તા બંધ થયા. બંને પક્ષે સમસ્યાઓ સર્જાય છે અને પરિણામે મોટી માથાકૂટ થાય છે. ફેમિલી કોર્ટના વકીલ તરીકે મારી પાસે ઘણા બધા ફોન આવતા હોય છે આવી સમસ્યાઓના. કોઈ પણ પરિસ્થિતિ બે સ્થિતિ સર્જે, એક સારી અને એક નરસી. લૉકડાઉનના કારણે પણ આવી જ પરિસ્થિતિઓનું સર્જન થયું છે, પરંતુ ઘરેલુ હિંસાના કારણે મહિલાઓને ઘણુ સહન કરવંુ પડે છે તે ખોટું છે અને દરેક વ્યક્તિએ હાલની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી શાંતિ રાખી ઘરમાં રહેવંુ અનિવાર્ય છે.’

સ્વકેન્દ્રિત એનજીઓના પ્રમુખ અંજના રાવલ કહે છે, ‘માને અંગત ઘણા કૉલ આવે છે મહિલાઓના. તેમના પર થતી ઘરેલુ હિંસાની પણ વાત કરે છે, શક્ય હોય ત્યાં સુધી તેમના પતિ અને પરિવાર સાથે અમે વીડિયો કૉલિંગ પર વાત પણ કરીએ છીએ, પરંતુ જ્યારે ઘરમાં કંકાસ શરૃ થાય તો કોઈ વાત કરવા પણ તૈયાર નથી થતંુ. મહિલાઓને આવા સમયે ધીરજ સાથે રહેવાની સૂચના આપીએ છીએ. પોઝિટિવ વાત કરીને તેમને સાંત્વના આપવાનું કામ પણ કરીએ છીએ. ઘણા કેસોમાં પુરુષો પણ ફોન કરે છે, તેમની પત્નીને માતા સાથે ફાવતું નથી કે પછી સાસુ સતત ઘરમાં પતિ સાથે વાતો કરે છે કે તેને હેરાન કરે છે. જેવી ખોટી વાતો પત્નીના મગજમાં ભરાઈ જાય છે. માટે કકળાટ થયા કરે છે, બાળકોના મગજ પર પણ ખોટી અસર પડે છે. ઘરેલુ હિંસામાં વધુ સહન મહિલાને કરવું પડે છે, પરંતુ સાથે સમગ્ર પરિવાર પણ જોડાઈ જાય છે. માટે આવા કપરા સમયને વધુ કપરો બનાવ્યા કરતાં સારી રીતે રહેવંુ વધુ ઉત્તમ છે.’

સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશ્વિન માલપાની કહે છે, ‘ઘણા કેસોમાં માનસિક્તા પણ કામ કરે છે. સતત ટીવી જોવું કે સોશિયલ મીડિયા પર ચીપક્યા રહેવાની આદત પણ ક્યારેક ઘરેલુ હિંસાને જન્મ આપે છે. ઘણા કેસોમાં પતિએ ક્યારેય પત્ની પર હાથ ઉપાડ્યો નથી હોતો અને અચાનક જ તે લાફો ઝીંકી દે અથવા પત્ની પણ પતિને ગમે તેમ બોલવા લાગે, બાળકોને મારઝૂડ કરે, પરિવારમાં કલેશ કરે. આ બધું માનસિક તણાવના કારણે બને છે. મારી દ્રષ્ટિએ ઘરેલુ હિંસાના બનાવો વધવાની પાછળ સૌથી મહત્ત્વનું કારણ માનસિક તણાવ છે, જે ગમે તેવા સંજોગોમાં થઈ શકે છે.’

ગુજરાતમાં ઘરેલુ હિંસાના કેસો લૉકડાઉનમાં વધ્યા છે જે ચિંતાજનક છે. આજે પણ ઘણાબધા ઘરેલુ હિંસાના કેસો બહાર નથી આવતા એનું એક જ કારણ છે કે મહિલા પોતાના પર થયેલા અત્યાચારને નજરઅંદાજ કરે છે. જ્યારે શેરી-મહોલ્લા, પોળ કે સોસાયટીમાં બનતી ઘરેલુ હિંસામાં ઘરના વડીલો કે પાડોશી સમાધાન કરાવતાં હોય છે જેના લીધે ઘરેલુ હિંસાના ઘણાબધા કેસેા નોંધાતા નથી. લૉકડાઉન હોવા છતાં પણ ઘણીબધી મહિલાઓએ પોતાના પર થયેલા અત્યાચાર પર ફેમિલી કોર્ટ માટે વકીલોને કેસો સોંપ્યા છે.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »