તમારા માટે, તમારી સાથે, સતત…

માસિક લૉકડાઉન – ડરથી નહીં, દિલથી હાથ ધરવા જેવો પ્રયોગ

લૉકડાઉનને કારણે ઓઝોન વાયુને નુકસાનકર્તા કેમિકલના ઉત્સર્જનમાં ઘટાડો થયો

0 116
  • પ્રયોગ – નરેશ મકવાણા

ધાર્યા કરતાં વધારે લંબાયેલું લૉકડાઉન ભલે આપણને સમસ્યારૃપ લાગતું હોય, પણ તેના અણધાર્યા ફાયદાઓ ઓછા નથી. તમામ માનવીય ગતિવિધિઓ સ્થગિત થઈ જતાં પ્રકૃતિને તો ફાયદો થયો જ, સાથે માણસને પણ પોતે સામાજિક પ્રાણી હોવાની પ્રતીતિ થઈ છે. આ દરમિયાન હવે બૌદ્ધિક વર્ગમાં એવી ચર્ચા શરૃ થઈ છે કે દર વર્ષે ઓછામાં ઓછાં બે અઠવાડિયાંનો અથવા દર મહિને ત્રણ દિવસના લૉકડાઉનનો પ્રયોગ કરવા જેવો છે. આ વાત વાસ્તવિક સ્વરૃપ મેળવી શકે કે કેમ તેની અહીં ચર્ચા કરીએ.

આ લખતી વખતે કમ્પ્યુટર સ્ક્રીનના ડાબા ખૂણે આવેલા તારીખ અને સમયના ખાના પર મારી નજર ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે લૉકડાઉનને ૩૩ દિવસ થઈ ચૂક્યા છે. વીતેલા આ દિવસો તરફ પાછું વળીને જોઉં છું તો ખ્યાલ આવે છે કે આ સમયગાળામાં ઘણુબધું બદલાઈ ચૂક્યું છે. લૉકડાઉન પહેલાં બાઈક ચલાવીને ઘેર પહોંચતો તો સતત પ્રદૂષિત હવાની થપાટ ચહેરા પર વાગવાને કારણે આંખો બળવા લાગતી. ચહેરો કાળો પડી જતો, મોં પર બાંધેલો રૃમાલ ધૂળથી ભરાઈ રહેતો. ટ્રાફિકનો પાર નહીં, દરેક સિગ્નલ પર ફરજિયાત ઊભા રહેવું પડતું. દરરોજ સવાર-સાંજ આખું શહેર ઘોંઘાટ, અરાજકતા, ટેન્શન, હરીફાઈ બધું એકસાથે પાછળ પડ્યું હોય અને તેનાથી બચવા માંગતું હોય તેમ દોડ્યા કરતું. કોઈ બસમાં, કોઈ બાઈક પર, તો કોઈ કારમાં. બધાંને દોડવા માટેનાં પોતીકાં કારણો હતાં અને તેની તંદ્રામાં સૌ સતત વહેતા ટ્રાફિક સાથે જાતને ધકેલતાં રહેતાં.

બીબાઢાળ એ દિવસોમાં સરેરાશ શહેરીજન રવિવાર સિવાયના દરેક દિવસે સવારે સાડા છએ જાગતો. બેડ પરથી ઊતરી ચડ્ડો પહેરેલી હાલતમાં જ, મોં ધોયા વિના દૂધ લેવા જતો અને પછી સીધો ટોઇલેટમાં ઘૂસી જતો. ત્યાંથી નીકળીને બાથરૃમમાં ભરાતો, બ્રશ કરતો, નહાતો અને ઑફિસનાં કપડાં પહેરી નાસ્તો કરવા બેસતો. એ પતે ત્યાં સુધીમાં ટિફિન પૅક થઈ ગયું હોય એટલે ઑફિસ બેગમાં તેને ગોઠવી બાઈક લઈને કામધંધે જવા નીકળી પડતો. ત્યાં આઠ-દસ કલાક કામ કરે. બપોરે લંચ લે, એક બે વાર ચા પીએ અને સાંજ પડતાં ફરી પાછા બધાં એ જ બીબાઢાળ ઘરેડમાં ઘર તરફ દોટ મૂકે. દોઢેક કલાકે ઘેર પહોંચે, ડિનર કરે, ટીવી જુએ, મોબાઇલ મચડે અને સૂઈ જાય. નવી સવારે ફરી પાછી એ જ રૃટીન જિંદગી ચાલુ.

પણ કોરોના વાઇરસને કારણે આવી પડેલા લૉકડાઉને શહેરીજનોના આ દૈનિક ચક્રનાં મૂળમાં ઘા કર્યો છે. ઑફિસનાં કામો પડતાં મૂકીને સૌ કોઈ ઘરમાં જ રહેવા મજબૂર બન્યાં. જોકે તેનો ફાયદો એ થયો કે માનવીય પ્રવૃત્તિઓ સ્થગિત થઈ જતા પ્રકૃતિ તેના મૂળ સ્વરૃપમાં પરત ફરવા માંડી. શહેરોની હવા સ્વચ્છ બનવા માંડી, પ્રદૂષણ ઘટ્યું. સૂમસામ રસ્તાઓ પર કૂતરાંઓ અડિંગો જમાવવા માંડ્યા. કબૂતરો, કાગડા, કાબરો, પોપટ વગેરે કોઈની પણ બીક વિના જમીન પર બેસતા થયા. સાબરમતીના પ્રદૂષિત પાણીએ વિદાય લીધી અને તેનો અસલ રંગ પરત મેળવ્યો. કાયમ ટ્રાફિકજામથી પીડિત એસજી હાઈવે સૂમસામ બન્યો. સીજી રોડ અને આશ્રમ રોડની પણ એ જ કહાની છે. આ બધા ફાયદા ધીરે-ધીરે લોકોની નજરે ચડવા માંડ્યા ત્યારે તેમને પ્રકૃતિ અને સ્વયં માટે લૉકડાઉનની મહત્તા સમજાઈ. એટલે જ સમાજના એક ચોક્કસ વર્ગમાં હવે એવી ચર્ચા ચાલી છે કે સરકાર દ્વારા વરસમાં એકવાર ઓછામાં ઓછા બે અઠવાડિયાનું ફરજિયાત લૉકડાઉન જાહેર કરીને માણસ તથા પ્રકૃતિને રિચાર્જ થવાનો મોકો આપવો જોઈએ. આપણે અહીં આ મામલો કેટલો વ્યવહારુ કે તરંગી છે તેની છણાવટ કરવી છે, પણ તે પહેલાં વિશ્વવ્યાપી લૉકડાઉનને કારણે ભારતની જેમ દુનિયામાં થયેલા કેટલાક ધ્યાન ખેંચે તેવા પ્રાકૃતિક ફેરફારો પર નજર કરી લઈએ.

વૈશ્વિક લૉકડાઉન પર્યાવરણ માટે આશીર્વાદ સમાન અમેરિકી વૈજ્ઞાનિકોના મતે લૉકડાઉન દરમિયાન આપણે ત્યાં પૃથ્વીનાં કંપનમાં ૩૦થી લઈને ૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. વાહનવ્યવહાર, મશીનો, ઘોંઘાટ અને અન્ય માનવીય પ્રવૃત્તિઓને કારણે પૃથ્વીનું કંપન વધ્યું હતું, પણ બેલ્જિયમ સ્થિત રૉયલ લૅબોરેટરીના જણાવ્યા મુજબ લૉકડાઉનની નીરવ શાંતિને કારણે આજે સિસ્મોલોજિસ્ટો પૃથ્વીનાં કંપનને ભૂકંપમાપક યંત્રના ઉપયોગ વિના બહારથી પણ સારી રીતે સાંભળી શકે છે. વિખ્યાત મૅગેઝિન ‘નેચર’ના મતે લૉકડાઉનને કારણે ઓઝોન વાયુને નુકસાનકર્તા કેમિકલના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. ખાસ કરીને ઍન્ટાર્કટિકા ખંડ પર તેની સારી એવી અસર થઈ છે. ઉદ્યોગો બંધ થતાં પ્રદૂષણ ઘટી રહ્યું છે. વાહનવ્યવહાર અને લોકોની અવરજવર પણ બંધ હોઈ હવા એકદમ સ્વચ્છ થઈ ગઈ છે. ભારતમાં તો પંજાબના જલંધરથી ૨૦૦ કિ.મી. દૂર આવેલા હિમાલયના પહાડો પણ દેખાવા માંડ્યા છે. અહીં એ વાત યાદ રાખવી રહી કે પ્રદૂષણને કારણે ભારતમાં વર્ષે ૧૨ લાખ લોકો મોતને ભેટે છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગાલુરુની હવામાં પ્રદૂષણનું સ્તર ઓછું થયું છે. ખાસ તો નાઈટ્રોજન ઓક્સાઈડનું સ્તર દિલ્હીમાં ૪૨, મુંબઈમાં ૬૮, કોલકાતામાં ૪૯ અને બેંગ્લુરુમાં ૩૭ ટકા સુધી ઘટ્યું છે. આ ફેરફાર વાહનો રસ્તા પર ન હોવા અને ફેક્ટરીઓ બંધ હોવાને કારણે થયો છે. આ તરફ માણસોની અવરજવર ઘટવાથી અને ઉદ્યોગોને તાળાં લાગી જતાં દેશની તમામ મોટી નદીઓનું પાણી ચોખ્ખું થઈ ગયું છે. ગંગા અને જમુના નદીનાં પાણીમાં ૫૦ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે. સાથે જ તેના પાણીમાં ઑક્સિજનનું પ્રમાણ પણ અગાઉનાં ૬-૭ મિલીગ્રામ પ્રતિ લિટરથી વધીને ૯-૧૦ ટકા સુધી પહોંચી ગયું છે. ટૂંકમાં, જે કામ એનજીઓ, સરકાર કે સેલિબ્રિટીઓની વિનંતીઓ ન કરી શકી તે લૉકડાઉને એક મહિનામાં કરી દીધું છે અને એટલે જ હવે બૌદ્ધિકો વાર્ષિક લૉકડાઉનની તરફેણ કરી રહ્યાં છે.

Related Posts
1 of 319

પર્યાવરણ હિતેચ્છુ ખેડૂત આગેવાન સાગર રબારી આ વિચારની તરફેણ કરતા કહે છે, ‘વાર્ષિક લૉકડાઉનનો વિચાર મને જલંધરથી હિમાલયની પર્વતમાળા દેખાયાનો ફોટો છાપાઓમાં જોયો ત્યારે આવેલો. લૉકડાઉનને કારણે જે રીતે પ્રકૃતિને ફાયદો થયો છે તે જોતાં અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત બંધ પાળવો જોઈએ અથવા તો મહિનાના અંતમાં છેલ્લા ત્રણ દિવસ સળંગ લૉકડાઉન જેવી રજા પાળવી જોઈએ. તમામ પ્રકારનાં વાહનો, થિયેટર, મૉલ, રેસ્ટોરન્ટ બધું બંધ. ખેડૂત આગેવાન તરીકે અનુભવે હું કહી શકું કે ખેડૂતોને અગાઉથી કોઈ બાબતની જાણકારી આપવામાં આવે તો તેઓ આયોજન કરવામાં માહેર છે. એટલે આ દિવસોમાં તેઓ શાકભાજી, દૂધ વગેરેનું મૅનેજમૅન્ટ કરી લેશે. મહિનાને અંતે છેલ્લા ત્રણ દિવસના લૉકડાઉનથી અર્થતંત્રને ખાસ કંઈ અસર ન થાય. સાથે વ્યક્તિને પોતાના પરિવાર સાથે રહેવાનો મોકો પણ મળશે. વરસમાં સળંગ બે અઠવાડિયાના લૉકડાઉનની તરફેણ હું એટલાં માટે નથી કરતો કારણ તે બહુ લાંબો ગાળો ગણાય અને સરકારી તંત્રે તેમાં ઘણુ બધું મેનેજ કરવું પડે. હાલ તો આપણે ત્યાં ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ પર કામ કરતા કર્મશીલોને મહિને ત્રણ દિવસના લૉકડાઉનનો વિચાર ગમ્યો છે. એટલે આગામી દિવસોમાં તે કઈ દિશામાં વળે છે તેના પર બધો આધાર છે.’

વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો શું કહે છે…

વર્ષ દરમિયાન ચોક્કસ સમયગાળામાં આયોજન કરીને લૉકડાઉન કરવાના વિચારે બૌદ્ધિકોમાં ચર્ચા છેડી છે. ખાસ કરીને આ પ્રકારનું લૉકડાઉન જેમને અસરકર્તા હશે તે ક્ષેત્રના આગેવાનો પાસે તેનો વિરોધ કે સમર્થન કરવા માટેના પોતીકા કારણો છે.

નદીઓમાં વધી રહેલા બેફામ પ્રદૂષણ પર રોક લગાવતા કાયદાઓ ઘડવામાં જેમની લડતનો અગત્યનો ફાળો રહેલો છે તેવા પર્યાવરણ એક્ટિવિસ્ટ રોહિતભાઈ પ્રજાપતિ આ વિચારની તરફેણ કરતા કહે છે, ‘લૉકડાઉનના આ સમયગાળામાં આપણને ખ્યાલ આવી ગયો છે કે શેના કારણે હવા-પાણી પ્રદૂષિત થાય છે અને શેના કારણે સુધરે છે. સંયુક્ત રાષ્ટ્રોએ કહ્યું હતું કે, જો પાયાનો ફેરફાર નહીં કરીએ તો એક દાયકા બાદ પૃથ્વીની સ્થિતિ અત્યંત ખરાબ હશે. યુએનના આ નિવેદન પછી થોડા જ દિવસોમાં દુનિયાભરમાં લૉકડાઉનની પરિસ્થિતિ આવીને ઊભી રહી. હવે જ્યારે આસપાસમાં આટલા મોટાપાયે ફેરફારો જોવા મળ્યા છે ત્યારે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે શેની અવગણના કરવી અને શેનો સ્વીકાર. આપણને હવે સમજાયું છે કે પેટ્રોલ, ડીઝલનો કેટલો મોટાપાયે ખોટો ઉપયોગ કરતા હતા. એ પણ સમજાયું કે ઉદ્યોગોમાં કેમિકલયુક્ત પાણીની યોગ્ય ટ્રિટમેન્ટ થતી નથી અને તેને કારણે નદીઓની હાલત ખરાબ થઈ જાય છે. હવે ફરી જ્યારે ઉદ્યોગો શરૃ થશે એટલે સ્થિતિ ત્યાંની ત્યાં  જ આવીને ઊભી રહી જશે. એટલે આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ ચોક્કસ કરી શકીએ કે મહિનામાં સળંગ ત્રણ દિવસ કોઈ એક શહેર સંપૂર્ણપણે બંધ રહે. ત્યાં ઉદ્યોગોથી લઈને બધું જ બંધ રાખવામાં આવે. આ પ્રયોગ જો બરાબર રીતે લાગુ કરવામાં આવે તો ૩૦ ટકા પરિવર્તન તો ઓન ધ સ્પૉટ લાવી શકાય. ધ્યાન ફક્ત એટલું રાખવાનું છે કે આ પ્રયોગ આપણે ડરથી નહીં, પણ દિલથી કરવાનો છે.’

અમદાવાદની સહજાનંદ કોમર્સ કૉલેજના અંગ્રેજી વિભાગનાં અધ્યક્ષ ડૉ. રૃપાલી બર્ક, જેઓ પર્યાવરણ અને ક્લાયમૅટ ચૅન્જ વિશે આધારભૂત માહિતી સાથેના અનેક લેખો લખી ચૂક્યાં છે, તેઓ જોકે આ વિચાર સાથે સહમત નથી. તેમના મતે આ આખી કવાયત આભ ફાટ્યું હોય ત્યાં થીંગડું મારવા જેવી લાગે છે. પોતાના આ વિચારને વધારે સ્પષ્ટ રીતે સમજાવતાં તેઓ કહે છે, ‘છેલ્લા એક દાયકામાં આપણે જે રીતે એકદમ છાકટા થઈને, પર્યાવરણની પરવા કર્યાં વિના જીવવા માંડ્યાં છીએ તે જોતાં આ પ્રયોગથી બહુ ફરક પડે તેમ લાગતું નથી. આખું વરસ મનફાવે તેમ પ્રકૃતિનો ખુરદો બોલાવી દઈએ અને પછી બે અઠવાડિયા કે મહિને ત્રણ દિવસ આશ્વાસન ખાતર બધું બંધ રાખીએ તે કોઈ રીતે વાજબી નથી. આ તો સ્વયંને છેતરવાની વાત થઈ. હકીકતે આખી સમસ્યાનાં મૂળમાં મૂડીવાદી વાતાવરણ રહેલું છે. ઉપભોક્તાવાદની અસર તળે દેખાદેખીમાં લોકો બિનજરૃરી વસ્તુઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ હોડ આપણે બંધ કરવી પડશે. હું આ પ્રયોગ સાથે એટલા માટે સહમત નથી થઈ શકતી કેમ કે જે-તે વિસ્તારને બંધ રાખવા માટે છેવટે તો તંત્રે તેમાં સંકળાવું પડશે. હાલ લૉકડાઉનમાં પણ જે રીતે અનેક લોકો જાતભાતનાં બહાનાં કાઢીને બહાર નીકળી રહ્યાં છે તે જોતા આગામી દિવસોમાં જો દર મહિને ત્રણ દિવસના લૉકડાઉનનો પ્રયોગ હાથ ધરાય તો પણ લોકો શિસ્ત નહીં જાળવે. આવા કાર્ય માટે સ્વયંશિસ્ત અને શિક્ષણ બહુ અગત્યનું હોય છે અને કમનસીબે આપણે ત્યાં તેનો ભારોભાર અભાવ જોવા મળે છે. એટલે આ પ્રયોગ હાથ ધરાય તો પણ સરકારી તંત્ર લાંબા સમય સુધી તેને ચલાવી શકે તેમ મને લાગતું નથી. હાલના વૈશ્વિક ઉપભોક્તાવાદના માહોલ વચ્ચે કોઈ પણ દેશ પોતાને તેનાથી અળગો રાખી શકે તેમ નથી. એટલે પેલી ગુજરાતી કહેવત ‘નહોતો મામો કરતાં કાણો મામો શું ખોટો’ની જેમ પર્યાવરણ માટે કશું જ ન થાય એના કરતાં જે થોડુંઘણુ થાય તેને સ્વીકારી લેવું રહ્યું.’

ગુજરાત ટ્રેડર્સ ફૅડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્ના વર્ષમાં એકવાર લૉકડાઉન કરવાને બદલે ક્રમવાર જે-તે શહેર કે સેક્ટરના ઉદ્યોગોને બંધ રાખીને કુદરતને રિચાર્જ થવાનો સમય આપવાની તરફેણમાં છે. પોતાની વાત રજૂ કરતા તેઓ કહે છે, ‘એ સાચું કે લૉકડાઉનને કારણે પર્યાવરણને ઘણો ફાયદો થયો છે, પણ આજની ભાગદોડભરી જીવનશૈલીમાં દર મહિને ત્રણ દિવસ કે વર્ષે બે અઠવાડિયા સુધી લૉકડાઉન રાખવું વ્યવહારિક દ્રષ્ટિએ પોસાય નહીં. આજે લૉકડાઉનને કારણે દેશનું અર્થતંત્ર પાયમાલ થઈ ચૂક્યું છે. તેને ફરી ધમધમતું કરવું સરકાર અને લોકો બંનેની પ્રાથમિકતા છે. તેના માટે સ્વાભાવિક છે કે કારખાના, ઉદ્યોગો, ફેક્ટરીઓમાં પ્રોડક્શન ચાલતું રહે. બેશક, તેના લીધે પર્યાવરણને અસર થશે, પણ એ સિવાય કોઈ રસ્તો નથી. એવું થઈ શકે કે ઉદ્યોગધંધા પાંચ દિવસ સુધી ચોવીસે કલાક ચાલતા રહે અને અઠવાડિયાના છેલ્લા બે દિવસ બંધ રહે. એ જ રીતે વાહનોમાં પણ ઓડ-ઇવન સિસ્ટમ ગોઠવી શકાય. વરસમાં સળંગ ૧૫ દિવસ લૉકડાઉન રાખવાની તરફેણ હું એટલા માટે નથી કરતો કેમ કે તેનો અમલ કરવા જતા બીજી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે. માટે સારું એ રહે કે મહિનાના અંતમાં (અથવા તો દર અઠવાડિયે એક દિવસ)કોઈ એક શહેરના, નક્કી કરેલા સેક્ટરના ઉત્પાદનને વિરામ આપવામાં આવે. આ રીતે ચાલતું રહે તો લાંબાગાળે તેનો ફાયદો ચોક્કસ થાય.’

છેલ્લે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાની ગ્રામીણ ગુજરાતની કોઠાસૂઝ સાથેની વાત સાથે આ ચર્ચાને વિરામ આપીએ. કેમ કે અંતે તો તેમણે જે વાત કરી છે તે અપેક્ષા જ માણસજાત અને પ્રકૃતિ બંનેને બચાવી શકે તેમ છે. જવાહરભાઈ કહે છે, ‘પ્રકૃતિને બચાવવાનો આ વિચાર કાગળ પર ઉત્તમ છે, પણ ભારત જેવા લોકશાહી દેશમાં તેનો અમલ કરાવવો અત્યંત કપરું કામ છે. આપણે ત્યાં સ્વયંશિસ્ત અને લોકજાગૃતિનો આમ પણ ઘણો અભાવ જોવા મળે છે. કોરોના વાઇરસને કારણે ફરજિયાત થઈ પડેલા લૉકડાઉનને પણ જ્યાં લોકો ગણકારતા ન હોય, ત્યાં દર મહિને કે વર્ષે આખો દેશ બંધ રાખવાનું કામ કેટલું કપરું ગણાય? પોલીસ તંત્ર અને સરકારે કેટલું બધું આયોજન કરવું પડે? એટલે આ વિચારો આદર્શની રીતે સરસ લાગે, પણ તેના અમલમાં અનેક અડચણો આવીને ઊભી રહે. એમાં કોઈ શંકા નથી કે માનવીય પ્રવૃત્તિઓ બંધ થવાથી પર્યાવરણ સુધરે છે, પણ તેને ફરજિયાત બંધ કરી દઈને પ્રકૃતિને બચાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું હાલના સંજોગોમાં શક્ય જણાતું નથી. એ સ્થિતિમાં જરૃરી છે કે લોકો સ્વેચ્છાએ જ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તેવું જીવન અપનાવે. ગાંધીજી અને આપણા પૂર્વજોએ સાદું, ખેડૂતનું જીવન શ્રેષ્ઠ ગણાવ્યું છે, જેમાં પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય અને છતાં વ્યક્તિ તંદુરસ્ત અને તાણમુક્ત જીવન જીવી શકે છે. એ રીતે આપણે પણ જો બિનજરૃરી ચીજવસ્તુઓનો વપરાશ ઘટાડતા જઈને સાદાઈ અપનાવતા થઈશું તો પ્રકૃતિને બચાવવા માટે કોઈને પણ આજીજી નહીં કરવી પડે.’
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »